બુધવાર, 11 માર્ચ, 2020

પ્રેમનાં મોજાંને ટકાવી રાખવું - દેવદત્ત પટ્ટનાઈક


૨૦૧૯માં દિલ્હીમાં ભાજપ સાતમાંથી સાથ બેઠકો જીતે છે, 'આપ' ત્રીજા ક્રમે રહે છે.
પછીથી, ૨૦૨૦માં ભાજપ માત્ર આઠ બેઠક જીતે છે. 'આપ' ૭૦માંથી ૬૨ બેઠક જીતે છે. 'આપ'નો આ લાગલગાટ ત્રીજો વિજય છે.
બન્ને વખતે વિજયી ચહેરાઓ પરનો ઉન્માદ અને હારેલા ચહેરાઓ પરની નિરાશા જોતાં જોતાં ભગવદ ગીતાના શ્લોકોનું સ્મરણ થઈ આવે -
અધ્યાય ૧૬, શ્લોક ૧૪ : શાબ્દીક રૂપાંતંર : મેં આ શત્રુને મારી નાખ્યો… બીજાઓને પણ હું હણી નાખીશ… હું ચક્રવર્તી છું, ખુશી મારી છે… હું સમૃધ્ધ, શક્તિશાળી અને સુખી છું.
માનવ અંકુશની બહારના બળો ધરાવતાં વિશ્વની બૃહદ સંરચનામાં વિશ્વાસ ન ધરાવતાં, લોકોની સફળતા અને નિષ્ફળતા માટે પોતે જ જવાબદાર એવા ભ્રમ ધરાવતાં લોકોનું વર્ણન કૃષ્ણ આ શબ્દોમાં કરે છે. 
અધ્યાય ૩, શ્લોક ૨૭ : કુદરત કરે છે બધું, પણ અજ્ઞાની તેનું શ્રેય પોતાને ખાતે ચડાવે છે.
આપણને વિચાર આવે કે, ૨૦૧૯ના કોંગ્રેસના કે ૨૦૨૦ના ભાજપના પરાજયથી ખુશખુશાલ થઈને નાચતાં લોકોએ માનવ જાતની બાલિશતાને વર્ણવતી આ પંક્તિઓ વાંચી હશે ખરી ? મતદાતાના જુવાળનાં મોજાં પર તરી રહેલાં ફીણ જેવાં એ લોકો એમ માનતાં હશે કે એ મોજાંનો  ઉછાળ પણ તેમણે  જ સર્જેલ છે?
આજનાં ભારતની કરૂણતા એ છે કે હિંદુત્વના પ્રણેતાં પરિબળો ગીતાનું સન્માન કરે છે, દરેક ભોજન પહેલાં તેના શ્લોકોનું પઠન કરે છે, તેને રાષ્ટ્રીય ગંથ બનાવવા તૈયાર છે, પરંતુ તેને ખરેખર વાંચતાં નથી. તેની સામે બિનસાંપ્રદાયિક, ઉદારમતવાદી પરિબળો ગીતા વાંચતાં પકડાઈ જવાના ભયથી કાંપે છે, સિવાય કે તે સમયે પાછળ સૂફી સંગીત રેલાઈ રહ્યું હોય. તેમને તેમની બિનસાંપ્રદાયિકતા ઓછી અંકાઈ જવાની દહેશત છે. શક્ય છે કે આપણે ખોટાં જ હોઈએ. બન્ને પક્ષ ખાનગીમાં ગીતા વાંચતા પણ હોય. સ્વપ્રતિષ્ઠાના પોતાના ઉન્માદમય આછકલાં વર્તન વિશે જાહેર માધ્યમો જ્યારે ધ્યાન ખેંચે ત્યારે તેમના ધરાર ઇનકારમાં આપણને ભરોસો બેસે એવા કોઈ પુરાવા નજરે નથી ચડતા.
આપણે કોઈ રાજકીય વિશ્લેષણનાં પિષ્ટપેષણમાં નથી ઉતરી પડવું.ચુંટણીઓમાં, મોટા ભાગે, એકની ભૂલોથી બીજાંની જીત થઈ જતી હોય છે. પરંતુ જે જીતે તે તો સફળતામાં પોતાની વ્યુહરચનાની કમાલ પર આફ્રીન હોય. કોઈ અવકાશ વ્યક્તિને ખેંચીનેં અંદર ઉતારી જાય, પણ અંદર ઉતરતી જતી વ્યક્તિ તો એમ જ માનતી રહે કે કોઈ અદૃશ્ય બળ તેને ખેંચી રહ્યું છે.
પ્રેમનું પણ એવું જ છે. બીજો પક્ષ આપણને તેમાં અંદર ખેંચી જતો હોય, પણ આપણે તો એમ જ માન્યે રાખીએ કે એ તો મારી મોહિની છે જે જાદુ કરી રહી છે. ઘમંડ અને સ્વપ્રતિષ્ઠાનું ગુમાન પ્રેમની ક્યારે પણ ટકવા ન દઈ શકે. એ તો ફટકિયાં છે, લોકશાહીમાં મતદારો જેવાં. તેઓ તમને ખભા પર ચડાવીને ફેરવશે, તમારા પર ભરોસો પણ મુકશે, તમારા વશ થઈને રહેશે, જો તમે તમારૂં બોલેલું કરી બતાવો તો. આ કંઈ હિદુ લગ્ન નથી કે એક વાર લગ્નબંધનમાં બંધાયા પછી તેનો મનફાવે તેમ દુરૂપયોગ કરી શકાય. મતદારોની જેમ પ્રેમમાં પણ સામો પક્ષ લાચાર કે બીચારો નથી. જો તમે બોલેલું પાળવામાં નિષ્ફળ જાઓ તો તે તે જ ઘડીએ પીઠ ફેરવી લેશે. એ મુરખ પણ નથી.  જાહેરાતો કે જાહેરમાધ્યમોના પ્રચારની ભરમારથી તેને ધાર્યાં પળોટી શકાશે તેવી કોશીશ પણ ન કરવી. તે ઉદાર છે, પણ તેની ઉદારતાની સીમા પાર થાય ત્યાં સુધી ખેંચવું નહીં.
જો તમારામાં ખરેખર સુધારાનાં ચિહ્ન પણ વર્તાય, તો તે માફ પણ કરી દેશે. બસ, પોતાની જાતને ઓળખો અને તેની સબળી બાજુઓને પ્રકાશમાં લાવવા કસીને મહેનત કરો, બીજાંને સંતોષ થાય તેમ કરવાની સંન્નિષ્ઠ કોશીશ કરો. એ માટે ખાસ્સો અભ્યાસ અને ધીરજ આવશ્યક છે. આજની આ 'લોકશાહી'માં કંઈક મેળવવું હોય તો કંઈક આપવાની પૂરી તૈયારી રાખવી જોઈશે. ગીતા તેને 'યજ્ઞ' કહે છે.
  • મિડ ડે માં ૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Sustaining the wave of loveનો અનુવાદ : પ્રયોજિત પુરાણવિદ્યાભ્યાસ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો