મંગળવાર, 17 જુલાઈ, 2012

આપણે ક્યારે માફ કરીએ છીએ - દેવદત્ત પટ્ટનાઇક


ગૌતમ ૠષિ ઘરે પાછા ફર્યા, ત્યારે તેમણે તેમની પત્ની, અહલ્યા,ને ઇન્દ્રના બાહુપાશમાં જોઇ.આથી ક્રોધિત થયેલા ગૌતમ ઋષિએ અહલ્યાને પથ્થરની શિલા બની જવાનો અને ઇન્દ્રને કોઢ થવાનો શ્રાપ આપ્યો. આ કથા આપણને અયોધ્યાના રાજકુંવર,રામ,ના અભ્યાસની વાત જેમાં વર્ણવેલ છે તે રામાયણના પહેલાં પ્રકરણ, બાલકાંડ,માં જોવા મળે છે. ઋષિ વિશ્વામિત્ર, રામને ગૌતમ ઋષિના આશ્રમે લઇ જાય છે અને એક સમયની જે અહલ્યા હતી તે શિલા બતાવે છે. પક્ષીઓ,પ્રાણીઓ કે અજાણ્યા મનુષ્યો તેને રગદોળતાં જાય એ જ અહલ્યાની કરમકહાણી બની ગઇ હતી. વિશ્વામિત્ર રામને તેમના પગથી આ શિલાને સ્પર્શ કરવાનું કહે છે, જેથી અહલ્યાને મુક્તિ મળે અને તે પોતાના પતિને જઇ મળે.

રામાયણનાં અલગ અલગ વૃતાંતમાં અહલ્યાની કથા અલગ અલગ રીતે કહેવાઇ છે.ક્યાંક તેને જેની ચોરી પક્ડાઇ ગયેલ છે તેવી વ્યભિચારીણી તરીકે દોષી ઠેરવાઇ છે. તો ક્યાંક તેને તેના પતિના સ્વાંગમાં ભોળવી નાખનાર ઇન્દ્રની શિકાર ગણાવી છે. તો એવી પણ વાયકા છે જેમાં અહલ્યાને, એકલતાથી કંટાળીને ત્રસ્ત થવાને કારણે, ઇન્દ્રના બાહુઓમાં શાતા પામતી પણ જોવામાં આવી છે. કોઇ પણ કથાકાર રામે અહ્લ્યાને માફી શા માટે આપી તે સંતોષકારાક રીતે સમજાવી નથી શક્યા.કોઇ ભૂલથી સજા પામ્યું હોય તેને ક્ષમા કરવું સમજાય, પણ જે ખરેખર દોષી હોય તેને તો કોઇ શા માટે માફ કરે?

વ્યવસાય જગતમાંમાં પણ, ઘણી વાર, આપણે જે લોકો પોતાની જવાબદારી પૂર્ણ કરવામાંથી પાછી પાની કરતા હોય કે જેઓની પ્રમાણિકતા વિષે દેખીતા સવાલ ઉઠી ચૂક્યા હોય તેવાં લોકો સાથે વ્યવહાર કરવા પડે છે. તેમની વર્તણૂકને વ્યાજબી ઠેરવતા  અને તેમનો પક્ષ પણ લેનારાં પણ આપણે જોતાં હોઇએ છીએ.  લેવાયેલા નિર્ણય ખોટી માહિતિ પરથી લેવાયેલ છે અને કોઇ હિતશત્રુ જાણી જોઇને આ પ્રકારની અફવાઓ ફેલાવી રહ્યું છે તેમ બતાવવાના પણ પ્રયત્નો કરાતા હોય છે. આપણે નક્કી એ કરવાનું હોય છે કે અહલ્યાને શિલા બનીને સજા ભોગવતાં રહેવા દેવી કે તેને એ યાતનામાંથી મુક્તિ અપાવવી.આપણ એ પણ નક્કી કરવાનું રહેતું હોય છે કે, વ્યાજબી કે ગેરવ્યાજબી, કેટલી સજા પૂરતી ગણાય.

પરિતોષને ચોખ્ખું દેખાઇ આવ્યું હતું કે કંપનીનાં અતિથિગૃહના રખેવાળ આડે હાથે પૈસા  સેરવે છે. પણ સાબિતિ નહોતી મળતી. આમ આ કહીસુની અને વ્યવહારુ સમજના પરિપાકવાળી વાત હતી. રખેવાળ, મુરલીધર,ને લાંબી રજા પર ઉતરી જવાનું કહેવામાં આવ્યું.  તેની ગેરહાજરીમાં આ કામ સંભાળનાર જોતિરાજે બહુ ઓછા ખર્ચમાં ઘણું સારું કામ કરી બતાવ્યું.જૂના લોકોનું કહેવું હતું કે મુરલીધર કદાચ એટલો કાર્યદક્ષ નહીં હોય. ઑડીટરનું કહેવું હતું કે મુરલીધર છેતરપીંડી કરતો હતો, તો મુરલીધરનું કહેવું હતું કે તે નિર્દોષ છે.

છ મહિનાની ચર્ચા વિચારણા પછી, પરિતોષે મુરલીધરને ફરીથી તેના કામે ચડાવી દીધો.બધાંને સવાલ તો થયો કે શું મુરલીધર નિર્દોષ હતો કે તેને માફ કરી દેવાયો છે?  જ્યારે પરિતોષને પૂછવામાં આવ્યું, ત્યારે તેણે જણાવ્યું કે,"સાચું શું છે તે હું નથી જાણતો. પણ આ છ મહિના મુરલીધરમાટે બહુ આકરા પરવડ્યા છે તે નિશ્ચિત છે.જો તે દોષી હતો, તો આ તેની સજા છે. જો તે નિર્દોષ હશે, તો હવે તેને કાર્યદક્ષ થવાની જરૂરીયાત સમજાશે.સાવે સાવ પૂર્ણ તો કોઇ હોતું નથી, લોકોથી ભૂલો તો થવાની. જો આપણે માફ કરીને આગળ ન વધીએ, તો આપણે સંસ્થાને, જ્યાં અનુકંપાને કોઇ સ્થાન નથી તેવી, પોતાને સાચી જ માનતી હઠાગ્રહી  બનાવી દઇશું. હું એવી કંપની બનાવવા નથી માગતો." શક્ય છે કે વિશ્વામિત્ર પણ રામને અનુકંપા અને કરુણાના પાઠ શીખવવા માગતા હોય.

  • ET ની કૉર્પૉરૅટ ડૉઝીયર પૂર્તિમાં ઍપ્રિલ ૨૦, ૨૦૧૨ના રોજ પ્રથમ પ્રસિધ્ધ થયેલ.
v  અસલ અંગ્રેજી લેખ, When do we forgive , લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર જૂલાઇ ૪, ૨૦૧૨ના રોજ Articles, Indian Mythology, Leadership  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.