શુક્રવાર, 28 ઑક્ટોબર, 2011

ઍટલસ શ્રગ્ગ્ડઃ ઉત્પત્તિ અને ઇતિહાસ - એક નિબંધ - - દ્વિતિય ભાગ


કથા-વસ્તુનો વિકાસ
એન રૅન્ડ કહે છેઃ  ‘કથા-વસ્તુની શરૂઆત વાર્તાનો વિચાર તેમ જ જ્હૉન ગૅલ્ટ અને ડૅગ્ની ટૅગર્ટનાં પાત્રોની સાથે જ થઇ. વાર્તાની ઘટનાઓ સંસ્કૃતિનું 'કાર્યવાહીઓમાં વિખરાઇ જવાની દ્યોતક બની રહેવી જોઇએ. પહેલાં તો, માત્ર છૂટક ઘટનાઓની એક શ્રેણી માત્ર તૈયાર થયેલ, પણ રીઅર્ડન / ડેગ્નીના પરિણયની ગોઠવણી સાથે સાથે જ રૂપરેખા પણ 'નિશ્ચિત' થતી ગઇ. આ કેન્દ્રવર્તી વિચારને ધ્યાનમાં રાખીને મેં અન્ય અજમાયશી ઘટનાઓને નિર્ધારીત ગુંથણીમાં બાંધી લીધી અને સાથે સાથે મારા મનમાં ચાલી રહેલ કેટલી ઘટનાઓ રાખવી અને કેટલી નહીં તે પણ નક્કી કરી લીધું... જૂદા જૂદા વ્યવસાયના લોકો હડતાળ પર જાય તેવી ઘણીયે અંદાજિત સંભાવનાઓ હતી જે એક  ઘટના સ્વરૂપે અંદાજવામાં આવી હતી, તેને દૃષ્ટાંતો તરીકે ત્યારે જ વાપરી શકાય જ્યારે કેન્દ્રવર્તી ઘટનાઓ નક્કી થઇ જાય. તે ઉપરાંત, એ દરેક ઘટનાને દેશનાં વિઘટનમાં ફાળો આપે છે કે કેમ તે કસોટીએ ચકાસવાની પણ હતી.'
આખો દિવસ,બેસી રહેવું અને કથાની વિગતો વિષે વિચાર જ કરતાં રહેવું શક્ય નહોતું, એટલે તેમણે સાથે સાથે સંલગ્ન ઉદ્યોગો અંગે સંશોધન પણ ચાલુ રાખ્યું. વિચાર પ્રક્રિયાને વ્યવસ્થિત રાહે કામ પર લેવા માટે મેં કૅલીફોર્નીઆના બગીચાઓમાં અનેક ચક્કર લગાવ્યાં હતાં. તેમણે કથા-વસ્તુની મોટા ભાગની ગોઠવણી લૉસ એન્જલસની સૅન ફર્નાન્ડૉ ખીણમાંનાં તેમનાં રજકાના ખેતરોમાં ફરતાં ફરતાં કરી હતી. કથા-વસ્તુપરની વ્યવસ્થિત શરૂઆત કર્યાના પાંચ જ મહીનામાં મેં એ કામ પુરૂં કરી લીધું હતું.  ત્યારે મને એક મોટી નિરાંત થઇ તેમ જણાયું હતું, અને ખરેખર તો નિરાંત થઇ પણ હતી."
એન રૅન્ડનું સંશોધન
તેમની આ નવલકથા સાથે રેલ્વે, સ્ટીલ જેવા ઘણા ઉદ્યોગો સંકળાયેલ  છે જેના વિષે એન રૅન્ડ પણ બહુ પરિચિત નહોતાં, એટલે તેમણે ખાસ્સું સંશોધન પણ કરવું પડ્યું હતું. અમેરીકન રેલરૉડ્સ એસોશીએશનના પ્રમુખના સહાયક અને રેલરૉડ્સપરનાં અનેક પુસ્તકોના લેખક, રૉબર્ટ એસ. હૅન્રી.ને ૧૯૪૬માં આ બાબતે લખેલ પત્રનો હવે પછી અહીં રજૂ કરેલો સારાંશ જોતાં એ પ્રકારનાં કામનો અંદાજ આવે છે -
"આપને યાદ હશે કે લગભગ એક વર્ષ પહેલાંની ન્યુ યૉર્કની આપણી એક મુલાકાત દરમ્યાન આપે મારી રેલરોડ્સના સંદર્ભની નવલકથામાટે કેટલીક હકીકતો મેળવી આપવામાં મદદ કરવાનો પ્રસ્તાવ કર્યો હતો. તેનો લાભ લેવામાટે હું હવે તૈયાર છું.
"મારી નવલકથાની રૂપરેખા તૈયાર થઇ ગઇ છે, અને હવે તે લખવાનું હું શરૂ કરવામાં જ છું. પરંતુ મારે રેલરૉડના વિષેશજ્ઞસાથે ચર્ચવા પડે તેવા ઘણા સવાલો છે. શું આપ મને લૉસ એન્જલસની કોઇ એવી વ્યક્તિસાથે ઓળખાણ કરાવશો જેને હું આ માહિતી અંગે થોડી તક્લીફ આપું એ માટે તૈયાર હોય? મારે કોઇ મોટી રૅલરૉડ વ્યવસ્થાનાં સંચાલનના પ્રશ્નો અંગે ચર્ચા કરવી છે,એટલેsE મારે કોઇ એવા સંચાલકસાથે વાત કરવી છે જેને આ અંગે અનુભવ હોય. હું આપણા જેવી જ રાજકીય વિચારધારા ધરાવતી વ્યક્તિસાથે વાત કરવાનું એટલે પસંદ કરીશ કે મારી નવલકથામાં હું મુક્ત વ્યાપાર, ખાનગી ઔદ્યોગિકસાહસિક તેમ જ ખાનગી રૅલરૉડમાટે ખુબ જ આક્રમક બચાવ કરવાની છું. મેં ધ ફેસીનેટીંગ રેલરોડ બીઝનેસ અને ટ્રેન્સ એ તમારાં બે પુસ્તકો ખુબ રસ અને આનંદપૂર્વક વાંચ્યાં છે. શું આપ મને રૅલરૉડ વ્યવસાયપર લખાયેલ ખાસ પુસ્તકો વાચવામાટે સૂચવી આપશો? તદુપરાંત રૅલરૉડ કર્મચારીઓમાટે પ્રકાશિત થતાં, જેવાં કે સાન્તા ફે, સામયીક ક્યાંથી મેળવી શકાય તે કહી શકશો? મને ખબર છે કે આવાં સામયીકો સામાન્ય વાંચકોમાટે સહેલાઇથી મળી શકે તેમ નથી, જો કે મારે તો માત્ર થોડા અંક જ જોઇશે, જેથી મને તેની શૈલી અને પ્રકારનો ખયાલ આવે."
તેમનું સંશોધન વાંચન અને રૂબરૂ મુલાકાતો સુધી સિમિત નહોતું. ૧૯૪૮ના તેમના તેમનાં લેખિકા મિત્ર, ઇસાબેલ પૅટર્નસન,ને લખેલા પત્ર માં તેમણે ન્યુ યૉર્ક સેન્ટ્રલનાં એક એન્જીનમાં કરેલી સવારીનું વર્ણન કરેલ છેઃ
મારી રેલ-એન્જીનની મુસાફરીનું વર્ણન કરવાનું મેં તમને વચન આપ્યું હતું. મને શું લાગણી થઇ તે કહેવા માટે એટલું પુરતું થઇ રહેશે કે તે મારી જીંદગીનો સૌથી મોટો અનુભવ હતો... એન્જીનનું ગતિમાં આવવું અને ગ્રાંન્ડ સેન્ટ્રલની ભૂગર્ભ ટનલની મુસાફરી - એ સૌથી વધારે રોમાંચક ક્ષણો હતી. મેં માનવ તકનીકી સિધ્ધિઓની સર્વોત્કૃષ્ટતાની જે કલ્પના કરી હતી તે બધું જ જીવનમાં પહેલીવાર અનુભવના નક્કર સ્વરૂપે ત્યાં હતું.
હર્મૉન [ન્યુ યોર્ક]માં તેઓએ એન્જીન બદલ્યાં. હું પહેલી વાર ડીઝલ એન્જીનમાં બેઠી. તેમની કાર્યદક્ષતા નવાઇ પમાડે તેવી હતી. તેઓએ આ કામ થોડી મિનિટોમાં જ પૂરૂં કરી નાખેલ. તેઓને મારાવિષે પણ આગોતરી જાણ હોય તેમ જણાતું હતું, તેઓએ એન્જીન બદલવા જેટલી ઝડપ કરી એટલી જ ઝડપથી મારી પણ બદલી કરી નાખી. હું જેવી ડીઝલ એન્જીનમાં બેઠી, તેવા જ કૅબિનમાથી ડોકું કાઢીને હું બહાર જોતી હતી તેના ફોટા પણ તેઓએ પાડી લીધા. ડીઝલ એન્જીનના કર્મચારીઓનો અભિગમ પણ ઇલેક્ટ્રીક એન્જીનના કર્મચારીના અભિગમ જેવો જ હતો. મને એમ હતું કે મારી હાજરી તેમને નડતરરૂપ પરવડશે, પણ તેઓને પણ મારી હાજરી એટલી જ પસંદ પડતી જણાઇ જેટલી મને તેમની હાજરી ગમતી હતી. તેઓ સાશ્ચર્ય પ્રોત્સાહન આપતા હતા- પૂરેપૂરી ગુરૂતા છતાં કોઇપણ સવાલના જવાબ આપવા તત્પર.
મને બધું સમજાવવા માટે કંપનીએ એક મુકાદમને પણ સાથે મોકલ્યા હતા. તેમણે મને ડીઝલ એન્જીનમાંનાં ઉપકરણો, જેવાં કે મૂળ એન્જીન, ઉચ્ચ દબાણનો વિદ્યુત પૂરવઠો, ઉકળતું તેલ અને એવું કેટલુંય બતાવ્યું, જેમાંનું ઘણું મને સમજ પણ ન પડી, પરંતુ, સરવાળે અસર અદભુત રહી.મૉટર એકમમાં કાને પડ્યું સાંભળી ન શકાય તેટલો અવાજ હોય છે. બોલીને કંઇ કહેવું શક્ય જ નથી હોતું, જે વિષે વાત કરવી હોય તેની તરફ શાંતિથી આંગળી ચીંધીને કામ લેવું પડે. જો કે સારામાં સારા કૉચ કરતાં પણ તેની કેબીનમાંની સફર વધારે આરામદાયક જણાઇ. ઘણી ઓછી ધ્રુજારી,ઓછો ઘોંઘાટ અને ચાલ તો જાણે તરતાં હોઇએ, સરકી રહ્યાં હોઇએ, નીચે પૈડાં છે તેવું જણાય નહીં એવી. દરેક વખતે જ્યારે એન્જીન શરૂ કરે ત્યારે તે ક્ષણ ઝડપી લેવાનો પ્રયત્ન કર્યો, પણ ખબર જ ન પડી એટલું સરળતાથી શરૂ થાય. મુખ્ય-ચાલકે તેમની ગાદીવાળી ખુરશી મને બેસવા આપી, જે કોઇ મોટા સાહેબની ખુરશી કરતાં પણ વધારે આરામદાયક હતી....
બીજે દિવસે, સવારે ૬ વાગે ઉઠીને, મારે એલ્કાર્હટ, ઇન્ડીઆનાથી એન્જીનની સફર કરવાની હતી. રાત્રિ દરમ્યાન, ત્યાંની પહેલી હિમવર્ષા થઈ હતી. અમે બરફમાંથી થઈને મુસાફરી શરૂ કરી ત્યારે હજૂ અંધારૂં હતું. કર્મચારીગણ અને મુકાદમ નવા હતા.તેમણે મારી સાથે સહુથી સારો સમય વિતાવ્યો. હવે પછીની વાત ખાનગી છે, હું તેમને મુશ્કેલીમાં પડવા દેવા નથી માંગતીઃ તેમણે મને ડ્રાઇવરની બેઠકમાં બેસવા અને મને જાતે ચલાવવા આપ્યું. તમે માનો કે ન માનો, હવે મેં ટ્વેન્ટિએથ સેન્ચુરી લિ.ને ચલાવી છે. તેમણે મને એક નાનાં સ્ટેશનેથી એન્જીન શરૂ કરવા આપ્યું, ત્રણ કર્મચારીઓ મારી પાછળ ઉભીને મારી દરેક હીલચાલને ધ્યાનથી જોતા હતા,જો કે તેઓએ એક પણ કળને હાથ નહોતો લગાડ્યો,અને હું ટ્રેન શરૂ કરીને કલાકના ૮૦ માઇલ સુધી લઇ ગઇ હતી. તેઓએ મારી એટલામાટે માફી માગી કે તેઓ મને ૮૦ માઇલથી વધારે ઝડપની મજા ન કરાવી શક્યા, કારણકે ટ્રેન સમય કરતાં વહેલી હતી.
નહીંતર મને તેઓ કલાકના ૧૨૦ માઇલની ઝડપનો અનુભવ કરાવત. મને તો જોકે કલાકના ૮૦ માઇલમાં પણ મજા પડી, ખરૂં જુઓ તો મને આટલી ઝડપ છે તેવું જણાયું પણ નહોતું. ગાડીની ચાલ ખુબ જ શાંત હતી, ઝડપનો અંદાજ જે ઝડપથી થોડી થોડી સેકંડે સીગ્નલ્સ આવતાં હતાં તેના પરથી જ આવતો હતો. બધું જોવા જેટલું હું ઉત્સુક હતી, તેટલા જ ઉત્સુક તેઓ મને બધું બતાવવા માટે હતા. મુકાદમે તો મને ઝડપની નોંધણી કઇ રીતે થાય છે તે બતાવવામાટે એક સીલ પણ તોડી નાંખ્યું હતું.આ નિયમોથી વિપરીત હતું. અમારી સાથે એક નિરિક્ષક પણ એન્જીનવાળા ભાગમાં હતા.  તેમણે આવીને જોયું અને નોંધ્યું કે સીલ તુટેલું હતું
જેની સામે મુકાદમે તેમની સામે મેં કોઇ દિવસ જોયું નહોતું તેવા નિર્દોષ ભાવથી જોઇને જવાબ આપ્યોઃ "હા,તેને કંઇક થયું લાગે છે." પછીથી તેઓ મને હેડલાઈટવાળા એકદમ આગળના ભાગમાં પણ લઇ ગયા. તે ભાગ મારી વાર્તામાટે ઘણો અગત્યનો હતો. મુખ્ય-ચાલકની શિકાયત હતી કે તેને ભાગે ખુરશી પર બેસવાથી વધારે ખાસ કોઇ કામ નથી હોતું. મેં કહ્યું કે તો તો તે એક વાર્તા-લેખકમાટે આ એક આદર્શ નોકરી છે કારણકે ત્યાં બેસી બેસી ને તે પોતાની રૂપરેખા લખી નાંખી શકે. મેં તેમને પણ પુછ્યું કે તેઓ કોઇ વાર્તા કેમ નથી લખતા. તેમણે જવાબમાં કહ્યું: "લખીને કરવું શું? સરકાર બધું કર પેટે લઇ જાય." આ છે કહેવાતા સામાન્ય માણસની સામાન્ય બુધ્ધિ!
તે પત્રમાં જ તે સ્ટીલ મિલની મુલાકાત વિષે પણ લખે છેઃ
શિકાગોમાં મને ઇન્લેન્ડ સ્ટીલ પ્લાંટની અદભુત મુલાકાતનો લાભ મળ્યો. આ સાચેસાચી સ્ટીલ મિલ હતી, ફૉન્ટાના[કૅલીફૉર્નીઆ]માંના શ્રી કૈસરના WPA પ્રકલ્પ ((આપણાં જાહેર બાંધકામ ખાતાં જેવું અમેરિકન સરકારી મહેકમ ) જેવી જરા પણ નહીં. મજાની વાત એ છે કે ફૉન્ટાનાનો પ્લાંટ મને સાવ બનાવટી જ લાગી આવ્યો હતો, જો કે મેં કોઇ સ્ટીલ પ્લાંટ તે પહેલાં જોયો નહોતો. ઇન્લેન્ડ પ્લાન્ટના જનરલ મૅનેજરે મારા માટે બપોરનુ ભોજન પણ ગોઠવ્યું હતું, જેમાં પ્લાંટના બધા જ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બધા નાણાં પુરાં પાડનાર શ્રેષ્ઠીઓ કે ડાયરેક્ટર્સ નહોતા, તેઓ બધા હતા સ્ટીલ મિલના ખરા અધિકારીઓ - મુખ્ય મૅટર્લીજીસ્ટ, મુખ્ય સુપરીનટેન્ડ્ન્ટ વિગેરે. સમગ્ર ભોજનમાં હું એક માત્ર સ્ત્રી હતી, એટલે તમે કલ્પી શકશો કે મને કેટલી મજા પડી હશે. ગાળેલાં સ્ટીલને ઢાળતાં જોવામાં કે તેમણે મને ખુબ જ નવાઈ પમાડે તેવું બીજું જે કંઇ બતાવ્યું તેમાં મને જે અચરજ થયું તે કરતાં તેઓને મને જોઇને વધારે અચરજ થયું જણાયું. તે પુરૂષોને વધારે નવાઇ તો મારા રાજકીય વિચારો જાણીને લાગી હશે - ખાસ કરીને જે હદ સુધી હું 'પ્રત્યાઘાતી જણાઇ હોઇશ.
"તેઓ એવું કલ્પી જ શકતા ન હતા કે એક બુધ્ધિજીવી તેમને પુસ્તકદ્વારા ગૌરવ આપવા માગે છે. તેઓએ તો હતોત્સાહ થઇને માની જ લીધેલ કે લેખકો પાસેથી સારા શબ્દની કોઇ આશા ન રખાય.તેઓ સૌ તેમની આગવી સમજની રીતે રૂઢિવાદી હતા. કાયદા અને કાનુનની તેમની સમસ્યાની વાતો રૂંવાડાં ઉભાં કરી દે તેવી હતી.એક ઉદાહરણઃ  માલ-વૅગનોનું વિતરણ હવે ICC નિયત્રંતીત કરે છે. તેમણે સ્ટીલ-પ્લાંટને માલ પહોંચાડવામાટે વૅગનો આપવા સામે મનાઇની ધમકી આપેલ છે, તેનો જો અમલ થાય, તો દેશના બધા જ સ્ટીલ-પ્લાંટનું ઉત્પાદન જ ઠપ થઇ જાય. આ અંગે બહાનું એવું આપ્યું છે કે સ્ટીલ-પ્લાંટ વૅગન ઝડપથી ખાલી નથી કરી આપતા. ખરૂં કારણ છે - બાબુસાહેબો વેગનો યુરૉપને કોલસો પહોંચાડવાની હેરફેરને ફાળવવા માંગે છે. આ તો દેશમાં ઉત્પાદન રોકીને લુંટ ચલાવવા જેવું ઉદાહરણ થયું - એવા પ્રકારનો  દાખલો છે જેની બરાબરીનો દાખલો હું મારાં પુસ્તકમાં પેદા જ ન કરી શકું.
૧૯૪૭માં કરેલ બીજાં સંશોધન તેમના કાયદાશાસ્ત્રીને તેમણે ટાંક્યાં છે:
ન્યુ યૉર્ક સેન્ટ્રલના એફ.ડબલ્યુ. બિન્ગમનની દોરવણી હેઠળગ્રાંન્ડ સૅન્ટ્રલ ટર્મીનલનું નીરીક્ષણ, ખાસ કરીને ભૂમિગત રેલ લાઇન પદ્ધત્તિ."
લીટ્ટલ ફૉલ્સ પ્રકલ્પ (નવા રેલ વળાંક) ના ઉદઘાટનમાટે ન્યુ યૉર્ક રૅલરૉડના અધિકારીઓ સાથેની સફર અને તે સમયની કામગીરી જેમના હસ્તક હતી તેવા તે સમયના ઉપ-પ્રમુખ એ. એચ. વ્રાઇટ સાથેની રૂબરૂ મુલાકાત."
"સી. આર.ડુગન,ન્યુ યૉર્ક સેન્ટ્રલના જાહેર સંપર્ક મૅનૅજર;રૅમન્ડ એફ.બ્લૉસ્સર, પ્રેસ બ્યુરૉ મૅનૅજર,પ્રેસ બ્યુરૉના હેન્રી ડૉહર્તી સાથેની રૂબરૂ મુલાકાતો."
"રૅલરૉડ એન્જીન, રૅલવૅના પાટા, સિગ્નલ, નૂર યાર્ડ જેવા વિષયોપરની  ખાસ શૈક્ષણિક ફિલ્મોનું પ્રદર્શન."
"કે.એ. બૉર્નટ્રૅગર, ન્યુ યૉર્ક સેન્ટ્રલના નૂર પરિવહન મૅનૅજર સાથેની રૂબરૂ મુલાકાત."

ભાવાનુવાદઃ અશોક વૈશ્નવ, અમદાવાદ, ૨૮મી ઑક્ટૉબર,૨૦૧૧


અનુવાદકની નોંધઃ
અહીં લીધેલ ચિત્રો નેટ પરથી લેખની રજૂઆતને વધુ ગ્રાહ્ય બનવવાના આશયથી આ અનુવાદમાં ઉમેરેલ છે. ચિત્રોનો પ્રકાશાનાધિકાર જે તે મૂળ કર્તાનો અબાધિત છે.