સોમવાર, 28 એપ્રિલ, 2014

અનુકરણીય આદર્શ ભૂમિકાની તાતી શોધખોળ - દેવદત્ત પટ્ટનાઇક

લગભગ ૧૯મી સદીથી ભારતીય લોકોની અંગ્રેજીમાં શિક્ષણની શરૂઆત થઇ. તે સમયે તેમને પહેલી વાર યુરોપિયન સાહિત્ય સાથે પરિચય થયો. આ હતું સામ્રાજ્યવાદી માલિકનું સાહિત્ય, જે સાહિત્ય કેવું હોવું જોઇએ તેના માપદંડ તરીકે રજૂ કરવામાં આવ્યું. એટલે સ્વાભાવિક છે કે જ્યારે ભારતીય લોકોએ તેમનાં પુરાણો ફરીથી રજૂ કરવાનું શરૂ કર્યું ત્યારે તેઓ તેમની રજૂઆતમાં પણ બાઇબલ અને ગ્રીક પુરાણોની રજૂઆતને જ અનુસર્યા. તેઓ પણ તેમના નવા માલિકોને જણાવવા માગતા હતા કે તેમની પાસે પણ તેમનાં પોતાનાં ઍખીલો કે હેક્ટરો અને ઑડીસ્સીયસો કે મોઝેસો છે.
નરબંકાઓ એ ભારતીયો માટે પણ કોઇ નવો વિષય નથી. બુંદેલખંડનો શૂરવીર અલ્હા, કે પંજાબની હીર-રાંઝા કે સોની મહિવાલની પ્રેમગાથાઓ જેવી કેટલીય લોકવાયકો કહેવાતી જોવા મળે છે.  જો કે આ બધી કથાઓ સામાન્ય પ્રજા માટેની ખડી, ગામઠી અને સીમિત શૈલીમાં રજૂ થયેલ હતી. લેખકો અખિલ ભારતીય નાયકની શોધમાં હતા, જે પરંપરાઓમાંથી ઉભરે, જે ભદ્ર સમાજની સંવેદનાઓને આકર્ષે, જેની કહાણી માલિકને પસંદ પડે તેવી, 'હિંદુસ્તાનની લેટિન' - સંસ્કૃત- ભાષામાં કહેવાયેલ હોય. એટલે હવે, રામાયણ કે મહાભારતમાંથી એવાં આદર્શ પાત્રો શોધવાનું શરૂ થયું.
પરંતુ આ હિંદુ મહાકાવ્યોનાં મુખ્ય પાત્રો તેમનાં ગ્રીક કે બાઇબલનાં સમકક્ષ પાત્રોથી ઘણાં જ અલગ પડતાં હતાં - તેઓ દેવો કે ઈશ્વરને જવાબદેય નહોતાં, તે બધાં તો, માનવજાતને જ્ઞાન પ્રબુદ્ધ કરી શકાય તે કારણે, નશ્વર સ્વરૂપમાં પણ ખુદ જ ઈશ્વર હતાં. રાષ્ટ્રવાદની ચઢતી ભરતીના જુવાળમાં રામ કે કૃષ્ણનું કથાનાયકમાં રૂપાંતરણ કરવાના પ્રયત્નોને કારણે સમસ્યાઓ પેદા થઈ આવી.
જેની વાંસળીના સુરની પાછળ ઘેલીથયેલી ગોપીઓથી ઘેરાયેલ રહેતા એવા રસિક પ્રેમી અને શરારતી કૃષ્ણ આદર્શ વ્યક્તિ તરીકે રજૂ કરવા મુશ્કેલ છે. તે જ રીતે ભભૂત ચોળેલા, ગાંજા ધૂમ્રસેરમાં લાપરવાહ એવા શિવને પણ આદર્શ કહેવા એ અધરૂં છે. રામ , એક સારા પૂત્ર અને આજ્ઞાંકિત રાજકુમાર તેમ જ એકપત્નીવ્રતધારી તરીકે આદર્શ તરીકે બંધ બેસતા જણાય. તેમણે વાનર સેના તૈયાર કરી, પોતાની પત્નીને દાનવરાજની ચુંગાલમાંથી છોડાવવા યુધ્ધ પણ કર્યું. આમ "માતૃભૂમિ  ભારત'ને અંગ્રેજ શાસનની બેડીઓમાંથી મુકત કરવા માટેનો સંગ્રામ ખેલી રહેલા દેશપ્રેમૉ માટે રામ આદર્શ બની શકે તેમ હતા. પણ સામાજિક સુધારાવાદીઓ અને નારીવાદીઓએ બૂમરાણ મચાવી મૂકી. નીચી / દલિત કોમના શંબુકનો સંન્યાસ લેવા માટે કરીને તેમણે શિરચ્છેદ કરી નાખ્યો હતો અને એક સામાન્ય અફવાને આધારે પોતાની પત્નીની આબરૂ બાબતે ત્યાગ કરી નાખ્યો હતો. એટલે રામ પણ આદર્શ તરીકે સ્વીકાર્ય નહોતા. તો હવે કોના પર પસંદગી ઉતારવી ? મહાભારતના અપ્રતિમ બાણાવળી અર્જુન કે મહા પાંડવ એવા ભીમ પર? પણ જ્યારે તેમની પત્ની દ્રૌપદીને, એક સામાન્ય જણસની પેઠે, જુગારના દાવમાં ઉતારાઇ ત્યારે તો તેઓ ચૂપ બેસી રહેલા !
સંન્યસ્ત અને બ્રહ્મચર્યને ભારતમાં હંમેશાં અહોભાવની દૃષ્ટિએ જોવામાં આવેલ છે. થોડા અંશે પણ જેમનામાં કામુકતા જોવામાં આવી હોય તેમને તો આદર્શ તરીકે સરિયામ નકારી જ કાઢવામાં આવેલ. રસિક વ્યક્તિને માંડ માંડ ચલાવી લેવામાં આવે, પણ સમલૈંગિકતા તો કોઇ હિસાબે  સ્વીકાર્ય જ નથી. કેટલાક વિદ્વાનોએ તેનાં મૂળ બૌદ્ધ મઠવાસી સંન્યાસમાં પણ જોયાં. તો વળી કેટલાક બીજાં વિદ્વાનો, જેમાં એવું માનવામાં આવ્યું છે કે વિર્ય સંગ્રહને કારણે જોગીઓમાં જાદુઈ શક્તિઓનો સંચાર થયો હતો, તે તાંત્રિક વ્યવસ્થામાં જૂએ છે. તો વળી અન્ય લોકો આ લોકપ્રિયતાની પાછળ, ૧૯મી સદીનાં ખ્રીસ્તી મિશનરીઓનાં સર્વજનહિતાય દારિદ્ર્ય અને આજ્ઞાપલનનાં વ્રતને પણ કારણભૂત ગણે છે. ચાણક્ય અને શિવાજી જેવાં પોતાનાં અંગત સુખને ત્યજી સમાજસેવાની ભેખ લેનારાં ઐતિહાસિક પાત્રો આ પ્રકારની માન્યતાઓને આધારે ઘડાયાં. સ્વાભાવિક જ છે કે કેટલાયે દેશસેવી નેતાઓએ પણ પોતાનું જીવન આ જ માર્ગ પર કંડાર્યું. આમ વિવેકાનંદ કે રાજગોપાલાચારી જેવા સંન્યાસી - દેશસેવકોનો ઉદય થયો. જો કે  એમની અંતેવાસી શિષ્યાઓને બાજૂમાં સુવાડી પોતાનાં બ્રહ્મચર્યનાં પાલનની પરીક્ષાના ગાંધીજીના સત્યના પ્રયોગોનાં નૈતિકતાનાં મૂલ્યો વિષે કેટલાક પ્રશ્નો જરૂર કર્યા છે. દેશને એક તાંતણે બાંધી આપનાર તેમનાં અહિંસા અને સત્યના સિદ્ધાંતોના તેજના પ્રકાશથી આ પ્રયોગોને પાઠયપુસ્તકોમાંથી સદંતર દૂર રાખવામાં આવેલ છે. જે લોકો એટલી હદ સુધી બ્રહ્મચર્યનું પાલન નથી કરી શક્યા તેમણે પોતાની જાતિયતાને સાંસારિક રાજનિતિજ્ઞ તરીકેની રજૂઆતમાં ઢાંકી દેવાનું ઉચિત ગણ્યું.
બૉલીવુડે તો આ બધામાં ધરમૂળથી ફેરફારો આદર્યા. બજાર વલણોએ નવાં જ પ્રકારનાં આદર્શ પાત્રોને છતાં કર્યાં. શરૂઆત સમાજવાદી બલરાજ સહાની અને કરૂણ ગુરૂ દત્તથી થઇ પણ તે પછી નાચતા કૂદતા શમ્મી કપુર અને નિર્વસ્ત્ર છાતી પ્રદર્શીત કરતા સલમાન ખાનને એ સ્થાને બેસાડવામાં બહ સમય ન લાગ્યો. પરવાના રાજમાં ગુસ્સાથી છલકતા યુવાન તરીકે અમિતાભ બચ્ચન  કે અદમ્ય એવાં શાહરૂખ ખાન જેવાં સમયની માંગને અનુરૂપ હોય તેવાં આદર્શ પાત્રોની આપણને જરૂર છે.શરુઆતમાં જો આપણને ઝંઝીરકે દિવારના ગુન્હેગારોને નાથતા  કે ભ્રષ્ટ રાજકારણીઓને ઢીબી નાખતા સિંઘમ નાયકોની જરૂર હતી તો આજે, છેવટે,  કુલીન પરાજિતોની નહીં પણ ભલે કંઇક અંશે પક્કા પણ પ્રભાવશાળી વિજેતાઓની જરૂર છે, તે પણ એટલી હદે કે  સામાન્ય પ્રજાજનને કનડતી તંત્રની નબળાઇઓને ભીંસમાં લેતા - ક્યારેક તો અંધારી આલમના દક્ષ બાશીંદાઓ સુધ્ધાં - પ્રતિ-નાયકોને પણ આપણે આદર્શ માન્યા.
એક વખતના શાસકો સામેના ક્રિકેટના મેદાન પરના આજના વિજયની ખુશહાલીને પોતાનું શર્ટ ઉતારી ખુલ્લી છાતીએ વધાવતા કપ્તાન કે ક્રિકેટને ઉમદા લોકોના ખેલને બદલે કોઇ પણ હિસાબે અંકે કરાતી જીતના દ્યોતક ક્રિકેટરો પણ આપણાં આદર્શ સ્થાને વિરાજમાન થયા.જ્યાં સુધી વિજયની પતાકાઓ લહેરાતી રહે  ત્યાં સુધી આજના આદર્શોનાં શયનખંડોની આદતો ને  કે  સટ્ટાના બુકીઓના કાનાફૂસીના સંવાદોને નજર અંદાજ કરવાની આપણી તૈયારી બનતી ગઇ.
આદર્શ પાત્ર માટેની શોધ આપણને ઘણી રીતે ફળી નહીં કારણકે ન તો આ જીવન કે ન તો કોઇ માનવી સર્વાંગ સંપૂર્ણ હોય છે. ભારતના સમયાતીત મહાગ્રંથો આ વાત જ સમજાવવા મથતા રહ્યા છે, જેને યુરોપિયન આદર્શ સાથે સરખામણી કરવા અને તેમની સાથે સાંકળી લેવામાંને લેવામાં આપણે 'સાંભળી' નથી રહ્યાં. ધરતી પર સદેહ વિચરતા રામ કે કૃષ્ણ પૂર્ણતાની તૃષ્ણા પણ નથી કરતા. જે પ્રમાણે સંજોગો કરવટ બદલે તે મુજબ, કોઇ વાર નિયમોનું પાલન કરીને તો કોઇ વાર નિયમભંગ કરીને પણ, જે સહુથી વધારે ઉચિત છે તે કરવાનો પ્રયત્ન તેઓ કરે છે. પરંતુ જેમને અનુસરી ન શકીએ તો અનુકરણીય બનાવી શકીએ તેવાં આદર્શ પાત્ર માટે કરીને આપણે એટલાં ઘાંઘાં થઇ જતાં હોઇએ છીએ કે તેમનાં નકશ-એ-કદમને સમજવાને બદલે, તેમને ક્યાં તો તેમની કચાશોને નઝરઅંદાજ કરીને , તેમનાં દરેક પગલાંને મોટું સ્વરૂપ આપીને તેમને માટે થયેલાં નાનાંસાં વિવેચનમાટે આકરાં ઉતાવળાં થઇને ઉચાં આસન પર વિરાજમાન કરી બેસીએ છીએ : બીજા શબ્દોમાં કહીએ તો તેમનાં માનવી હોવાને જ સાવે સાવ ઠુકરાવી દઇએ છીએ ને આપણી અપેક્ષાઓમાં તેમને કેદ કરી લઇએ છીએ. લગભગ દરેક આદર્શ પાત્રોનાં પ્રારબ્ધ આવાં દારૂણ બની રહે છે !
*       ટાઇમ્સ ઑફ ઈન્ડિયાની પૂર્તિ 'સ્પીકીંગ ટ્રી'માં નવેમ્બર ૧૭, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ

v  અસલ અંગ્રેજી લેખ, Desperately Seeking a Role Model, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર નવેમ્બર ૧૮, ૨૦૧૩ના રોજ Indian MythologyMahabharata  • LeadershipRamayana World Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ એપ્રિલ ૨૮, ૨૦૧૪