ધર્મની વેદિક તંત્રવ્યવસ્થામાં માણસે જીવનમાં ચાર અવસ્થામાંથી પસાર થવું પડે છે. પહેલો તબક્કો વિદ્યાર્થી કાળ, બીજો ગૃહસ્થ જીવન, ત્રીજો નિવૃતિ કાળ અને ચોથો સંન્યસ્ત જીવન જીવવાનાં વર્ષો એમ આ ચાર અવસ્થાઓ વર્ણવાઈ છે. આ દરેક તબક્કાઓની શરૂઆત કે અંત અમુક ચોક્કસ દિવસે જ નથી થતાં, પણ વ્યક્તિ એકથી બીજી અવસ્થામાં ધીરે ધીરે સરી જતી રહેતી હોય છે. આમ વિદ્યાર્થી અમુક કૌશલ્યો શીખે છે, પછી ગૃહસ્થ જીવનમાં પહેલાં પતિ (કે પત્ની) અને પછી પિતા (કે માતા)ની ભૂમિકામાં પોતાનાં કુટુંબનો વિકાસ અને રક્ષણ કરે છે. એક સમયે તેનાં પુત્ર અને પુત્રીઓ પરણે છે અને તેમને પોતાનાં સંતાનો થાય છે. એ સમય હવે વ્યક્તિએ કૌટુંબીક બાબતોમાંથી નિવૃતિ લઈને પોતાનાં પૌત્રો/દૌહિત્રોને ઊછેરવામાં મદદરૂપ થવા તરફનું વલણ વિકસાવવું જોઈએ. જ્યારે પૌત્ર/પૌત્રીને પણ પોતાનાં સંતાનો થાય ત્યારે વ્યક્તિએ એક સંન્યાસીની માફક હવેની તેની આસપાસની ગતિવિધિઓને સાક્ષીભાવે નિહાળવી જોઈએ અને દુનિયા તેના વગર પણ કેમ ચાલી શકે છે તે જોતાં અને સ્વીકારતાં શીખવું જોઈએ. તે સમયે પોતાનાં જ્ઞાન વગેરેનો વારસો પણ તેણે નવી પેઢીને સોંપી દેવો જોઇએ.
ધીરે ધીરે એક ભૂમિકામાંથી બીજી ભૂમિકામાં તબક્કાવાર સરી જવાની વિભાવના પાછળ એમ
મનાય છે કે વ્યક્તિને નવું કૌશલ શીખવામાં અને તેમાં નિપુણ થવામાં, અને પછી જુનું ભુલવામાં અને જુની ટેવોમાંથી બહાર આવવામાં સમય લાગે છે.
એક વ્યક્તિનાં જીવનમાં બને છે તેમ અગ્રણી - નેતા-ના કારકિર્દીકાળમાં પણ
કોઈજ પરિવર્તન અચાનક આવી નથી પડતું. તેણે ધીરે ધીરે નવી પ્રતિભાઓને કેળવીને તેમના
પર પોતાની એ જવાબદારીઓનો ભાર સરકાવતા રહેવાનું છે. એક તબક્કે હવે તેણે એ કામને
છોડીને નવું કામ હાથ પર લેવાનું રહે છે. એક વ્યક્તિ તરીકે, એક નેતા તરીકે તેનો એ ધર્મ છે. તેની નૈતિક ફરજ છે.
પરંતુ, માણસ હવે વધારે ને વધારે પ્રોગ્રામ
થઈ શકે એવું પ્લગ એન્ડ પ્લે રમકડું માની લેવાતો થયો છે, જેને સોફટવેર પ્રોગ્રામના ટુકડાઓથી વધારે કાર્યદક્ષ બનાવી શકાય છે. સંસ્થાનાં
માળખાંઓમાં વારેઘડીએ ફેરફારો કરાતા રહે છે અને લોકોએ તે દરેક ફેરફાર થએલ માળખાંમાં
તેને માટે નક્કી થયેલ ભૂમિકામાં હંમેશાં વ્યવસ્થિતપણે ગોઠવાઈ જવું અપેક્ષિત છે.
તેમ કરવા માટે ઓછામાં ઓછી તાલીમ શક્ય પણ બને, ક્યારેક તો તે પણ ન હોય. જૂની
પરિસ્થિતિમાંથી બહાર આવીને, નવી પરિસ્થિતિમાં ગોઠવાવા માટે
શારીરિક કે માનસીક તૈયારીનો સમય તો ક્યાંથી જ મળે ! પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી
દરરોજ ૧૦૦% કાર્યદક્ષતાથી કામ કરવાનું, અને તેમ છતાં તમારાથી વધુ નહીં તો
સરખી તો કાર્યદક્ષતા ધરાવતી વ્યક્તિ તમારી જગ્યા ક્યારે પણ લઈ શકે ! આમ હવે બધાં
પ્રોગામ કરી શકાય, સહેલાઈથી બદલી શકાય કે તબદીલ કરી
શકાય એવાં,'એક સરખાં' જ માની લેવાય. બીજા શબ્દોમાં કંપનીઓને
મન કર્મચારીઓ અને સહયોગી લોકો એવાં સાધન માત્ર જ છે જેમને વાપરો, ઊંચી કક્ષાએ ચડાવો કે પછી બાજુએ પણ કરી દ્યો.
ડિઝાઈન અને ટેક્નોલોજિનો ઉદ્દેશ્ય
વધારે ને વધારે આવાં ધાર્યાં ચોકઠામાં બંધબેસતાં થાય તેવાં કર્મચારીઓને
તૈયાર કરવા માટેનો જ બનતો જાય છે.
પરંપરાગત રીતે, વેદીક ટેક્નોલોજિઓને મંત્ર (મનની
સાથે કામ કરનાર), તંત્ર (તન - શરીર સાથે કામ કરનાર)
અને યંત્ર (મન કે તન સિવાય, સ્વતંત્રપણે, કામ કરતું સાધન કે ટેક્નોલોજિ) એમ ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવે છે. મંત્ર
મનમાંના વિચારો કે ભાવનાઓની બાબતે સ્પષ્ટ થવામાં અને તેમ કરીને ભાવાત્મક સ્થિરતા
લાવવામાં મદદ કરે છે. તંત્ર મન કે ચિત પર ભારણ કર્યા વગર સમસ્યાઓના ઉકેલમાં શરીર
દ્વારા વપરાતાં, મંત્રોચ્ચાર, ઉપવાસ, બ્રહ્મચર્ય, આસનો, પ્રાણાયામ કે યાત્રાઓ જેવાં આચરણો
છે. અને, માનવ શરીરની બહાર સ્થિત, મૂર્તિઓ કે ભૌમિતિક ભાતવાળી આકૃતિઓ વગેરે એવાં યંત્રો છે જે તન કે મન પર જોર
દીધા સિવાય આપણી આસપાસની દુનિયા પર અસર કરવામાં આપણી સહાય કરે. યંત્ર, સામાન્યપણે, લગાડો અને કામ કરવા લાગે તેવાં હોય
તેમ અપેક્ષિત છે - તાવીજ પહેરો અને તમારૂં ધાર્યું લક્ષ્ય પાર પડ્યું સમજો.
દરેક સંસ્થાને નેતૃત્વ તૈયાર કરવા માટે (વૈચારીક સ્પષ્ટતા અને ભાવાત્મક
સુરક્ષા) મંત્ર, કહ્યાગરો કર્મચારીગણ તૈયાર કરવા
માટે (આચરણમાં સુધારા) તંત્ર અને માનવ હસ્તક્ષેપની જરૂર ન હોય એવાં પુનરાવર્તી
કામો કરવા માટે (ટેક્નોલોજિ અને ઉપકરણો)યંત્રની જરૂર પડે છે. આ ત્રણેયમાં મંત્ર
સૌથી ઓછું ધાર્યું નીવડે છે, પણ બદલતા જતા સંદર્ભોને સમજવા અને
તેની સાથે કામ લેવામાં સૌથી વધારે અસરકારક નીવડી શકે છે. તંત્ર મોટે ભાગે સમરસ
પારિસ્થિતિક તંત્રવ્યવસ્થાઓમાં જ કામ આવે છે. જ્યારે જ્યારે સંસ્થાનાં માળખામાં, પ્રક્રિયાઓમાં કે ટેક્નોલોજિઓમાં ફેરફારો થાય છે ત્યારે તેને અપનાવી શકવાની
ક્ષમતા પેદા કરવા માટે પરિવર્તન સંચાલન કાર્યશાળાઓ,
કે પુનઃતાલીમ
વર્ગોની આવશ્યકતા ઊભી થતી રહે છે. યંત્ર ક્યાં તો માનવીની મદદ કરવા (સાધન) કે પછી
તેને બાજૂએ કરવા (રોબોટ્સ)નાં સ્વરૂપે વપરાય છે. વ્યાવસાયિક દબાણોથી, સતત માનવ અવજ્ઞાથી અને વધારે ને વધારે ઘટતી જતી પૂર્વકથનીયતાથી ઘેરાયેલી કંપનીઓ,
મોટા ભાગે, યંત્રો તરફ સૌથી વધારે, તેનાથી ઓછું તંત્ર પર અને સૌથી
ઓછું મંત્ર તરફ ઢળવાનું વલણ રાખતી જણાતી હોય છે.
દુનિયાને તંત્રજ્ઞવાદી દૃષ્ટિકોણથી જોવાની આ વાત છે, જેમાં માંણસની પૂર્ણપણે જગ્યા લઈ લે એવાં યંત્ર અને ટેક્નોલોજિ રચવાની કલ્પના
છે, અને તેથી અલ્ગોરિધમ અને રોબોટિક્સ પર વધારે ને વધારે વિશ્વાસ રાખવાનું વલણ
વધતું જાય છે. માણસને વધારે ને વધારે મદદ કરે એવાં ઉપકરણો કે ટેક્નોલોજિઓ
વિકસાવવાને બદલે માંણસને માટે કમ્પ્યુટર અને ટેક્નોલોજિનો વધારે ને વધારે ઉપયોગ
કરતાં ઉપકરણોને અનુકૂળ થવાની વાત આવીને ઊભી છે. આશય એવો છે કે માનવીય હસ્તક્ષેપને
કારણે થતી માનવ નિયંત્રણ બહારની ક્ષતિઓથી પરિણમતાં અણધાર્યાં પરિણામોને બદલે આવાં
સાધનોથી શક્ય એવાં સાતત્ય ધરાવતાં, અને વધારેને વધારે અપેક્ષિત, પરિણામો નીપજાતાં રહે. કર્મચારીઓને સમસ્યાઓનું પોટલું ગણવામાં આવે છે. માણસને
ગુલામ બનાવવાની પ્રથા નાબુદ કર્યા પછી વધારે વધારે માગણીઓ કરતા કર્મચારીગણની
ગુલામીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ માનવ જાતનો જ એક વર્ગ કરે છે. આમ લોકો કરતાં તંત્રવ્યવસ્થાઓને, અને વિચારો અને
કલ્પનાશક્તિને કરતાં હવે ટેક્નોલોજિને, વધારે પસંદ કરવાનાં
વલણ વધતાં જતાં જણાય છે.
આપણે હવે એવી દુનિયામાં વસવા લાગ્યાં છીએ જે વાત સાચુકલાં માણસ સાથે સહેલાઈથી
કરી શકાય, કે કરવી જોઈએ, તે વાત આપણે કમ્પ્યુટર સ્ક્રીન કે મોબાઈલ ડીવાઇસને કહેતાં થઈ જઈશું. જે
નિર્ણયો આપણે કરવા જોઈએ, તે આપણે કમ્પ્યુટરને કરવા દઈશું, કે કમ્પ્યુટર એ નિર્ણય લે તો જ આપણને એ નિર્ણય પર ભરોસો બેસશે. આપણાં ઉત્પાદનો
કે સેવાઓ વધારેને વધારે ગ્રાહકો વાપરે તેમ આપણે ઈચ્છીશું, પણ તે બનાવવામાં આપણને ઓછામાં ઓછાં લોકો જોઈએ તે વિશે આપણે સતત પ્રયત્નશીલ બની
રહેશું. આપણા સવાલોના પ્રતિભાવો માણસને બદલે કમ્પ્યુટર આપે તે આપણને વધારે ને
વધારે સ્વીકાર્ય બનશે, કે કદાચ ગમશે પણ. યંત્ર, અને તંત્રના પણ, અત્યાધિક, અને મહદ અંશે કદાચ બીનજરૂરી પણ, વપરાશ વિશે ઓછામાં ઓછા લોકોને સવાલ
થાય છે, અને એથી પણ ઓછાં લોકો એ સવાલ ઉઠાવે
છે. ખરેખર ચિંતાનજક, અને બહુ જ જોખમી વલણનું એક મોજું
ઊઠી રહ્યું છે, તે ત્સુનામી બને ત્યાં સુધી રાહ
જોવી છે? જોવી જોઈએ? જોતાં બેસી રહેશું?
- ધ ઈકોનોમિક ટાઈમ્સ માં ૧૨ જૂન, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, Plug & Play Yantras નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો