બુધવાર, 10 સપ્ટેમ્બર, 2014

થીસીયસનું જહાજ - દેવદત્ત પટ્ટનાઇક

clip_image003ના, આપણે થોડા સમય પહેલાં આવેલી ફિલ્મની વાત નથી કરી રહ્યાં. આપણે તો વાત કરવાનાં છીએ 'થીસીયસનાં જહાજ' તરીકે ઓળખાતા એક તત્વશીલ વિચારની, જે 'અબ્રાહમ લિંકનની કુહાડી' તરીકે પણ ઓળખાય છે.

આ વિચાર ગ્રીક તત્વચિંતકોમાં બહુ જ પ્રચલિત હતો, અને પછીથી મોટા ભાગના પાશ્ચાત્ય તત્વચિંતકોમાં પણ એટલો જ પ્રચલિત થયો. જો કે આ વિચાર વિષેની અર્વાચીન વિચારસરણીમાં પણ હિંદુ વિચારધારાનો ભાગ્યેજ સમાવેશ થતો જોવા મળે છે.

કોયડાનું દાર્શનિક ઘટક આ છે - એક કાળ પહેલાં થીસીયસ નામનો એક ગ્રીક યોદ્ધો માયનોસ નામનાં જહાજ પર સફર કરી રહ્યો હતો. ઘણી એવી સફર બાદ તે પોતાને ઘરે પાછો ફર્યો. આ બધી સફરો દરમ્યાન જહાજના લગભગ બધાજ પૂર્જા બદલાઇ ચૂક્યા હતા. એટલે પહેલી વાર ઘરેથી નીકળ્યો ત્યારે જહાજનું જે સ્વરૂપ હતું તે તાત્વિક રીતે તો સાવે સાવ બદલી ગયું હતું, તો હવે એ જહાજ 'થીસીયસનું જહાજ' કહેવાય ખરું?

આવું જ અબ્રાહમ લિંકનની કુહાડીનું પણ છે. જ્યારે તે ઘસાઇ ગઇ ત્યારે તેમણે તેનું ધાતુનું પાનું બદલી નાખ્યું. હાથો તૂટી ગયો ત્યારે તે હાથો પણ બદલી નાખ્યો. આવું તેમણે અનેક વાર કર્યું હતું. એટલે જે કુહાડીથી લિંકને શરૂઆત કરી હતી, તે, અંતે, આમ તો સાવેસાવ બદલાઇ જ ચૂકી હતી. તો પણ તે ઓળખાઇ તો 'અબ્રાહમ લિંકનની કુહાડી' તરીકે જ.

પાશ્ચાત્ય તત્વજ્ઞાનને 'સત્ય'નું વળગણ બહુ છે, એટલે પાશ્ચાત્ય તત્વચિંતકો પણ તેની બહુ જ ચર્ચા કરતા હોય છે. એટલે 'થીશીયસનું જહાજ' કોને કહેવું તેની પણ અનેક ચર્ચાઓ થતી રહી છે. અમર્ત્ય સેનનું કહેવું છે કે ભારતીય લોકો પણ દલીલો તો બહુ જ કરતાં હોય છે. ભારતીય લોકો પણ યુરોપીઅનો જેમ જ વિચારે છે એ વાતનો તેઓ બચાવ રજૂ કરી રહ્યા હતા. જો કે એવું ખરેખર તો છે નહીં. હિંદુ તત્વચિંતકોની દૃષ્ટિએ તો એક પ્રકારની સમજણની જગ્યાએ બીજા પ્રકારની સમજણને સારી કહેવી એ તો અધૂરી માહિતીની દશા બતાવે છે, ખરેખર તો વિવેક બુદ્ધિ સર્વગ્રાહી હોય છે અને દરેક પ્રકારની સમજને સ્વીકારે છે. તો પછી આ બધી દલીલો શાને માટે છે ? સામે વાળાંની સમજને બરાબર સમજો અને સર્વગ્રાહી સમજણનો આનંદ મનાવો. ઉપનિષદ કહે છે તેમ -તત ત્વમ અસિ - તે પણ ખરૂં છે.

હિંદુ વિચારધારાએ સ્થાયીત્વને બદલે અસ્થાયીત્વ કે ભૌતિક વસ્તુને બદલે વિચારને વધારે મહત્વ આપ્યું છે. જો કે, (જેમ કે) ચાર્વાકનાં તત્વજ્ઞાન મુજબ આનાથી ઊંધું સાચું છે, તેમ છતાં મુખ્યત્વે ઝોક આ તરફનો રહ્યો છે. એટલે કે ભૌતિક વસ્તુને બદલે વિચારનું મહત્ત્વ વધારે છે. પુરીનાં મંદિરોમાં દેવીદેવતાઓની મૂર્તિઓનો નિયમિતપણે નાશ કરાતો રહે છે, અને તેની સામે તે ફરીથી પણ બનતી રહે છે. આમ ઇશ્વર બદલતા રહેવા છતાં એ જ રહે છે. ભાગો બદલતા રહે, મૂળ એ જ રહે. બદલતાં રહેતાં સ્વરૂપની પાછળનો મૂળ વિચાર એ જ રહે. જો કે વિચારો પણ કાયમી જ હોય તેવું જરૂરી નથી. તે પણ બદલતા રહી શકે છે. શરૂઆતમાં ઇશ્વર એક આકારનું સ્વરૂપ લે છે, પણ સમય જતાં આપણને સમજાય છે કે ઇશ્વર તો આપણા વિચારમાં છે. આ સમજ પણ આપણને એ આકારમાંથી જ પડવા લાગે છે. આખરમાં, આપણે વિચાર અને સ્વરૂપ બંનેને મહત્ત્વ આપવા લાગીએ છીએ. જુદાં જુદાં લોકો, બૌદ્ધિક અને ભાવનાપ્રધાન ઉત્ક્રાંતિના જુદા જુદા તબક્કે, જુદાં જુદાં સ્વરૂપોને મહત્ત્વ આપતાં રહે છે.

વિક્રમ વેતાળની પેલી બહુ જાણીતી વાત યાદ છે ને, જેમાં એક સ્ત્રી તેના પહેલવાન પ્રેમીનાં મસ્તકને તેના કવિ પ્રેમીનાં મસ્તકથી બદલી નાખે છે. એક એક ભાગ બદલતાં બદલતાં તે બધું જ બદલીને એક નવી જ વ્યક્તિ પેદા કરી નાખે છે. કવિ મસ્તક પેલા પહેલવાનનાં કસરતી શરીરને ગુમાવી બેસે છે, તો પહેલવાનનાં મસ્તકવાળી વ્યક્તિ કવિનાં નરમ શરીરને કસવા કસરતો કરવા માંડે છે. બિચારી પેલી સ્ત્રી હવે વિચાર અને સ્વરૂપની વચ્ચે સાવ જ ગુંચવાઇ ગઇ છે. આપણું પણ કંઇક આવું જ થતું હોય છે. જો થીસીયસનું જહાજ કે અબ્રાહમ લિંકનની કુહાડી વસ્તુને બદલે સજીવ, વ્યક્તિ, હોત તો કેટકેટલા ગુંચવાડા ઊભા થઇ ગયા હોત તે વાત શું આપણે ભૂલી ગયાં છીએ કે !

'મીડ ડે'માં જુલાઇ ૨૮, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
  • અસલ અંગ્રેજી લેખ, Ship of Theseus, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ડીસેમ્બર ૨૭, ૨૦૧૩ના રોજ indian mythology  myth theory  world mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે. 
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ સપ્ટેમ્બર ૧૦, ૨૦૧૪