મંગળવાર, 2 એપ્રિલ, 2013

સૂર્યોદય, સૂર્યાસ્ત - દેવદત પટ્ટનાઇક


અંતે તો બધાંએ જવાનું જ છે.
મને તાજેતરમાં મારી કંપની મારા પિતા પાસેથી વારસામાં મળી છે. બૉર્ડના સભ્યો ક્યાં તો મારા પિતાજીના મિત્રો છેમ કે ક્યાં તો તેમના મળતીયાઓ છે, જેમના માટે બૉર્ડની બેઠક એ ચાપાણી નાસ્તાની સાથે ગપસપ કરવાનો સમય માત્ર છે.મારે કંપનીને જો હવે પછીની ઊંચાઇએ લઇ જવી હોય, તો બૉર્ડનું મારે નવેસરથી પુનઃગઠન કરવું પડે.બૉર્ડના મોટા ભાગના સભ્યોએ મને મોટો થતો જોયો છે, તેથી હું તેમની સાથે કોઇ અસભ્ય કે રૂક્ષ વર્તન નથી કરવા માગતો, કે નથી તેમને તગડી મુકવા માગતો. પણ જો કંપનીનો વિકાસ કરવો હોય, તો તેમની વિદાય પણ જરૂરી છે. આ ધર્મસંકટનો ઉપાય શો?

તેમને વિદાય કરતાં પહેલાં, તમે આ બાબતે તમારા પિતાજી જોડે, તેઓ શું યોગદાન કરી શકે તેમ છે, એ વિશે વાત કરી છે ખરી? તેમનો જવાબ તમને નવાઇ પમાડે તેવો હોઇ શકે છે.
ભાગવત પુરાણ પ્રમાણે, કૃષ્ણ એ તેમનું બધું જ બાળપણ વૃંદાવનમાં વિતાવ્યું છે, અને એટલે જ્યારે મથુરા જવાનો સમય પાકે છે, ત્યારે તે બધાં ગોપ-ગોપીઓ સાથેના બધા જ સંબંધ પૂરા કરીને જવાનું કરે છે. તે રાધા અને યશોદાજીથી પણ કાયમ માટે વિખૂટા પડી જાય છે. એ તેમનાં શૈશવનો અંત અને કિશોરાવસ્થાનો આરંભ છે. તમે પણ, મોટા થઇને વૄંદાવનથી મથુરા ભણી પ્રસ્થાનના આ જ સંક્રાંતિકાળમાં છો. આ સમય છે જૂના સંબંધો કાપી નાખીને, નવા સંબંધો બાંધવાનો.
પણ, શું એ વિચ્છેદ જરૂરી છે? કે પછી તમે વેપારની જૂની રીતો સમજતા નથી કે પસંદ નથી કરતા? પણ તેટલા માટે કરીને વેપાર કરવાની જૂની રીતો ખોટી કે ખરાબ તો ન જ કહેવાય ને? બજાર અને ગ્રાહકો વિશે તમારા પિતાજીનો અભિગમ તમારાથી અલગ હોઇ શકે, પણ એ અભિગમ જ તેને તેમની હાલની સ્થિતિ સુધી લાવી શકેલ છે.
ઘણા કૌટુંબીક વેપાર-ધંધામાં જોવા મળે છે કે જૂની પેઢી અને અને નવી પેઢીના વિચારો કે રીતરસમો એકબીજાં સાથે મળતા નથી હોતા. પિતાજી સામાન્યતઃ આધુનિક વ્યવસ્યા મહાવિદ્યાલયોની રીતભાતમાં પ્રશિક્ષિત હોતા નથી, તેમણે તો આ વેપાર તેમના દેશી અભિગમ વડે ઊભો કર્યો (અને વિકસાવ્યો) છે.  તે સુટ્બુટ પહેરતા નહીં હોય કે આજકાલ વપરાતા ભારેખમ શબ્દો નહી વાપરતા હોય, પણ તેથી તેમની વેપારની સૂઝ ઓછી છે તેમ તો ન જ માની લેવાય! યુરૉપ કે અમેરિકામાં ભણી આવેલ પૂત્રો, કે પૂત્રીઓ, નવી દ્ર્ષ્ટિ તો સાથે લઇ આવે છે, પણ સાથે સાથે જૂની રીત રસમો માટે તુચ્છકારનો અણગમો લેતાં આવે છે. તમે બે પેઢીઓનાં અંતરના આવા બીબાંઢાળ સંધર્ષના શિકાર તો નથી બની ગયા ને?
તમે માની લીધું છે કે આ ચા પીનારા ચાંપલુશીઆઓ સંસ્થાના વિકાસમાં અવરોધ છે. તમને એ બાબતની ખાતરી છે ખરી? શક્ય છે તેમની વિચારવાની રીત તમારા જેવી જરા પણ ન હોય! પણ તેમ છતાં તેમના વિચારો મહત્વાનું યોગદાન આપવા માટે સક્ષમ હોય પણ ખરા. તેઓમાંથી કોઇક ડહાપણનો ભંડાર સમા ભિષ્મ કે કૌશલ્યધારી દ્રોણ, હોય પણ ખરા! તમને તમારા કર્ણ કે ભીમ કે અર્જુનની જેમ તેમની પણ જરૂર હોઇ શકે છે. યુધ્ધના એ વૃધ્ધ તોખારોમાં હવે પહેલાં જેવી શારીરીક પળતા કે બળ કદાચ ન હોય, પણ તેમનાં મગજ હજૂ આજે પણ સતેજ અને ચાલાક તો જરૂર છે, અને તમારી સંસ્થાને તો એ જ જોઇએ છે. તેમનો યથાયોગ્ય ઉપયોગ કરો.
અંતે, દરેકે જવાનું તો છે જ.તમે તમારી કારકીર્દીના ચઢતા સૂર્યના કાળમાં છો; જ્યાર એ તો ઢળતા સૂર્યના કાળમાં છે.તેમને વિદાય કહેતાં કહેતાં પણ તેમની સાથે સારો વર્તાવ કરો. તેમને જરૂર જાણ થવા દો કે તમારા વિચારો તેમનાથી જૂદા, સારા કે ખરાબ નહીં, પણ ઘણા જ જૂદા છે.તેમને જવા દેવાથી  તમે તેમનો કે તેમના વિચારોનો કાંકરો નથી કાઢી રહ્યા એવું જણાવો. તેમનાં સ્વમાનને ઠેસ ન પહોંચવા ન દેશો. બાકી બધું, આપોઆપ, સરળ બની રહેશે.


  • ETની 'કૉર્પૉરેટ ડોસ્સીયર' પૂર્તિમાં ફેબ્રુઆરી ૧૫, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ