રવિવાર, 24 જૂન, 2012

મહેમાન ભગવાન - દેવદત્ત પટ્ટનાઇક

તામિલમાં 'પૂ'ના ફૂલ અર્થ પરથી કદાચ 'પૂજા' શબ્દ બન્યો હશે. એ એક સ્વિકૃત માન્યતા છે કે ૧૫૦૦ ઇ.સ.પૂર્વે,પોતાને આર્ય તરીકે ઓળખાવતી, ઉત્તર ભારતની પશુપાલન કરીને ભમતી,મોટા ભાગની પ્રજા  દેવોને આમંત્રવા શ્લોકોચ્ચાર કરતાં કરતાં યજ્ઞમાં ઘી હોમવાનું પસંદ કરતી. જ્યારે ભારતીય ઉપખંડની સ્થાયી કૃષિપ્રધાન પ્રજા, જે પરંપરાગત રીતે દ્રવિડ તરીકે જાણીતી છે,દેવો અને દેવીઓને ફૂલો,ફળો અને સુગંધી દ્રવ્યો આહુતિમાં આપવાનું પસંદ કરતી. શું વધારે જૂનું છે કે વધારે પ્રચલિત હતું તે વિષે બહુ માહિતિ નથી. પરંતુ  ઇ.સ. ૫૦૦ સુધીમાં, મુખ્યત્વે બૌધ્ધ ધર્મની અસર હેઠળ, યજ્ઞયાગની વિધિઓ મૃતપ્રાયઃ થઇ ચૂકેલ હતી,અને આગમ જેવા મંદિરના ધર્મગ્રંથોમાં સવિસ્તર વર્ણવાયેલ છે, તેવી પૂજા હિંદુ વિધિઓનો પાયો બની રહી.

કહેવાય છે કે, બુધ્ધ ભગવાનનાં મૃત્યુ પછીથી તેમનાં અસ્થિ માટીના ટેકરાઓમાં દાટવામાં આવ્યાં હતાં,આગળ જતાં જે સ્તૂપમાં ફેરવાયા.સામાન્ય લોકોએ તો, જેમ તેઓ યક્ષ અને ગાંધર્વ, કે જળ અને સ્થળનાં દૈવી તત્વોને ફૂલ, ફળ અને ધુપબત્તીથી પૂજતાં હતાં, તે જ રીતે બુધ્ધની પણ પૂજા કરવાનું ચાલુ રાખ્યું. તેઓ બુધ્ધમાટેની ભક્તિને છત્ર કે વસ્ત્રો કે લહેરિયાં ચમાર ધરાવીને વ્યક્ત કરતાં હતાં. કાળક્રમે સ્તૂપની આસપાસ મંડપ, ચૈત્ય,બંધાયા, જેની આસપાસ સાધુઓનાં રહેઠાણ સ્વરૂપે વિહાર પણ બંધાયા.  અંતે આ પધ્ધતિઓ અને બાંધકામનાં સ્વરૂપોમાંથી મંદિરોનાં કર્મકાંડ અને સ્થાપત્યનો વિકાસ થયો. આમ જો યજ્ઞ એ ઉચ્ચ સમાજ અને પૂજારીઓ સાથે સંકળાયેલ છે, તો પૂજાનાં મૂળ આમ, ધરતી સાથે જોડાયેલ, જનતાની ધાર્મિક વિધિઓમાં છે.

ઘરમાંનું પૂજાઘર કે ઘરની બહાર મંદિર,એ કૅથોલિકનાં ચર્ચ જેવું કે યહુદીનાં સીનાગૉગ જેવું કે મુસ્લિમની મસ્જીદ જેવું કોઇપણ બાંધકામ હોઇ શકે, પરંતુ તેનો ઉદ્દેશ જૂદો જ હોય છે. તે પ્રાર્થના સ્થળ કે કે ધ્યાન ધરવામાટેની જ્ગ્યા કે શ્રધ્ધાળુઓ માટેનાં સભા ગૃહ તરીકે નહીં, પણ ભગવાનનું નિવાસસ્થાન મનાય છે.  ભગવાન અસ્થાયી રીતે માટીની મૂર્તિ કે સ્થાયી રૂપે પથ્થરની મૂર્તિમાં વાસ કરે છે. પૂજા તરીકે ઓળખાતી પ્રણાલિના ધ્યાનપૂર્વકના અભ્યાસથી આને સમજી શકાય છે.ઉત્તર ભારતમાં સામાન્યતઃ મંદિરની ઓળખ રાજ્ય સભા, દરબાર,ની ગણાય છે. જ્યારે દક્ષિણમાં તે દેવનાં નિવાસસ્થાન તરીકે ઓળખાય છે. 

વસ્તુતઃ પૂજા , મહેમાનને આવકારવાનો અને તેના જવાનો સમય ન થાય ત્યાં સુધી તેને આરામથી રાખવામાટેનો, લયબધ્ધ શિષ્ટાચાર છે.આવા જ કર્મકાંડ લગ્નોમાં પણ જોવા મળે છે, જ્યાં વરરાજાનું સ્થાન દૈવી મહેમાન જેવું હોય છે. તબક્કાની સંખ્યા છ થી ચોસઠની હોય છે,ઘરોમાં ઓછાં અને મંદિરોમાં વધારે અને સહુથી વધારે ઉત્સવોમાં જોવા મળે, એ રીતે સરેરાશ તબક્કા સોળ ગણી શકાય.

પહેલો તબક્કો આવાહન, અભ્યર્થના,છે જેમાં દેવતાને આવવાનું અને તેમને પૂજાઘરમાં ધાતુ કે પથ્થરની મૂર્તિનાં સ્વરૂપે રહેવાનું આમંત્રણ અપાય છે.બંગાળમાં દૂર્ગા પૂજા સમયે કે મહારાષ્ટ્રમાં ગણેશ પૂજન સમયે તો માટીની સાચી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. આ સમયે મૂર્તિની આંખને ક્યાં તો રંગવામાં આવે છે અથવા તો ખુલ્લી રાખવામાં આવે છે, જેથી કરીને અન્યથા નિર્જીવ મૂર્તિ સદેહે દેવ દેખાય છે.

તે પછીનો તબક્કો છે દેવને સ્થાન આપવાનો. બેઠક સામાન્યરીતે સિંહાસનનાં સ્વરૂપમાં હોય છે , તેથી તેને માટે  ખાસ વ્યવસ્થા કરાતી હોય છે.મહેમાનનાં મસ્તકપર, તડકાસામે રક્ષણમાટે અને મોભાની નિશાની રૂપ, છત્ર પર રખાતું હોય છે. માખીઓને ઉડાડવા અને મહેમાનને ઠંડક અને આરામ પહોંચાડવામાટે યાકની પૂંછ્ડીના વાળમાંથી બનાવેલ ચમર હલાવાતી રખાય છે.

ત્રીજો તબક્કો છે પ્રક્ષાલનનોઃ દૂધ,પાણી, ઘી વિગેરેથી ચરણ, હાથ, પગ અને ગણે ભાગે પૂર્ણ સ્નાન - અભિષેક. મોઢું ઘોવામાં તથા પીવામાટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.આમ મહેમાનને, તેમના શરીર અને વાળપર ઉડેલી ધૂળ સાફ કરી, પૂરી રીતે તરોતાજા કરવામાં આવે છે.

મહેમાનને રેશમ કે સુતરનાં વસ્ત્ર અને ઘરેણાં પણ પહેરાવવામાં આવે છે.પગનાં આંગળાં, ચરણ, ઘૂંટી,હાથની આંગળીઓ, હાથ, બાહુ, ડોક,કમર,છાતી, કાન, નાક ,લલાટનાં ઘરેણાંઓ અને છેલ્લે મુગટથી તેમને શણગારવામાં આવે છે. ગર્દન કે છાતીને વીંટાળવા માટે યજ્ઞોપવિત પણ આપવામાં આવે છે.શરીર પર ચંદન કે એવા સુગંધીત પદાર્થનો લેપ પણ કરવામાં આવે છે. ગળે કે કોઇ વાર, બન્ને છેડા છૂટા હોય તે રીતે, ખભાપર ફૂલોનો હાર પણ ચડાવવામાં આવે છે.

ધૂપ અગરબત્તી કરવામાં આવે છે. તે પછીથી મહેમાનને આહાર, નૈવેદ્ય,ધરાવવામાં આવે છે, જેમાં ફળો, માખણ, સાકર, મધ, રાંધેલો ભાત વિગેરે હોય છે. છેલ્લે પાચનમાં મદદરૂપ થાય તે માટે સોપારી અને નાગરવેલનું પાન પણ ધરાવવામાં આવે છે.શિવજી એકાંતવાસી સંન્યાસી છે એટલે તેમને આવું બધું નથી ધરાતું. 

છેલ્લે દીપમાળાને ગોળ ગોળ ફેરવીને આરતી કરવામાં આવે છે. આ સમયે મહેમાનનો ચહેરો પ્રકાશમાં આવે છે.બધાં દેવને વંદન કરે છે.મહેમાનનાં આગમન અને કર્મોની સ્તુતિનાં પદો, આરતી-ભજન, ગાવામાં આવે છે.સાથે સાથે દેવનું ધ્યાન આકર્ષવા ધંટારવ અને નોબતનગારાં પણ વગાડવામાં આવે છે.

તે પછી શરૂ થાય નૈવેદ્ય ધરાવવાનું, બસ એ જ રીતે જેમ રાજાને ફળો, ફૂલો અને ધૂપની ભેટસોગાદોનાં નજરાણાં સાથે અરજીઓ આપવામાં આવે. ભક્તિને વ્યક્ત કરવાનું માધ્યમ નૈવેદ્ય છે, જેવા દેવ તેવું નૈવેદ્ય.દા.ત. શિવજીને તાજું દૂધ,બિલિપત્ર,ધતુરો અને ભાંગનું નૈવેદ્ય ધરાવાય છે.તે જ રીતે વિષ્ણુજીને માખણ,મધ, ગોળ અને તુલસીનાં પાન ધરાવાય છે.દેવીઓને લીમડો, લીંબુ અને આમલી ધરાવાય છે.એક ભાગ દેવીદેવતા માટે રાખીને બાકીનો ભાગ ભક્તને પરત જાય છે.

જે ફૂલો અને અન્ન દેવને અડી ચૂક્યું તેમાં દૈવીશક્તિનો વાસ થઇ ચૂક્યો છે તેમ મનાય છેઃ આ સ્પર્શના ચમત્કાર તરીકે પણ ઓળખાય છે.જેને જેને દેવ અડકે તેમાં દૈવી શક્તિનો વાસ થઇ જાય. કોઇવાર ભક્તો દેવની ભસ્મ કે ચંદનનો લેપ પણ ઇચ્છતાં હોય છે. આ દૈવી શક્તિની કૃપાદ્રષ્ટિનું ભૌતિક પ્રમાણ છે.

દેવને  ધરાવેલ એક ભક્તનું નૈવેદ્ય બીજાને ન જતું રહેવું જોઇએ. જે મેં ધરાવ્યું, તે જ મને પાછું મળવું જોઇએ.જે મને પાછું મળે તેમાં મારા પરની કૃપાનો અંશ હોય. બીજા કોઇએ જો નૈવેદ્ય ધરાવેલ હોય, તો કૃપા પણ તેની થાય. તેથી જ,જ્યારે લોકો મંદિરમાં જાય છે, ત્યારે પોતાનાં ગજવામાંથી જ નૈવેદ્યનો ખર્ચ કરે છે.જો કોઇ પાસેથી ઉધાર લીધેલ પણ હોય, તો તે તરત જ ચૂકવી દેવાતું હોય છે. સિધ્ધાંત એ છે કે પોતાનું કરજ પોતા સુધી સીમિત રાખો અને બીજાં ને તમારાં  કરજદાર કે લેણદાર ન બનાવો.

સામાન્ય રીતે જે પૂજારી ભક્તને આરતી કે નૈવેદ્ય પાછું લાવી આપે તેને નાનીમોટી દક્ષિણા આપવામાં આવે છે. આમ વચેટીયાને તેની મહેનતનું વળતર ચૂકવી દેવાથી કૃપાનું આદાનપ્રદાન, સીધું, દેવ અને ભક્ત વચ્ચે જ રહે છે.

પુરીમાં,મંદિરનાં રસોડામાં રાંધેલો ખોરાક ગર્ભ ગૃહમાંથી પસાર કરવામાં આવે છે. ભગવાનની હાજરી અને તેમની કૃપા દ્રષ્ટિ માત્રથી અન્ન, ભોગ - ભગવાનની કૃપાદ્રષ્ટિસભર વધેલું અન્ન -નું માનભર્યું સ્થાન પામે છે. તે પછીથી તે ભોગ મંદિરનાં બજાર, આનંદ બજારમાં,શ્રધ્ધાળુ ભક્તોને વેંચવામાં આવે છે.

ભગવાનનાં દર્શન અને નૈવેદ્ય કે ભોગ ધરાવવા ઉપરાંત, ભગવાનની કૃપાને પાત્ર થવા માટે ભક્તો મંદિરને પ્રદક્ષિણા પણ કરે છે. મંદિરમાં થોડી વાર બેસવું એ સર્વસામાન્ય પ્રથા છે.એનાથી એવું પ્રતિપાદીત કરવામાં આવે છે કે ભક્તિમાં કોઇ ઉતાવળ નથી,પરંતુ ભગવાનસાથે ખરાં મનથી તાદાત્મ્ય સાધવું છે.

શિવનાં મંદિરોને સામાન્યતઃ દરવાજા નથી હોતા, જેથી ભગવાન હંમેશ દર્શન આપતા રહે છે. જ્યારે વિષ્ણુનાં મંદિરોમાં તેમનાં દર્શન માટે એક નિશ્ચિત સમયપત્રક હોય છે.શિવનાં એકાંતપ્રિય હોવાના અને વિષ્ણુના ભવ્યતાના સ્વભાવ સાથે આ વાત સંબંધિત છે. જો કે જેમ મોટાં મંદિરો બંધાતાં ગયાં  અને નવા પૂજારીઓની નિમણૂંકો થતી ગઇ, તેમ તેમ શિવનાં મંદિરોની વિધિઓ પણ ક્લિષ્ટ થતી ગઇ અને શિવ પણ ભક્તોમાટે થોડા દુર્લભ બની ગયા.

આશીર્વાદ આપીને ભગવાનને પણ શ્રમ પડતો હોય છે, તેથી મંદિરનાં દ્વાર વારંવાર બંધ કરીને તેમને આરામ આપવાનો, તેમ જ તેમની શક્તિઓ પુનઃએકત્રિત કરવાનો સમય આપવો પડે છે. તે આરામમાંથી ઉઠે ત્યારે, ભક્તોને દર્શન આપતાં,ભેટ/નૈવેદ્ય સ્વિકારતાં અને આશીર્વાદ આપતાં  પહેલાં, ફરીથી નવડાવવા, નવાં વસ્ત્રો પહેરાવવાં, ભોજન અર્ચન કરવાં પડે છે.

અને સહુથી છેલ્લી વિધિ છે દેવને વિદાય આપવાની, જે ઉદવાસન તરીકે ઓળખાય છે.તે સમયે ક્યાંતો દેવ બંધ દરવાજા પાછળ પોઢી જાય છે, કે પછીથી જો માટીની મૂર્તિઓ હોય તો, તેને પાણીમાં તરાવી દેવામાં આવે છે , જે વિસર્જન કહેવાય છે કે  પછીથી તેને ડૂબાડી દેવાં આવે છે. આમ કોઇ વસ્તુ શાશ્વત નથી તે આપણને યાદ કરાવવામાં આવે છે.દરેક વસ્તુનો અંત છે જ.અને જેનો આજે અંત થયો છે તે આવતી કાલે કે વર્ષે, નવા અવતારમાં ફરી પાછું પણ આવશે.

v  'ફર્સ્ટ સિટિ'માં ઍપ્રિલ, ૨૦૧૨માં પ્રથમ વાર પ્રસિધ્ધ થયેલ..

Ø  મૂળ લેખ God  as  Guest , લેખકની વૅબસાઇટ Devdutt.com  પર મૅ ૧૪, ૨૦૧૨ ના રોજ Indian Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

Ø  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ; જૂન ૨૪,૨૦૧૨