શુક્રવાર, 29 જૂન, 2012

“અણથંભવા”ની પ્રક્રિયા ચાલુ છે - રાજેશ સેટ્ટી

ના, આ જોડણીની ભૂલ નથી.તમે સાચું જ માની લીધું છે કે 'અણથંભવું' એ એક ઉપજાવેલ શબ્દ છે.'થંભી ગયેલ (સ્થગિત)' સ્થિતિથી તે વિરુધ્ધ સ્થિતિ છે.
ધારો કે તમે એવાં એક ગામમાં રહો છો જ્યાં કોઇએ કાર વિષે કંઇ જ સાંભળ્યું નથી. ત્યાં લોકો પાસે સાઇકલ તો છે, પણ કાર અંગે બિલકુલ જ કંઇ ખબર નથી. તમે કારની કલ્પના કરો છો અને કાર બનાવવાનું ચાલુ કરો છો.પરંતુ, આ કામ પહેલાં તો કોઇવાર થયું નથી તેથી 'કાર કેમ બનાવવી' તેવું કોઇ પુસ્તક પણ તમારી પાસે ક્યાંથી હોય! આથી તમે આગે આગે ગોરખ જાગેની નીતિ અપનાવી આગળ વધવાનું શરૂ કરો છો.
તે દરમ્યાન તમારી આસપાસના લોકો તમારી પ્રગતિ [કે તેનો અભાવ] જોતાં રહે છે.તેમાંના ગણા તમારા હિતેચ્છુઓ છે અને તમે નિષ્ફળ જાઓ તે તેઓને પસંદ ન પડે અને તેઓ તેનાથી હતાશ પણ જરૂર થાય.તેઓ તમને સમજાવે પણ ખરા કે આ ખરેખર આપણાં ગજાં બહારની વાત છે. તમે મર્માળું સ્મિત કરી ને તમારાં કામમાં ગુંથાઇ જાઓ છો.
વર્ષો વીતતાં જાય છે અને તમારા હિતેચ્છુઓમાંના ગણા ધીરજ ખોઇ ચૂક્યા છે. તેમાંના કેટલાક તો હવે એમ પણ માનવા લાગ્યા છે કે તમે પાગલ થઇ ગયા છો.
આપણે તમારા ટીકાકારો કે સદા નિરાશાવાદીઓનીતો આમાં ગણના કરી જ નથી.તેઓને તો તમારા આ વિચારમાં નહોતો વિશ્વાસ કે નહોતો એવો ભરોસો કે તમે આ કામ પાર પાડી શકશો, તો કેટલાક બન્ને શક્યતાઓમાં માનનારા પણ હતા.
એમાંથી એક દિવસ તમે અચાનક જ મહદ સફળતા મેળવો છો, અને, હવે પછી જૂઓ મજા... તમારી આસપાસ ઓચિંતું જ એક એવું જૂથ જોવા દેખાવા લાગે છે જેઓ કહેતા ફરે છે કે તેમને તો તમારી શક્તિમાં હંમેશાં પૂરો ભરોસો હતો જ.બસ વાત માત્ર થોડો સમય રાહ જોવાની હતી.
એવું તો શું બદલી ગયું?
પ્રકલ્પની કક્ષા "ક્યારે કામ કરતી થઇ જશે"ને બદલે "કાર્યાન્વિત" થઇ ગઇ.તમારી આસપાસના મોટાભાગના લોકો એ રીતે જ વર્તી રહ્યા હ્તા જેમ તેમની પાસેથી અપેક્ષિત હોઇ શકે.
પ્રકલ્પના સમગ્ર સમયકાળ દરમ્યાન (જે દિવસે તમારી કલ્પનાની કાર કામ કરતી થઇ ગઇ ત્યાંસુધી) તમે, આ પાર કે પેલે પાર, "થંભી" ગયેલા હતા.
અણથંભવાનું ચાલુ હતું
દરેક ચપળ અને મહત્વાકાંક્ષી વ્યક્તિએ આ "થંભી" જવાની અને "અણથંભી" જવાની પ્રક્રિયાની ઘટમાળમાંથી પસાર થવું જ પડતું હોય છે. આ કદીય પૂરો ન થતો ઘટનાક્રમ છે કારણકે જેવી ચપળ અને મહત્વાકાંક્ષી વ્યક્તિ એક સીમાચિહ્ન પાર કરે છે, તેવું જ એક નવું અને વધારે મહત્વનું સીમાચિહ્ન ક્ષિતિજ પર દેખાવાનું શરૂ થઇ જતું હોય છે - અને આમ શરૂ થઇ જતી હોય છે એક નવી "અણથંભવાની પ્રક્રિયા. 
"અણથંભવાની પ્રક્રિયાની લાક્ષણિકતાઓ:
પહેલાં કેટલીક  [કાલ્પનિક] નબળી લાક્ષણિકતાઓઃ
૧. "અણથંભવા"ની પ્રક્રિયા મુશ્કેલ છેઃ
આપણે જે પહેલાં કદી કર્યું ન હોય તે કરવું મુશ્કેલ તો પડવાનું જ.કારણકે આપણે તે પહેલાં કરેલ નથી, એટલે અનુભવનું ભાથું તો ન જ હોય.એટલે ફાંફાં મારવા, ગરબડ ગોટાળા પણ થવાના અને ખોટી શરૂઆતો પણ થવાની. તમારે આવી બધી અસફળતાઓ માટે માનસિક તૈયારી રાખવી જ રહી.ફરી ફરીને, ફરી ફરીને.
૨. "અણથંભવા"માં એકલતા છેઃ
તમારી આસપાસના લોકોને, વહેલા યા મોડા, પ્રગતિના 'આસાર' જોવાની ઇચ્છા જાગે જ છે,અને જો તેમ ન થાય તો તેમને તેમાં રસ નથી રહેતો. કેટલાક ને પ્રકલ્પમાં જ ભરોસો નથી રહેતો, કેટલાકને કંઇ પરવા જ નથી રહેતી ,કેટલાક ને તમારી તમા નથી રહેતી, તો કેટલાક તમારી નિષ્ફળતા ઇચ્છે છે. તો વળી કેટલાક તમે સફળ થાઓ તેમ ઇચ્છે તો છે, પરંતુ જો પ્રક્લ્પ સફળ ન થાય તો છેડો ફાડવા તૈયાર હોય છે અને બાકીના પૈકી કેટલાક અન્યતઃ વ્યસ્ત હોય છે કે બીજા કેટલાક મદદ કરવા તો માંગે છે પણ તેમની પાસે સમય કે નાણાં કે શક્તિ નથી હોતાં. એકંદરે, જેમ જેમ ધ્યેય મુશ્કેલ થતાં જાય છે તેમ તેમ આપણી સફર એકલવાઇ થતી જાય છે. આપણે આ માટે પણ સજ્જ થવું રહ્યું. 
૩. "અણથંભવા"ની પ્રક્રિયા અનિશ્ચિત હોય છેઃ
જો રસ્તો સાફ હોય,તો રસ્તા પર ભરચક્ક ટ્રાફિક રહેવાનો. રસ્તો જો અનિશ્ચિત હોય તો મંઝિલે પહોંચવાની કોઇ ખાત્રી ન હોય. વણખેડાયેલા માર્ગ પર સફર કરવાના આ તો સામાન્ય નિયમ છે.  
અને હવે, સબળ પાસાંઓઃ
૧. "અણથંભવા"ની પ્રક્રિયામાં મજા છેઃ
મજા તો દિમાગમાં જ રહેલ છે કારણકે તમારાં કામનાં વર્ગીકરણ તો તમારાં જ કરેલાં છે. "અણથંભવા"ની પ્રક્રિયાની ખરી મજા તો એ છે કે તમે પહેલાં કદી પણ કર્યાં ન હોય તેવાં કામ કરવાનાં રહે છે,જેની સફળતા વિશે તમારી પાસે કોઇ પૂર્વધારણા જ નથી.
૨. અણથંભવાની પ્રક્રિયાનાં ઇનામ અકરામ મળતાં હોય છેઃ
મંઝિલે પહોંચવું તે ખુદ જ એક ઇનામ છે. પરંતુ મંઝિલસુધીની સફર એ પણ ખુદ એક ઇનામ છે કારણ કે તે દરમ્યાન તમે તાણીતુસીને વિકસ્યા છો.
૩. "અણથંભવા"નો વિકલ્પ છે પીડાઃ
"અણથંભવા"નો વિકલ્પ શું હોઇ શકે?  "થંભેલા" જ રહેવું?  તેમાં તો કોઇ મજા જ નથી.તેમાં તો, હકીકતે, ત્યાં ને ત્યાં જ પીડા અને દુઃખ છે. ક્યાં તો તમે પીડા અને દુઃખ સહન કર્યે રાખો, કે પછી "અણથંભવા"ની રાહ પકડો.
તમારી પાસે પસંદગીમાટેનો નિશ્ચિત વિકલ્પ તો ચોખ્ખો નજરે દેખાય છે જ.

v  મૂળ લેખ Unstallation in progress…, લેખક રાજેશ સેટ્ટી ની વૅબસાઇટ પર જૂન ૧૦, ૨૦૧૨ના રોજ,                   આગવી પ્રતિભા/ Distinguish yourself ટૅગ હેઠળ, પ્રસિધ્ધ થયેલ.

Ø  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત// જૂન ૨૯,૨૦૧૨.