ગુરુવાર, 16 ઑગસ્ટ, 2012

રાજેશ સેટ્ટી રચિત લઘુ ગાથા સંગ્રહ - ગુચ્છ ૭


વિચારશીલતા પરની આ સરળ વાત મેં થોડાં વર્ષો પહેલાં સાંભળેલી એક વાત પર આધારીત છે.
વિચારશીલ હોવું એટલે બીજાંની જરૂરીયાતની દરકાર રાખવી. એ રોજબરોજની ઘટનાઓમાં જોવા મળી શકે છે. મેં આ ઉદાહરણને ૫૦ શબ્દોમાં વણી લેવાનો પ્રયાસ કરેલ છે. 
પરિચારિકાએ દોહરાવ્યું,"મધ્યમ રૂ. ૩૦, મોટું  રૂ. ૩૫." બાળકે તેનું ખીસ્સું ખાલી કરી નાખ્યું. એની પાસે બધું મળીને ૪૦ રૂપિયા હતા.સેવિકા હવે અકળાઇ રહી હતી. પાંચ મિનિટ. આખરે, તે બાળકે મધ્યમ માપના આઇસક્રીમની વરદી આપી. પછીથી, જ્યારે પરિચારિકા સફાઇ કરવા આવી, ત્યારે ટૅબલ જોતાંવેંત, અંદરથી હલબલી ગઇ. રૂ.૧૦ની ટીપ પડી હતી.
ફૉટૉ સૌજન્યઃ   mburkholtz on Flickr
તમને એવું જણાતું હોય કે પાસા તમારી તરફેણમાં છે, પરંતુ...
જનકને ભરોસો બેસી ગયો કે પાસાના ખેલનું રહસ્ય તેણે ખોળી કાઢ્યું હતું. છેલ્લા કલાકની તે એકોએક બાજી જીત્યો હતો. હવે સમય પાકી ગયો હતો. તેણે તેની પાસે જે કંઇ હતું તે બધું દાવ પર લગાવી દીધું. અરે! જનકના પાસા અવળા પડ્યા.. ઉપર ઉભેલા સુમનને હસવું ખાળવું ભારે પડી રહ્યું હતું.
ફૉટૉ સૌજન્યઃ   vperkins on Flickr
તમને જે "ઝાડુ મારવા" જેવું લાગતું હોય, તે કદાચ કોઇ મોટું ફળ મળવા માટેનો એક ખેલ પણ હોઇ શકે ...
પોતાના કૌટુંબીક વ્યવસાયમાં નીચલી પાયરીનાં કામ કરીને રોનક હતાશ થઇ ગયો હતો. દર છ મહિને, પિતાજી તેને બીજા વિભાગમાં ખસેડી દેતા હતા, જાણે કોઇ મોટી શિક્ષા. તે દિવસે તે છોડી દેવાનું નક્કી કરી ચૂક્યો હતો, ત્યારે જ તેણે  પિતાજીનો ઇ-મેલ જોયો,"અભિનંદન! તું હવે બધું સંભાળી લેવા માટે લગભગ તૈયાર છો."
ફૉટૉ સૌજન્યઃ   star5112 on Flickr
#64 - સેવા
સારી સેવા મહત્વની છે. પરંતુ, જો સારી સેવાની જરૂર ગલત ડીઝાઇનને કારણે પડતી હોય,તો તેને છાવરી લેવા માટે ગાહકને વધારે સારી સેવા આપવાના પ્રયત્નો પર ધ્યાન આપવાને બદલે,તે ગલતીને સુધારી લેવી જોઇએ. 
જૈમિન અને જોગેશ એક હૉટૅલમાં રહેવા ગયા. ટૅબલ લૅમ્પ જ નહોતો ચાલુ થતો. જૈમિને ગ્રાહક સેવાવાળાને જાણ કરી.થોડીજ વારમાં બટુક હાજર થઇ ગયો. તેણે છૂપાયેલી કળ શોધી અને બત્તી ચાલુ કરી આપી, હસીને કહ્યું, "આ તો રોજનું થયું." જૈમિન સેવાથી અંજાઇ ગયો.પરંતુ, જોગેશે ડોકું ધુણાવીને કહ્યું," ના ચાલે! ગલત ડીઝાઇન."
આ લઘુ ગાથા માટે મને ગયે અઠવાડીયે થયેલ અનુભવ કારણભૂત છે. હું સ્કૉટ્સડૅલની ડબલટ્રી હૉટૅલમાં રહ્યો હતો. હું જ્યારે પહોંચ્યો ત્યારે ખાસ્સું મોડું તો થઇ જ ચૂક્યું હતું. ટેબલ લૅમ્પ ચાલુ થવાનું નામ જ ન લે. મેં ગાહક સેવાવાળાને જાણ કરી, અને હા, થોડી જ વારમાં કોઇ હાજર હતું. તેને જાણે સમસ્યાની ખબર જ હોય, તેમ તે હસતો હસતો આવ્યો હતો. ટૅબલ લેમ્પની કળ બીજી જ હતી. મને તેમની સેવાની ગુણવત્તા જરૂર પસંદ પડી.પરંતુ તે તો એવો ઉપાય હતો જેની સમસ્યા પેદા થવા માટે જ  સર્વપ્રથમ કારણ ન હોવું જોઇએ. ડીઝાઇનની ભૂલને સારી ગાહક સેવાથી છાવરવી પડે એ કંઇ બહાદુરીનું કામ ન કહેવાય.
ફૉટૉ સૌજન્યઃ   Ashiq Tobani on Flickr
જીવનપર્યંતના સંબંધોનું ખાસ મહતવ હોય છે. તે તમારાં (કે એમનાં) જીવનના અંત સુધી ટકે છે.એવા સંબંધો બાંધવામાં અને ટકાવી રાખવામાં આખો જન્મારો નીકળી જતો હોય છે. જીવનપર્યંતના સંબંધો બાંધવાની કળાવશો, તે પછીથી જીંદગીનું સ્વરૂપ જ બદલી જશે. જ્યારે તમે આવા સંબંધો બાંધતાં હશો, ત્યારે કોઇનો ફાયદો ઉઠાવી લેવાનું તમને સૂઝશે પણ નહિ.
જયેશ ગુંચવાઇ ગયો હતો. બાબુલ રોનકને કંપનીમાં ૧૦% ભાગીદારી આપવા તૈયાર હતો, પણ રોનક ૫%થી વધારે નહોતો લઇ રહ્યો. ખુશ થયેલા બાબુલના ગયા પછી, રોનકે જયેશના સવાલના જવાબમાં કહ્યું: "જયેશ, સીધો હિસાબ છે. બાબુલ આજે ભોળો છે, પરંતુ  જીંદગીભર ભોળો નથી રહેવાનો.અને હું તેની સાથે જીંદગીભરનો સંબંધ બાંધવા માગું છુ."
ફૉટૉ સૌજન્યઃ   GalleryQuantum on Flickr
ધ્યાનના હંમેશાં ઉંચા ભાવ બોલાતા હોય છે. તમારે કોઇનું ધ્યાન "મેળવવું" પડતું હોય છે. કોઇપાસેથી તે છીનવી લેવાના પ્રયત્નો સામાન્ય રીતે નિષ્ફળ જતા હોય છે.
જનક બિપિનની ઑફિસમાંથી બહાર આવી રહ્યો હતો. તેણે જયેશને હાસ્ય સાથે કહ્યું,"મેં પાંચ મિનિટની એ મિટીંગને ત્રીસ મિનિટ સુધી લંબાવી પાડી." જયેશ પણ હસ્યો અને બિપિનની ઑફિસમાં દાખલ થયો. બિપિને તેને આવકાર્યો અને કહ્યું,"આવ, જયેશ, પેલી મિટીંગ બહુ લાંબી ચાલી. જો કે મેં તો પહેલી પાંચ મિનિટનું જ સાંભળ્યું છે."
ફૉટૉ સૌજન્યઃ   Robbert van der Steeg on Flickr
#67 - સરસાઇ
દરેક વાતની નકલ કરવી શકય નથી હોતી 
જયેશ અને બિપિન એક સોદા માટે સ્પર્ધામાં હતા. આ વખતે જયેશ કોઇ પણ હિસાબે જીતવા માગતો હતો. શક્ય એટલા નીચા ભાવ માટે તેણે મંજૂરીઓ મેળવી હતી. પરંતુ, તે સોદો જયેશ જીતી ન શક્યો. જયેશને સમજાઇ ગયું કે બિપિનના એ ગ્રાહક સાથેના દસ વર્ષના સંબંધોની બરાબરી બે મહિનામાં કરવી શક્ય નથી.
ફૉટૉ સૌજન્યઃ   Rachael0008 on Flickr
આયોજન તો બિલકુલ ક્ષતિહિન જણાતું હતું. બસ એક નાની સી ખામી રહી ગઇ હતી 
જોગેશ તેના નવાં એકમને માતંગ સમક્ષ રજૂ કરવામાટે ખૂબ ઉત્સાહમાં હતો. જોગેશે સમજાવ્યું કે તેની કંપનીના વ્યવસાયનો ઢાંચો માતંગની એક કંપની  જેવો જ હતો. માતંગને તે ખાસ પસંદ ન પડ્યું હોય એવું જણાયું. જોગેશ હતાશ થઇ ગયો. ચાર અઠવાડીયાં પછી ખબર પડી કે માતંગની એ કંપની બંધ થઇ રહી છે.
ફૉટૉ સૌજન્યઃ   r e n a t a on Flickr
#69 - ટેકો
જરૂરના સમયે યોગ્ય ટેકો મળી રહે તે સારૂં છે. કે કદાચ સારૂં ન પણ કહેવાય! 
નવાં સાહસના રોકાણકાર અને મિત્ર  બિપિનનું  જિગ્નેશનાં નવાં સાહસમાં મુડીરોકાણ આનંદની વાત હતી..પાંચ વર્ષ પછી પણ જિગ્નેશનાં એકમનું ઠેકાણું નહોતું પડ્યું. એક વાર બિપિને કહ્યું કે તેને એ સાહસ પર પહેલેથી જ ભરોસો નહોતો, પણ તે મિત્રને મદદ કરવા ઇચ્છતો હતો.  જિગ્નેશને થયું: "મદદ ન કરી હોત તો ભલું થાત!"
ફૉટૉ સૌજન્યઃ   AMagill on Flickr
#70 - યથાર્થ દર્શન
જે દેખાતું હોય એ સાચું જ હોય તેવું જરૂરી નથી....
લલિતાનું ભાષણ લાગણીસભર હતું. સભાખંડ ચિક્કાર ભર્યો હતો અને ભાગ્યેશને છેવાડાની જગ્યા મળી હતી. તે સંપૂર્ણતાનો આગ્રહી હતો, તેથી પરદાપરનાં ચિત્ર અને લલિતાનું ભાષણ એકસાથે ન ચાલતાં દેખાયાં, એટલે તે ગુસ્સે થઇને જતો રહ્યો. જ્યારે માર્તંડે જણાવ્યું કે," સાવ દ્રષ્ટિહીન લલિતા બહુ જ પ્રેરણાદાયી રહી." ત્યારે તે સન્ન રહી ગયો.
ફૉટૉ સૌજન્યઃ   Gav_Carey on Flickr
v  રાજેશ સેટ્ટી  રચિત  લઘુ ગાથા સંગ્રહ
v  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત // ઑગષ્ટ ૧૬,૨૦૧૨ ǁ

અનુવાદકની પાદ નોંધઃ  ૫૦ (જ) શબ્દોની મર્યાદા અનુવાદમાં પણ ચુસ્તપણે પાળી છે.  તેમ જ,  લેખકે અમેરિકામાં બહુ પ્રચલિત નામો મૂળ અંગ્રેજીમાં લખાયેલ ગાથાઓમાં વાપર્યાં છે, જેનું આ અનુવાદોમાં ભારતીયકરણ કરેલ છે.

પહેલાનાં ગુચ્છઃ