સોમવાર, 1 સપ્ટેમ્બર, 2014

બન્યાં બનાવ્યાં તૈયાર બાળકો - દેવદત્ત પટ્ટનાઇક

clip_image003તમારા પતિથી તમને બાળક થઇ શકે તેમ નથી? તો લઇ લ્યોને કોઇનાં શુક્રાણુઓ દાનમાં. અને જો તમારી પત્ની તમને બાળક ન આપી શકે તેમ હોય કોઇનું બીજ દાન લઇ લો. જો તમારી પત્ની પોતાની કૂખમાં ગર્ભ ઉછેરી શકવા અસમર્થ હોય, તો એટલા પૂરતી કોઇની કૂખનો ઉપયોગ કરી લો.

આજનાં તબીબી વિજ્ઞાનને કારણે આપણે હવે આવા ઉપાયો વિષે બહુ પરિચિત થતાં ગયાં છીએ. જો કે,આપણી મૂળભૂત વિચારસરણી અનુસાર, આપણે ગુંચવાઇએ પણ છીએ કે વિશ્વ આધુનિક બની રહ્યું છે કે વિનાશ તરફ આગળ ધપી રહ્યું છે !

ખેર, હિંદુ પુરાણોમાં તો આવી કેટલી વિવિધ (કંઇક અંશે વિચિત્ર પણ લાગે તેવી)રીતે બાળક જન્મની રીતોની કહાનીઓ ભરી પડી છે.

જૈન પુરાણોમાં બ્રાહ્મણ સ્ત્રીને રહેલ ગર્ભ ઇન્દ્ર તેની કૂખમાંથી વધારે યોગ્ય, એક રાણી,ક્ષત્રિયાણીની, કૂખમાં ખસેડાવી આપે છે તેવી કથા છે, જે તિર્થંકરનાં સ્વરૂપે જન્મ લે છે. ભાગવત પુરાણમાં કંસથી બચાવવા યશોદાની કૂખમાંથી રોહિણીની કૂખમાં ગર્ભનું પ્રત્યારોપણ કરાયાની કથા છે, જે બલરામ સ્વરૂપે જન્મ લે છે.

રામાયણમાં દશરથ કૈકેયીને એટલા સારૂ પરણે છે કે તેની પહેલી પત્ની કૌશલ્યા તેને પુત્ર આપી શકે તેમ નથી. જ્યોતિષોના ભાખ્યા મુજબ કૈકેયીનો પુત્ર મહાન રાજા થશે. પરંતુ કૈકેયી પણ જ્યારે પુત્ર આપવામાં નિષ્ફળ રહે છે ત્યારે તે ત્રીજી વાર લગ્ન કરે છે અને દૈવી મદદ માગે છે. એટલે ઋષ્યશૃંગ ઋષિની મદદથી દશરથની પત્નીઓને ગર્ભ રહે તે માટે કોઇ ઔષધિ આપવા માટે દેવોને આહવાન કરવા માટે યજ્ઞ કરાવડાવવામાં આવે છે.

મહાભારતમાં જ્યારે વિચિત્રવીર્ય સંતાનવિહિન અવસ્થામાં મત્યુ પામે છે ત્યારે તેની માતા સત્યવતી વિચિત્રવીર્યની વિધવાઓનાં ગર્ભાધાન માટે વ્યાસ ઋષિની સહાય માગે છે. ધૃતરાષ્ટ્ર અને પાંડુનો જન્મ આ રીતે થયો હતો. તો વળી કુંતિ જુદા જુદા દેવોને આહવાન કરીને યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનને પ્રાપ્ત કરે છે. પાંડુના ખરા અર્થમાં પુત્રો ન હોવા છતાં તેઓ પાંડવો તરીકે જ ઓળખાયા. પાંડુ તો માત્ર તેમની માતાના પતિ હતા, જેને કારણે તે પિતા હોવાના હક્કો ભોગવી શક્યા. એ તર્ક મુજબ કર્ણ પણ તેમનો જ પુત્ર ગણાવો જોઇતો હતો, પણ તેનો જન્મ તેમની સંમતિથી નહોતો થયો, એટલે કુંતિ પણ પોતાના પતિને એ પુત્ર વિષે કહી ન શકયાં અને એ પુત્ર જન્મતાં જ ત્યાગ કરવો પડ્યો હતો. આમ માત્ર જૈવિક હકીકતો સિવાય રાજકારણ અને વારસાને લગતી બાબતો પણ પિતૃત્વ નક્કી કરતી.

આવું જ કંઇક આપણને આજના આપણા બાળજ્ન્મના કાયદાઓમાં જોવા મળે છે. જો તમે પ્રમાણિત વિજાતીય વિવાહિત યુગલ હો તો તમે કોઇની કૂખ પણ ભાડે લઇ શકો, પણ સમલૈંગિક યુગલો તેમ કરી ન શકે.અને તેમ છતાં, યુજ અને ઉપાયુજ બંને બ્રહ્મચારી પુરુષ ઋષિઓ હોવા છતાં,અગ્નિકુંડમાંથી દૌપદી અને દૃષ્ટદ્યુમન જેવાં જોડકાંને જન્મ આપી શક્યા. કૃત્તિભાસનાં બંગાળી રામાયણ અનુસાર રાજા દિલિપની બે વિધવા રાણીઓએ સમાગમ કરીને ભાગીરથને જન્મ આપ્યો હતો.

જો તમે તે બાળક તમારૂં છે તેમ પિતૃત્વ કસોટીની એરણે સાબિત કરી શકો તો, તમે તમારાં બાળકનાં એકલ પિતા બની શકો. જો કે જેમ કણ્વ ઋષિએ જંગલમાં ત્યજી દેવાયેલ બાળકી,શકુંતલા, ને દત્તક લીધેલી તેમ એકલ પિતા તરીકે તમે બાળકને દત્તક લઇ શકો. પણ બાળકને ખરીદીનાં સ્વરૂપે તમે ન મેળવી શકો. તેનું કારણ એમ અપાય છે કે એ સ્થિતિના ગેરલાભ ઉઠાવી શકાય. જાણે કે દત્તક લેવાની વિધિના ગેરલાભ ઉઠાવી જ ન શકાય ? હરિશ્ચંદ્રએ સો ગાયોની કિંમત ચૂકવીને સુનહશેપને 'પુત્ર' તરીકે ખરીદીને પછી વરુણને ખુશ કરવા બલિદાન માટે પોતના ખરા પુત્ર રોહિતની જગ્યાએ ધરી દીધો હતો, તેવી કોઇ પૌરાણિક કથા આવા કાયદાની પાછળ હોય તેવું પણ શક્ય છે.
  • 'મીડ ડે'માં ઑગસ્ટ ૪, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ 
  • અસલ અંગ્રેજી લેખ, Readymade Babies, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ડીસેમ્બર ૨૧, ૨૦૧૩ના રોજ  Indian Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે. 
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ સપ્ટેમ્બર ૧, ૨૦૧૪