શુક્રવાર, 8 જૂન, 2012

પહેલો ‘હું’ - દેવદત્ત પટ્ટનાઇક

વિદ્વાન ઋષિ શક્તિ-મુની એક ખુબ જ સાંકડા પુલને અર્ધે સુધી ઓળંગી ગયા હતા, ત્યાં સામેથી ખુબ જ શક્તિશાળી રાજાને આવતા જોયા.

"તમે પાછા ફરો," શક્તિ-મુનીએ કહ્યું,"જેથી હું પુલ પાર કરી જાઉં."
"ના, તમે પાછા ફરી જાઓ," રાજાએ હુંકાર કરીને કહ્યું,"જેથી હું પુલ પાર કરી જાઉં."
"પરંતુ, પુલ પર મારાં પગલાં પહેલાં પડ્યાં હતાં."
"હશે, પરંતુ હું તમને ધક્કા મારીને પણ પાછા ધકેલી દઇ શકું તેમ છું."
"તે તો વ્યાજબી ન કહેવાય. તમને ખબર છે ને કે હું ગુરૂ, ધર્મોપદેશક અને સહુથી વધારે સન્માનીત તત્વચિંતક છું. તેથી પહેલા પસાર થવાનો હક્ક મારો જ છે." ૠષિ એ દલીલ કરી.
રાજાએ ઉપહાસસભર અવાજમાં કહ્યું,"તમે જેમાં ભણાવો છે તે શાળા મેં બંધાવી આપી છે. તમે જે યજ્ઞયાગ કરો છો તેનું ખર્ચ હું ભરપાઇ કરૂ છું. મારી કૃપાદ્રષ્ટિ વિના તમે તત્વજ્ઞાનમાં ડુબકી પણ મારી ન શકો. એટલે પહેલાં પસાર થવાનો હક્ક તો મારો જ બને છે."

આમ દલીલોની આપલે ચાલતી રહી, બન્નેમાંથી કોઇ બીજામાટે રસ્તો છોડવા તૈયાર નહોતા અને સામેના પક્ષે શા માટે પાછા ફરવું જોઇએ એ જ યોગ્ય છે તેમ ઠસાવતા રહ્યા. આખરે, રાજાએ તેની ચાબુક ઉંચકી અને ૠષિને ફટકારી દીધી. તો સામે, ક્રોધાવેશમાં ૠષિએ રાજાને શ્રાપ આપ્યો, “ તેં દાનવ જેવું કૃત્ય કર્યું છે, માટે તું તેમના જેવો જ બની જા." તત્ક્ષણ રાજા માનવભક્ષી દાનવમાં ફેરવાઇ ગયો. તેણે તરાપ મારીને ૠષિને પકડી લીધા, પોતાનું મોઢું ફાડીને તેમને આખાને આખા ખાઇ ગયો.
આપણાં પુરાણોમાં પુલ પર આમને સામને ફસાઇ ગયેલ બે વ્યક્તિઓની કથા અનેક વાર પુનરાવૃત થાય છે.મહત્વનું શું છે - પુલ ઓળંગવો કે પુલ પહેલાં ઓળંગવો?
દેખીતું છે કે ૠષિમાટે પહેલાં પુલ પસાર કરવો મહત્વનું હતું. એટલે જ, માથાંભારે રાજાને જગ્યા આપવા સારૂ પાછા ફરવાને બદલે, તેમણે પહેલાં પસાર જ થવાનો આગ્રહ રાખ્યો. તેમની માંગણીના સમર્થનમાં તેમણે સૈધ્ધાંતિક, નૈતિક અને કાયદાના મુદાઓ પણ ઉઠાવ્યા.પણ અંતે તો શું થયું? ૠષિ દલીલમાં તો જીત્યા નહીં, ન તો તેઓ પુલ પણ પસાર કરી શક્યા અને છેવટે પોતાના ક્રોધને કારણે તે માનવભક્ષનો કોળીયો બની રહ્યા. 
આપણે ઘણી વાર 'સાચા થવાનાં' જીદનાં પીંજરાંમાં કેદ થઇ જતાં હોઇએ છીએ. સદાચારીપણાનો પ્રકોપ ક્યારેક એવો આત્મશ્લાઘી માર્ગ પરવડે છે,જે આપણને ગુમરાહ કરી દે છે.
સાચા હોવાનો આગ્રહ કોઇવાર આપણને આપણા ઉદ્દેશ્યને ભુલાવડાવી દે છે અને બાજી હરાવી પણ દે છે. ૠષિએ જો રાજાને પહેલાં જવાનો માર્ગ કરી આપ્યો હોત તો શું થઇ ગયું હોત? તે બીજી બાજૂએ,જીવતા,થોડા મોડા પણ, પહોંચી ગયા હોત, હા, માત્ર તેમના અહંને થોડી ઠેંસ પહોંચી હોત.તેમાં એવડું તે શું આભ તૂટી પડ્યું હોત?  વિદ્વાન પણ ડાહ્યા ન હોવાથી ૠષિ એટલું સમજી ન શક્યા કે, લાંબે ગાળે સાચા સાબિત થવા કરતાં ઉદ્દેશ્યને પાર પાડવો તે વધારે મહત્વનું છે.
પુલ પર રાજા તરીકે વર્ણવાયેલ બીજું પાત્ર પણ મહત્વનું છે. તે માની જ લે છે કે તે રાજા છે એટલે જ પહેલાં પુલ પાર કરવો તે તેનો હક્ક બની રહે છે.તેનો હક્ક્દાવો તેના સામાજીક મોભામાંથી ઉતરી આવ્યો છે.ૠષિનો હક્ક્દાવો એ હતો કે પુલ પર તેમનાં પગલાં પહેલાં થયાં હતાં.બન્ને પક્ષની માંગણીઓ અને તેના પર આધારીત નિર્ણયોમાટેના માપદંડ અલગ છે. બન્ને માપદંડ કુદરતી નહીં,પણ કૃત્રિમ, માનવ સર્જીત છે. કોણ પહેલાં પુલ પાર કરે એ કોયડાનો શું સાચો હેતુલક્ષી જવાબ કોઇ જ નથી?
પરંતુ, સામો પક્ષ શક્તિશાળી હોય કે નહીં, પણ તેને માટે જગ્યા કરી આપવી તે ઉદારતા ગણાય છે. આપણી કથાના ૠષિ અને રાજા એ બન્ને ઉદારતા બતાવવામાં નિષ્ફળ રહ્યા છે.

n  સન્ડૅ મિડ ડૅની દેવલોક પૂર્તિમાં ઍપ્રિલ ૮,૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ.

v  લેખકની વૅબસાઇટ http://devdutt.com પર મૂળ લેખ Right to the first passage , Indian Mythology, Leadership ટૅગ હેઠળ મૅ ૨૪, ૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ.

§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, તારીખઃ જૂન ૮,૨૦૧૨