શનિવાર, 20 સપ્ટેમ્બર, 2014

ફરી ફરીને હતા ત્યાં જ પાછા ફરવું - દેવદત્ત પટ્ટનાઇક

clip_image003તેમનાં સમગ્ર જીવન દરમ્યાન ભગવાન બુદ્ધે બધી જ વસ્તુઓની ક્ષણભંગુરતા વિષે, તેમ જ અપેક્ષાઓ અને નિરાશાઓ વચ્ચેનાં સંબંધની વાત કહી છે. એટલે તેમનાં મૃત્યુ પછી તેમનાં અસ્થિ કે દાંત કે વાળ જેવી પાર્થિવ નિશાનીઓને માટી અને છાણના ઢગલામાં રાખી, તેના પર છત્ર અને ફૂલો ચડાવીને તેમની સ્તૂપો તરીકે પૂજા થવા લાગી તે થોડું વિચિત્ર કહી શકાય. ભૌતિક સ્વરૂપે નહીં તો લોકો તેમની પરિકલ્પના થકી કાયમી સ્વરૂપે યાદ રાખવા માગતાં હતાં. સ્તૂપની આજૂબાજૂ લોકો ભક્તિભાવપૂર્વક પ્રદક્ષિણા કરતાં. સ્તૂપના પરિઘની પરિમિતિ પર પ્રદક્ષિણા કરવાને પરિક્રમા કહેવામાં આવી. ભક્તિભાવપૂર્ણ આ પ્રથામાં ધીમે ધીમે બ્રહ્માંડની ગતિનું પ્રતિબિંબ - ફરી ફરીને દરેક વસ્તુ હતી ત્યાં જ પાછી ફરે છે - કે ઋતુઓની જેમ બધું જ પુનરાવર્તી કાળચક્રીય છે એવાં આધ્યાત્મિક અર્થઘટન પણ ભળવા લાગ્યાં.
બુદ્ધના સમયકાળ પછી આપણે ત્યાં મૌર્ય વંશનું રાજ્ય રહ્યું, જેના મહાન સમાટ અશોકનો રાજ્યકાળ ઈસવી સન પૂર્વે ત્રીજી સદીમાં હતો. તેની રાજધાની પાટલીપુત્રમાંથી ઉદ્‍ભવતા તેના રાજ્યના કાયદાઓ ગંગાના તટીય વિસ્તારોમાંથી થઇને ઉત્તરમાં (આજનાં અફઘાનિસ્તાન) ગાંધાંર અને દક્ષિણમાં આંધ્ર પ્રદેશ સુધી વર્તુળાકારે પ્રસરેલા હતા.તેની રાજ્યસત્તાના પ્રસારની સાબિતી તેણે ઊભા કરાવેલા શિલાલેખો છે. બૌદ્ધ સાધુ અને સાધ્વીઓને, તે દુનિયાના અલગ અલગ પ્રદેશોમાં બૌદ્ધ ધર્મના પ્રચાર અર્થે જવા માટે તેઓ પ્રોસ્તાહીત કરતા. આમ, નવાં ઘરની શોધ કે બીજાંઓની જમીન પરની ચડાઈઓને બદલે વિચારોના પ્રસાર રૂપે મુસાફરીનું એક નવું સ્વરૂપ જોવા મળે છે.
સામ્રાજ્ય અને વિચારોનો વિસ્તાર એ, સામાન્યતઃ આંતર્મુખી કહી શકાય તેવી હિંદુ પારંપારિક વિચારધારા માટે કંઇક અંશે બહારી ભાવના કહી શકાય. શકય છે કે મહાન સિકંદરે પર્શીયન રાજય જે રીતે ઉખાડી નાખી, તે સમયનાં વિશ્વને હલબલાવી કાઢીને ભારતની વાયવ્ય સીમાઓ સુધી પગપેસારો કર્યો હતો, તેમાંથી આ વિચારો પ્રેરિત થયા હોય.તેના સમયના મહાન ગ્રીક ચિંતકોના વિચારોથી પ્રેરાઈને તેણે દુનિયાને બદલી નાખવાની કોશીશ કરી, પોતાના વિચારોથી તેણે વિશ્વને એક સૂત્રે બાંધવા પ્રયત્ન કર્યો, જેને પરિણામે તેણે એલેક્ઝાંડ્રીયા નામક અનેક શહેરો તેની વિજયકૂચના માર્ગમાં ઊભાં કર્યાં.
એમ કહેવાય છે કે સિંધુના તટે તેનો મેળાપ એક ગૂઢ રહસ્યવાદી નાગા સંપ્રદાયના સાધુ સાથે થયો. શક્ય છે કે તે કોઈ જૈન દિગંબર સાધુ હોય. દિગંબર એટલે દિશાઓ જ જેનાં વસ્ત્ર છે તેવી (નગ્ન) વ્યક્તિ. એક શિલા પર શાંત ચિત્તે બેસીને, આકાશ તરફ જોઈ રહેલા એ સાધુને જોઇ, સિકંદરે તેમને પૂછ્યું, 'તમે શું કરો છો ?'. દિગંબર સાધુએ જવાબમાં કહ્યું કે, 'કંઇ નહીંને અનુભવી રહ્યો છું.' તે સાંભળીને સિકંદર હસી પડ્યો, તેને લાગ્યું કે આ સાધુ તો પાગલ લાગે છે, કારણ કે તે મુસાફરી કરતો નથી, તેને કોઈ મહેચ્છાઓ નથી, તેનું જીવન દિશાશૂન્ય છે. દિગંબર સાધુ પણ હસી પડે છે કારણકે દુનિયામાં કોઈ જવા ઠેકાણું જ નથી. ચાલતાં હો કે બેઠાં હો, તમે સદાય સફરમાં જ રહો છો - એવી સફર કે જેમાં ફરી ફરીને પાછાં હતાં ત્યાં જ પાછાં ફરવાનું રહે છે, કદાચ થોડાં વધુ સમજુ બનીને !
clip_image001 'મીડ ડે'માં જુલાઇ ૨૧, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો