બુધવાર, 13 જૂન, 2012

યોગીઓનો યોગ - દેવદત્ત પટ્ટનાઇક

યોગને ત્રણ દ્રષ્ટિથી જોઇ શકાય છેઃ પહેલી છે આધુનિક રીત, જેમાં તેને બધા જ શારીરીક અને માનસીક રોગોની સાકલ્યવાદી ઉપચાર પધ્ધતિ તરીકે જોવમાં આવે છે; બીજી છે ઉપનિશદની દ્રષ્ટિ જેમાં તેને ખુદનો ખરો પરિચય કરાવનાર બૌધિક,ઉર્મિશીલ અને સામાજીક તકનીક તરીકે ભગવદ ગીતાના બોધ સ્વરૂપે રજૂ કરાયેલ છે;  અને છેલ્લી સિધ્ધ રીત જેમાં તેને અલૌકિક શક્તિઓ મેળવવાનાં સાધન તરીકે સ્વિકારાઇ છે. આ ત્રીજી રીત બહુચર્ચીત નથી, પરંતુ હમણાં સુધી, પરંપરાગત રીતે મોટા ભાગના ભારતીયો તેનાથી આ રીતે જ વધારે પરિચિત હતા.

જોગી એ રઝળપાટ કરતો પવિત્ર વ્યક્તિ,સાધુ અને કીમિયાગર,ભિક્ષુક અને જાદુગર એ બધું જ એકમાં ઢાળેલ પાત્ર છે. તેની આ જાદુઇ શક્તિઓ તેનાં બ્રહ્મચર્ય અને ઇન્દ્રીયનિગ્રહ સાથે સંકળાયેલ છે.તે સિધ્ધ થયેલ જોગી - સિધ્ધ-જોગી- તરીકે ઓળખાય છે. તે ધારે ત્યારે રૂપ કે માપ બદલી શકવાની કે હવાં ઉડવાની કે પાણીપર ચાલવાની કે હવામાંથી ખોરાક પેદા કરવાની કે પશુપંખીને નિયંત્રીત કરવાની, માંદાંને સાજાં કરવાની કે લોકોને સર્પદંશમાંથી બચાવવાની કે ધરતીને ફળદ્રુપ બનાવવાની કે વાંઝ સ્ત્રીને માતૃત્વ આપી શકવાની કે આત્યંતિક તાપમાન સહી શકવાની કે દેવતાઓ કે દાનવોને ધારે ત્યારે બોલાવવાની કે મડદાંને જીવતાં કરી શકવાની શક્તિઓ તેણે હાંસલ કરી છે. તે વાઘ કે મોર કે આખલા પર સવારી કરતા કે  પર્વતોની ટોચ પર કે ઉંડી ગુફાઓમાં તપશ્ચર્યા કરતા પણ જોવા મળે છે. 
આજે, આ પ્રકારની શક્તિઓ ધરાવનાર જોગીને બહુ સારી ભાષામાં તાંત્રિક અને નહીં તો પછી ધુતારા તરીકે ઓળખવામાં આવે છે. અને તેમ છતાં (જો જીવતા હોય તો) તેમના આશ્રમોમાં અથવા તો(મૃત્યુ પામેલા હોય તો) તેમની સમાધિઓપર તેમના ભક્તોનાં હજારોની સખ્યામાં ધાડાંને ધાડાં દરદ મટાડનાર મનાતી પવિત્ર ભસ્મ લેવા ઉમટે તો છે જ. 
યોગ અને તંત્ર વચ્ચે સામ્યતાઓ પણ ઘણી છે.બન્ને મનુષ્યની મૂળભૂત ચેતના [પુરૂષ] અને સ્વભાવ [પ્રકૃતિ]માં માને છે.યોગ પ્રકૃતિને નિર્જીવ માને છે, જ્યારે તંત્ર તેને પોતાની ઇચ્છા ધરાવતી સજીવ માને છે, અને તેથી જ તંત્રમાં સ્વભાવને શક્તિ [દેવી] તરીકે ઓળખવાં આવેલ છે, જ્યારે યોગમાં સ્વભાવને જેના કબજામાંથી છૂટી નીકળવું જોઇએ તેવી માયા, એક આભાસ, કહેવામાં આવેલ છે.  તંત્રના અનુયાયીઓ સ્વભાવ પર અધિકાર પ્રસ્થાપિત કરવામાં અને યોગના અનુયાયીઓ સ્વભાવમાંથી મુક્તિ મેળવવામાં માને છે.આમ તાંત્રિક ભૂવો તો યોગી આધ્યાત્મીક ગણાય છે. જો કે મોટા ભાગે તેમના વચ્ચેની ભેદ રેખા બહુ પાતળી હોય છે.
યોગ અને તંત્રનાં રહસ્ય સામાન્ય માણસ સુધી પહોંચાડવાનું કામ ગોરખ-નાથે કર્યું.તેમના પહેલાં, આ માત્ર નાથ-પંથ અંગીકાર કરનારાઓને જાણ કરવામાં આવતો ગુપ્ત ઉપદેશ હતો. નાથ-પંથીઓ કે તેમના ઉપદેશ અંગે બહુ જાણવા નથી મળતું. જે કંઇ જાણવા મળે છે તે લોકવાયકાઓ દ્વારા જ જાણવા મળે છે, કારણ કે નાથ-પંથીઓ લેખિતને બદલે મૌખિક પરંપરામાં માનતા હતા.
નાથ-પંથીઓ તેમનાં જોરદાર અભિવાદન,"અલખ નિરંજન" માટે પણ જાણીતા છે, જેનો અર્થ છે "જેને કોઇ લક્ષણ કે લક્ષ્ય કે અંજન[દુર્ગુણ] નથી ", એટલે કે બીજા શબ્દોમાં નિરાકાર ભગવાન. નાથ-જોગીઓ બહુ ચોક્કસ રીતે એકાંતવાસી સંન્યાસીઓ છે જેઓ ગૃહસ્થ જીવનને તુચ્છ ગણે છે અને અધ્યાત્મવિદ્યાને કોઇ સ્વરૂપ આપવામાં નથી માનતા.  એટલે સ્વાભાવિકપણે વૈષ્ણવો કે શૈવો કે શક્ત જેવા મૂર્તિપુજક હિંદુ સાંપ્રદાયિકો તેમને શંકાની નજરે જોતા.
કેટલાય નાથ-જોગીઓને મુસ્લિમો પીર તરીકે ઓળખે છે અને તેથી ભારત, પાકિસ્તાન  કે બાંગ્લાદેશમાં એવી ઘણી સમાધિઓ જોવા મળશે જે કોઇ સમયે સ્થાનિક લોકોમાટે મંદિર કે દરગાહ હતી. લોકો અહીં તેમના ઘરગૃહસ્થીની સમસ્યાઓનાં સમાધાન માટે આવે છે.
કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે બૌધ્ધ અને જૈન ધર્મની જેમ નાથ-જોગીઓ પણ શરૂઆતમાં વૈદિક વિચારધારાના મુખ્ય પ્રવાહથી દૂર થઇ ગયા હતા.જો કે આખરે, તેઓ હિંદુત્વની મુખ્ય નદીની પ્રશાખા બની ગયા.તેને કારણે આપણને ગોરખનાથને શિવ કે વિષ્ણુનાં સ્વરૂપમાં જોતી કથાઓ કે ગોરકનાથને જેની અન્ય મહાશક્તિશાળી હિંદુ દેવદેવીઓ પણ જેની આજ્ઞાવશ છે તેવી એક આગવી શક્તિ તરીકે જોતી કથાઓ પણ જોવા મળે છે.

v  સન્ડૅ મિડડૅની દેવલોક પૂર્તિમાં જાન્યુઆરી ૨૯, ૨૦૧૨ના રોજ પ્રસિધ્ધ થયેલ. 

v  મૂળ લેખ Yoga of the yogis , લેખકની વેબસાઇટ, Devdutt.com   , પર માર્ચ ૭, ૨૦૧૨ના રોજ Indian Mythology, Myth Theory ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ.