ઈચ્છા મૃત્યુ એ સારી રીતે મરણ પામવાનો એક વિકલ્પ ગણાય
છે. કોઈ વૃદ્ધ વ્યક્તિ તેનાં શરીરને થયેલા રોગોની પીડાઓ અને યાતનાઓથી છૂટકારો
મેળવવા નવી કોઈ સારવાર કરાવવાની ના કહે કે સીધી જ રીતે કોઈ એવી દવા (એકાદ
પ્રકારનું ઝેર) આપીને કે આડકતરી રીતે તબીબી સેવાઓ બંધ કરીને મૃત્યુ માટે તબીબની
સહાય લે તેને સામાન્યતઃ ઈચ્છામૃત્યુ કહેવામાં આવે છે. આ વિષય બહુ જ વિવાદાસ્પદ
રહ્યો છે.
બધા વર્તમાન
વિવાદોનું મૂળ ૧૯મી સદીની ચર્ચાઓમાં જોઈ શકાય છે. તેનું પણ મૂળ આમ તો યહૂદી-ખ્રિસ્તી-
ઇસ્લામ ધર્મમાં આત્મ-હત્યા વિષેના અભિગમમાં રહેલું છે. બાઈબલની વિચારસરણી અનુસાર
આપઘાત એ આત્મહત્યા છે, એટલે એ દૈવી આજ્ઞાની વિરૂદ્ધ છે, પાપ છે. યહૂદી ધર્મમાં જેઓ આપઘાત કરીને મૃત્યુ પામે છે તેમને સામાન્ય વિધિ
મુજબની અંતિમ ક્રિયાઓથી વંચિત રાખવામાં આવે છે અને અલગ કબ્રસ્તાનમાં દાટવામાં આવે
છે. ઈસ્લામમાં મોહમ્મદ પયંગર સાહેબે આપઘાતનો ખાસ કરીને નિષેધ ફરમાવ્યો
છે અને જેણે આપઘાત કર્યો હોય તેના મૃતદેહને આશીર્વાદ નથી આપતા. ભારતમાં આધુનિક
કાયદાકીય માળખું બ્રિટિશરોએ ઘડ્યું, એટલે આપઘાત કરનારાઓને
અનુકંપાથી જોવાને બદલે ગુન્હેગાર ગણવામાં તેમની ખ્રિસ્તી માનસિકતાએ ભાગ ભજવ્યો. આ
જ ખ્રિસ્તી અભિગમે સમલૈંગિકતાને પણ આપણા દેશમાં ગુન્હો ગણ્યો છે.
ખ્રિસ્તી
ધર્મના ઉદય થવા પહેલાં મોટા ભાગની સંસ્કૃતિઓમાં આપઘાતને બહુ નકારાત્મક દૃષ્ટિથી
નહોતો જોવામાં આવતો. જેમ કે, હેમલોક (એક પ્રકારનું વિષ) પીને સ્વમૃત્યુને નોતરવામાટે ગ્રીક
સંસ્કૃતિમાં કોઈ વિરોધની ભાવના નહોતી. સોક્રેટીસ અને પ્લેટોએ તો તેની બહુ વિગતે
ચર્ચા પણ કરી છે.પોતાનું સ્વમાન હણાય તેના કરતાં પોતાને છૂરી ભોંકી દેવાનું રોમનો
પસંદ કરતા. પોતાને છૂરી ભોંકી દેનાર એન્થની કે સાપ ભરેલા ઘડામાં હાથ નાખી દેનાર
ક્લીયોપેટ્રાની કહાણીઓ તો બહુ મશહૂર છે.જાપાની સંસ્કૃતિમાં તો સ્વ-મૃત્યુને
હારા-કીરી (સેપ્પુકુ)જેવી એક ચોક્કસ વિધિનું રૂપ અપાયું છે, જે સમુરાઈ યોદ્ધાઓની બુશીદો સંહિતામાં આવરી લેવાયેલ છે.
હિંદુ ધર્મમાં
ઈશ્વરી આદેશ જેવી કોઈ વ્યવસ્થા નથી. તેમાં તો પુનર્જન્મને માન્યતા અપાઈ છે. એટલે
મૃત્યુ માટેના હિંદુ ધર્મમાં દૃષ્ટિકોણ સાવ જ જૂદા છે. વર્તમાન જિંદગી એ એક માત્ર અવતાર નથી, પણ અનેક અવતારોમાંનો એક છે.મનુષ્યને તેની જિંદગીને ચાર વર્ણોમાં વહેંચી
નાખવાનું કહેવાયું છે : પહેલાં વિદ્યાર્થી અવસ્થા (બર્હ્મચર્ય), પછી સંસારની જવાબદારીઓનું વહન (ગૃહસ્થાવસ્થા), તે પછી નિવૃત્તિમાં વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લે બધું જ ત્યાગીને સંન્યસ્ત.
પહેલી અવસ્થામાં તે ખપ પૂરતું જ આરોગે છે; બીજી અવસ્થામાં
તેની જવાબદારીઓનાં વહન માટે જરૂરી છે તેટલું જ તે આરોગે છે; ત્રીજી અવસ્થામાં ગૃહસ્થ તરીકે તેને જે ખપતું તેનાથી અરધું જ તે લે છે અને
તેમ કરીને જીવનચક્રમાંથી ધીમે ધીમે નિવૃત્ત થવા લાગે છે; અને છેક છેલ્લી સંન્યસ્ત અવસ્થામાં તે ખોરાકનો ત્યાગ કરી જીવનમૃત્યુનાં
ચક્રમાંથી મુક્તિ મેળવવા તરફ પોતાનું મન કેન્દ્રીત કરે છે. આમ જીવનની છેલ્લી
અવસ્થામાં ઐચ્છિક મૃત્યુ અભિપ્રેત બની રહે છે.
મહાભારતમાં કૌરવોનાં વૃદ્ધ માતાપિતા અને પાંડવોનાં મા
વનમાં જાય છે ત્યાં તેઓ જંગલના દવમાં ખતમ
થઈ જાય છે. ખુદ પાંડવો પણ તેમના જીવનના અંત સમયે હિમાળો ગાળવા જાય છે, જ્યાં તેમને એવી પરિસ્થિતિઓમાં જ મુકાવું પડે જે તેમનાં કર્મોનાં ફળ અનુસાર
તેઓને ક્રમે ક્રમે મૃત્યુ તરફ દોરી જાય. એ લોકોએ પોતે પોતાની હત્યા ન કરી પણ જે
સંજોગોમાં તેમનાં મૃત્યુની શકયતાઓ સૌથી વધારે હોય તે પરિસ્થિતિઓમાં પોતાની જાતને
મૂકીને જીવન તરફનો તેમનો વિરાગ પ્રદર્શિત કર્યો.
રામયણમાં સીતા
ધરતીમાં સમાઈ જાય છે તે પછી રામ સરયુ નદીમાં ચાલ્યા જઈને સમાધિ લઈ લે છે. ૧૩મી
સદીમાં, ગીતાને પહેલી જ વાર સંસ્કૃતમાંથી પ્રાદેશિક ભાષામાં અનુવાદિત કરનાર સંત
જ્ઞાનેશ્વર પણ સમાધિનો જ માર્ગ અપનાવે છે. રેશનાલીસ્ટ સમાધિને ઐચ્છિક
મૃત્યુને સૌમ્યોક્તિ દ્વારા અપાયેલું
બીજું નામ કહે છે,
પણ આપઘાત માટે સહમત નથી થતાં કારણકે કાયદાની દૃષ્ટિએ તે
ગુન્હો હોવાથી તેમાં નકારાત્મક ભાવ રહેલ છે. આપઘાતને લાચારી અને નબળાઇનું રૂપ
માનવામાં આવે છે. જો કે સમાધિ લેનાર વ્યક્તિઓ તો બહુ પુખ્ત, સંસ્કારી અને જ્ઞાની વ્યક્તિઓ હતી અને પોતાના નશ્વર દેહથી મુક્તિ પામવા
માટે તેઓ ઉચ્ચ કક્ષાની યોગ અવસ્થાનો અભ્યાસ કરતાં હતાં.
જૈન ધર્મમાં શ્રમણ અને શ્રાવક એમ બન્નેને સ્વૈચ્છિક
મૃત્યુ માટે ખાસ પ્રાવધાન છે, જેમાં પોતાની બધી જ દુન્યવી જવાબદારીઓનું પૂર્ણપણે વહન
કરી, મનને બધી જ માયાઓથી વિમુક્ત કરી સંથારો લેવાનું જણાવાયું છે.સમ્રાટ અશોકના
પિતામહ ચંદ્રગુપ્તે આ રીતે મૃત્યુ અંગીકાર કર્યું હતું.
બૌદ્ધધર્મમાં
ઈચ્છામૃત્યુને નથી અવકારાયું કે નથી નકારાયું, પરંતુ
આત્મહત્યાની એક રીત તરીકે સ્વીકારેલ છે. જો તે અજાણતાં કે અજ્ઞાનથી થાય તો
ભવિષ્યમાં તેની પીડાઓ ભોગવવી પડશે. પણ જો તે ગોધિકા અને વક્કલી જેવાં ભિક્ષુકોની
જેમ વિવેકવિચાર અને વૈરાગ્યને કારણે હોય
તો તે ભવિષ્યમાં નિર્વાણનું દ્યોતક બની રહી શકે છે.
ખેર, સ્વૈચ્છિક આત્મહત્યાનો બહુ ગેરઉપયોગ પણ શકય છે. આપણે ત્યાં સતી થવા જેવી
પ્રથાઓમાં તેનું અનિચ્છનિય રૂપ જોવા મળે છે. યુદ્ધકાળમાં પોતાની જાતનાં રક્ષણ માટે
કે પોતાના પતિમાટેના અદમ્ય પ્રેમનાં પ્રદર્શન રૂપે શરૂ થયેલ કહેવાતી રીત વિધવાઓને
સમાજમાંથી હળવેથી દૂર કરી નાખવાનાં સાધન તરીકે ફરજિયાત પ્રથામાં રૂપાંતરિત બનતી
ગઈ. જો તેમ ન કરે તો એ વિધવાઓ માટે મથુરા કે કાશીના અલગ વિધવાશ્રમોમાં જીવન
વિતાવવા સિવાયનો કોઈ વિકલ્પ નહોતો અપાતો. સતી
પ્રથાની પ્રશસ્તિ દ્વારા વિધવા સ્ત્રીઓને આડકતરી રીતે આત્મહત્યા કરવા માટે
સામાજિક દબાણ થતું,
જેથી તેમનાં સગાંસંબંધીઓ તેમના પતિ દ્વારા પાછળ મૂકી
જવાયેલ સંપત્તિ કાયદેસર હડપ કરી લઈ શકે. એવું પણ
બને કે જે કુટુંબોમાં તેમનાં અતિવૃદ્ધ વડીલોની સેવા કરવાનું અબખે પડતું હોય
તેઓ પણ ઈચ્છામૃત્યુના કાયદાનો દુરૂપયોગ કરે. પરંતુ એવાં કારણોસર ઇચ્છામૃત્યુનો
નિષેધ કરીને સમાજમાં બધું ન્યાયપૂર્વક ચલાવવાની પોતે માની લીધેલ ઠેકેદારીના સત્તાધીશો જે લોકોને ખરેખર જીવનની યાતનાઓથી છૂટકારો જોઈએ છે તેમના
માટે જીવન અકારૂં કરી મૂકે છે.
‘ધ સ્પીકિંગ ટ્રી' માં જુલાઈ ૨૦,૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલ
v અસલ અંગ્રેજી લેખ, The Good
Death, વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જુલાઈ
૨૧,
૨૦૧૪ના રોજ Indian Mythology
• Mahabharata
• Modern
Mythmaking • Ramayana
• Society
• World
Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§ અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ઓગસ્ટ ૩, ૨૦૧૬
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો