યોગના એક વર્ગમાં એક યોગાભ્યાસી આસન કરતી વખતે કેટલી વાર તેણે એ આસન કર્યું તેની ગણત્રી રાખતો હતો. યોગ શિક્ષકે તેને આમ ગણવાનું બંધ કરવાનું કહ્યું - 'આ કોઈ ફરીફાઈ નથી. આ યોગ છે. તેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત કરો. યોગ કરતાં કરતાં તમને જે અનુભૂતિ થાય તેને અનુભવવી એ વધારે મહત્ત્વનું છે.'
આજની આપણી લોકશાહીમાં પણ આ અભિગમ જોવા નથી મળતો. આજે તો
મત કે બેઠકોની સંખ્યાની બોલબાલા વધતી ચાલી છે. સંસદીય રાજકારણ ઉગ્ર રાજકીય
હરીફાઈનો અખાડો બની ગયું છે. એમ માનવામાં આવે છે કે જેને વધારે મત મળ્યા છે, તે જ દેશનું ભલું કરી શકશે. કે પછી, દેશનું ભલું ઈચ્છતાં હો તો અમને વધારે મત આપો. આમ જનમતની
સંખ્યા એ જ દેશનાં શાસન માટેની ક્ષમતાનો માપદંડ બની રહેલ છે. આમ આજની લોકશાહી, જેની પ્રજનન ક્ષમતા વધારે એ વધારે સારૂં એવી પ્રાચીન સમયની
પ્રજનન પ્રણાલિકાઓનાં બીબાંમાં ઢળી જતી જણાય છે.
આપણે જોઈ શકીએ છીએ કે વેદના મંત્રોમાં યજમાન દેવોની પાસે
વધારે ગાયો, વધારે અશ્વો, વધારે ધાન, વધારે સોનું, વધારે દીકરાઓ પ્રાર્થે છે. જેટલું વધારે તેની પાસે એ
બધું હશે,
એટલો એ વધારે સમૃદ્ધ, અને એટલો જ એ બીજાંઓ કરતાં વધારે સત્તાશાળી. જોકે વેદાંતની ફિલૉસોફી આ
માન્યતા વિષે સવાલ ઊઠાવે છે. કેટલીય કથાઓ દ્વારા આપણને સમજાવવામાં આવી રહ્યું છે
કે મોટા જથ્થામાં કંઈ પણ હોય તેના કરતાં તેની ગુણવત્તા, અસરકારકતા, વધારે મહત્ત્વની છે. કેટલાં આસન કરીએ છીએ તેનાથી નહીં પણ
કેવી રીતે, કેટલી નિષ્ઠાથી એ આસનો કરીએ છીએ તેનાથી યોગના લાભની
માત્રા નક્કી થશે.
આ આંકડાની મમતમાંથી મહાભારતનાં કેટલાંય યુદ્ધો નિપજ્યાં
છે. શરૂઆત થાય છે એ ઘટનાથી જ્યારે કશ્યપને તેની વિવિધ પત્નીઓ દ્વારા જૂદાં જૂદા
પ્રકારની વસ્તી પેદા કરી દુનિયાને વસાવવાનું કામ સોંપવામાં આવે છે. તેમનાં એ પત્ની, કદ્રુને વધારેમાં વધારે સંતતિ જોઈએ છે. બીજાં પત્ની વિનતાને માત્ર બે જ
બાળક જોઈએ છે જે કદ્રુનાં કોઈ પણ સંતાનથી વધારે શક્તિશાળી હોય. કદ્રુનાં સંતાન નાગ
જન્મે છે. વિનતાનું પહેલું સંતાન વહેલું જન્મવાને કારણે થોડું શારીરીક ખોડખાંપણવાળું
હતું. તે બાજ (અથવા અમુક કથા મુજબ, ગરૂડ) જન્મે
છે. નાગ ભલેને ગમે તેટલા હોય, તેમને બધાંને
પહોંચી વળવા એક જ બાજ (કે ગરૂડ)કાફી બની રહે છે. સદા અસલામતી અનુભવતા નાગ અને
શક્તિશાળી બાજ (કે ગરૂડ) વચ્ચેની કાયમી શત્રુતાનાં બીજ આ સ્પર્ધાત્મક ભાવનામાં
રહેલ છે.
મહાભારતમાં વધારે એ સારૂંની ભાવના આગળ પણ વધતી રહી જોવા
મળે છે. શાંતનુનાં પહેલાં પત્ની દેવી ગંગા તેમને માત્ર એક પુત્ર આપે છે, જ્યારે બીજાં પત્ની, માછીમારની
દીકરી,
સત્યવતી, બે દીકરાને
જન્મ આપે છે. ગંગાનો એક માત્ર પુત્ર, દેવવ્રત, એટલો શક્તિશાળી છે કે તેનાં સંતાન
પણ એટલાં જ શક્તિશાળી જ જન્મશે એટલે પોતાનાં સંતાનોને તો ક્યારે પણ ગાદી નહીં જ
મળે એ ભયથી પ્રેરાઈને દેવવ્રતને બ્રહ્મચર્યનું વ્રત પાળવાનો ત્રાગડો રચવામાં આવે
છે. આમ દેવવ્રત કરતાં નબળાં એવાં સત્યવતીનાં સંતાન માટે ગાદીનો વારસો અંકે કરી લેવામાં આવે છે. પરંતુ, સત્યવતીના બંને પુત્રોએ કંઈ ખાસ ઉકાળ્યું નહીં. પહેલા પુત્રનું એક
ગાંધર્વના હાથે મૃત્યુ થાય છે, જ્યારે બીજા
પુત્રને બબ્બે પત્ની હોવા છતાં તે નિઃસંતાન મૃત્યુ પામે છે. આમ આંકડાની સરસાઈ હોવા
છતાં ધાર્યું પરિણામ તો મળવાનું દૂર રહ્યું, વધારે ગોટાળો પેદા થાય છે.
ઘણા સમય પછી પાંડુ પણ સંતાનોત્પત્તિ કરવામાં અસફળ નીવડે
છે, એટલે તે પોતાની પત્ની કુંતીને તેની પાસે જે મંત્રશક્તિ છે તેની મદદથી દેવો
પાસેથી પુત્રો મેળવવાનું કહે છે. કુંતી યમ, વાયુ અને ઈંદ્રનું આવાહન કરી, અનુક્રમે, યુ ધિષ્ઠિર, ભીમ અને અર્જુનને પ્રાપ્ત કરે છે. પાંડુ કુંતીને હજૂ વધારે પુત્રો મેળવવા
માટે દબાણ કરે છે. કુંતીનું કહેવું છે કે તે ત્રણથી વધારે પુત્રો આ રીતે નહીં
મેળવી શકે. તો પાંડુ તેને કહે છે કે એ મંત્ર તે તેની બીજી પત્ની માદ્રીને શીખવાડી
દે. માદ્રી એ મંત્રની મદદથી અશ્વિન કુમારો પાસેથી એક જ વારમાં બે પુત્રોનું જોડકું
મેળવી લે છે. આમ તો માદ્રી વધારે પુત્રો મેળવી જાય, અને પોતાનું મહત્ત્વ ઘટી જાય, એટલે કુંતી હજૂ વધારે પુત્રો મેળવવા માટે માદ્રીને મંત્ર શીખવાડતાં નથી.
મહાભારતનાં સંસ્કૃત કથાનકોમાં આ જે નાની વિગત છે તેને મોટે ભાગે આપણે ધ્યાન પર નથી
લેતાં હોતાં. કુંતી જેવું આદર્શ પાત્ર પણ આવી હરીફાઈની ભાવના કેળવતું હોય તે આપણી
સમજને ઓછું સ્વીકાર્ય છે. આ કથામાં પાંડુની તેના વધારે પ્રજોત્પાદનક્ષમ ભાઈ, ધૃતરાષ્ટ્ર, કરતાં વધારે પુત્ર મેળવવાની હરીફાઈની ભાવના પણ છતી થાય
છે. કમનસીબીની વાત તો એ બને છે કે ધૃતરાષ્ટ્રનાં પત્ની ગાંધારીને કુંતીને પોતાનાં
કરતાં પહેલાં પુત્રો જન્મી જાય તે વાત કઠે છે. ગુસ્સામાંને ગુસ્સામાં તે પોતાનાં
ગર્ભસ્થ પેટ પર મુસળથી પ્રહારો કરાવી દાયણ પાસે વહેલી પ્રસુતિ કરાવડાવે છે.
પરિણામે તેને લોખંડના ગોળા જેવો, ઠંડો, માંસનો ગઠ્ઠો જ જન્મે છે. વ્યાસ
ઋષિની મદદથી એ ગોળાના તે નાના નાના ટુકડાઓ કરાવવામાં સફળ રહે છે. આમ માદ્રી કરતાં
૯૮ વધારે અને કુંતી કરતાં ૯૭ વધારે પુત્રો કે પાંડુ કરતાં ૧૦૦ વધારે પુત્રો
મેળવીને તે પોતાના પતિની, અને પોતાની, સર્વોપરિતા સિદ્ધ કરી લેવાનો સંતોષ લે છે.
ગણતરીનું આ ગાંડપણ આટલેથી જ અટકતું નથી. પાંડુના પાંચ
પુત્રો,
પાંડવો અને ધૃતરાષ્ટ્રના એક સો પુત્રો ,કૌરવો વચ્ચે વધારે ને વધારે હથવી લેવાની હોડનું વૈમનસ્ય
ઘુંટાતું જ રહે છે. અર્જુન પણ ઊલૂપી, ચિત્રાંગદા, અને સુભદ્રા જેવી કેટલીય પત્નીઓ કરે છે. તમિળ લોકકથાઓમાં તો એમ પણ કહેવાયું
છે કે અર્જુન પાસે 'આકાશમાંના તારાઓ કરતાં પણ વધારે' પત્નીઓ હતી, જેમાં યોદ્ધા સ્ત્રીઓની પ્રજાતિની એમેઝોનની કુંવરી અલ્લી
પણ હતી. શક્ય છે કે તેણે પોતાની ક્ષમતાથી મેળવેલ દ્રૌપદીને બીજા ચાર ભાઈઓ સાથે
વહેંચવી પડી તે એક અભાવને અતિક્રમવા માટે તે આટલી બધી પત્નીઓ મેળવવાની ક્ષમતા
દેખાડી દેવાની હોડ બકતો હશે.
કુરૂક્ષેત્રનાં અંતિમ યુદ્ધમાં અનેક કોઠા કબાડા કરીને
કૌરવો પાંડવોની સાત અક્ષૌહિણી સેના કરતાં ચાર વધારે અક્ષૌહિણી સેના પોતાના પક્ષે
ઊભી કરવામાં સફળ રહે છે. અને તેમ છતાં, સરવાળે તો
તેમના ભાગે સરિયામ નિષ્ફળતા જ રહે છે, કારણ કે
પાંડવોને પક્ષે, હથિયાર ન ધારણ કરવાની પ્રતિજ્ઞા લેવડાવેલા, એક માત્ર, કૃષ્ણને આપી દેવાની વ્યૂહાત્મક થાપ તેઓ ખાઈ ગયા હતા.
- 'ધ સ્પિકીંગ ટ્રી' માં મે ૧૧,૨૦૧૪ના રોજ પ્રકાશિતથયેલ
- અસલ અંગ્રેજી લેખ, May the Most Fertile Win વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુલાઈ ૧૨, ૨૦૧૪ના રોજ Indian Indian Mythology • Mahabharata • Modern Mythmaking • Society ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ મે ૨૫, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો