બુધવાર, 28 નવેમ્બર, 2012

આપણે કોના સારૂ નૃત્ય કરીએ છીએ? - દેવદત્ત પટ્ટનાઇક

ટેલીવિઝન પર નૃત્યના કાર્યક્રમોની ભરમાર જોતાં , આપણી સંસ્કૃતિમાં નૃત્ય કેટલું મહત્વ ધરાવે છે એ મને સમજાય છે.આપણા ઈશ્વર સાથેનું સંધાણ પણ આપણે નૃત્યવડે કરેલ છે.આપણા તો દેવો પણ નૃત્ય કરે! મારાં શાસ્ત્રીય નર્તકી મિત્ર,મંદાકિની ત્રિવેદી, એક વાર કહ્યું હતું કે નૃત્ય જ એક એવી કળા છે જે દરેક સમયે સ્થળ અને કાળ, બન્નેમાં સાથે રહે છે.સંગીત સમય માગી લે, પણ તેને કોઇ સ્થળની જરૂર નથી.ઘાટીલી કળાઓ સમય નથી રોકતી, પણ તેમને અવકાશ જોઇએ છે.કદાચ, તેથી જ નૃત્યનું ખાસ મહત્વ છે: તે સરળતાથી ગ્રાહ્ય નથી. દરેક પળ એક અલગ  મુદ્રા,એક ભાવ સર્જે છે, તો સાથે સાથે અન્યોન્યનો નાશ પણ કરે છે. 
પુરાણોમાં અલગ અલગ પ્રકારનાં નૃત્યોનું વર્ણન છે.
ઇન્દ્રની સભામાં અપ્સરાઓનું નૃત્ય, જેમાં દેવલોકની સુંદરીઓ ગાંધર્વનાં સંગીત પર, દેવોના આનંદ માટે, નૃત્ય કરે છે.તેમાં એકબીજાં સાથે સ્પર્ધાપણ થતી રહે છે. ઘણી વાર ઇન્દ્ર આ નૃત્ય સ્પર્ધાઓમાં રાજાઓને નિર્ણાયકની ભૂમિકા અદા કરવા માટે આમંત્રતા હોય છે. એવી પણ નૃત્યાંગનાઓ હોય છે, જે રાજાઓ અને અને તેમના મહેમાનોનું મનોરંજન કરતી હોય છે.
આ બધાં નૃત્યો શિવનાં નૃત્યથી અલગ જ છે. પ્રચલિત વાયકા પ્રમાણે શિવે, તેમનાં પત્ની, સતી,નાં મૃત્ય સમયે નૃત્ય કર્યું હતું. આમ એ નૃત્ય એ કરૂણ ભાવનું નિરૂપણ હતું. આ નૃત્યનો ધર્મગ્રંથોમાં બહુ ઉલ્લેખ નથી જોવા મળતો, પણ તે પરંપરાગત દંતકથાઓમાં બહુ જ પ્રચલિત જોવા મળે છે. એક સંન્યાસી હોવાને કારણે, શિવ પ્રશાંત એકાંતમાં, એકલા, નૃત્ય કરે છે. તે સમયે તેમની આંખો બીડાયેલી હોય છે અને તેમને આસપાસનું કોઇ જૂએ છે કે નહીં તેની તમા નથી હોતી. તેમનું નૃત્ય તેમની અંતરની શાંતિ, આનંદ કે કરૂણાની અભિવ્યક્તિ હોય છે.  તેમને જોનારાં મંત્રમુગ્ધ રહી જતાં હોય છે.આ નૃત્ય મજા કરવા કે મનોરંજન કરવા માટે નથી,  તે તો આંતરીક અવસ્થાની અભિવ્યક્તિ હોય છે. કોઇવાર, દારુક વનમાંનું તેમનું નૃત્ય વેદનાં રહસ્યના પ્રતીકાત્મક સંવાદ સ્વરૂપે પણ હોય છે, જે નટરાજનાં અદ્ભૂત સ્વરૂપમાં પરિણમતું જોવા મળે છે.આ નૃત્યમાં દરેક હાવભંગીનો એક ખાસ અર્થ હોય છે.આ નૃત્યની પરિકલ્પના જ્ઞાનના પ્રસાર માટે હોય છે.
શિવ જો નટરાજ છે , તો કૃષ્ણ નટવર છે. તે પણ નૃત્ય કરે છે, પરંતુ તેમની આંખો ખુલ્લી હોય છે, તેઓ આસપાસનાંનું મનોરંજન કરે છે અને તેમનાં એ નૃત્યમાંથી, લોકો દ્વારાઅનુભવાતાં મનોરંજન અને ખુશીમાંથી તેઓ પોતે પણ  મનોરંજિત થાય છે. તેઓ કાલિયની ફેણ પર વિજયોત્સવ સ્વરૂપે નૃત્ય કરે છે,  તો  તે સાથે,મોટાભાગે,પોતાની વાંસળીના સૂર પર, મધુવનમાં શીતળ ચાંદનીના પ્રકાશમાં,ગોવાલણો સાથે એકાંતમાં પણ નૃત્ય કરે છે. તેમનું એ નૃત્ય એ તેમના રાધા માટેના પ્રેમની અભિવ્યક્તિ છે. તેઓ રાધા માટે, રાધા સાથે અને રાધાને કારણે નૃત્ય કરે છે, તો રાધા તેમની ખુશીમાટે નૃત્ય કરે છે. આમ પારસ્પારિક સાયુજ્ય તેની ચરમ સીમાએ પહોંચે છે.
કૃષ્ણ, કે વિષ્ણુ, એક ગૃહસ્થ હોવાની રૂએ,લોકોને એકસૂત્રે બાંધી રાખવા, કે પછી છેવટે, શત્રુઓનો નાશ કરવા જેવા કોઇ ખાસ હેતુ સિવાય નૃત્ય નથી કરતા. મોહિની તરીકે તેઓએ ભસ્માસુરના વધ માટે નૃત્ય કર્યું. પોતે જેને પણ અડે તેને ભસ્મ કરી નાખવાની શક્તિ ધરાવતા, ભસ્માસુરે જો મોહિનીસાથે લગ્ન કરવાં હોય તો પોતાનાં નૃત્યના દરેક તાલ સાથે તાલ મેળવવા મોહિની ભસ્માસુરને પડકાર કરે છે. ભસ્માસુર તે પડકાર ઉપાડી લે છે અને નૃત્ય કરવાના જોશમાં, પોતાનાં જ માથાંને અડી જઇને ભસ્મ થઇ જાય છે.
આમ નૃત્ય જૂદાં જૂદાં સ્વરૂપે અભિવ્યકતિ પામતાં જોવા મળે છે.અપ્સરા કોઇને રીઝવવા નૃત્ય કરે છે, તો શિવ કોઇ પણની ખુશી માટે નૃત્ય નથી કરતા , જ્યારે કૃષ્ણ બધાના આનંદ માટે નૃત્ય કરે છે અને બધાં તેમના આનંદ માટે. એક જ સ્થળ અને કાળમાં, નૃત્યનાં ત્રણ અલગ અલગ સ્વરૂપ, ત્રણ અલગ અલગ મનોભાવની અભિવ્યક્તિમાટે, એકી સાથે ભજવાઇ રહેલા જોવા મળે છે.

*       સનડે મિડડેની દેવલોક પૂર્તિમાં નવેમ્બર ૧૨, ૨૦૧૨ના રોજ પ્રકાશિત થયેલ

v અસલ અંગ્રેજી લેખ, Who we dance for? , લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર નવેમ્બર ૨૦,૨૦૧૨ના  રોજ  Articles, Indian Mythology  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.