રવિવાર, 5 ઑગસ્ટ, 2012

પશુ ઉપર સવારી - દેવદત્ત પટ્ટનાઇક


સંસ્કૃતનાં સ્કંદ પુરાણનાં તમિળ સંસ્કરણ,કંદ પુરાણમ,માં શિવના પુત્ર, [ઉત્તર ભારતમાં કાર્તિકેય તરીકે જાણીતા] મુરૂગનના, તડકાસુર અને તેના ભાઇઓ -સિંહમુખન અને સુરપદ્મન -પરના, વિજયની વાત ફરીથી કહેવામાં આવી છે. પોતાની હાર સ્વિકારના સમયે, સિંહમુખન મુરૂગનપાસે ક્ષમાયાચના કરે છે , જેના પરિણામે મુરૂગન તેને સિહનું રૂપ ધારણ કરી અને દુર્ગાનું વાહન બની રહેવાની સુચના આપે છે. મુરૂગન સાથેનાં યુધ્ધમાં, સુરપદ્મન પર્વતનું રૂપ ધારણ કરી લે છે. પોતાના ભાલાવડે, એ પર્વતના, મુરૂગન બે ટુકડા કરી નાખે છે. પર્વતનો એક ટુકડો મોર બનીને  મુરૂગનનું વાહન બની રહે છે, જ્યારે બીજો ટુકડો કુકડો બનીને મુરૂગનના ધ્વજનું નિશાન બની રહે છે.આમ આ કથા પ્રમાણે, દુર્ગા અને તેના પુત્ર, મુરૂગન,નાં વાહન હકીકતે દાનવ હતા,જે શરણે આવ્યા પછી પરિવર્તન કરી ચુકવાને કારણે દેવો સાથે સંલગ્ન થવાલાયક બન્યા છે.
હિંદુ પુરાણોમાં,દરેક દેવ કે દેવી કોઇને કોઇ પ્રાણીસાથે સંકળાયેલ છે. વિશ્વના સર્જનહાર, બ્રહ્મા, રાજહંસ સાથે, સંરક્ષક વિષ્ણુ ગરૂડ સાથે, સંહારક શિવ નંદી સાથે સંકળાયેલ છે. ધનની દેવી લક્ષ્મી હાથી સાથે, વિદ્યાની દેવી સરસ્વતી કલહંસ સાથે અને શક્તિનાં દેવી દુર્ગા સિંહ અને વાઘ સાથે સંકળાયેલ છે.નદી-દેવીઓ ગંગા અને યમુના અનુક્રમે ડૉલ્ફીન [કે મગર] અને કાચબા સાથે સંકળાયેલ છે.પ્રાણીઓ તેમનાં વાહન તરીકે ઓળખવામાં આવે છે.
કોઇ વાર, એ જ પ્રાણી દેવીદેવતાના ધ્વજ પર નિશાન તરીકે પણ ઉપયોગમાં લેવાતાં જોવા મળે છે. આમ શિવ, કે જેમનું વાહન નંદી છે, તેમનો ધ્વજ ૠષભ-ધ્વજ તરીકે ઓળખાય છે, એટલે કે એવો ધ્વજ જેમાં નિશાન તરીકે બળદ છે.કોઇ કોઇ વાર વાહન તરીકે કોઇ એક, તો ધ્વજમાં નિશાની તરીકે બીજું, પ્રાણી હોય એમ પણ જોવા મળે છે. મુરૂગન સવારી કરે છે મોર પર,પણ ધ્વજમાં તેમનું નિશાન કુકડો છે.
પ્રાણીઓ થકી કોઇ એક વિચાર પણ વહેતો મુકાતો હોય છે.ભારતીય કવિતાઓમાં પ્રેમ અને અભિલાષાની લાગણીને મહદ અંશે પોપટ, મધમાખી, પરવાના અને મકર રાશિની મદદથી વ્યક્ત કરાતી હોય છે. તે જ રીતે અભિલાષાઓના દેવ, કામ,ને પોપટ પર સવારી કરે છે કે તેમનાં શેરડીમાથી બનેલાં બાણમાટેનાં કામઠાંની પણછ મઘમાખી કે પતંગિયાંઓથી બનેલ હોય છે અને મકર તેમના ધ્વજ પર નિશાન તરીકે શોભા આપે છે. [સામાન્ય રીતે,ભૂલથી, રાજ હંસની માની લેવાતા] કલહંસ કે માદા હંસમાં દૂધ અને પાણીને અલગ પાડી શકવાની આવડત હોય છે તેમ મનાય છે.તેથી તે બુધ્ધિગમ્ય  ભેદપરખમાટે પ્રતિક માનવામાં આવે છે અને તેથી તેને વિદ્યાની દેવી,સરસ્વતી,સાથે સાંકળી લેવામાં આવેલ છે. ઉંદર એ ખુબ પરેશાની કરતું ઉપદ્રવી પ્રાણી છે. તે બહુ પ્રજનનક્ષમ પણ છે.આથી તે સમસ્યાઓની ભરમારનું પ્રતિક છે. વિઘ્નહર્તા દેવ, ગણેશ,નું તે વાહન છે, જેને વશ કરી અને તેનાપર સવારી કરીને તેઓ આપણને પરેશાન કરતા પ્રશ્નોને આપણાથી દૂર રાખે છે. શિવનો નંદી તેમની સ્વતંત્રતા અને વિષ્ણુનો ગરૂડ તેમની ગતિશીલતા અને વિશાળ દ્રષ્ટિકોણનાં પ્રતિક છે.
પ્રાણીઓ  દેવી દેવતાઓનાં માત્ર વાહન કે પ્રતિક તરીકે જ નથી વપરાતાં; દેવીદેવતાઓ ઘણીવાર તેમનું સ્વરૂપ પણ ધારણ કરી લેતાં હોય છે. જેમ કે રામના સેવક હનુમાન વાનરનું રૂપ છે. તે જ રીતે, વિશ્વને બચાવવા , વિષ્ણુ માછલી કે કાચબા કે સુવરનું રૂપ ધારણ કરે છે.પૃથ્વી ઘણી વાર ગાયનું રૂપ લે છે. ગણેશનું શિર હાથીનું  છે જ્યારે જોડકા અશ્વિનિને અશ્વનું શિર છે, તો વળી, ચિંતા અને ક્ષુબ્ધતાના  પ્રતિક સમો ગ્રહ-પ્રભાવિત કેતુ તો વળી શિર વિનાનો સર્પ છે.
અધ્યાત્મવિદ્યામાં,પ્રાણીઓ શરીરમાં વીંટળાયેલ આત્માઓ, જીવાત્મા, મનાય છે. તેમનાં શરીર વનસ્પતિ કરતાં ઉંચી કક્ષાનાં ગણાય છે કારણ કે તેઓ હલનચલન કરી શકે છે. માનવ શરીર કરતાં તે નીચી કોટીનાં ગણાય છે કારણકે માનવીની જેમ તેમની પાસે ખુબ વિકસિત મગજ નથી. જેને કારણે તેઓ વિચારી નથી શકતાં, લાગણી નથી અનુભવી શકતાં, સર્જન નથી કરી શકતાં કે સંભાળ નથી લઇ શકતાં. કહેવાય છે કે ચોર્યાશી લાખવાર જન્મ લીધા પછી જીવાત્માને માનવ શરીર નસીબ થાય છે. આપણી સહભાવનાની અપાર ક્ષમતા માનવીને અન્ય સજીવ પ્રાણીઓથી અલગ પાડે છે. અન્ય પ્રાણીઓમાં તે બહુ મર્યાદીત માત્રામાં હોય છે. પ્રાણીઓ પર સવારી કરીને દેવીદેવતાઓ આપણને કદાચ આપણી સ્વ-બચાવ અને સ્વ-પ્રસારણની સહજવૃતિથી આગળ સ્વ-પરિચયની આગવી ક્ષમતાની યાદ અપાવડાવે છે. અને તેમ થવું ત્યારે જ શક્ય બની શકે જ્યારે આપણે બાકીની દુનિયામાટે લાગણી અનુભવીએ. કમનસીબે,મોટા ભાગે, આપણે ઉત્ક્રાંતિને બદલે પુરોગતિ પસંદ કરતાં હોઇએ છીએ,પ્રાણીઓની જેમ માત્ર ટકી રહેવા જેટલું જ વિચારીએ છીએ. હકીકતે, તો આપણે પ્રાણીઓ કરતાં પણ બદતર છીએ, કારણકે પ્રાણીઓ પાસે તો પોતાનાં શરીરને બચાવવા સિવાયની કોઇ બીજી આવડત જ નથી. જ્યારે, આપણે તો આપણાં એક કલ્પી લીધેલ સ્વ-ચિત્રની જાળવણીમાં આપણું આખું જીવન કાઢી નાખતાં હોઇએ છીએ. જ્યાં સુધી આપણે 'હું' અને 'મારૂં'થી વિશેષ વિચારીશું નહીં,ત્યાં સુધી આપણે માનવઅવતારને વેડફતાં રહીશું, અવિકસિત પ્રાણી બની રહીશું અને માનવજીવન કદિપણ સાર્થક નહીં કરી શકીએ.
·         'સ્પીકીંગ ટ્રી'માં, નવેમ્બર ૨૮, ૨૦૧૦ના રોજ, સહુ પ્રથમ પ્રસિધ્ધ થયેલ.
  • અસલ અંગ્રેજીમાં આ લેખ, Riding the Beast  ,લેખકની વૅબસાઇટ, Devdutt.com પર જૂલાઇ ૨૪,૨૦૧૨ના રોજ,  Indian Mythology ટૅગ હેઠળ પર્સિધ્ધ થયેલ.
v  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદǁ ઑગષ્ટ ૫,૨૦૧૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો