મંગળવાર, 5 જૂન, 2012

મૃત પત્નીનું પુનરાગમન - દેવદત્ત પટ્ટનાઇક

દુનિયાભરની પૌરાણિક કથાઓમાં કેટલીય વાતો છે જેમાં પત્નીઓ તેમના મૃત પતિઓની પાછળ વિલાપ કરતી રહેતી હોય છે, જ્યારે મૃત પત્નીઓની પાછળ રોકકળ કરતા પતિઓની વાત જવલ્લે જ જોવા મળે છે.આજે આપણે એક જપાનની, એક ગ્રીસની અને એક ભારતની વાત જોઇશું.દરેકનું વિષયવસ્તુ સરખું જ જણાય છેઃ પતિ તેમની મૃત પત્નીઓને પુનઃજીવિત કરવા મથે છે.સફળતા મેળવવા માટે કંઇક ભોગ તો આપવો પડતો હોય છે.

જપાનની પૌરાણિક કથામાં એક આદિ યુગલ - પુરૂષ ઇઝનગી અને સ્ત્રી ઇઝનમી-ની વાત છે. તેઓ જપાનમાં જેમ અન્ય દેવીદેવતાઓ ગ્રામ્યસમાજની વસ્તી વસાવે છે તે રીતે સમુદ્રમંથન કરી તેમાંથી નીકળતા ટાપુઓમાં પોતના વંશજોને વસાવતાં હતાં.અગ્નિ-દેવને જન્મ આપતાં ઇઝનમી મૃત્યુ પામે છે, જેને કારણે ઇઝનગી એટલો હલબલી ઉઠે છે કે તે તેને પાછી લાવવા કૃતનિશ્ચયી થાય છે.તે તેની પત્નીને પાછી લાવવામૃત્યુના પડછાયાના પ્રદેશ,યૉમી,માં જાય છે.કમનસીબે ઇઝનમી યૉમીનો ખોરાક ખાઇ ચૂકી હતી એટલે તે કદિ પણ પાછી ફરી શકે તેમ નહોતું.ઇઝનગીએ મશાલ સળગાવી અને વ્યાકુળતાથી તેની પત્નીને ખોળવા લાગ્યો. તેણે કમકમાટી ભરી નજરે જોયું કે તેનું એક સમયનું સુંદર શરીર સડી ગયું હતું અને તેમાં કીડા પડી ગયા હતા. ભયના માર્યો તે પાતાળલોકમાંથી નાસી છૂટ્યો,પણ ઇઝનમી પણ તેને એટલું જ ઝંખતી હતી એટલે તેની પાછળ પડી.ઇઝનગી આખરે પૃથ્વી સુધી પહોંચ્યો અને તે સાથે જ તેણે તે દ્વારની આડે એક મોટીમસ શિલા મૂકી દીધી.તેની પત્નીએ ગુસ્સામાં કહ્યું," હું દરરોજ ૧૦૦૦ જીવ લઇ લઇશ." જેના જવાબમાં ઇઝનગીએ તેનાથી પણ મોટા અવાજમાં કહ્યું,"તો હું દરરોજ ૧૫૦૦ નવા જીવને જન્મ આપીશ." આમ કથાનો અંત કાયમી વિયોગ અને કટુતા ભર્યો બની રહ્યો.

ગ્રીક પુરાણોમાં ઑર્ફીયસ નામના સંગીતકારની વાત છે જે યુરીડાઇસનામક વનદેવીના પ્રેમમાં હોય છે.યુરીડાઇસનું સર્પદંશને કારણે મૃત્યુ થયું, જેને કારણે ઑર્ફીયસનું દિલ ભાંગી પડ્યું.ઑર્ફીયસ તેનાં હાર્પનાં તાર પર તેના વિયોગનાં ગીતો ગાતો.તેનું સંગીત અને ગીતો એટલાં કરૂણ હતાં કે દેવતાઓને પણ રડવું આવતું. તેના ગમની સહાનુભૂતિરૂપે તેમણે ઑર્ફીયસને મૃતાત્માઓના દેશ, હૅડ્સનો રસ્તો બતાવ્યો કે જેથી કદાચ તે બન્નેનું પુનઃમિલન શક્ય બને. ત્યાં આ ગીતોથી સામાન્યતઃ ઓછા લાગણીશીલ ગણાતા,મૃતકોના રાજા પ્લુટોપણ વ્યથિત થઇ ગયા અને તેમણે ઑર્ફીયસને તેની પત્નીને પૃથ્વી પર પાછા લઇ જવાની પરવાનગી તો આપી, પરંતુ શરત કરી કે "તારે હંમેશ આગળ ચાલવું અને તારી પત્ની તારી પાછળ પાછળ ચાલે; જ્યાં સુધી તે જીવંતોના પ્રદેશસુધી પહોંચે નહીં ત્યાં સુધી તેણે પાછા ફરીને જોવું નહીં." ઑર્ફીયસ તો તેનાં નસીબને માની જ ન શક્યો અને યુરીડાઇસ તેની પાછળ જે છે તેમ માની લઇને, જીવંતોના પ્રદેશ તરફ દોટ માંડી દીધી. ત્યાં પહોંચીને તેની પત્નીને ત્યાં સુધી આવી પહોંચવાનો મોકો આપ્યા વગર જ, ઉતાહમાં અને ઉત્સાહમાં તેની પત્ની આવી પહોંચી કે ને જોવા સારૂ પાછળ ફરીને જોવા લાગ્યો.એમ કરતાંની સાથે જે તેણે યુરીડાઇસને ધુમ્રસેર બનીને, ફરીથી મૃતકોના પ્રદેશ તરફ ઉડી જતી જોઇ. આમ આ વાત નો અંત પણ વિયોગ અને તેના વિષાદ પૂર્ણ જ રહ્યો.

હિંદુ પુરાણોમાં રૂરૂ અને તે જેની સાથે બેહદ પ્રેમમાં હતો તે, પ્રિયંવદા,ની વાત છે.પરંતુ એક દિવસ સર્પદંશથી પ્રિયંવદાનું મૃત્યુ થાય છે. રૂરૂ તો તેની પત્ની વગરની જીંદગીની કલ્પના સુધ્ધાં નહોતો કરી શક્તો. તેણે મૃત્યુના દેવ ,યમ,ને રીજવ્યા અને તેમની પાસે તેની પત્નીને પાછા મોકલી આપવાની આજીજી કરવા લાગ્યો.તેમને બદલાં જો કંઇ નમળે તો યમ માનવા તૈયાર નહોતા.તેણે કહ્યું,"મારૂં બાકીનું અર્ધું જીવન લ ઐ તેના બદલે મારી પત્ની પાછી આપો." હિંદુ પુરાણો, કે પછી સમગ્ર વિશ્વનાં પુરાણોમાં, આ એક માત્ર દાખલો છે જ્યાં કોઇ પુરૂષ પોતાનાં જીવનને બદલે તેની પત્ની પાછી મેળવવા માંગતો હોય. યમ કચવાતાં મનથી માન્યા ખરા.આમ પ્રિયંવદા પુનઃજીવીત થઇને, તેનો પતિ જીવે ત્યાં સુધીનું જીવન જીવવા લાગી. મૃત્યુની ઘડી સુધી બન્ને એ એકબીજાંનો સંગાથ માણ્યો.

*        "સ્પીકીંગ ટ્રી"માં એપ્રીલ ૮,૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ મૂળ લેખ, Return of the dead wife  , લેખકની વૅબસાઈટ - http://devdutt.com/ - પર  Indian Mythology, World Mythology  ટૅગ હેઠળ એપ્રીલ ૨૫,૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો