જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IIIના આંશિક અનુવાદ, મારી દૃષ્ટિએ (૧૯૪૪ - ૪૫) : ભાગ ૩ - જ્યોર્જ ઑર્વેલ [૩] થી આગળ
[૪]
ટ્રિબ્યુન
૨૫ ઓગસ્ટ, ૧૯૪૪
ક્રિપ્સ
દરખાસ્તો પર આધારિત 'મધ્યમ' નીતિની
સમર્થક, ભારત અને બર્મામાં યુરોપિયન સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતી
એક બિનસત્તાવાર સંસ્થા, ભારત-બર્મા એસોસિએશન દ્વારા
બર્મા સાથે અને બર્મા ઝુંબેશ સાથે સંબંધિત ચોક્કસ સામગ્રી મને આપવામાં આવી છે.
ભારત-બર્મા
એસોસિએશન ન્યાયિકપણે ફરિયાદ કરે છે કે પ્રચાર બાબતે બર્માની અસાધારણ રીતે કુસેવા
થઈ છે. ઘણા દૃષ્ટિકોણથી બર્માનું સ્પષ્ટ મહત્વ હોવા છતાં, સામાન્ય
જનતાને તો તેમાં કોઈ રસ નથી, પરંતુ બર્માની સમસ્યાઓ શું
છે અને તે આપણા પોતાની સમસ્યાઓ સાથે કેવી રીતે સંબંધિત છે એ વિશે લોકોને જાણ કરતી
એક આકર્ષક પુસ્તિકા પણ સત્તાધિકારીઓ પ્રકાશિત કરવામાં સફળ રહ્યા નથી. ૧૯૪૨ થી
બર્મામાં લડાઈના અખબારોના અહેવાલો, રાજકીય દૃષ્ટિકોણથી તો ખાસ, સતત
માહિતીવિહીન રહ્યા છે. જાપાની હુમલો શરૂ થતાં જ અખબારો અને બી.બી.સી.એ બર્માના બધા
રહેવાસીઓને 'બર્મન' કહેવાની
પ્રથા અપનાવી, આ નામ દૂર ઉત્તરના તદ્દન અલગ અને અર્ધ-ક્રૂર
લોકો માટે પણ લાગુ કરાયું છે. આ ફક્ત સ્વીડિશને ઇટાલિયન કહેવા જેટલું જ સચોટ નથી, પરંતુ
તે એ હકીકતને ઢાંકી દે છે કે જાપાનીઓ મોટાભાગે તળ
બર્મીઝ લોકોનો ટેકો મેળવે છે, અને લઘુમતીઓ મોટાભાગે
બ્રિટિશ તરફી છે. હાલના અભિયાનમાં, જ્યારે કેદીઓને પકડવામાં આવે
છે, ત્યારે અખબારના અહેવાલોમાં ક્યારેય એવું કહેવામાં આવતું નથી
કે તેઓ જાપાની છે કે પછી બર્મીઝ અને ભારતીય પક્ષપાતી છે - આ ખૂબ જ મહત્વપૂર્ણ
મુદ્દો છે.
૧૯૪૨
ના અભિયાન વિશે પ્રકાશિત થયેલા લગભગ તમામ પુસ્તકો ગેરમાર્ગે દોરનારા છે. હું જાણું
છું કે હું શું વાત કરી રહ્યો છું, કારણ કે મારી પાસે તેમાંથી
મોટાભાગના પુસ્તકોની સમીક્ષા કરવા માટે આવેલાં છે. એ પુસ્તકો ક્યાં તો અમેરિકન
પત્રકારો દ્વારા લખાયેલા છે જેમને પૃષ્ઠભૂમિનું કોઈ જ્ઞાન નથી અને જેમાં નોંધપાત્ર
રીતે બ્રિટિશ વિરોધી પક્ષપાત છે, અથવા બ્રિટિશ અધિકારીઓ
દ્વારા બચાવમાં છે લખાયેલ છે અને બદનામ થતી દરેક વસ્તુને ઢાંકવા માટે ઉત્સુક છે.
વાસ્તવમાં, બ્રિટિશ અધિકારીઓ અને લશ્કરી માણસોને એવી ઘણી
બાબતો માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે જે તેમની ભૂલ નહોતી, અને આ
દેશમાં ડાબેરીઓ દ્વારા બર્મા અભિયાનનો દૃષ્ટિકોણ લગભગ (મિથ્યાભિમાની) બ્લિમ્પ્સ
દ્વારા અપનાવવામાં આવેલા દૃષ્ટિકોણ જેટલો જ વિકૃત હતો. પરંતુ આ મુશ્કેલી એટલે ઊભી
થાય છે કારણ કે સાચું શું છે તે જાહેર કરવા માટે કોઈ સત્તાવાર પ્રયાસો નથી થયા. મારી
જાણકારી મુજબ એવી હસ્તપ્રતો અસ્તિત્વમાં છે જે મૂલ્યવાન માહિતી આપે છે, પરંતુ
જેને વ્યાપારી કારણોસર, પ્રકાશકો
મળી નથી રહ્યા.
હું
ત્રણ ઉદાહરણો આપી શકું છું. ૧૯૪૨ માં, થાકિન
(આત્યંતિક રાષ્ટ્રવાદી) પક્ષનો સભ્ય અને જાપાનીઓ કાવતરાં કરતો એવો એક યુવાન બર્મન
ભારત ભાગી ગયો. જ્યારે તેણે જોયું કે તેમનું શાસન કેવું હતું ત્યારે તેણે જાપાનીઓ
વિશે પોતાનો વિચાર બદલી નાખ્યો. તેણે એક નાનું પુસ્તક લખ્યું જે ભારતમાં
"બર્મા માં શું થયું / What Happened in Burma " શીર્ષક
હેઠળ પ્રકાશિત થયું અને જે સ્પષ્ટપણે મૂળભુત રીતે અધિકૃત હતું. ભારત સરકારે તેની
બેદરકારીપૂર્વક ઇંગ્લેન્ડને માત્ર બે નકલો મોકલી. મેં વિવિધ પ્રકાશકોને તેને ફરીથી
પ્રકાશિત કરવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ
દરેક પ્રયત્ન નિષ્ફળ ગયા: તેઓ બધાએ એક જ કારણ આપ્યું - જે વિષયમાં મોટાભાગની જનતાને
રસ ન હતો તેના પર કાગળ બગાડવો યોગ્ય ન હતું. પાછળથી, બર્મા
સાથે સંબંધિત વિવિધ પ્રવાસ પુસ્તકો પ્રકાશિત કરનારા મેજર એનરિકેઝ, બર્મા
અભિયાન અને ભારતમાં પીછેહઠને આવરી લેતી એક ડાયરી ઇંગ્લેન્ડ લાવ્યા. તે એક અત્યંત
ખુલાસાત્મક - કેટલીક જગ્યાએ શરમજનક રીતે ખુલાસાત્મક - દસ્તાવેજ હતો, પરંતુ
તેનું પરિણામ બીજા પુસ્તક જેવું જ થયું. હાલમાં હું બીજી હસ્તપ્રત વાંચી રહ્યો છું
જે બર્માનો ઇતિહાસ, તેની આર્થિક પરિસ્થિતિઓ, તેની
જમીન માલિકીની વ્યવસ્થા વગેરે વિશે મૂલ્યવાન પૃષ્ઠભૂમિરૂપ સામગ્રી આપે છે. પરંતુ
હું શરત લગાવવા તૈયાર છું કે કાગળની અછત દૂર ન થાય ત્યાં સુધી તે કોઈપણ રીતે
પ્રકાશિત થશે નહીં.
પુસ્તકો
જે બહુ ઘણા દાણા વેરી નાખી શકે પરંતુ ધરી દેશો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા લોકો
દ્વારા ફેલાવવામાં આવેલા જૂઠાણાનો સામનો કરવામાં મદદ કરે એ પ્રકારના પુસ્તકો માટે
કાગળ અને નાણા ન મળી રહે તો સરકારને આશ્ચર્ય થવું જોઈએ નહીં કે જનતા બર્મા વિશે
કંઈ જાણતી નથી અને જાણ્વા વિશે ઝાઝી ચિંતા પણ કરતી નથી. અને બર્મા વિશે જે લાગુ
પડે છે તે અન્ય ઘણા મહત્વપૂર્ણ પરંતુ ઉપેક્ષિત વિષયો વિશે પણ લાગુ પડે છે.
દરમિયાન, અહીં
એક સૂચન છે. જ્યારે પણ કોઈ એવો દસ્તાવેજ દેખાય છે જે વ્યાપારી રીતે વેચાણયોગ્ય નથી
પણ ભવિષ્યના ઇતિહાસકારો માટે ઉપયોગી થવાની સંભાવના છે, ત્યારે
તેને બ્રિટિશ મ્યુઝિયમ દ્વારા નિમાયેલી સમિતિને સુપરત કરવો જોઈએ. જો એ સમિતિ તેને
ઐતિહાસિક રીતે મૂલ્યવાન માને, તો તેની પાસે થોડી નકલો
છાપવાની અને વિદ્વાનોના ઉપયોગ માટે સંગ્રહ કરવાની સત્તા હોવી જોઈએ. હાલમાં
વ્યાપારી પ્રકાશકો દ્વારા નકારવામાં આવેલી હસ્તપ્રત લગભગ હંમેશા કચરાપેટીમાં ધરબાઈ
થાય છે. સ્વીકૃત જૂઠાણાના કેટલા સંભવિત સુધારાઓ આ રીતે નાશ પામ્યા હશે!
જ્યોર્જ ઓર્વેલના બિન-કાલ્પનિક નિબંધ, As I Please (1944-45) : Part IIIનો આંશિક અનુવાદ
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો