મંગળવાર, 24 જાન્યુઆરી, 2012

સ્થિતિસ્થાપક સમય - દેવદત્ત પટ્ટનાઇક


એક રાજાને તેની પૂત્રીમાટે સર્વગુણસંપન્ન પતિ શોધતો હતો..એટલે અત્યાર સુધી જન્મેલાઓમાં સહુથી યોગ્ય વ્યક્તિ કોણ હોઇ શકે તેની તપાસ કરવા તે દેવોના દરબારમાં આવ્યો. જ્યારે એ પાછો ફર્યો ત્યારે દુનિયા નાટકીય રીતે બદલાઇ ચૂકી હતીઃ સો વર્ષ વીતી ચૂક્યાં હતાં,તેની પૂત્રી અને તેનું આખું કુટુંબ મૃત્યુ પામ્યું હતું અને તેને કોઇ ઓળખતું પણ નહોતું. તેને કોઇએ કહ્યું કે દેવોની દુનિયામાં સમય ઝડપથી પસાર થાય છે, ત્યાંનો એક દિવસ પૃથ્વીનાં સો વર્ષ બરાબર થાય.

બીજી એક કથામાં ભગવાને એક સંન્યાસીને એક ઘડામાં પાણી ભરી લાવવા કહ્યું.સંન્યાસી એ ઘડો જેવો પાણીમાં ડૂબાડ્યો કે તેને તેમાં એક સુંદર કન્યા દેખાઇ, તે તેના પ્રેમમાં પડી ગયો અને તેની સાથે પરણવાનું કહ્યું. તે તો તે જ ઘડીએ પરણવા રાજી થઇ ગઇ,આમ સંન્યાસી ગૃહસ્થાશ્રમમાં વ્યસ્ત થઇ ગયો, તેને છોકરાં થયાં અને તે છોકરાંઓને પણ છોકરાંઓ થયાં. તેની વૃધ્ધાવસ્થામાં એક વાર ઓચીતું પૂર આવ્યું. નદી કિનારાઓ તોડીને ધસી આવી ને તેનાં સર્વસ્વનો  - તેનું ઘર,તેનાં છોકરાંઅઓ , તેનાં પૌત્રપૌત્રીઓ, તેની પત્ની સુધ્ધાંનો - નાશ થઇ ગયો. તે સાવ એકલો અટૂલો થઇને ઉભો હતો, તેવામાં ભગવાનની બુમ સંભળાઇઃ "અરે,એ ઘડાને બહાર કાઢ અને અમને પાણી પીવડાવ." સંન્યાસીને ખ્યાલ આવી ગયો કે તે દિવાસ્વપ્નમાં સરી પડ્યો હતો.

પહેલી કથામાં એક દિવસ આખાં જીવન જેટલો લાંબો થઇ પડતો જણાય છે, જ્યારે બીજી કથામાં જે આખું જીવન લાગે છે તે તો થોડીક સેકંડ માત્ર હતી. પહેલી કથામાં સમય ટુંકો થતો જણાય છે જ્યારે બીજી કથામાં તે વિસ્તરતો જણાય છે. હિન્દુ પૌરાણિક શાસ્ત્રોમાં આ હંમેશ જોવા મળતો વિષય છે.તાત્વિક રીતે સમય બદલાતા જણાવાનું કારણ તેનાપર કેન્દ્રીત થતું ધ્યાન છે.જ્યારે તમે એકાગ્ર થઇને જૂઓ છો ત્યારે સમય ટુંકાતો લાગે છે. જ્યારે તમે બેધ્યાન હો છો ત્યારે સમય લંબાતો લાગે છે.

નિખિલેશને માર્ક સાથે કામ કરવું ગમે છે.માર્કપાસે દરેક પ્રૉજૅક્ટને એક ખૂબ મજા પડે તેવી રમતમાં ફેરવી નાખવાની આવડત છે, જેને કારણે બધાજ વહેલા આવી જાય, મોડે સુધી  કામ  કરે અને છતાં થાકે કે કંટાળે નહીં. સમય એકદમ ઝડપથી પસાર થઇ જાય, સપ્તાહાંત દિવસો કંટાળાજનક અને ત્રાસદાયક પરવડતા.નિખિલેશ કામ-જીવનનાં સંતુલનની વાત જ નથી કરતો. કામ એ જીવન અને જીવન એ કામ બની ગયાં છે. તેની પત્ની પણ તેને આ રીતે જોઇને ખૂબ ખુશ છે કારણકે આ રીતે નિખિલેશ ઘરે પાછા ફરતી વખતે પણ બધાંને આનંદ થાય તેવી સ્ફુર્તી અને ઉત્સાહ લઇ આવે છે.

દિનકર સાથે કામ કરતાં નિખિલેશને સાવ જૂદો જ અનુભવ થયો હતો.દિનકરમાં કોઇ આનંદ નહોતો. દરેક મીટીંગ પરાણે ખેંચાતી. દરેકે લાંબા રીપૉર્ટ્સ અને ફૉર્મ્સ ભરવાં પડતાં. તે બધું વંચાય અને ચર્ચાય ખરૂં, પરંતુ કોઇ ખાસ ધ્યાન ન આપતું. દરેક મીટીંગની કાર્યવાહી દસ્તાવેજ થઇ અને ફાઇલ થતી તેમજ બધાજ લાગતા વળગતાઓને વહેંચવામાં પણ આવતી. કામ પર જવું એ એક ત્રાસ હતો અને પાછા ઘરે આવો ત્યારે હાશ થતું.પરંતુ ઑફિસનો કંટાળો અને ચીડીયાપણું ઘર સુધી પહોંચી જતું અને નિખિલેશ તેની પત્ની પર ગુસ્સે થઇ જતો.

માર્ક બધાં જ કામને આનંદવાળી પ્રવૃતિમાં ફેરવી નાખીને સમય ટુંકવી નાખતો હતો. તો દિનકર બધાં જ કામને કંટાળાજનક કરી નાખીને સમય લંબાવી નાખતો હતો. આપણે જ્યારે આનંદમાં હોઇએ છીએ ત્યારે સમય ઝડપથી પસાર થાય છે, અને જ્યારે આનંદમાં ન હોઇએ ત્યારે સમય ધીમો પડી ગયેલો જણાય છે.

કોઇપણ સંસ્થાનાં કામ કરવાનાં વાતાવરણને તપાસવા માટે ઉત્તમ સમય છે ત્યાંનો જમવાની રીસેસનો સમય. જો લોકો તેની આતુરતાથી રાહ જોતા હોય તો માનજો કે કામનાં સ્થળે તેમનો સમય માંડ માંડ પસાર થઇ રહ્યો છે. જો તેઓ જમવાનું ભૂલી જાય તો જાણવું કે તેઓ તેમનાં કામમાં બહુ રસ પડે તેવું કંઇક કરી રહ્યા છે. ખરેખર, કામ કરતાં કરતાં સમય સતત લાબો પહોળો થતો રહે છે.

·         કૉર્પૉરૅટ ડૉઝીયર,  E Tમાં ઑક્ટૉબર ૭,૨૦૧૧ના રોજ પ્રસિધ્ધ થયેલ.
·               મૂળ લેખઃ Elastic Time

અનુવાદ, અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો