શુક્રવાર, 8 સપ્ટેમ્બર, 2017

બીઝનેસ સૂત્ર | ૩.૨| માલિક અને તેની સંસ્થા સાથેના તેના સંબંધો




બીઝનેસ સૂત્ર | | ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચાર
  સીએનબીસી - ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી 'બીઝનેસ સૂત્ર'ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે 'કોર્પોરેશન'ના વિષયની ચર્ચા ત્રણ ભાગમાં કરી, જેમાં તેમણે કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક વિષે ભારતીય પુરાણશાસ્ત્રનાં અર્થઘટનોની રસપ્રદ રજૂઆત કરી.

નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે  નેતૃત્વના વિષય વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે..
બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચાર સાંકળી લીધેલ છે. પહેલા ભાગમાં ધર્મ અને સંકટ વિષેની મૂળભૂત ચર્ચા કર્યા બાદ આજના આ બીજા ભાગમાં દેવદત્ત પટ્ટનાઈક માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધને ભારતીય પુરાણોના નીતિશાસ્ત્રના દૃષ્ટિકોણથી રજૂ કરે છે.
બીઝનેસ સૂત્ર | ૩.૨| માલિક અને તેની સંસ્થા સાથેના તેના સંબંધો
વ્યાપાર સંસ્થાની માલિકીને બહુ જ પાયાની દૃષ્ટિએ ત્રણ પ્રકારમાં વહેંચી શકાય : એકહથ્થુ માલિકી, ભાગીદારી અને (માલિકોની)મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ.માનવ જીવનના વિકાસના તબક્કામાં જ્યારથી માણસે બદલા પદ્ધતિથી વિનિમય કરવાનું શરૂ કર્યું ત્યારથી વ્યાપાર કરવાનાં સ્વરૂપ, પ્રકારો અને જટિલતા પણ સમયાનુસાર વિકસતી રહી અને તે સાથે વ્યાપારના માલિકોના નીતિશાસ્ત્ર અને આચાર-વિચાર અંગેના અભિગમ પણ સમાંતરે બદલતા રહ્યા છે. તે સાથે જેમ જેમ રાજ્યસત્તાના પ્રકારો વિકસતા ગયા તેમ તેમ વ્યાપાર સંસ્થાઓ અને તેનાં માલિકોના નૈતિક આચાર-વિચાર અંગેની જાહેર ચર્ચાઓ અને કાયદા કાનૂનના વ્યાપ પણ વિકસતાં ગયાં.
માલિકોની કાનુનન મર્યાદિત જવાબદારીઓવાળી કંપનીઓનું માલિકીસ્વરૂપ ૧૯મી સદીમાં યુરોપમાં વધારે ચલણમાં આવવા લાગ્યું હતું એમ કહી શકાય. દેખીતી રીતે, આ કારણે મૂળ માલિકો અને સંસ્થાના સંચાલન વચ્ચે, અને તે સાથે માલિકોનાં હિતો અને વ્યાપાર સંસ્થાનાં હિતો વચ્ચે પણ, એક ચોક્કસ સીમારેખા પણ ખેંચાતી જોવા મળવા લાગી. આ સીમા રેખાને કારણે સંસ્થાના માલિકો તેમ જ સંસ્થાનાં સંચાલકોના, પોતપોતાના વ્યક્તિગત તેમ જ સામુહિક સ્તરે, નૈતિક આચાર વિચાર વિષેની જાહેર ચર્ચાઓ ન્યાયાલયો સુધી પણ પહોંચવા લાગી.ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વધારે પડતા ઉધામાઓએ જેમ લડનમાં બેઠેલ તાજને હિંદુસ્તાનના રાજવહિવટમાં હસ્તક્ષેપ કરવા તરફ ધકેલેલ, તેમ ૧૯મી સદીના અંતના મહાજનોના અતિરેકોએ અમેરિકાની તત્કાલિન સરકારોને બજારોને મુક્ત રાખવા માટેના કાયદાઓ ઘડતા જવાની ફરજ પાડી.[1] ત્યાર બાદ ફરીથી વ્યાપાર જગતને શક્ય એટલાં નિયમનોથી મુક્ત રાખવાની વીસમી સદીની વિચારસરણીને પરિણામે આજના ઔદ્યોગિક સાહસિકોને માત્ર વૈશ્વિક જ નહીં પણ ઘણાં વધારે મુક્ત હરિફાઈવાળાં, વધારે નિયમન હેઠળનાં, મહદ્‍ અંશે લોક્શાહી ઢબે ચાલતાં વ્યાપાર વિશ્વમાં પાંગરવાનું વાતાવરણ મળી રહ્યું છે.[2]
જેમ જેમ કંપનીઓ તેમજ તેમનાં માલિકોની નૈતિક આચાર-વિચાર પરની જાહેર ચર્ચાઓ વધારે વ્યાપક અને વધારે આદેશાત્મક બનતી ગઈ તેમ તેમ આ વિષય પરનું સાહિત્ય પણ પ્રકાશિત થવા લાગ્યું. જો કે આ સાહિત્યનો મહદ અંશે વ્યાપ કંપનીના સંદર્ભમાં વધારે રહ્યો છે. એકહથ્થુ માલિકી કે ભાગીદારી માલિકો અને તેમની સંસ્થાઓ સાથેના નૈતિક આચાર વિચાર સંબંધો વિષે બહુ નોંધપાત્ર સાહિત્ય જોવા નથી મળતું.
કોર્પોરેટ ગવર્નન્સ પરનાં સાહિત્યને આપણે આજની આ ચર્ચામાં ધ્યાનમાં નથી લઈ રહ્યા, કંપનીઓની તેનાં માલિકીઅંશધારકો સાથેના સંબંધોની સમાંતરે કંપનીની અન્ય સામાજિક જવાબદારીઓ વિષે વધારે ભાર મૂકાવા લાગ્યો છે. આમ  કોર્પોરેટ ગવર્નન્સ કંપનીની વ્યાપક જવાબદારીઓ વિષે કાનુની આચાર સંહિતા વધારે બની રહેતી જણાય છે.
આજના વિષય વિષેનાં વિવિધ દૃષ્ટિકોણ રજૂ કરતાં પાશ્ચાત્ય જગતનાં મંતવ્યોનો આછેરો અંદાજ મળી રહે એટલા પૂરતું અહીં બે લેખ રજૂ કરેલ છે:
Measuring Small Business Owners’ Differences In Moral Thought: Idealism Versus Relativism એ નાના ઉદ્યોગોના માલિકોની આદર્શ તેમ જ સાપેક્ષ અભિગમ આધારિત નૈતિક વિચારસરણીની માપણી કરતો સંશોધન અભ્યાસ છે. વિચારસરણીની માપણી કરવા માટે ફોર્સીથની નૈતિક વર્ગીકરણ -Forsyth’s ethical taxonomy-ની પધ્ધતિઓનો આધાર લેવાયો છે.મોજણી માટે માત્રાત્મક વિશ્લેષણની સાથે ઓનલાઈન પ્રશ્નોત્તરીનો ઉપયોગ કરીને દક્ષિણ આફ્રિકાનાં નાના અને મધ્યમ સાહસો અંગેની માહિતી સામગ્રી એકઠી કરવામાં આવી હતી.મોટા ભાગના નાના અને મધ્યમ સાહસ માલિકો ફોર્સીથની નૈતિક વર્ગીકરણની પરિસ્થિતિવાદી અને નિરંકુશ સત્તાવાદ જેવી શ્રેણીમાં પડે છે એ પ્રકારનાં તારણો પર પ્રસ્તુત સંશોધન અભ્યાસ પહોંચે છે.
તો વળી,  Personal Morality vs Business Moralityમાં કે. પી. કૈસર નાના ઉદ્યોગસાહસિક માટે મૂળભૂત પણે, લાંબે ગાળે ટકી રહેવાની સંપોષિતાના સંદર્ભમાં અંગત નૈતિકતાની સામે વ્યાપારની નૈતિકતાને જૂએ છે. એમનો સવાલ છે: પોતાનો રૂપિયો ક્યાં વાપરવો એ નક્કી કરનાર દુનિયાભરના લોકો કરતાં તમે વધારે ડાહ્યા છો એમ કેમ માનો છો? .... આપણી પ્રતિનિધિ સરકારો તો નિયમમો લાદવા બેઠી જ છે. કે બીઝનેસ મેન તરીકે તમારી નૈતિકતા આ બધાં કરતાં જૂદી હોવી જોઇએ, કેમકે ન્યાયોચિત દુનિયાએ એકે કામ કરવું જોઈએ તે તેમને બજાર કહેવા નથી આવવાનું. બજાર તો એમ બતાડશે દુનિયા ખરેખર કેમ કામ કરે છે. મજાની વાત તો એ છે કે બજાર નીતિનિરપેક્ષ છે.આપણો રૂપિયો આપણે ક્યાં વાપરીએ છીએ એ વિષે લોકો શું વિચારશે એ વિચારવાનો આપણે ઠેકો નથી રાખ્યો.
પાશ્ચાત્ય વિશ્વના આટલા વિચારો જાણીને આપણે હવે માલિક અને તેની સંસ્થા સાથેના તેના સંબંધો વિષે આપણાં પૂરાણોમાં શું કહેવાયું છે તે  બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા મણકાના બીજા ભાગમાં દેવદત્ત પટ્ટનાઈક પાસેથી સાંભળીએ.

માલિક અને સંસ્થા, સંચાલન અને માલિકી વચ્ચેના, ખાસ તો વ્યાપારઉદ્યોગના સંદર્ભમાં,  સંબંધ બાબતે એક વિસંવાદ હંમેશાં ચાલતો રહ્યો છે. તેને જૂદી જૂદી રીતે રજૂ કરી શકાય, પણ એક બાબતે થતા વિસંવાદનું મહત્ત્વ ઘણું રહ્યું છે. પશ્ચિમમાં કોર્પોરેટ ગવર્નન્સના બધા જ નિયમો દ્વારા એ વિસંવાદ પર નિયમન કરવાની કોશીશ કરતા જણાય છે. પરંતુ  ભારતમાં કોર્પોરેટ ગવર્નન્સ બાબતે  સંસ્થાકીય વહેવારો, નેતૃત્વની ખાસીયતો અને માલિક અને સંસ્થાને લગતી એવી બધી બાબતોમાં ખાસ કરીને  બહુ સમસ્યાઓ નજરે ચડતી રહે છે,

પાશ્ચાત્ય સંદર્ભમાં સંસ્થાને તેના અગ્રણીથી અલગ ગણવામાં આવે છે, જ્યારે આપણે ત્યાં સંસ્થાને અગ્રણીની જ અભિવ્યક્તિ તરીકે જોવામાં આવે છે.એટલે કે રાજા અને રાજ્ય એકબીજાંથી અભિન્ન ગણવામાં આવે છે. આ એક, બહુ મહત્ત્વની, પાયાની, વાત છે.
આ વિચારને આપણે એક મહાભારતની ઘટનાની કથાનાં દૃષ્ટાંત વડે સમજીશું. મહાભારતમાં યુધિષ્ઠિર એક સત્યભાષી રાજા તરીકે જાણીતા છે. તેમની સાથેનો દ્યુતનો પ્રસંગ પણ બહુ ચર્ચિત રહ્યો છે. તેમણે પોતાનું રાજ્ય દાવ પર લગાવ્યું હતું. આ બાબતે દરેક સમયે બહુ વ્યાપક અને વેધક ચર્ચાઓ થતી રહી છે, પણ 'શું તે રાજય દાવ પર લગાડી શકે?' એવો પાયાનો સવાલ આ ચર્ચાઓમાં સાંભળવામાં નથી આવતો. દ્રૌપદીએ આ સવાલ પૂછ્યો હતો. લોકો એમ માને છે એ સવાલ તેણે પોતા માટે કર્યો હતો, પરંતુ ખરેખર તો તેનો એ સવાલ આ બધું જ આવરી લે છે. તેનું તો કહેવું જ એ હતું કે યુધિષ્ઠિર કયા હક્કથી રાજ્યને દાવ પર મૂકી શકે? રાજ્ય રાજાની પોતાની સંપત્તિ છે?



છે ખરી?

ના.
મૂળ સવાલ એ છે કે રાજ્યનું અસ્તિત્વ શા માટે છે? શું એ મારા ભયને ઓછો કરવા માટે છે? તો એ અધર્મ છે. જો એ લોકોનો ભય ઓછો કરવા માટે હોય તો એ ધર્મ છે. રાજ્યને જુગારમાં દાવ પર લગાડીને તમે કયો ભય ઓછો કરવાનો પ્રયાસ કરી રહ્યા છો?

આ તો બહુ વધારે પડતી આત્યંતિક વાતનું ઉદાહરણ છે. આજના સમયના વ્યાપાર ઉદ્યોગને જોઈશું તો જણાશે કે એક સાહસનો પ્રસ્થાપક કે માલિક તેમાં નાણાં, શક્તિ, લાગણી, પ્રતિષ્ઠા, કારકીર્દી બહુ બધું રોકાણ કરીને જોખમ પોતાના માથે લે છે. તો તેને પોતાનાં જીવન પર્યંત ખાસ હક્ક સ્વરૂપે એ સાહસને તેનાં અબાધિત રાજ્યની જેમ ગણવા કેમ ન મળવું જોઈએ?

આપણે ત્યાં રાજા અને રાજ્યનો સંબંધ ગાય અને તેના ગોવાળ જેવો ગણાયો છે.દૂધને જો ગાયની સંપત્તિનાં રૂપે જોઈએ તો એ સંપત્તિ આવે ક્યાંથી છે? ગાયમાંથી. સારું દૂધ એટલે શું? ચોક્ખું, ખૂબ માખણવાળું. આવું દૂધ એ આ સંપત્તિની નિપજ છે. હવે એ દૂધની માલિકી કોની - ગાયની કે ગોવાળની?

માલિકી તો ગાયની.

ગાય અને ગોવાળના સંબંધનું એક બીજું બહુ સરસ પાસું પણ છે. ગોવાળ ગાયની સંભાળ રાખે છે અને તેના બદલામાં ગાયનાં દૂધનો એક હિસ્સો રાખી લે છે. રાજા પણ તેનાં રાજ્ય, ગાય,ની સંભાળ લેનાર છે. રાજા જ્યારે ગાય બીજાંને આપે છે, ત્યારે ખરેખર તે શું કરે છે? એણે એ વ્યક્તિને દૂધ અને છાણ દ્વારા જીવનભરની આજીવિકા પૂરી પાડી છે. બીજા અર્થમાં તેને અસ્તિત્ત્વ આપ્યું છે; તેને જીવન જીવી શકવાનો માર્ગ કરી આપ્યો છે.

આમ બીજા અર્થમાં ગોદાન એ રોજગારીનું નિર્માણ છે. હું એક એવો રોજગાર નિર્માણ કરૂં છું જે બીજાંને હંમેશ માટે ટકી રહેવાનું સાધન બની રહે છે. હું જેટલી વધારે ગાયો આપું એટલી વધારે હું રોજગારીની તકો ઊભી કરૂં છું જેથી વધારેને વધારે લોકો પોતાનો નિર્વાહ જાતે કરી શકે. તેમણે શા માટે પોતાનાં સ્વબળ પર જીવવું જોઈએ? કારણકે, અન્યથા એ કુદરતની દયા પર નભતો થઈ જશે.મહાન રાજા પોતાનાં શાસન દરમ્યાન આવી ઘણી બધી 'ગાયો' વહેંચે છે. પણ એ આ ' ગાયો 'નો માલિક છે ખરો? આ સંબંધ ન્યાસધારીતા - ટ્ર્સ્ટીપણાં-નો છે. રાજા 'ગાય'નો ન્યાસી -ટ્રસ્ટી- છે. 

એક બાજૂ માત્ર એક ગાય અને બીજી બાજૂ રાજા હોય એ સંબંધને સમજવો તો સહેલો છે. તેને આજની વ્યાપારી સંસ્થાના સંદર્ભમાં તેને વિકસાવીએ. ધારો કે રાજા ઉદ્યોગસાહસિક કે પ્રસ્થાપક છે અને તે 'ગાય'નાં સાહસનું નિર્માણ કરે છે. જેમ 'ગાય' (સંસ્થા) મોટી થાય તેમ હવે તે એકલો 'ગાય'ને સંભાળી નથી શકતો. તેને હવે બીજાં લોકોની મદદની જરૂર પડે છે. એટલે 'દૂધ'પરનો તેનો હક્ક 'ગાય'ની હવે સંભાળ લેતાં બીજાં લોકો વચ્ચે પણ વહેંચાવા લાગે છે.એ વહેંચણી કયાં પ્રમાણમાં કરવી? રાજાએ આખી પ્રક્રિયા શરૂ કરી, શરૂઆતમાં વધારે ભોગ આપ્યો, આજે પણ તેને માથે બીજાં કરતાં જોખમ વધારે છે, તો તેનો ભાગ પાછળથી જોડાયેલાં બીજાં કરતાં વધારે હોવો ન જોઈએ? આપણે ત્યાં આજે વારંવાર એ સવાલ ઊઠે છે કે પ્રસ્થાપક એવાં કોઈ પણ પગલાં લઈ શકે જે તેને એક માલિકીઅંશધારક તરીકે ફાયદાકારક છે? એને કારણે બીજાં માલિકીઅંશધારકોને પણ ફાયદો થાય છે (કે નહીં) તે આ સવાલનું બીજું એક પાસું છે. તેનું પ્રસ્થાપક - સંચાલક તરીકેનું કોઈ પગલું તેને માલિકીઅંશધારક પણ હોવાને કારણે ફાયદો કરાવી આપે તે યોગ્ય ગણાય કે નહિ? એણે કોઈ પણ પગલાં માત્ર બીજાં માલિકીઅંશાધારકોની દૃષ્ટિએ જ લેવાં જોઈએ?

પહેલી વાત તો કે યોગ્ય એ બહુ સાપેક્ષ છે. બીજું. સવાલ સમાનતાનો છે. હિંદુ ધર્મમાં સમાનતા આત્માની કક્ષાએ છે, દેહની કક્ષાએ નહીં. આ અસમાનતાઓ વ્યક્તિની બુધ્ધિ કે  લાગણીઓ કે ભૌતિક (સંજોગો)નાં બંધારણ પર આધારિત છે.

એટલે તમારૂ એમ કહેવાનું થાય છે કે, તે જે જોખમ લે છે કે જે શક્તિ અને નાણાંનું વધારે રોકાણ કરે છે એ પ્રમાણે સ્વાભાવિકપણે જ સ્થાપક, પ્રસ્થાપક કે ઉદ્યોગસાહસિક વધારે (હિસ્સા) માટે હક્કદાર છે.

'હક્ક' એ હિંદુ વિભાવના નથી, તેમાં તો ફરજની વિભાવના છે. આપણી આખી સંસ્કૃતિ ફરજની વિભાવનાથી ઘડાઈ છે. ફરજ બીજાં પ્રત્યે હોય, હક્ક પોતા માટે હોય. એટલે 'આ મારો હક્ક છે' એમ દાવો કરવાથી આપણે પણ આપણી સુરક્ષા વધતી રહે, આપણાં હિતો વધારે સચવાય એવા પ્રભાવ રૂપી પ્રદેશાધિપત્યની પશુવૃત્તિને ઉત્તેજીત કરીએ છીએ.'આ મારૂં છે' એમ કહીને એ વૃત્તિને પ્રોત્સાહિત કરીએ છીએ.એનો અર્થ એમ થયો કે આપણે આપણામાંના  ભયની કલ્પના અને વિસ્તારણ રૂપી પશુને જીવતું રાખીએ છીએ.
કેટલું યોગ્ય કહેવાય તે કોઈ કાયદો નક્કી કરી ન શકે. એ તમારે જાતે નક્કી કરવાનું છે. એ તમારી ફરજ છે કે તમે નક્કી કરો કે બીજાંને કેટલું આપવું યોગ્ય છે. આમ આ આખી બાબત તમારાં અંતરાત્મા, તમારી અંદરનાં ઘડતરને લાગૂ પડે છે. એ માટે કોઈ કાયદો કશું કહી ન શકે. આપણે સમજવાનું છે કે ૧૦% યોગ્ય છે કે ૧૨% આપો એ યોગ્ય નથી.રાજાએ આવા નિર્ણયો કરવાના આવતા હોય છે. માટે જ તેની પૂજા થાય છે. તેને ઊંચાં સિંહાસન પર બેસાડવામાં આવે છે, પદપ્રક્ષાલન, મુગટ પહેરાવવો જેવાં અભિષેકનાં કર્મકાંડો કરવામાં આવે છે.

અને તેમ છતાં તેઓ હંમેશાં પોતાનાં રાજ્યો દ્યુતમાં કે પોતાનાં રાજ્યને વિકસાવવા માટેની લડાઈઓમાં હારતા રહ્યા. એટલે જો રાજા અને તેમનાં રાજ્ય વચ્ચે ટ્રસ્ટ અને ટ્ર્સ્ટીશિપનો સંબંધ હતો, તો આ સિદ્ધાંતને ખરા અર્થમાં અમલ કરી શકેલા રાજાઓનાં બહુ ઉદાહરણો જોવા નથી મળતાં.

આનું કારણ એ છે કે આપણે સંપૂર્ણ બનવાનો સંઘર્ષ જોઈ રહ્યાં છીએ - આમ તો સંપૂર્ણ થવાનો પણ નહીં, પણ માનવી થવાનો, આપણામાંના પશુમાંથી બહાર નીકળવાનો, પોતાની હકુમત ચાલે તેવા વિસ્તાર બનાવવાની જાળવી રાખવાની પશુવૃત્તિ પર આધિપત્ય મેળવવાનો આ સંઘર્ષ છે. આપણું ખરૂં માનસ ૯૯% આ પશુવૃત્તિ છે. આ સંધર્ષ છે ૯૯%ને ૯૮% કરવાનો.આપણામાંના પશુને આપણે પૂરેપૂરૂં વશ તો ક્યારેય નથી કરી શકવાનાં, કારણકે તો જીવતાંજીવત ઈશ્વરત્વ પ્રાપ્ત કરી જઈએ.

૯૯ ને ૯૮માં ફેરવી શકીશું? એ છે આંતરદર્શનની હિંદુ પધ્ધતિ. નિયમો પાત્ર પાલતુ પશુ બનાવી શકે. એ આપણામાંનાં પશુને સુધારી ન શકે.

અહીં આ વાર્તાલાપ પૂરો થાય છે. એક દૃષ્ટિએ એમ લાગે કે વાત કંઈક વધારે પડતી ઝડપથી, અધૂરી મુકાઈ ગઈ છે. એ દૃષ્ટિએ જોનારે તરત જ ત્રીજો ભાગ જોવા તરફ આગળ ચાલી જવું રહ્યું. બીજી દૃષ્ટિએ જોઈએ તો આ અચાનક અંત આપણને '૯૯ને ૯૮માં ફેરવી શકીશું?' એ સવાલ માટે આપણને વિચારતા કરવા માટેની ટકોર કરે છે એમ કહી શકાય. બીજા શબ્દોમાં માલિક તરીકેનાં આપણા વિચારો અને વર્તન,  અને આપણી સંસ્થા સાથેના સંબંધ માટે આપણને ગરમાગરમ વિચારોનું ભાથું બંધાવી આપે છે.
અચાનક અંતની એ ચુભન આપણને યાદ કરાવતી રહે છે કોર્પોરેટ ગવર્નન્સ જેવાં નિયમનો આપણામાંનાં પશુને પાલતુ બનાવી શકે. આપણી ભૂમિકા એકહથ્થુ માલિકીની કે ભાગીદારી માલિકીની કે (બહુમતી કે પછી ભલેને લઘુમતી)માલિકીઅંશધારકોની હોય કે પછી સંસ્થાના અગ્રણી સંચાલકની હોય,  પણ ૯૯% પશુવૃત્તિને ૯૮% સુધી લઈ જવાની શક્તિ તો આપણાં ઊંડાણમાં પડેલાં નૈતિક આચાર વિચારનાં મૂલ્યોમાં જ છે.
આપણા હવે પછીના અંકમાં આ વિષયની ચર્ચાના, 'બીઝનેસ સૂત્ર' શ્રેણીના ત્રીજા અંકના ત્રીજા ભાગમાં 'રામાયણની સામે મહાભારત' - ધર્મના આચાર વિચારના બે છેડાના અભિગમ-ની વાત કરીશું.
નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો