બુધવાર, 4 ફેબ્રુઆરી, 2015

કહાની ત્રણ મેરીની - દેવદત્ત પટ્ટનાઇક

imageઆપણે બધાં મધર મેરીને ઈસુ ખ્રિસ્તનાં મા તરીકે તો જાણીએ જ છીએ. પરંતુ બાઇબલનાં નવાં ટેસ્ટામેન્ટમાં બહુ બધી મેરીની વાત જોવા મળે છે. આમાંના ત્રણ મેરી તો જે ક્રોસ પર ઈસુનો વધ કરાયો તે ક્રોસને ઊંચકીને લઇ જતા હતા તે સમયે વાતાવરણમાં જે ઉત્કટતા હતી તેનાં સાક્ષી છે. આ ત્રણ મેરી ઈસુનાં પુનર્જીવિત થયાનું દર્શાવતી, દેવદૂત વડે સુરક્ષિત ખાલી કબરને સહુથી પહેલાં જોનાર સાક્ષી પણ હતાં. કોણ છે આ ત્રણ મેરી? તેમની ઓળખ વિષે ઘણા મત પ્રવર્તે છે.

સહુથી પહેલાં શકય મેરી, જોસેફનાં પત્ની, નાઝરેથનાં મેરી જ છે, જેણે બહુ જ વિશુદ્ધતાથી ઈસુને ગર્ભમાં ધારણ કર્યા અને જે ઈશ્વરનાં મા તરીકે ઓળખાય છે.

બીજાં સંભવતઃ મેરી હતાં ક્લોપસનાં પત્ની, પહેલાં મેરીનાં પિત્રાઇ અને જેમ્સનાં મા. કેટલીક કહાણીઓ મુજબ, તેમણે ઈસુના જન્મ વખતે દાયણની ભૂમિકા પણ ભજવી હોવાનું કહેવાય છે.

સંભવતઃ ત્રીજાં મેરી બેથનીના મેરી હતાં, જે લાજારૂસ અને માર્થાનાં બહેન હતાં. ઈસુએ લાજારૂસને મૃતાવસ્થામાંથી પાછો લાવ્યો હતો, એટલે મેરી ઇસુનાં અંતેવાસી શિષ્ય બની રહ્યાં હતાં, જે ઈસુના દરેક શબ્દને ખૂબ ધ્યાનથી સાંભળતાં, તેની સામે માર્થાને ઘરગૃહસ્થીની પ્રવૃત્તિઓમાં વધારે રસ હતો.

પણ કુમારિકા મેરી પછી સહુથી વધારે ધ્યાન તો બધી જ મેરીમાં સહુથી વધારે લોકપ્રિય એવાં મગ્દાલાનાં મેરી તરફ આકર્ષિત રહે છે, જેમને મેરી મગ્દાલીની (સુધરેલી પતિતા) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના વિષે બહુ અનુમાનો કરાયાં છે, તેમ જ ઘણું બધું લખાયું પણ છે, જેને કારણે તે બહુ જ રહસ્યમય અને રસપ્રદ બની રહેલ છે.

પ્રચલિત ખ્રિસ્તી કથાઓ મુજબ આ મેરી એક પતિતા સ્ત્રી હતી, જેને સાત દૈત્યો (પાપ)માંથી ઈસુએ છોડાવી હતી. તેણે ઈસુના પગ પોતાનાં આંસુઓ અને વાળથી પખાળ્યા હતા. જ્યારે ઈસુના મોટા ભાગના પુરુષ સાથીઓ તેમને કેદ કર્યા પછી છોડી ગયા હતા ત્યારે પણ તે તેમની સાથે ઊભી રહી હતી. તેમણે ઈસુનો વધ પણ જોયો હતો, કબરમાં મૂકાયેલ તેમનાં શબનો તેલથી અભિષેક પણ તેણે કર્યો હતો અને ત્રણ દિવસ પછી પુનર્જિવિત થયેલા ઈસુને સહુથી પહેલાં જોનાર પણ તે જ હતાં.

જો કે આજે હવે વિદ્વાનોનું કહેવું છે કે આ તો બહુ બધી મેરીની કહાનીઓને એકત્રિત કરીને બનાવેલ એક 'સંમિશ્રિત' મેરી છે. એક પતિતા મેરી જરૂર હતી જે પોતાની પતિત જિંદગી છોડીને ઇસુની શિષ્ય બની હતી, એક એ મેરી પણ હતી જેણે ઈસુના પગ પોતાનાં આંસુથી પખાળી વાળથી સાફ કર્યા હતા. એક એ શિષ્ય મેરી પણ હતી જેને સાત પાપમાંથી ઉગારી હતી, જે ઈસુના વધ સુધી તેમની સાથે જ રહી હતી, તેમનાં શરીરનો દફનમાટે અભિષેક કર્યો હતો અને ઈસુનું પુનર્જિવિત થવાનું પણ જોયું હતું. પણ સંભવતઃ , એ ત્રણે ય જૂદી વ્યક્તિઓ હતી.

કહેવાય છે કે આ જે છેલ્લાં મેરી હતાં તે ઈસુવધ પછી કુમારિકા મેરીનાં સાથી બની રહ્યાં હતાં. કેટલીક કહાનીઓ પ્રમાણે, જ્યારે કુમારિકાનો સ્વર્ગવાસ થયો ત્યારે આ મેરી રણમાં જતાં રહ્યાં હતાં, જ્યાં રણની સૂકી ગરમીમાં તેમનાં બધાં જ વસ્ત્રો બળી ગયાં અને તેમનાં નગ્ન શરીરને ઢાંકવા માટે માત્ર તેમનો કેશકલાપ જ રહ્યો હતો. તેમના પણ સ્વર્ગવાસ થતાં સુધી દેવદૂતો તેમને માન્ના ખવડાવતા રહ્યા હતા. એવી પણ કહાનીઓ છે જેમાં પહેલાં રોમ અને પછી ત્યાંથી દક્ષિણ ફ્રાંસમાં જઇને તેમણે ઈસુનો સંદેશ ફેલાવ્યો હતો. રોમમાં પોતાના હાથમાં ઈંડાં સાથે તે શહેનશાહ ટીબેરીયસને ભેટી ગયાં હતાં. જેમ તેના હાથમાંનું ઈંડું લાલ રંગનું હોય તેવી અશક્યતા ઈસુ પુનર્જિવિત થવાની પણ ગણીને શહેનશાહ એ વાત પર હસ્યો હતો. પણ શહેનશાહે જેવી એ વાત કહી, તેવું મેરીના હાથનું ઈંડું લાલ થઇ ગયું હતું, જેને ઈસ્ટરનાં પહેલાં ઈંડાં તરીકે ઓળખવામાં આવે છે. ઘણાં ચિત્રોમાં તે લાલ ઈંડાં સાથે બતાવાયાં છે. વધ સમયે વહેલાં ઈસુનાં લોહીનાં રંગનો લાલ રંગ દ્યોતક મનાય છે.

નોસ્ટીક પરંપરા મુજબ, તો મેરી મગ્દાલીનીનાં ઈશુંથી બહુ જ નજદીક હોવાને કારણે કેટલાય પ્રચારકો તેની ઇર્ષ્યા કરતા તેની પણ વાતો છે, જેને કારણે આ મેરી ઈસુનાં પત્ની હોવાની અટકળો પણ ચગી છે. જેને પતિતા જાહેર કરી બધાં વૃતાંતોમાંથી તેનાં નામને શેષ કરવાની પણ પૈતૃક થતાં જતાં ચર્ચે પેરવીઓ કરી છે તેમ પણ કહેવાય છે, કે જેથી ઈસુનું બ્રહ્મચારી હોવું બરકરાર કરી સ્ત્રીઓને સંતપદથી વંચિત રાખી શકાય.

કુમારિકા મેરી અને મેરી મગ્દાલીનીની સરખામણી પણ બહુ રસપ્રદ જણાય છે. મેરીને હંમેશાં શુદ્ધ અને બેદાગ કલ્પવામાં આવ્યાં છે, તેમનું માથું હંમેશાં ગલપટ્ટાના ખેસમાં જ આવરેલ જોવા મળે છે. મેરી મગ્દાલીનીને મલિન પતિત અવસ્થામાંથી સાફ કરાયા હોવાનું મનાય છે એટળે તેના વાળ છુટ્ટા જોવા મળે છે. માતા મેરીને ઈસુના જન્મ,નાતાલ, સાથે સાંકળવામાં આવે છે. જ્યારે મેરી મગ્દાલીનીને ઈસુનાં પુનર્જિવિત થવાનાં ઈસ્ટર સાથે સાંકળવામાં આવે છે. માતા મેરી દીન, નમ્ર અને અને સૌમ્ય દેખાડાયાં છે, જ્યારે મેરી મગ્દાલીનીને સમૃદ્ધ, વિશ્વસ્ત અને ચપળ દેખાડાયાં છે. બંને ઈસુને બહુ જ પ્રિય છે, પણ એકનાં જ ગુણગાન ગવાયાં છે, જ્યારે બીજીને હાંસિયામાં ધકેલી દેવાયેલ છે.
clip_image001 'સ્પીકીંગ ટ્રી'માં ડીસેમ્બર ૨૦, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
  • અસલ અંગ્રેજી લેખ, Tale of Three Marys વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ફેબ્રુઆરી ૨૬, ૨૦૧૪ના રોજ Myth TheoryWorld Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ફેબ્રુઆરી ૪, ૨૦૧૫