મંગળવાર, 24 જુલાઈ, 2012

કાલિથી કૃષ્ણ - એક પ્રેમ ગીત -- દેવદત્ત પટ્ટનાઇક


બંગાળની ઘણી ગૂઢ તાંત્રિક પરંપરાઓમાં, સામાન્યતઃ તારા તરીકે ઓળખાતી કાલિ દેવીને સ્થાનિકે કેશ્ટો તરીકે ઓળખાતા કૃષ્ણ સાથે સાંકળવામાં આવે છે.બન્નેનો વર્ણ ઘેરો, શ્યામ રંગ, છે અને તેમનાં જોડીદાર -કાલિના સાથી શિવ અને કૃષ્ણનાં સાથી રાધા - ઊજળેવાન, કર્પૂર ગૌર છે. એક તરફ, કાલિની લોહીનો ભોગ માગતી તાંત્રિક પ્રથા અને બીજી તરફ, કૃષ્ણની શાકાહારી વૈષ્ણવી બ્રાહ્મણ આગવી પ્રથાને જોડતી કથાઓ, પ્રાચીન બાઉલ ગાયકો કે પછી રસોડાંમાં ગવાતી લોકવાયકાઓ કે ગીતકણીકાઓ દ્વારા પ્રચલિત થતી જોવા મળે છે. બધા રિવાજો અને કાયદાઓની માંગ અને મર્યાદાઓને, આ બધી કથાઓમાં પ્રેમ, શુધ્ધ પ્રેમ,ની લાગણી અતિક્રમી જાય છે.

કહેવાય છે કે તેમનાં જીવનમાં શક્તિ જ્યાં સુધી પાર્વતી બનીને દાખલ નહોતાં થયાં ત્યાં સુધી શિવ કદિ એક પણ શબ્દ બોલ્યા નહોતા.તે તેમનાં માત્ર પત્ની જ નહીં, શિષ્યા પણ બની રહ્યાં, જે તેમને સવાલો પૂછતાં, તેમની સાથે ચર્ચાવિચારણાઓ કરતાં જેનાં પરિણામ રૂપે શિવે તેમને વિશ્વનાં રહસ્યો સમજાવ્યાં. એક દિવસ પાર્વતીએ શિવને પૂછ્યું,"પ્રેમ શું છે?" શિવ તેમની સામે જોઇ અને સ્મિત રેલાવતા રહ્યા. પાર્વતી, તેમની લજ્જા છૂપાવવા આડું જોઇ જતાં, પ્રેમાગ્રહથી, પ્રશ્ન કરે છે," આમ શું કરો છો, મને કહો ને કે પ્રેમ શું છે?" શિવે જવાબમાં આમ કહ્યું:
"જ્યારે તમે મારી પાસે અન્નની દેવી, અન્નપૂર્ણા, બની ને આવો છો, મને ખવડાવો છો અને બદલામાં કંઇ જ નથી માગતાં, ત્યારે હું તમને પ્રેમ કરૂં છું, કારણ કે તમે મારી ભૂખ કોઇ જ શરત વગર પૂરી કરી છે.તમે જ્યારે મારી પાસે આનંદની દેવી, કામખ્યા, બનીને આવો છો, અને બહુ જ આત્મીયતાથી સ્પર્શ કરો છો, ત્યારે હું પ્રેમ અનુભવું છું, કારણ કે તમે મને ઇચ્છામય બનાવ્યો છે. આ ભોગ છે, જે એક પ્રકારનો પ્રેમ છે. પ્રેમનો એક બીજો પણ પ્રકાર છે.
“તમે જ્યારે ખુલા વાળવાળાં અનાવૃત શરીરે, તમે પોતે જે છો તે માટે કોઇ પણ જાતના ડર વગર, શક્તિશાળી કે ભેદ્ય થવા માટેના ભય વિના કે કોઇની ટીકા કે હાંસીના ડર વિના, મારા પર કાલિ બનીને નૃત્ય કરો છો, ત્યારે હું પ્રેમ અનુભવું છું.તમે મારી આંખો ખોલી નાંખો છો. મને સમજાય છે કે સુંદરી, લલિતા, એ જ ભયાનક ભૈરવી છે. હું એ પણ સમજી શકું છું કે શંકાશીલ, મંગળા, એ જ હિંસક ચંડીકા પણ છે. હું તમને કોઇપણ પૂર્વગ્રહ વગર પૂર્ણતયા સમજી શકું છું અને એ રીતે મને સમજાય છે કે હું સત્ય સમજી શકું છું. તમે મને કોઇપણ પૂર્વગ્રહ વિના તમને સંપૂર્ણ જોઇ શકવાની તક આપો છો, તે બતાવે છે કે હું વિશ્વાસપાત્ર બન્યો છું. આમ તમે, જેમાં પ્રતિબિંબ જોવા મળે, એ મારું પાર્વતી દર્પણ બનો છો. જેના પરિણામે હું મને ખોળી શકું છું. તમે મારાં સરસ્વતી છો. તમે 'દર્શન'નો સાચો અર્થ છતો કરી આપો છો. આનંદમગ્ન બનીને નૃત્ય કરતાં કરતાં, હું નટરાજ બની જાઉં છું.

“આમ પ્રેમના ત્રણ પ્રકાર છે: શરીરમાટેનો પ્રેમ જે સંતોષ આપે છે; હૃદયનો પ્રેમ જે સલામતી આપે છે અને મસ્તિષ્ક માટેનો પ્રેમ જે જ્ઞાન આપે છે. પશુઓ માત્ર પહેલા અને બીજા પ્રકારનો પ્રેમ જ આપી શકે છે, જ્યારે મનુષ્ય ત્રીજા પ્રકારનો પ્રેમ પણ આપી શકે છે, કારણકે તેનાં મસ્તકમાં ત્રીજું નેત્ર પણ છૂપાયેલું છે.પહેલા બે પ્રકારના પ્રેમ, ઇચ્છાઓના દેવ, કામ,માંથી જન્મે છે અને તેના વડે પૃથ્વી પરનું જીવન ટકી શક્યું છે.જ્યારે ત્રીજા પ્રકારનો પ્રેમ, મૃત્યુના ભય વિના,ઇચ્છાઓના નાશ, કામાંતક,માંથી જન્મે છે.”

શિવના અદ્ભુત જવાબથી પ્રસન્ન થઇ, શક્તિએ શિવને વરદાન માગવાનું કહ્યું. જેના જવાબમાં તેમણે કહ્યું: "શ્યામ દેવી, શ્યામા, જે કાલિ પણ છે અને શક્તિ પણ છે, તમે મને પ્રેમ શું છે તે શીખડાવ્યું છે. મારા ઉપર નૃત્ય કરીને તમે મારી આંખો ખોલી આપી છે, મને 'શવ' [મૃત દેહ]માંથી 'શિવ' બનાવેલ છે. મને પણ તમને એવું જ કરી શકવાની તક આપો." એટલે દેવીએ શિવને પૃથ્વી પર જઇને રમણીય રાધા બનીને નૃત્ય કરવાનું કહ્યું, જેનો પ્રેમ અને ભક્તિ તેમને શ્યામ કૃષ્ણ સ્વરૂપે ધરતી પર લાવશે.

અને આ રીતે, જે રીતે શક્તિએ શિવને પ્રેમનો અર્થ શીખવાડ્યો, તે જ રીતે રાધાએ કૃષ્ણને પ્રેમની પરિભાષા શીખવી.રાધા સાથેની મુલાકાત પહેલાં, કૃષ્ણ દાનવો સાથે લડતા અને માખણ માટે ગોપીઓને પજવતા એક ગોવાળ માત્ર જ હતા. પરંતુ રાધાની હાજરીએ એ બધું બદલી નાખ્યું.રાધાએ કૃષ્ણને વાંસળી અને સંગીત ભણી વાળ્યા.કાલિએ જે રીતે શિવને નટરાજ બનાવ્યા, તે જ રીતે રાધાએ કૃષ્ણને વાંસળી અને સંગીતમય બનાવ્યા.જેમ કાલિએ શિવને તેમની સ્વાયત્તા ત્યજીને સાથી પરની નિર્ભરતાનું મૂલ્ય સમજાવ્યું, તેમ રાધા એ કૃષ્ણને સમાજની મર્યાદાઓ અને દિવ્યત્વ પ્રત્યેની શ્રધ્ધા અને પતિ પ્રત્યેની વફાદારી વચ્ચેના સંઘર્ષ વિષે સમજ આપી.એક સમયે જે રીતે કાલિ હતાં , તેમ રાધા પણ આગ્રહનિષ્ઠ હતાં. જેમ કાલિએ શિવ પર નૃત્ય કર્યું હતું તેમ રાધા પણ કૃષ્ણ પર વિરાજમાન થયાં હતાં.આમ બન્ને અન્યોન્યની ભૂમિકા અને વિચારોમાં એકરુપ થઇ જતાં જણાય છે.પણ બન્ને વચ્ચે એક બહુ મહત્વનો તફાવત પણ છે.

કાલિએ સદાય ભ્રમણ કરતા રહેતા સન્યાસી,શિવ,ને સ્થાયી સન્યાસી,શંકર,માં ફેરવી નાખ્યા હતા. રાધાએ તેનાથી બરાબર ઉલટું કર્યું.તેઓ વૃક્ષની ડાળીને વળગી રહેલ ફૂલ બની રહ્યાં અને કૃષ્ણ મધથી તૃપ્ત થઇને ભમતા રહેતા ભ્રમર બની રહ્યા. આમ રાધાના પ્રેમથી તૃપ્ત, કૃષ્ણ મધુવન છોડીને મથુરા પ્રયાણ કરી જાય છે.કાલિએ શૃંગાર, રોમાંચ વડે પ્રદર્શીત કરેલ પ્રેમ માત્ર કૃષ્ણ જ પ્રતિબિંબીત કરી શકે, તો માત્ર શિવ જ પ્રદર્શીત કરી શકે તેવો પ્રેમ રાધાએ વૈરાગ્ય અને પરિત્યાગ વડે પ્રદર્શીત કર્યો.

v  મૂળ લેખ, 'સ્પીકીંગ ટ્રી'માં, ફેબ્રુઆરી ૦૫,૨૦૧૨ના રોજ, પ્રસિધ્ધ થયેલ.

Ø અસલ અંગ્રેજી લેખ, ‘From Kali to Krishna : A love song’, લેખકની વેબસાઇટ, Devdutt.com પર જૂલાઇ ૦૮,૨૦૧૨ના રોજ, Articles, Indian Mythology ટૅગ હેઠળ, પ્રસિધ્ધ થયેલ છે.

અનુવાદકની પાદ નોંધઃ આ લેખમાં લોકગાયકોની આગવી જાતિ, બાઉલ,નો ઉલ્લેખ કરાયો છે. આ જાતિ અને તેમની જીવનશૈલિ પર ઇન્ટરનૅટ પર પુષ્કળ સાહિત્ય ઉપલબ્ધ છે. એ પૈકી કેટલાક સંદર્ભની મદદથી આ અનુવાદકના સાથી બ્લૉગ પર એક લેખ  TheBouls and Boul Traditions રજૂ કરાયો છે.