બુધવાર, 11 જૂન, 2014

સીતાનાં મૌનની વાચા - દેવદત્ત પટ્ટનાઇક

એક વાર, મેં મારાં બહેન ને પૂછ્યું કે જો તેણે પસંદગી કરવાની હોય, તો તે રામને પરણે કે કૃષ્ણને. તેણે ફડાક દેતો જ જવાબ આપ્યો, "કૃષ્ણને જ વળી !"

મેં થોડા ચેતવણીના સૂર કાઢ્યા, અને યાદ કરાવ્યું કે રાધા, સત્યભામા કે રૂકમણી જેવી જેને પ્રિયતમાઓ હોય તે તમને વફાદાર રહે તેમ માની ન શકાય..

“પણ, ગામે ફેલાવેલી બેવફાઈની અફવાઓ માત્રથી જે પોતાની પત્નીને ઘરની બહાર કાઢી મૂકે, તેવા સાથે કેમ પરણાય ? - તેમનો સણસણતો પ્રતિભાવ આવ્યો.

મેં બચાવમાં આગળ દલીલ કરી કે, તેઓ કદાપિ બીજી વાર ન પરણ્યા, પોતાનાં કુટુંબના દબાણ છતાં હંમેશાં તેમની એક માત્ર પત્નીને જ ચુસ્તપણે વફાદાર જ રહ્યા. તે એક માત્ર એવા દેવ છે જેમને 'એક્પત્નીવ્રતધારી' તરીકે સન્માનાયા છે. મારાં બહેન હવે થોડાં અચકાયાં, અને વિચાર કરવા લાગ્યાં. પણ આખરમાં રામના મારા બચાવથી અકળાઇ જઇ ને તે બડબડી પડ્યાં, 'મારી દૃષ્ટિ એ તો તે આદર્શ પુરૂષ નહોતા જ."

મેં પણ બચાવ દલીલ આગળ ધપાવી :'કોણ કહે છે કે તે આદર્શ હતા?' 'બધાં જ વળી !" તેમણે ટીચકું ચડાવીને જવાબ વાળ્યો.

આ જવાબે મને વિચારતો કરી દીધો. રામ 'મર્યાદા પુરુષોત્તમ' કહેવાય છે, એટલે કે તેઓ 'બધા જ નિયમોનું પૂર્ણપણે પાલન કરતા' પુરુષ હતા. તે માત્ર 'પુરુષોત્તમ; - આદર્શ પુરુષ - નથી. 'મર્યાદા'નું આ મહત્વનું વિશેષણ તેમને બીજા અન્ય પુરુષોત્તમ - 'લીલા પુરુષોત્તમ -' કૃષ્ણથી અલગ પાડે છે. જરૂર પડ્યે, હસતાં ખેલતાં નિયમોને વાળી, કે તોડી, કાઢીને કૃષ્ણ બહુ જ સરળતાથી ખેલ માંડી શકતા હતા.

કૃષ્ણ વગર રામને સમજાવાનો પ્રયત્ન કરવો એ મુખ્ય પાસાઓ વગર જ કોયડો ઉકેલવા બરાબર છે. આમ તો, કોઇ પણ હિંદુ દેવી કે દેવતાને સમજવા માટે સમગ્ર દેવમડળને પણ સમજવું જરૂરી છે, જેમ કે દેવની પરિકલ્પનાને દેવીને સમજ્યા વગર સમજી ન શકાય. સામાન્ય રીતે માનવામાં આવે છે તેમ તેઓ માત્ર પૌરૂષત્વ કે સ્ત્રીત્વનાં જ પ્રતિક નથી, આપણાં મનની દુનિયાની પાર જે વૈચારિક શક્તિ અને વિશ્વ - બીજા શબ્દોમાં કહીએ તો, માનવતા અને પ્રકૃતિ -નાં પણ તેઓ પ્રતિક છે. બંને એકબીજાનાં પૂરક છે. દરેક પાત્ર અને કથાવસ્તુ એક રૂપક છે. આપણે જેમને વૈદિક કે હિંદુ કે ભારતીય વિચારધારા તરીકે ઓળખીએ છીએ તે રૂપકોનાં જાળાંઓ આ કથાઓનું પોત સર્જે છે.

મારાં બહેન જેમ, મોટાં ભાગનાં લોકો,સંયમી અને અતડા જણાતા રામને બદલે રંગીલા અને મોહક કૃષ્ણના પક્ષમાં જોવા મળે છે. પણ એક પુરાણશાત્રીની હેસિયતથી, મને આ થોડું વિચિત્ર લાગે છે, કારણે કે તે બે અલગ વ્યક્તિઓ છે જ નહીં. બંને વિષ્ણુના અવતાર છે, બે અલગ સંદર્ભોમાં રહેલ અલગ સ્વરૂપો છે જે સમયની અલગ અલગ માંગ મૂજબ વર્તન કરે છે.

રામનું કાર્યફલક ત્રેતા યુગમાં છે. તેઓ રાજવી કુટુંબના જ્યેષ્ઠ પૂત્ર છે, રાજ્યના નિયમોનું પાલન કરવું એ તેમનો ધર્મ છે. જ્યારે કૃષ્ણ, રામના સમય પછીના, કંઇક અંશે વધારે ભ્રષ્ટ કહી શકાય એવા, દ્વાપર યુગમાં વસ્યા છે. તેઓ એવાં કુટુંબમાં જન્મ્યા છે જેમને માથે મુગટ કદી પહેરવા નહીં મળે તેવો શ્રાપ છે. આમ કૃષ્ણને આપણે રાજા રજવાડાંઓની રક્ષા કરતા કે રાજાઓ બનાવતાં જોઇએ છીએ, પણ મંદિરોમાં તેમને ભાગ્યે જ યોદ્ધા તરીકે જોઇશું : તેમને ગોવાળ કે સારથિ તરીકે ભજવામાં આવશે, જે ભારતની જાતિ અધિશ્રેણીના સંદર્ભમાં પ્રમાણમાં નીચી, સેવક તરીકેની, પણ કદાપિ અકસ્માત કે બીનમહત્વની નહીં , ભૂમિકાઓમાં જ જોઇશું.

રામ જો વર્ણાશ્રમધર્મ - સામાજીક અવસ્થા અને જીવન ક્રમ પર અધારીત, વૈદિક સામાજિક એન્જીનયરીગ વ્યાખાયીત કરતી શિષ્ટ આચારની સંહિતા-ના પ્રણેતા તરીકે ઉભરી આવે છે, તો કૃષ્ણ એ બધાંનો અંદરથી જ, તેને સીધાં જ પડકાર્યા સિવાય જ, વિદ્રોહ કરે છે - ખુલ્લો વિરોધ બીજા અવતારમાં જોવા મળે છે. આમ વિષ્ણુ તંત્ર વ્યવસ્થાને નિયત ઠેરવે છે, તેની સાથે સાથે તેની સામે ચેતવણીનો સૂર પણ કાઢે છે. રામ કે કૃષ્ણની ભક્તિમાં જેઓ તલ્લીન છે તે લોકો આ વાત કદાચ ચૂકી જાય છે, પણ કેટલાંય મહાકાવ્યો કે ઐતિહાસિક તવારીખોમાં જે લોકો કોઇ ચોક્કસ ઢાંચાની ખોજમાં છે તેઓ આ વાત નથી ચૂકતાં.

બ્રહ્મા જેનું સર્જન કરે અને શિવ જેનો નાશ કરે એવી સામાજિક વ્યવસ્થાના, વિષ્ણુ સંરક્ષક મનાય છે. બધી જ વ્યવસ્થાઓ માનવીય નિયમો અને મૂલ્યો પર આધારીત છે, જેનો એક તપસ્વી તરીકે શિવ ઉપહાસ કરે છે - તેમની દૃષ્ટિએ માનવ નિયમો અકુદરતી છે, અને તેથી જ તેમને કુદરતી જીવન શૈલિ વધારે અનૂકુળ આવે છે. પણ કુદરતનાં રાજમાં તો જે સહુથી વધારે લાયક છે તે ટકી રહી શકે છે, જેમનામાં એ સામર્થ્ય નથી તેમના માટે કોઇ આશા નથી.સામાજિક વ્યવસ્થા એ માણસનો સંસાધનો પેદા કરવાનો પ્રયાસ છે, જેના વડે નબળા વર્ગને મદદ કરી શકાય અને એવાં વિશ્વનું સર્જન કરી શકાય જેમાં માત્ર બળિયાના જ બે ભાગ ન હોય. એ માટે કરીને નિયમો બનતા રહે છે.

પરંતુ, નિયમોની એક અંધારી બાજૂ પણ છે, જે રામાયણમાં જોવા મળે છે.નિયમોને કારણે પિતાએ તેમની અવર રાણીને આપેલ વચન પાળવા સારૂ કરીને રામે વનવાસ ભોગવવો પડે છે. આ ઘટનાની શ્રેષ્ઠ રજૂઆત તુલસીદાસનાં રામચરિતમાનસમાં જોવા મળે છે - પિતાનાં 'રઘુ કુલ રીત સદા ચલી આઈ' કથનના પ્રતિભાવમાં પૂત્ર કહે છે, 'પ્રાણ જાય પણ વચન ન જાય."

સમગ્ર મહાકાવ્યમાં આ પરંપરાનો ઓછાયો જોવા મળે છે. પછીથી જંગલમાં લક્ષ્મણ સીતા જે વાટિકામાં રહે છે તેની આસપાસ એક રેખા ખેંચે છે. પ્રાંતિય રામયણોમાં આ રેખાનો જે ઉલ્લેખ છે, પણ વાલ્મિકી રામાયણમાં નથી, તે પોતે જ નિયમોનું એક પ્રબળ રૂપક છે.સીતા રામનાં પત્ની છે, માટે લક્ષ્મણ રેખાની અંદરના નિયમોનાં પાલનમાં જ તેમનું શ્રેય છે. રેખાની બહાર તો તે એક સામાન્ય સ્ત્રી છે જેની સાથે જેને જે ફાવે તે વ્યવહાર કરી શકે. તે રેખાની અંદર જ સુરક્ષિત છે. તેવામાં એક સંન્યાસી આવીને, અન્નદાનની માગણી કરતાં, મહેમાનની ઇચ્છાઓને સંતોષવાના નિયમની દુહાઇ આપે છે. સીતા માટે હવે દ્વિધા એ છે કે પોતાની સુરક્ષા ખાતર રેખાની અંદર રહેવું કે એક રાજપત્નીને અનૂરૂપ મહેમાનને અન્નદાન કરવું? સીતા બીજો વિકલ્પ પસંદ કરે છે, અને અપહરણ સ્વરૂપે તેની કિંમત પણ ચૂકવે છે !

નિયમોએ સીતાને ફરી એક વાર પણ પરેશાન કરેલ છે. મન અને શરીરથી તે પવિત્ર હશે, પણ તેની આબરૂને એબ લાગી હતી. એ સંજોગોમાં તે અયોધ્યાનાં રાણી રહી શકે ? લોકોની દૃષ્ટિએ જવાબ 'ના' હતો. એટલે રામે તેમનો ત્યાગ કર્યો. જે નિયમો રામને આદર્શ રાજકુમાર, આદર્શ રાજા અને આદર્શ પૂત્ર બનાવે છે, તેવા જ નિયમે તેમને આદર્શ પતિ બનવામાં નિષ્ફળ કર્યા. કમ સે કમ, આપણે તો એમ જ માનીએ છીએ.

પરંતુ, વાત એટલી સરળ નથી. નિયમો તો એમ પણ કહે છે કે કોઇ પણ યજ્ઞની વિધિ સમયે રાજાની પડખે તેમનાં પત્ની હોવાં જ જોઇએ.એટલે લોકોએ રામને પુનઃલગ્ન કરવા કહ્યું, તેમણે એ વાત સાથે સહમતિ ન ભરી. તેમણે રાણીનો ત્યાગ કર્યો હતો, પત્નીનો નહીં.પોતાની બાજૂમાં કોઇ બીજી સ્ત્રીને બદલે સોનાની એક પુતળી બેસે તે તેમને મંજૂર હતું. આમ,એક રીતે તેમણે પોતાની પત્નીમાટેના પ્રેમ અને આદરની પ્રતિતિ કરાવી, અને તે રીતે બીજી સ્ત્રી તરફ નજર પણ કરનાર પુરૂષ બની એક આદર્શ પતિ પણ બની રહેવાની સાથે સાથે નિયમ પાળનાર શાસક પણ બની રહ્યા. સ્ત્રી માટે આ કક્ષાની વફાદારી પુરાણોમાં બીજે ક્યાંય જોવા નથી મળતી.

કૃષ્ણ કાયદાઓ તોડે છે. તે જ્યારે વાંસળીના સૂર છેડે, ત્યારે બીજા પુરુષોની પત્નીઓ તેમની સાથે, ગામની બહાર, રાત્રે, રાસ રમવા ઘેલી થાય.અને તેમ છતાં, એમાં કંઇ જ ખોટું ન કહેવાય. તે જે કંઇ કરે તે પોતાના અંગત સ્વાર્થ માટે નહીં પણ અન્યનાં હિત માટે જ હોય. તેઓ જે કંઇ કરે તે પોતાનાં આનંદ માટે નહીં, પણ, નિયમોના ઓછાયાઓ હોવા છતા, બીજાં લોકો એ બધાંથી તેમની ક્ષમતા ખોળી કાઢી શકે, તેમની સ્વતંત્રતા પામે,તેઓ આનંદ પામે, માટે કરીને કરે.તેમનું ધ્યાન ગેરસમજ થઇ શકે તેવાં નજરે દેખાતાં કૃત્યો તરફ નહીં, પણ જે સીધી રીતે દેખાતા નથી એવા આશય તરફ છે.

મહાભારતમાં, દેશનો રાજા નિયમો પાછળની ભાવનાનો ખુર્દો બોલાવી દેતો હોય, પણ દેખીતી રીતે તો તે નિયમોનું અક્ષરશઃ પાલન કરતો દેખાય, અને તેથી જ એક સ્ત્રીનું જ્યારે જાહેરમાં વસ્ત્રાહરણ થઇ રહ્યું હોય છે, ત્યારે ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, દ્રોણ, કર્ણ કે પાંડવો પૈકી કોઇ વીર અને સન્માનીય પુરૂષ એક શબ્દ વિરોધમાં ઉચ્ચારી નથી શકતો. બધાએ કાયદાનું ઓઠું ઓઢી લીધું હતું. અને તેથી કરીને, જે કાયદાઓ સમાજના નબળા વર્ગનું રક્ષણ કરવાની પાયાની જવાબદારી ન અદા કરતા, તેમને કૃષ્ણ તોડી નાંખે છે. જે સમાજમાં માત્ર સમર્થ વર્ગનું હિત સચવાતું હોય, તેને તો સમાજ જ કેમ કહેવાય ? એ તો જંગલ કરતાં પણ ઉતરતી હાલત થઇ - જ્યારે શિવ બ્રહ્માનો વિરોધ કરી તેમની સામે પડે છે તે પ્રકારની ચેતવણી સ્વરૂપ કથાઓ પુરાણોની શરૂઆતમાં જોવા મળે છે.

સમગ્ર હિંદુ તત્ત્વજ્ઞાન આપણામાંના પશુત્વને અતિક્રમવા વિષે છે.આપણી આસપાસની દુનિયાને આપણે ભલે સભ્ય બનાવી દઇએ, પણ ધર્મ તો બધું પચાવી પાડવાની અને આધિપત્ય જમાવવાની આદમ વૃત્તિ ધરાવતાં આપણી અંદરનાં પશુને સભ્ય કરવામાં છે. બીજાની પત્નીના સ્પષ્ટ વિરોધ છતાં પણ તેના પર પોતાનો હક સિધ્ધ કરીને નિયમ ભંગ કરતા રાવણમાં એ પાશવી વૃત્તિ છતી થાય છે. દ્રૌપદી પર શારીરીક આધિપત્ય જમાવવા માટે કરીને કાયદાનું પાલન કરતા દુર્યોધનમાં પણ એ વૃત્તિ છતી થાય છે. રાવણ પણ કૃષ્ણની જેમ નિયમનો ભંગ કરે છે, પણ તેની ભગવાન તરીકે પૂજા નથી થતી, કારણ કે તે પોતાની પાશવી વૃત્તિને વશ થઇ અબળા અને લાચાર સીતા માટે અનુકંપા નથી દાખવી શકતો. નિયમોનું પાલન કરવા છતાં દુર્યોધન રામ નથી કહેવાતો કારણકે પોતાને ફાવતા નિયમોનું પાલન એ માત્ર દેખાડો છે, જેની આડશમાં તે દ્રૌપદીનું શોષણ કરીને તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો. ૧૯મી અને ૨૦મી સદીઓમાં ઇશ્વર અને ધર્મ માટેની સીધી સાદી સમજ માટેની દોટમાં આ કથાનકોની આવી થોડી જટિલ વિગતોને નજરઅંદાજ કરાઇ, કે, બહુધા ન પણ સ્વીકારાઇ.

રામનાં નિયમપાલન અને નિર્ણયોને મૂગે મોઢેં વેઢારતી સીતાને બદલે લોહીથી વેર વાળવા ચીખતી ચિલ્લાતી દ્રૌપદીની આપણે સરાહના કરીએ છીએ. આપણને સીતા નહીં પણ દ્રૌપદી વધારે જચે છે, કારણકે આપણા સમાજમાં સંભળાવવાને મહત્વ મળે છે, નહીં કે સામેની વ્યક્તિને સાંભળવાને. એટલે માનસીકપણે ઘાયલ દ્રૌપદીની જેમ, બીજાં કોઇને પણ સાંભળ્યા સિવાય, આપણે ગાઇ વગાડીને આપણી રજૂઆત કરવામાં લીન છીએ.(દ્રૌપદીને અંતમાં ન્યાય તો જરૂર મળે છે, પણ ત્યાં સુધીમાં તે પોતાનાં સંતાનો ખોઇ ચૂકી હોય છે.)

સીતા આવું કશું કરતાં નથી. આપણે ભૂલી રહ્યાં છીએ કે તેઓ ઉપનિશદના પુરસ્કર્તા એવા રાજર્ષિ જનકનાં પૂત્રી છે. વાલ્મિકીએ બહુ ભારપૂર્વક જણાવ્યું છે કે આ કોઇ અકસ્માત સંબંધ નથી. સીતા એ કોઇ સામાન્ય સ્ત્રી નથી. તે માત્ર પૂત્રી કે પત્ની કે મા નથી. એ પોતે પણ એક ઋષિ છે. નિયમો અને મૂલ્યોને કારણે તેમના પતિ પર જે કંઇ વીતી રહ્યું છે તેને શાંતિથી જૂએ છે. લક્ષ્મણ પોતાના મોટા ભાઇ આદર્શ આચારણ જ કરે તેમ અપેક્ષા કરે છે તેની તેમને જાણ છે.તેમને ખબર છે કે સુપર્ણખા અસ્વીકાર પચાવી ન શકવાથી ઔચિત્યની સીમાઓ પાર કરી જશે, અને અંતે તેની કિંમત ચૂકવશે. રાવણ તેની બહેનનાં અપમાનનાં બહાનાં હેઠળ પોતાની વાસનાની પૂર્તિ કરવા માગે છે તે પણ તેઓ જાણે છે. લોકોને તેમની જરૂર છે, અને તેમને તો લોકોની જરૂર નથી એમ સમજવાથી નિપજતા લોકોની નબળાઇઓના ધીરોદત્ત અને મમતાળુ સ્વીકારને બદલે તેમનાં મૌનને લોકો તેમની નબળાઇ માની રહ્યાં છે તે પણ તેઓ જાણે છે.

સીતાએ તેના પતિ અને પોતાને સાંભળેલ છે, તેને ખ્યાલ આવી ગયો છે કે રામ એ ભરોસા પાત્ર ઇશ્વર, વિષ્ણુ, છે, જ્યારે પોતે સ્વતંત્ર દેવી, લક્ષ્મી, છે. તે વનવાસ દરમ્યાન રામને પ્રતિબધ્ધતાથી અનુસરે છે, લંકામાં ધીરજથી તેમની રાહ જૂએ છે,અને આખરમાં જ્યારે તેને મહેલની બહાર કાઢી મૂકે છે, ત્યારે શાંતિથી પોતાનાં ભાગ્યને સ્વીકારી લે છે.બધા જ વિપરીત સંજોગોને પોતાનાં આંચલમાં સમાવી લેવાની તેઓ શક્તિ ધરાવે છે. જેને ખેડતાં જનકે તેમને મેળવ્યાં હતાં, તેવી વિશાળ પેટ પૃથ્વી જ તો તે હતાં !

મૂળ ભૂત રીતે, સંસ્કારિતા ન્યાયી નથી હોતી. તે પ્રકૃતિ પર નભે છે, અને તેમ કરતાં તેની આસપાસની પરિસ્થિતિનાં પર્યાવરણનો નાશ કરે છે. સાંસ્કૃતિક આભાસને કારણે આપણને આ સત્ય દેખાતું નથી.ગમે તેટલાં મથો, દરેક સમાજને પોતાનાં કાયદાકાનુન હશે જ, જે એક આગવી અધિશ્રેણી પેદા કરશે, જેને પોતાનાં આગવાં શોષક અને શોષીત હશે. અધિશ્રેણી વિનાનો સમાજ એ ખોરાકની સાંકળના અગ્રતાક્રમ વગરનાં જંગલ બરાબર જ બની રહે.

બ્રહ્મા આદર્શ સમાજની રચના માટે મથે છે, પણ આખરે તેમનામાં રહેલ પશુને વશ થઇ જ રહે છે, જેને કારણે શિવને તેમનાં સર્જનનો નાશ કરવાની ફરજ પડે છે. સર્જક અને સંહારકની વચ્ચે વિષ્ણુ, રામ અને કૃષ્ણના રૂપમાં, નિયમોનાં પાલન કે ઉચ્છેદન દ્વારા કે રાવણ અને દુર્યોધનો સાથે યુદ્ધો કરીને, સંરક્ષક બની રહે છે, એ આશામાં કે લોકોને સમજાશે કે તેઓ વધારે પડતી ચાલાકીથી વર્તશે, દ્રૌપદી કે સીતાનું સન્માન નહીં કરે અને પુરાણોમાં વર્ણવાયેલ સ્ત્રી પાત્રો દ્વારા કુદરતની શક્તિને નહીં સ્વીકારે તો ધીરગંભીર, શાંત દેખાતી દેવી કાળિકાનું રૂપ લઇ લબકતી જીભે સમગ્ર દુનિયાનો કોળિયો બનાવી નાખશે.

રામાયણ એ માત્ર રામની વાત નથી. એ તો રામના સીતા સાથેના સંબંધોની કથા છે, જેના દ્વારા રામના અયોધ્યાનાં લોકો, કિશ્કિન્ધાના વાનરો કે લંકાના દાનવોસાથેના સંબંધોને સમજી શકાય છે. સીતાને હટાવી લો તો રામાયણ જ નહીં રહે.

સીતા જ્યારે રામને વનવાસ માટે અનુસરે છે, ત્યારે પરિસ્થિતિની ગંભીરતા આકાર લે છે.સીતા સમજાવે છે કે માત્ર ઇચ્છાઓ કે નિયમોથી જ કૃત્યો નથી પ્રેરાતાં, પણ લાગણીઓથી પણ કૃત્યો પ્રેરણા પામે છે.તેમને રામ સાથે એટલે રહેવું છે કે તે ક્યારે પણ એકલા ન પડી જાય. તે રામને યાદ કરાવતાં રહે છે કે રામ પર્યાવરણનો જ ભાગ છે. તેમનું કોઇ પણ કૃત્ય આસપાસનાં પર્યાવરણને અસર કરશે જ, તેમ એ પર્યાવરણની બધી જ ઘટનાઓની તેમના પણ અસર થશે. સીતા વગર, રામ તેમની ભરોસાપાત્રતા સિદ્ધ કરી શકે તેમ નથી. સીતા વગર, રામના ત્યાગને સિદ્ધ કરી ન શકાય. સીતા રામને પૂર્ણ બનાવે છે, તેમને ઇશ્વર બનાવે છે.અને મા જ, તે પણ દેવી છે.
  • 'મિડ ડે'માં નવેમ્બર ૨૪, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જૂન ૧૧, ૨૦૧૪
























ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો