બુધવાર, 6 જૂન, 2012

સામાજીક માધ્યમો અને નેતૃત્વનીની સફળતા - કેટલીક સમાંતર લાક્ષણિકતાઓ -- તન્મય વોરા

જ્યારે મેં ગિટાર શીખવાનું શરૂ કર્યું ત્યારે હું સુર, ખાસીયતો અને ટૅકનીક પર વધારે ધ્યાન આપતો..પરંતુ હું જેમ જેમ વધારે રીયાઝ કરતો ગયો તેમ તેમ મને સમજાતું ગયું કે સારાં સંગીતમાટે સુર,ખાસીયતો અને ટૅકનીક મહ્ત્વનાં છે, પરંતુ પુરતાં નથી.

તો,શું ખુટતું હતું? એક સારા કલાકાર થવા માટે સહુ પ્રથમ તો દિલની લાગણી અને લગન હોવી જોઇએ.જો એક વાર, તમારા દિલમાં ટીસ હશે અને લગનની અગન હશે, તો સાધનો અને ટૅકનીક પર પ્રભુત્વ મેળવવું મુશ્કેલ નથી. ટેકનીકદ્વારા રણઝણેલું સંગીત બહુ બહુ તો આપણને ખુશ કરી શકે, પરંતુ લાગણી વડે રચાયેલું સંગીત તમારાં રોમ રોમને ઝણઝણાવી મુકી શકે છે.

ઘણા મિત્રો સામાન્ય વાતચીતમાં બ્લૉગ શરૂ કરવાની ઇચ્છા તો બતાવે છે. પરંતુ, મોટાભાગે આ ઇચ્છા બીજાઓની સફળતાથી આકર્ષીત હોય છે.તેઓ જ્યારે બ્લૉગ શરૂ કરવામાં કે ફૅસબુક ચાહક પૃષ્ઠ કે ટ્વીટરપર ખાતું ખોલવા માટે મદદ માગે છે, ત્યારે હું તેમને કહું છું કેઃ
બીજાંઓ સાથે અર્થપૂર્ણ તાદાત્મ્ય સાધવું એ જ સામાજીક માધ્યમો [અને નેતૃત્વ]ની સફળતાનું હાર્દ છે. તે હેતુમાં જ્યારે લાગણી ભળે છે, ત્યારે જ તો ખરો તફાવત જણાય છે. લોકો ગમવાં, અરસપરસના સંવાદ કરવા, તેમની પાસેથી કંઇ શીખવું કે તેમને કંઇ પ્રદાન કરવું તે લાગણીનાં એંધાણ છે.
એ બીજા જેવું થવું કે સાધનો વાપરવાની આવડત હોવી તેટલું જ નથી, પરંતુ પોતાને ખરૂં  અને વિશ્વનીય લાગવું પણ જોઇએ. એક વાર તમારો હેતુ સ્પષ્ટ હોય અને તમને [તે ભલે ને સંગીત હોય કે હોય લેખન કે સામાજીક માધ્યમો કે પ્રૉગ્રામીંગ કે કંઇ પણ હોય] સામગ્રીતત્વમાટે  સાચી લાગણી હોય તો સાધનો અને ટૅકનીક શીખવાં સહેલાં છે.
કમનસીબે, મોટા ભાગના લોકો આનાથી અવળું કરતાં હોય છે.તેઓ પહેલાં તો યુક્તિપ્રયુક્તિઓ અને ટૅક્નીક પર ધ્યાન આપે છે અને તે પછીથી લાગણીના તંતુઓનાં સંધાણ શોધે છે. કંઇ પણ શરૂ કરતાં પહેલાં જ તેઓ તેમની સફળતાનાં માપતોલ શરૂ કરી દે છે. આમ તેઓ વિવિધ સામાજીક વિધિવિધાનોમાં તણાઇ રહે છે જે અંતે ઘોંઘાટમાં પરિણમે છે.
અંતમાં, કોઇપણ સફળ સફરની જેમ,સામાજીક માધ્યમ તે એક પ્રક્રિયા છે, નહીં કે નિર્દિષ્ટ સ્થાન. એવી સફર કે જેનું ઇંધણ છે સુનિશ્ચિત હેતુ અને લાગણી. મેં ઘણી કંપનીઓને સામાજીક માધ્યમ માર્ગદર્શકને રોકતાંવેંત પરિણામોની અપેક્ષા કરતાં જોઇ છે. જો કે આવું કદાપિ થતું નથી.
નીચે જણાવેલ બાબતો પર ધ્યાન આપવાથી માત્ર સામાજીક માધ્યમોમાં જ નહીં, પણ જીવનનાં બીજાં અનેક ક્ષેત્રમાં સફળ થવામાં મદદ મળી રહેશેઃ
v  સહેતુક બનો. કંઇ પણ શરૂ કરતાં પહેલાં તેની અંતરથી જરૂરીયાત વિકસાવો.
v  તેને લાગણીથી ભડકાવો.તમે જે કંઇ કહો કે કરો તેની અસર સમજો.લાગણીશીલ બનો.
v  શરૂઆતથી જ માપણીની ગણત્રી ન કરશો. યોગદાન પર ધ્યાન આપો, નહી કે પરિણામો પર. યોગ્ય માપની સિધ્ધિની સમયોચિત જ ગણત્રી કરો.
v  સફરને માણો. નવનવા માર્ગ ખોળો. બીજાંઓ સાથે અર્થસભર સંપર્ક કરો. કંઇક જૂદું કરો.
આ વાતચીતમાં જોડાઓઃ તમે સામાજીક માધ્યમોનો શો ઉપયોગ કરો છો? તમે તેમાંથી તમારાં જીવન કે કામની અન્ય પ્રવૃતિઓમાં મદદ મળે તેવી કઇ સમાંતર લાક્ષણીકતાઓ જોઇ શકો છો?

નોંધઃ આ લેખમાટેના વિચારોનું મૂર્ત સ્વરૂપ  લેખકની પ્રભાવની ગૂંથણી/Weaving Influenceનાં લેખિકા બૅકી રૉબીન્સનસાથેની વાતચીતમાંથી ઉદ્ભવેલ છે. તે માટે લેખક તેમના આભારી છે.  બૅકી રૉબીન્સને સામાજીક માધ્યમની મદદથી ઑનલાઇન વાચકવૃંદસાથે લેખકોનાં જોડાણ કરી, પ્રભાવના તાણાવાણાની ગૂંથણીની અલગ ભાત પાડી છે.

v  મૂળ લેખ Social Media and Leadership Success: A Few Parallels ,  લેખક શ્રી તન્મય વોરાની વૅબસાઇટ પર ૪ જૂન, ૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ.

v  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ /// ૬ જૂન,૨૦૧૨