બુધવાર, 15 ઑક્ટોબર, 2025

માનવ સંબંધોનું દિવ્યકરણ : મુળભૂત આધ્યાત્મિક મૂલ્યોના આધારે પારિવારિક સંબંધોની પુનઃકલ્પના

 

ડૉ. પરોમિતા રોય[1]

વ્યક્તિગત સ્વાતંત્ર્યના ઓઠાં હેઠળ થઈ રહેલ અસ્વસ્થ વ્યક્તિપરસ્ત વિકાસે અને મિથ્યા વૈભવપ્રેમી ઔદ્યોગિકરણે સંબંધમાં અનુકૂલનશીલતા અને પરિવર્ત્નશીલતાને લગભગ ખતમ કરી નાખી છે. સદીઓથી જેની આપસી વિશ્વાસ અને કુટુંબના સભ્યોમાં એકબીજા તરફ પોતાપણાની ભાવના વડે સંબંધોમાં જે મજબુતી સિંચાઈ છે તેનાં મૂળ ઢીલાં પડવા લાગ્યાં છે.  આવા મુશ્કેલ સમયમાં વેદાંતમાં વણાયેલા વ્યક્તિ તત્વતઃ સાર્વત્રિક છે એવાં હાર્દની પુનઃકલ્પના કરીશું.

કુટુંબનું સામાજિક મહત્વ અને કુટુંબના વિઘટન માટે જવાબદાર કારણો

કુટુંબની છાયામાં મૂલ્યો, સિદ્ધાંતો અને ધારાધોરણો મનની અંદર ઘુંટાય છે. રોબર્ટ મૉરિસન મેસીવર અને ચાર્લ્સ એચ પેજ તેમનાં પુસ્તક Society: An Introductory Analysis[2] માં કહે છે કે 'સમાજમાં વિકસતી નાની કે મોટી કોઈ સંસ્થાઓ તેનાં સામાજિક મહત્વની ઉત્કટતામાં કુટુંબને અતિક્રમી શકતી નથી.'

એક સામાજિક ઘટક તરીકે કુટુંબની કેટલીક ખાસિયતો ધ્યાન ખેંચે છે.

સમાજનાં બધાં જ ઘટકોમાં કુટુંબને સર્વવ્યાપી ગણવામાં આવે છે. તેનાં સભ્યોની લાગણીઓનાં બંધનને તે મજબૂત બનાવે છે. કુટુંબનાં બંધારણનાં ઘડતરનું સ્વરૂપ તેના વ્યક્તિગત સભ્યોનાંવ્યક્તિત્વ પર બાળપણથી લઈને જીવનના અંત સુધી ઊંડી અસર પાડે છે. સમાજ અને દેશ પ્રત્યેની જવાબદારીની સમજણનો પાયો કુટુંબ વ્યવસ્થા દ્વારા પડે છે. (એટલે જ ) બધી સામાજિક સંસ્થાઓનું કુટુંબ નાભિકેન્દ્ર ગણાય છે.

આમ છતાં, કુંટુંબની વ્યવસ્થામાં સમયની સાથે સાથે બહુ તીવ્ર પરિવર્તનો આવતાં રહ્યાં છે. ઔદ્યોગિક ક્રાન્તિની સમયથી ટેક્નૉલોજિના વિકાસ સાથે આવતી રહેલી સમૃદ્ધિ, મશીન અને ગેજેટ્સ પર વધતું જતું પરાવલંબન, જીવન શૈલીમાં વધતી જતી ઝડપ જેવાં પરિબળોને કારણે અધીરાઈ, અસહિષ્ણુતા, આસપાસની પરિસ્થિતિઓ કે વ્યક્તિઓ સાથે મેળ ન બેસવો જેવાં પરિણામોએ કુટુંબની એકરાગતાનો હ્રાસ થતો ગયો છે..

આમ થવા પાછળ બે મુખ્ય કારણો જવાબદાર ગણાય છે - 

૧. પહેલાંનીએક વ્યક્તિનાં નેતૃત્વની શલી નબળી પડતી જાવને કારણે વ્યક્તિગત કે કૌટુંબીક ઘર્ષણો કે સમસ્યાઓ સમયે કુટુંબની ઢાળ બની રહેવાની ક્ષમતા (કે પછી તાકાત) ઘટતી ગઈ છે.

૨. જેમ જેમ કુટુંબ સંયુક્ત પરિવારમાંથી વધારે ને વધારે નાનાં એકમોમાં ફેરવાતાં ગયાં તેમ તેમ કુંટુંબને દરેક પરિસ્થિતિમાં બાંધી રાખનાર કેન્દ્રાભિગામી  શક્તિનું સ્થાન સહકારની ભાવનાને કારણે હવે દરેક સભ્ય પોતપોતાના નિર્ણયો પોતપોતાના દૃષ્ટિકોણથી લેવા લાગ્યું છે.  

હિંદુ પરિવારનું માળખું અને આધ્યાત્મિક સત્યમાંનાં તેનાં મૂળ

હિંદુ સંસ્કૃતિમાં માનવ જીવનને બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ એમ ચાર તબક્કાઓમાં વહેંચી નંખાય છે. તેમાંથી, ઋષિ મનુ અનુસાર, ગૃહસ્થાશ્રમ  બાકીના ત્રણેય તબક્કાઓને ટેકો કરે છે અને ટકાવી રાખે છે.

અનેક પ્રકારના સંબંધો અને બહુવિધ આપસી વ્યવહારોને આવરી લેતાં હિંદુ કુટુંબનું માળખું ખાસ્સું જટિલ અને વિશાળ છે. પારંપારિક સંયુક્ત પરિવારમાં (મોટા ભાગે પુરુષ, પણ અમુક જાતિઓમાં સ્ત્રી પણ) વડો હોય છે. કુટુંબનાં વ્યવસ્થાપનની સઘળી જવાબદારી કુંટુંબના એ વડાની છે. કુટુંબનાં દરેક સભ્યએ કુટુંબના વડાના નિર્ણયનું પાલન કરવાનું રહે છે. નિર્ણય પાલનની આ પદ્ધતિને કારણે કુટુંબનાં સભ્યોમાં મજબુત જોડાણ બને છે. 

ઋગ્વેદમાં 'ઋત'નો સિદ્ધાંત એ બ્રહ્માંડનો નિયમ છે જે કુદરતી, નૈતિક અને ધાર્મિક વ્યવસ્થા જાળવી રાખે છે. આ એક સર્વવ્યાપી સિદ્ધાંત છે જે માત્ર માનવીનું વર્તન જ નહીં, પરંતુ સમગ્ર બ્રહ્માંડના કાર્યનું નિયમન કરે છે.  

'ઋત'ના સિદ્ધાંતના મુખ્ય પાસાં:

૧. પ્રાકૃતિક વ્યવસ્થા:

  • ગતિશીલ સંતુલન: 'ઋત' એ બ્રહ્માંડના ગતિશીલ અને વ્યવસ્થિત સંચાલનનું પ્રતિનિધિત્વ કરે છે.
  • નિયમિતતા: આ સિદ્ધાંતને કારણે સૂર્ય નિયમિત ઊગે છે અને આથમે છે, ઋતુઓ બદલાય છે અને નદીઓ વહે છે.
  • વરુણ દેવ: ઋગ્વેદમાં વરુણ દેવને 'ઋત'ના રક્ષક અથવા ગોવાળ તરીકે ઓળખવામાં આવે છે, જેઓ કુદરતી અને નૈતિક વ્યવસ્થાનું પાલન સુનિશ્ચિત કરે છે. 

૨. નૈતિક વ્યવસ્થા:

  • સત્ય અને ધર્મ: 'ઋત' 'સત્ય' (બ્રહ્માંડનું મૂળભૂત સત્ય) અને 'ધર્મ' (વ્યક્તિગત અને સામાજિક ફરજો) સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. 'ઋત' એ આદર્શ વ્યવસ્થા છે, જ્યારે 'સત્ય' અને 'ધર્મ' એ તેને વ્યવહારમાં લાવવાના માર્ગો છે.
  • નૈતિક માર્ગ: મનુષ્યએ નૈતિક રીતે જીવવું અને સન્માન, ધર્મ, અને નિષ્ઠાના માર્ગે ચાલવું એ 'ઋત'નો જ એક ભાગ છે.
  • અનૃત (ઋતનું ઉલ્લંઘન): 'ઋત'નું ઉલ્લંઘન 'અનૃત' કહેવાય છે, જે અરાજકતા, પાપ અને વિનાશ તરફ દોરી જાય છે.

૩. ધાર્મિક વ્યવસ્થા:

  • યજ્ઞ: વેદકાળમાં કરવામાં આવતા યજ્ઞો અને ધાર્મિક વિધિઓ પણ 'ઋત' સાથે જોડાયેલા છે. યજ્ઞોનું યોગ્ય રીતે પાલન કરવાથી બ્રહ્માંડનું સંતુલન જળવાઈ રહે છે.
  • દેવતાઓનું પાલન: ઋગ્વેદ મુજબ, દેવતાઓ પણ 'ઋત'નું પાલન કરે છે. દેવતાઓની શક્તિનો સ્ત્રોત 'ઋત' છે અને તેઓ 'ઋત'ના રક્ષક તરીકે પણ કાર્ય કરે છે. 

સામાજિક દૃષ્ટિકોણથી જોઈએ તો ધર્મનો સિદ્ધાંત વ્યક્તિગત અને સામુહિક એમ બન્ને કક્ષાએ લાગુ પડે છે. ઋગ્વેદની કેન્દ્રિય વિભાવના એ મુજબની છે કે અસ્તિત્વમાં આવેલ કોઈ પણ જીવ ઋત (વૈશ્વિક વ્યવસ્થા)ના અધ્યાદેશનું અનુસરણ કરે છે ત્યારે ત્યારે તે તેનાં પ્રકૃત્તિદત્ત સ્વભાવને અનુરૂપ જીવે છે અને તે પરિપૂર્ણ કરે  છે.   

કઠોપનષિદ અને મહાનારયણોપનિષદ બન્નેમાં હંસ-મંત્ર તરીકે ખ્યાત જોવા મળતા મંત્રમાં સ્થિતિને ઋતામ્બૃહત કહે છે. યજ્ઞ દ્વારા સર્વ સૃષ્ટિને અંજલિ આપીને વ્યક્તિ પોતાનાં અસ્તિત્વને જાળવે છે. યજ્ઞ કરવાની ઈચ્છા વાતની સ્વીકૃતિ છે કે દરેક અસ્તિત્વ સર્વ વિશ્વ પર નિર્ભર છે અને તેનાથી અભિન્ન છે. એટલે કૃષ્ણ અર્જુનને સૂચવે છે કે ત્યાગ, દાન અને સાદગીથી ક્યારે પણ વિમુખ થવું, પરંતુ તેને અચુક કરતાં રહેવું.

આમ કરવા પાછળનો મૂળ આશય છે કે સ્વાર્થની ભાવના કે અપેક્ષા વિના જે કંઈ કરવામાં આવે છે તે સમગ્ર વિશ્વમાં અસ્તિત્વ ધરાવતાં દરેકને ઉપકારક નીવડે છે. આમ એકરાગ તરીકે ઋત વ્યાપક કક્ષાએ સમગ્ર અસ્તિત્વનું તત્ત્વ છે અને સૂક્ષ્મ કક્ષાએ દરેક માનવના અસ્તિત્વનું તત્ત્વ છે.

કુટુંબ પણ સમગ્ર વિશ્વનું એક સૂક્ષ્મ સ્વરૂપ છે. તેથી કુટુંબ વ્યવસ્થામાં પણ દરેક સભ્યને બીજાં સભ્યો માટે કરીને ત્યાગ કરવાની ભાવના વિક્સાવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ ગૃહસ્થનો ધર્મ પોતાની પાસે જે કંઈ છે તે બધાં સાથે વહેંચવામાં છે એમ સમજાવે છે - આવકનો ચોથો ભાગ કુટુંબ માટે, ચોથો ભાગ દાન માટે, ચોથો ભાગ બચત માટે અને બાકી રહે તે ચોથો ભાગ પોતા માટે.

યજુર્વેદના સત્પત બ્રાહ્મણમાં ભૂત યજ્ઞ (બધાં સજીવો માટે ત્યાગ), નૃ યજ્ઞ (બધાં માનવો માટે ત્યાગ), પિતૃ યજ્ઞ (બધાં પૂર્વજો માટે ત્યાગ), દેવ યજ્ઞ (બધા દેવો - પ્રકૃતિ - માટે ત્યાગ અને બ્રહ્મ યજ્ઞ (જ્ઞાનીઓ દ્વારા સર્વ વેદાનાં દૈવી જ્ઞાનની પ્રાપ્તિ માટે ત્યાગ) એમ પંચમહાયજ્ઞ દરરોજ કરવાનું જણાવાયું છે.

સ્વામી વિવેકાનંદ વાતને મુજબ સુક્તિ સ્વરૂપ કથન દ્વારા સમજાવે છે - જીવન બહુ ટુંકું છે, દુનિયાની માયા ક્ષણભંગુર છે, પરંતુ જે બીજા માટે જીવે છે તે ભવસાગર તરી શકે છે. બાકીના બધાં તો જીવતે જીવ મરણ શરણ છે. 

  • પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી ૨૦૨૫ના (Divinising Human Relationships) શીર્ષસ્થ વિશેષાંક માં Dr. Paromita Roy ના મૂળ અંગ્રેજી લેખ Reimagining Family Relationships Based on Fundamental Spiritual Values નો સંકલિત અનુવાદ

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ


[1] ડૉ. પરોમિતા રોય રામકૃષ્ણ મિશન વિવેકાનંદ એડ્યુકેશનલ એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ, બેલુર મઠનાં સંસ્કૃત અને ફિલૉસોફી વિભાગના સહાયક અધ્યાપક અને સ્વામી અભેદાનંદ ચેર છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો