બુધવાર, 7 ડિસેમ્બર, 2022

ભૂતોની ભાષાઓમાં કહેવાયેલી કથાઓ - દેવદત્ત પટ્ટનાઈક

દુનિયા આખીમાં સાંભળવા મળતી અનેક પરી કથાઓનું મૂળ ભારતમાંથી જોવા મળે છે, જેને પરિણામે ઘણા અગ્રણી વિદ્વાનો ભારતને કથાઓનું ઘર પણ કહે છે. મૂળ કથા સંગ્રહ, બૃહદ કથા -કથા સાગર- ભૂતોની ભાષા, ભૂતભાષા, તરીકે ઓળખાતી ભાષામાં લખાયેલ. ભૂતભાષા નથી તો સંસ્કૃત કે નથી પ્રાકૃત. હવે તો તે લુપ્ત પણ થઈ ગયેલ છે. જોકે તેમાંથી બચી ગયેલ છે તે 'કથા સરિત સાગર' પુસ્તક સ્વરૂપે મળી આવે છે.

એમ કહેવાય છે કે આ કથાઓ ભગવાન શિવે તેમનાં પત્ની શક્તિને કહી હતી અને તે વખતે શિવજીના અનુયાયીઓ ગણોએ પણ તે સાંભળી લીધી હતી. ગણોએ એ કથાઓ પિશાચોને કહી સંભળાવી. તે સમયે આ કથાઓ ગુણાઢ્ય નામના એક વિદ્વાને પણ સાંભળી અને સમજી લીધી હતી. પોતાના રાજા સાથે એક શરત હારી જવાને કારણે ગુણાઢ્યએ સંસ્કૃત કે પ્રાચીન ભાષાઓ ન બોલવાની પ્રતિજ્ઞા લીધી હતી. ગુણાઢ્યએ આ વાર્તાઓ પોતાનાં લોહીથી લખી ને પોતાના રાજા શાલિવાહન સમક્ષ રજૂ કરી. શાલિવાહનને એ પુસ્તકની ભાષા વિચિત્ર લાગી. તેને લાગ્યું કે પોતે ભૂત ભાષા જાણે છે એમ કહેતો ફરતો આ ગુણાઢ્ય પાગલ લાગે છે. ગુણાઢ્ય ખુબ નિરાશ થયા અને તેમણે પોતાની આ વાર્તાઓ જંગલમાં પશુઓ અને પક્ષીઓને મોટે મોટેથી વાંચી સંભળાવવાનું શરૂ કર્યું, અને હસ્તપ્રતનું જે પાનું વંચાઈ જાય તે બાળી નાખતા ગયા. યોગાનુયોગે, આ કથાઓને નાપસંદ કરી ચુકેલ રાજા પણ એ સમયે જંગલમાં શિકાર કરવા નીકળ્યો હતો. તેણે જોયું કે જંગલમાંનાં બધાં પશુપક્ષીઓ ગુરુ ગુણાઢ્યની વિચિત્ર ભાષામાં લખાયેલી વાર્તાઓ મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યાં છે. હવે રાજાને સમજાયું કે ગુણાઢ્ય કંઈ પાગલ બાગલ નહોતો , પણ તેમને ખરેખર અત્યાર સુધી ભૂતો જ જે ભાષા સમજી શકતાં તે ભાષામાં જ આ કથાઓ લખી છે. તેમણે પસ્તાઈને ગુણાઢ્યને હવે પછી બાકી રહેલાં પાનાં બાળી નાખવાથી રોક્યા. કુલ સાત લંબક (ભાગ)માંથી માત્ર એક જ લંબક બચી શક્યું હતું. દુનિયાને જે અપ્રતિમ સાહસ કથાઓ મળી છે તે આ બચી ગયેલા ભાગમાંથી મળી છે. આમ તો આ કથાઓ કોઈ ધર્મની સાથે સંકળાયેલી નથી પરંતુ તેમ છતાં તેમને બૌદ્ધ, જૈન અને હિંદુ ધર્મોની કથાઓનાં સ્વરૂપે પરિવર્તીત કરીને અપનાવાઈ લેવાઈ છે.

આમ, અહીંથી આપણને ઋષ્યશૃંગની કથા મળે છે જેનો ઉછેર જ સંન્યાસી તરીકે કરાયો હોય છે, જેને પરિણામે તે મોટો થયો ત્યાં સુધી નારી વિશે તેને કંઈ જ જ્ઞાન નહોતું. આ કથા બૌધ્ધ જાતકોમાં, જૈન વાસુદેવહિંદી અને હિંદુ રામાયણમાં પણ જોવા મળે છે. એ જ રીતે, ખાવાના શોખીન સુદાસની પણ એક કથા છે, જેના મુજબ સુદાસ સ્વાદ માટેનો તેના અતિ-શોખને કારણે એક વાર માનવ માંસ પણ ખાઈ જાય છે અને જ્યાં સુધી એક જૈન મહાપુરુષે આવીને તેનો ઉદ્ધાર ન કર્યો, કે તેને મારી ન નંખાયો, ત્યાં સુધી માનવભક્ષી જ બની રહે છે. તે જ રીતે જૈન, બૌદ્ધ અને પુરાણોની દંતકથાઓમાં એક ગણિકાની કથા પણ સાંભળવા મળે છે જે નાનપણમાં ત્યજી દીધેલા પોતાના પુત્ર સાથે જ પરણી બેસે છે. તુંડ મિજાજી વાસુદત્તાની કથામાં તે પોતાના પતિ અને સંતાનોને વિવિધ કુદરતી આપત્તિઓમાં ખોઈ બેસે છે અને પછી જૈન કે બૌદ્ધ સાધ્વી બને છે. એક અતિથિપરાયણ પક્ષીણીને પારધીએ પકડી લીધી હોય છે તેમ છતાં પોતાના અતિથિ પારધીનું પેટ ભરવા માટે તે પોતાની પતિ પક્ષીને પોતાની જાત સમર્પિત કરવાનું કહે છે. આ વાર્તા મહાભારતનાં શાંતિ પર્વ ઉપરાંત બૌદ્ધ જાતક કથાઓમાં કરુણા, ઉદારતા ને ક્ષમાના ગુણોને સમજાવવાના અર્થમાં જોવા મળે છે.સંતાન માટે ઝઘડતી બે સ્ત્રીઓને બાળકના બે ટુકડા કરી વહેંચી દઈને બન્નેને સરખો ન્યાય મળે તેવો જ્યારે તોડ કહેવામાં આવે છે ત્યારે સાચી માતા એમ કરવાને બદલે બાળકને જ જતું કરવા તૈયાર થઈ જાય છે વાર્તા તો બહુ જાણીતી છે. જૈન પરંપરામાં કૃષ્ણના પિતા, વાસુદેવ,,ને એક એવા વિચક્ષણ રાજા બતાવાયા છે જટિલમાં જટિલ સમસ્યાઓ ઉકેલી આપી શકે છે.બૌદ્ધ પરંપરાઓમાં એવી વ્યક્તિ બોધિસત્વ છે તો બાઈબલમા બધી સમસ્યાઓના હલ ખોળનાર તરીકે રાજા સોલોમનનું પાત્ર છે !

ભાષાંતરકારની નોંધ:

કથા સરિત સાગર અંગ્રેજી અનુવાદ રૂપે –

         Katha Sarit Sagar

કથા સરિત સાગર,ગુજરાતીમાં

Katha-Sarit Volume 1 Books 1 to 9

Katha-Sarit Volume II Books 10 to 18

  • મિડ-ડેમાં ૧૯ ઓક્ટોબર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Stories in the language of ghostsનો અનુવાદપ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો