સોમવાર, 20 જાન્યુઆરી, 2014

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ ચોથો - ગુચ્છ ૨

#156આપણા વિષેના દૃષ્ટિકોણની સંભાળ લઈએ
| જુલાઇ ૨૭, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ 
કોઇપણ પુસ્તકને તેનાં મુખપૃષ્ઠથી માપી ન લેવું જોઇએ તે તો આપણે જાણીએ જ છીએ. અને તેમ છતાં, લોકો તેમ કરતાં પણ હોય છે. એટલે, પુસ્તક જો સારૂં જ  હોય, તો તેને વધારે સારું મુખપૃષ્ઠ શા માટે ન પહેરાવવું?
આપણે એ પણ જાણીએ છીએ કે પહેલ વહેલી જે છાપ પડે છે તે ખોટી હોવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તેથી પહેલી જ છાપ પરથી કોઇ પણ વ્યક્તિ વિષે અભિપ્રાય ન બાંધી લેવો જોઇએ. અને તેમ છતાં મોટા ભાગનાં લોકો એમ જ કરતાં પણ જોવા મળે છે. એ લોકો સામેની વ્યક્તિને બીજી વાર છાપ પાડવા દેવાની તક પણ નથી આપતાં. એટલે, આપણી પાસે જો કંઇ બહુ જ મહત્વનું હોય, તો થોડા તાણી-ખેંચાઇને પણ  પહેલી જ છાપ ખુબ જ સારી પડે તેમ શા માટે ન કરવું?
એમ પણ કહેવાય છે કે આપણે જેવાં દેખાઇ છીએ તેના કરતાં આપણે જે છીએ તે જ વધારે મહત્વનું છે.બહુ જ આદરપૂર્વક, હું આ વાત સાથે સહમત નથી. બંને મહત્વનાં છે. આપણી પાસે કંઇ મહત્વનું પ્રદાન કરવા લાયક હોય, પણ તેની સામે નજર કરવાનો પણ લોકો પાસે સમય ન હોય, તો આપણું રતન તો ચીંથરે જ વીંટેલું પડી રહેશે, કારણ કે લોકો બહુ વ્ય્સ્ત હોય છે. વળી તેમને ક્ષણભરમાં જ, ઘણી વાર તો બહુ જ મહત્વના કહી શકાય એવી બાબતોમાં પણ, નિર્ણયો લેવાની આદત પડેલી હોય છે.આજના સમય અને યુગમાં, લોકો આપણને કઈ દૃષ્ટિથી જૂએ છે તે પણ મહત્વનું બની રહે છે.મને પૂછો તો હું તો બહુ જ સ્પષ્ટપણે કહીશ કે, પોતાની ક્ષમતાને અનુરૂપ વળતર કે માન ન મળવામાં, મોટે ભાગે, ઘણા તેજસ્વી લોકોએ  પોતાની રજૂઆત અંગે  પૂરતું ધ્યાન આપવા માટે સેવેલ દુર્લક્ષ કારણભૂત હોય છે.   

સવાલ: આપણા માટે કયો દૃષ્ટિકોણ અપનાવાઇ રહ્યો છે તે પહેલી જ નજરે જાણવાનો રસ્તો કયો?
ઉત્તર: તમારાં સહયોગીઓ કે મિત્રો કે /અને તમારાં કુટુંબીજનો બીજાં લોકોને તમારો પરિચય શી રીતે કરાવે છે તેના પર ધ્યાન આપો. એમાં બહુ મહત્વનો સંદેશ છૂપાયેલો જોવા મળે છે. આપણે આપણા વિષે જે માનતાં હોઇએ તેમ બીજાં આપણા વિષે ન પણ માનતાં હોય. લોકો તમારા વિષે શું લખે છે તેના પર પણ ધ્યાન આપો. તે ભલે બધી જ રીતે ઉચિત કદાચ ન હોય, પરંતુ લોકો તેમ માને છે એટલું તો ખરૂં ને! આપણે જે છીએ તે રીતે , સાચી યા ખોટી રીતે, જો આપણો પરિચય ન કરાવાતો હોય, તો તે અંગે આપણે ખાસ ધ્યાન આપવું રહ્યું.

આપણે આપણાં કામમાં બહુ વ્યસ્ત છીએ, અને તે પુરૂં કરવું એ આપણી પહેલી પ્રાથમિકતા છે.આપણે એમ પણ માનતાં હોઇએ કે બહુ જ સારી રીતે પાર પાડેલાં કામો જ આપણી વિષેના દૃષ્ટિકોણને આપોઆપ જ સંભાળી લેશે. આમ જ થતું હોત તો કેટલું સારૂં? જો એમ જ હોત તો આટલાં બધાં અસંતુષ્ઠ કર્મચારીઓ શેનાં જોવા મળતાં હોત?
એકદમ સ્પષ્ટ અને પેટ છૂટી વાત કરવી હોય, તો આ આખી વાતનો ઉપસંહાર કંઇક આવો કહી શકાય:
જે પાળી શકાય તેટલું જ કરવાની જ વાત કરીએ. અને જે કંઇ કહીએ તે હંમેશાં પાળીએ. વળી આપણ જે કંઇ કહ્યું છે તે કરી પણ બતાવ્યું છે તેમ લોકોને જાણ પણ થાય તેમાં પણ કચાશ ન રહેવા દેવી જોઇએ.આ છેલ્લી વાતે લોકો થોડાં ઓછાં તૈયાર હોય છે.એક તો તેઓ માની લે છે કે આ ખોળી કાઢવું એ તેમનાં ઉપરીઓનું કામ છે. ચાલો માન્યું, તો આપણે જે કહીએ છીએ તે પાળીએ પણ છીએ તેમ આપણાં ઉપરીને પણ બતાવીને તેમનું 'કામ' આસાન શા માટે ન કરવું? આપણાં ઉપરી પર તો કામની બીજી કેટલી ય જવાબદારીઓ હોય જ, તો કમ સે કમ, આપણા વિષે અને આપણાં કામ વિષે તેમનો એ 'બોજો' થોડો હળવો કરવામાં મદદરૂપ થવું કંઇ ખોટું ન કહેવાય! થોડી વધારે સંભાળ લઈ, આ બાબતને, કંઇક પણ અંશે, નસીબ પર શા કાજે છોડવી?| ઓગસ્ટ ૬, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
આપણાં કોઇ એક નજીકનાં મિત્ર આપણાં ભવિષ્યમાં, નાણાં કે કારકીર્દી કે અન્ય કોઇ પણ પ્રકારની સફળતાનાં સ્તરમાં બહુ જ મહત્વનો પ્રભાવ પડી શકે એવો વિચાર રજૂ કરે છે.  તે વિચાર પર કંઇક આગળ કરવાનું આપણે કદાચ વિચારીએ, કે પછી તેને જતો કરીએ. ખેર, એ વિચારનું આપણે જે કંઇ પણ કરીએ, આપણને ભેટ સ્વરૂપે એ વિચાર આપનાર એ મિત્ર વિષે તો આપણ કંઇક કરવું જ જોઇએ.
એક દૃષ્ટિએ જોઇએ તો મિત્ર હોવાને દાવે, આપણને મદદરૂપ નીવડે તેવા વિચારો લાવવા એ તેમની "ફરજ" છે. પરંતુ બીજી દૃષ્ટિએ જોતાં, આ ભેટ માટે એ મિત્રનો ખરાં દિલથી આભાર માનવો જોઇએ અને સમય આવ્યે તે જ રીતે સામે પણ કંઇ જરૂર કરવું જોઇએ.
આ જ વાતને થોડીક લંબાવીએ તો? થોડી વાર માટે માની લઇએ કે આ પ્રકારના દરેક મહત્વના વિચારની આપણે કિંમત ચૂકવીએ છીએ (જોજો, અત્યારથી ચિંતામાં ના પડી જતાં!). કોઇ પણ મહત્વનો વિચાર "મફત" શા માટે હોવો જોઇએ? આપણા સંદર્ભમાં વિચારવા માટે કોઇએ પોતાના સમયનું એમાં રોકાણ કર્યું છે કે જેથી આપણને ફાયદો થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. અને સમયની કંઇક તો કીમત છે જ! તો એ સમય પાછળ થયેલ ખર્ચમાં કંઇક ભાગીદારી તો પણ કરવી જ જોઇએ!
કેટલાંક વર્ષો પહેલાં મારાં એક શિક્ષકે મને વિચારોની 'કિંમત ચૂકવતાં' શીખવાડેલું. એ શીખને અમલમાં મૂક્યા બાદ મને આખી દુનિયા બદલી ગયેલી જણાય છે. વિચારની આપણે શું કિંમત ચૂકવીએ છે તે બે વાતો પર આધાર રાખે છે - એ વિચાર કેટલી હદે "સારો" છે અને એ સમયે આપણે શું કિંમત ચૂકવી શકીએ છીએ. જો વિચાર બહુ જ સારો હોય, પણ તેની 'ખરી' કિંમત આપણે હાલમાં ચૂકવી શકીએ તેમ ન હોય તો, એક કાલ્પનીક "હુંડી" લખી નાખી શકાય, જેને કોઇ એક નિશ્ચિત સમયે ભવિષ્યમાં ચૂકવી દઈ શકાય.
જીવનમાં એક વાર આ અભિગમ સ્વીકારી લીધા પછી, બીજા કેટલાક આડ-ફાયદાઓ પણ થાય છે. વિચારની જે કંઈ કિંમત ચૂકવીએ તે તો આ આડ-ફાયદાઓમાં પણ વસુલ થઈ જઇ શકે છે.
આવા કેટલાક આડ-ફાયદાઓ -

ક) વિચાર ધરાવતાં લોકો તરફ માનની દૃષ્ટિ કેળવાશે, જેને કારણે હજૂ વધારે "સારા" વિચાર ધરાવતાં, વધારે ને વધારે, લોકો આપણી તરફ આકર્શાશે.
ખ) વિચારો પ્રત્યે આપણે વધારે ધ્યાન આપીશું, જેને કારણે કોઇ વિચાર સારો છે કે નહીં તેનું મૂલ્યાંકન કેમ કરી શકાય.
ગ) 'વિના મૂલ્ય' વિચારોની હવે અપેક્ષા નહીં રહે
ઘ) આપણા મિત્રો પણ 'મૂલ્યવાન' જણાવા લાગશે
અને આવા તો કંઇ કેટલાય બીજા આડ-ફાયદાઓ નજરે પડશે...
એક ખાસ વાત, વળતર નાણાંકીય સ્વરૂપમાં જ હોય તેવું બીલ્કુલ જરૂરી નથી. એવું પણ બને કે એમ કરવા જતાં આપણે કોઇ મિત્રને દુભવી પણ બેસીએ.એટલે વળતર સમયોચિત સ્વરૂપમાં હોય તે વિષે ખાસ ધ્યાન આપવું જોઇએ. એ માટે કોઈ સાવ ખરૂં કે ખોટું કહી શકે  એવો કોઈ નિયમ તો ન  બાંધી શકાય પરંતુ કેટલાક માર્ગ બહુ જ અસરકારક હોય છે તો કેટલાક બહુ જ બીન અસરકારક. પસંદગી કરવાનું કામ આપણું!| ઓગસ્ટ ૯ ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ 
મારાં ઘણાં વ્યક્ત્વય પછી હું એક સવાલ બધાંને કરૂં છું - "છેલ્લા છ મહિનામાં, તમારૂં કામ હતું / તમે તેમનું કામ કરી આપ્યું ત્યાં સુધી બહુ જ સારા સંબંધો હોય, પણ જેવું કામ પતે એટલે એટલે ધરતીને છેડે ક્યાંય છૂ થઇ ગયાં હોય એવાં લોકો સાથે પનારો પડ્યો છે?”  મોટા ભાગના જવાબોમાં 'આવાં તો બહુ લોકો સાથે ભેટો થયો છે"નો સુર સાંભળવા મળશે.
તે પછી મારો બીજો સવાલ હોય છે - ધારો કે આ જ સવાલ હું તમારી સાથે જેમને પનારો પડ્યો હોય તેમને પૂછું તો કેટલાં લોકો તમને પણ આ જ કક્ષામાં મૂકશે?
સામાન્યતઃ જવાબમાં ચુપકીદી સાંભળવા મળે છે. જો કે હું જવાબની અપેક્ષા પણ નથી કરતો. આ સવાલ તો લોકોને તેમની વર્તણૂક વિષે વિચારતા કરી મૂકવા માટે જ પૂછું છું. બીજાં અમુક જ રીતે વર્તે એમ અપેક્ષા કરવી એ સાહજીક છે, પરંતુ તેને પોતાના વ્યવહારોમાં અમલ કરવાની વાત આવે ત્યારે બાબત બહુ કઠીન બની જાય છે. આ એવો જ એક કિસ્સો છે.
વાપરીને ચાલતાં થાઓએ એક એવું જોખમી છટકું છે જેની 'સમય આવ્યે ચૂકવવાની આવે તે ભાવિ કિંમત' ઘણી ભારી પડી શકે છે. આ વાતને જરા વિગતે સમજીએ. કંઇક કામ પાર પાડવા માટે આપણે કોઇ સાથે સંબંધ વિકસાવીએ. આપણી મોહિની અને ચાલાકીઓની મદદથી, આપણું કામ પાર પાડી લઈએ, અને પછી નજીકનાં ભવિષ્યમાં તે વ્યક્તિનું કામ ન પડવાનું હોય તો તે વ્યક્તિનાં જીવનમાંથી સિફતથી નૌ દો ગ્યારહ થઈ જઈએ.  ભલેને પછી એમાં આપણો કોઇ આશય ન પણ હોય! આપણે આપણી જીંદગીમાં વ્યસ્ત થઈ જઈએ છીએ કે પછી આપણા સમયનો વધારે સારો ઉપયોગ કરવા લાગી જતાં હોઇએ છીએ. "કાર્યદક્ષતા"ની દૃષ્ટિએ આ અભિગમ બહુ જ વ્યાજબી જણાય, પરંતુ  લાંબે ગાળે તે કદાચ બહુ નુકસાનકર્તા નીવડી શકે છે.
એ માટેનાં કારણો આ રહ્યાં:
ક) કોઇ પણ 'ચાલાક' વ્યક્તિ તરત જ સમજી જશે કે આપણે તેમનો "ઉપયોગ" જ કરી રહ્યાં છીએ.
ખ) ભાગ્યે જ સામેની વ્યક્તિ આપણી ફર્માયશ પૂરી કરવા 'પહેલાં જેટલી સાનુકૂળ' રહેશે. સજ્જન લોકો સીધે સીધી 'ના' કદાચ ન કહે, પણ આ વખતે તેમની પાસે સમય નથી તેનું કોઇ સજ્જડ કારણ તો તેઓ ધરી જ દેશે.
ગ) 'મફત મુસાફરીએ ચડી બેસવા'ની ટેવ પડી જાય જે અન્ય સંબંધો માટે પણ નુકસાનકારક પરવડે.
ઘ) અને સહુથી મહત્વનું: કોઇ પણ ડાહ્યું માણસ સમ્બંધોનાં પોતાનાં માળખાંને તો બચાવીને જ ચાલે. એટલે જો તેમને ખ્યાલ આવે કે તેમનાં માળખામાં કોઇ 'ખુદાબક્ષ મુસાફરી'ની ટેવવાળું છે, તો માળખાંના અન્ય લોકો સાથે તે વ્યક્તિના સંબંધ ન થાય  (કે વિકસે), તેવી વ્યવસ્થા તો તેમણે પહેલી જ તક મળ્યે કરી લેવી પડે.આમ આપણી સીધી તક તો હાથમાંથી જતી જ રહે, તે ઉપરાંત એ વ્યક્તિ થકી તેમનાં માળખામાં કોઇ અન્ય વ્યક્તિ પાસે મદદ માટે હાથ લાંબો કરવાની આડકતરી તક પણ ગુમાવી બેસાશે.
આવાં બીજાં ઘણાં કારણો ગણાવી શકાય, પણ હું માનું છું કે મારી વાત તમને સમજાઇ ગઈ હશે. "વાપરીને ચાલતાં પકડવાના" ટુંકા ગાળાના ફાયદાઓ'ની લાંબે ગાળે ચૂકવવી પડતી કિંમત બહુ મોંઘી પડી શકે છે.| ઓગસ્ટ ૧૩, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ

નસીબ હંમેશાં બહુ ચર્ચાસ્પદ વિષય રહ્યો છે. જેટલાં લોકો નસીબમાં માનનાર હશે, તેનાથી વધારે 'નસીબ' જેવું કંઇ છે  જ નહીં તેમ માનનારાં પણ મળી રહેશે. તેમ વળી, આ બંને પક્ષની વચ્ચે સપડાયેલો વર્ગ પણ ઘણો મોટો છે.
નસીબ વિષે મારૂં અંગત મંત્વય છે કે નસીબ છે તેમ સ્વીકારીએ, પણ તેના પર બધો જ ભાર ન મૂકી દઈએ. જે સમયે જે જે કરવું જોઇએ તે બધું જ કરવું. તેમાં જો "નસીબના પાસા સવળા પડે", તો  એટલો ફાયદો વધારે!
જે લોકો નસીબમાં નથી માનતાં તેઓ આવું કંઇક માનતાં હોય છે:

૧. પસાર થઇ રહેલી તકો અને આપણી તેમને જોઇ શકવાની સભાનતાનું મિલન બિંદુ એટલે નસીબ."
૨. કામમાં જેટલી લગન વધારે, એટલું નસીબ વધારે ફળે."
મને તો આની સામે પણ કોઇ વાંધો નથી. જ્યારે ક્યારે 'નસીબવંતા' થઈએ, ત્યારે નસીબને યશ આપવો, બસ તેનાથી વધારે કંઇ જ નહીં. નસીબમાં માનવાથી જે કોઇ ઘટના બને તેમાં આપણાં યોગદાનનું શ્રેય આપણે લઈ શકીએ. આ અભિગમથી છાતી થોડી ફૂલાય, પણ તેમાં ઘણી સમસ્યાઓ પણ છે, જેમ કે:
૧. આપણે હક્કદાર નથી તે શ્રેય પણ અંકે કરવું.
૨. એ સંજોગોને ફરી ફરીને ઉભા કરવાનું શક્ય બને. એટલે બીજ વાર,આપણા માટે અચાનકપણાની અનિશ્ચિતતા તો તોળાયેલી જ રહે.
૩. આપણાથી વધારે સક્ષમ લોકોને "ખરેખર શું થયું" એ દેખાઇ જ જતું હોય છે, એટલે એવાં લોકો સામે તો આભાસ ઉભો કરવાનો કોઇ અર્થ રહેતો નથી.
૪. સદૈવ આ જ મનોસ્થિતિમાં રહીને આપણે આપણા હવાઇ કિલ્લા જ બાંધ્યા કરીએ છીએ.
૫. વળી આપણી ક્ષમતાઓ પર વધારે પડતો મદાર બાંધી બેસવાની પણ શક્યતાઓ રહે છે.

ટુંક્માં, આપણા પાસા ક્યારે સવળા પડ્યા એ આપણને ખબર હોવી જોઇએ.
અંગતપણે, ભૂતકાળમાં હું ઘણી વખત નસીબદાર રહ્યો છું, અને મને આશા છે કે ભવિષ્યમાં પણ હું નસીબદાર રહીશ.નસીબ જે દિવસે સવળું ઉતરે, તે દિવસે હું પ્રભુનો પાડ માનું છું. સદનસીબ એ એક અમૂલ્ય ભેટ છે, જેનો આપણે વિનમ્રતાપૂર્વક,  સાભાર સ્વીકાર કરવો જોઇએ.
ખુશહાલ રહો એવી શુભેચ્છાઓ!
 
| ઓગસ્ટ ૧૪, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
મૂળભૂત રીતે તો આપણે બધાં જ સામાજીક પ્રાણીઓ છીએ - એટલે કે ટકી રહેવા કે વિકાસ કરવા માટે આપણને એકબીજાંની જરૂર પડતી જ રહે છે.
સામાન્યપણે, બીજાંના પ્રકલ્પોમાં આપણે  આપોઆપ જ જોડાઈએ, અને તે જ રીતે આપણાં મિત્રો પણ આપણા પ્રકલ્પોમાં આપોઆપ જ જોડાય. હું આ પ્રક્રિયાઓને "સ્વયંસંચાલિત સમર્થન" કહીશ. એનાથી છટકવાનો  કોઈ માર્ગ નથી. એનાથી વધારે મહ્ત્વની વાત તો એ કે તેમાંથી છટકવું પણ ન જોઇએ. આપણાં જીવનનું તે એક મહત્વનું અંગ છે.તેમની સાથે જે રીતે એક ખાસ સંબંધ વિકસેલ  હોય છે તેને કારણે લોકો આપણને તેમના પ્રકલ્પોમાં સમાવે છે.દરેક મહિને બે ચાર કલાકનો સમય આપવો પડે તેવી મદદ કરવાની કોઇ ના નહીં પાડે તેટલી તો બધાંને અપેક્ષા રહે જ છે.આપણા પક્ષે પણ કંઇ એવી જ ગણત્રી હોય છે. વાત તો મહિને દાડે થોડા કલાકોની જ છે ને!અને તે પણ કોઇ સારાં કામ માટે જ હોય તો ખોટું પણ શું?
પરંતુ સમસ્યા ત્યારે પેદા થાય છે જ્યારે આ સ્વયંસંચાલીત સમર્થનો પર ધ્યાન ન અપાતું હોય. આપણા પોતાના પ્રક્લ્પો પર જ્યારે વધારે ધ્યાન આપવાની પ્રાથમિકતા બની રહે ત્યારે એ "બસ, મહિને થોડા જ કલાક" પણ ફાળવવા મુશ્કેલ બની રહે તેમ પણ બની શકે.
આવું થવાનાં કેટલાંક બહુ જ પ્રચલિત એવાં કેટલાંક કારણો આ પ્રકારનાં હોઇ શકે છે:
     (ક) સ્વયંસંચાલીત સમર્થનોનો કાર્યભાર:
એક કારણ તો છે આપણે જેમાં ભાગ લઈ રહ્યાં હોઇએ એવાં સમર્થનોની અમર્યાદ સંખ્યા, જે આપણાં નિયમનમાં જ ન રહે.
(ખ) વચનબદ્ધતાને વધારે પડતી તાણવી
શરૂમાં આપણે એવું માન્યું હોય કે દર મહિને ત્રણેક કલાકનો સમય ફાળવવો પડશે. જેમ જેમ સમય જતો જાય તેમ તેમાં થોડા કલાકો ઉમેરાતા ગયા હોય. ત્યાં સુધી તો ઠીક, પણ જો આપણાં બધાં જ સ્વયંસંચાલિત સમર્થનોમાં આમ કલાકો ઉમેરાતા રહે તો ?  વાત ક્યારે કાબુની બહાર થઈ જાય તે પણ કહી ન શકાય.
(ગ) અપેક્ષાઓનાં મોંમાથાં ન મળવાં
જેમ કે, બે કે ત્રણ કલાકનો સમય ફાળવવાની સમજ, આવનજાવન, પૂર્વ અને પશ્ચાત-તૈયારીઓ, ફોનપરની ચર્ચાઓ જેવી અનઅપેક્ષિત જરૂરિયાતોને કારણે,  ખરેખર તો પાંચ થી છ કલાક આપવા પડે.
(ઘ) સમયક્રમના આટાપાટા
આ પ્રકારનાં બહુ બધાં સમર્થનોમાં અટવાઇ જવાથી પછી સમયપત્રકના આટાપાટામાં ગુંચવાઇ જવાઇ જવાની શક્યતાઓ વધી જાય છે, જેને કારણે કોઇક વાર કોઇ ધારેલાં સમયનું પાલન થવામાં ચૂક પણ થઈ જવાની શક્યતાઓ ઉભી થઈ જાય છે. આને કારણે અણધારી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
સ્વયંસંચાલિત સમર્થનોની બાબતમાં સચેત રહેવું જોઇએ તે વાત સમજાવવા માટે આવાં તો ઘણાં ઉદાહરણો ટાંકી શકાય.બહુ ઓછાં સમર્થનોનો અર્થ એમ પણ થાય કે આપણે બહુ લોકોને ખાસ નજદીકીથી ઓળખતાં નથી અને વધારે પડતાં સમર્થનોનો અર્થ છે કે બધાંને ખુશ રાખવા જતાં આપણી હાલત ભરાઈ પડવા જેવી થઈ રહે. બહુ જ સજાગપણે આ બંને અંતિમો વચ્ચેની સ્થિતિને અનુરૂપ સંતુલન બની રહે તેમ કરવું ઇચ્છનીય છે.
નોંધ: સંતુલન અંગે કોઇ જ વિવાદ તો નથી જ, પરંતુ હું થોડી ચેતવણીનો સૂર પણ કહીશ કે ક્યારેક એ સંતુલનમાં વિક્ષેપ કરીને આપણે સીમાઓને ક્યાં સુધી તાણી શકાય અને આપણાં પ્રભાવ ક્ષેત્રને કેટલું વિકસાવી શકાય તે પણ જોતાં રહેવું  જોઇએ.
શુભેચ્છાઓ!

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ચોથો  - ગુચ્છ ૨ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જાન્યુઆરી ૨૦, ૨૦૧૪