બુધવાર, 8 ઑગસ્ટ, 2012

રાજેશ સેટ્ટી રચિત લઘુ ગાથા સંગ્રહ - ગુચ્છ ૬


એક જ માળાનાં બધાં જ પક્ષી હંમેશા એક સાથે ઊડે એવું જરૂરી નથી...માણો આ ગાથાઃ
જિજ્ઞા  દરેક વાતમાંથી હંમેશ કોઇક ભૂલ તો કાઢે જ. સામાજીક જોડાણો વિષે દરરોજ, એકાદ ફરિયાદ, કોઇને કોઇ પાસે તે કરતી સાંભળવા મળે. ઘણાં મિત્રો પણ હૈયાવરાળ કાઢવામાં તેનો સાથ આપતાં.એક દિવસે, જ્યારે તેને કંઇક જોઇતું હતું, ત્યારે તેના સહવિવેચક મિત્રોમાંથી કોઇ તેની મદદે ન આવ્યું. તેઓ અન્ય આલોચનાઓમાં વ્યસ્ત હતાં.
ફૉટૉ સૌજન્યઃ  Stanford Dish, Palo Alto
#52 - આશય
ગયે અઠવાડિયે મેં મારા મિત્ર, કિરૂબા શંકર, અને તેનાં કુટુંબ જોડે થોડા દિવસો ગાળ્યા.અમે  ઘણી વાતો કરી. મેં એમના ઘરની આજૂબાજૂ બહુ બધા છોડના રોપાઓ જોયા, આ રોપાઓ સાથે જોડાયેલ એક સત્ય કથા કિરૂબાએ મને કહી. એ વાત મારા હૃદયને સ્પર્શી ગઇ અને મને આ લઘુ ગાથા લખવા પ્રેર્યો. મેં પાત્રોનાં નામ બદલી નાખ્યાં છે. આ સત્ય ઘટનામાંથી ઘણું શીખવાનું છે. મેં ૫૦ શબ્દોમાં તેનું હાર્દ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.
જે કોઇ મળે તેનાં નામથી અલ્કેશ , એની પત્નીની યાદગીરી રૂપે,  એક એક ઝાડ વાવતો રહેતો હતો. તેના ઘરની આજૂબાજૂ બહુ જ બધા છોડ જોઇ, કોઇએ તેને પૂછ્યું કે થોડા છોડ કોઇ ચોરી જશે તેનો તમને ડર નથી લાગતો?  અલ્કેશ હસ્યો, અને કહ્યું કે રખે એવું થાય તો કેટલું સારૂં!
ફૉટૉ સૌજન્યઃ  Cwalker71 at Flickr
મોટાભાગના કર્મચારીઓ માટે પોતાનાં ઉપરીના વિચારો અને પહેલવૃતિમાં ભૂલો શોધ્યા કરવી એ એક સામાન્ય પ્રવૃતિ હોય છે. આ લઘુ ગાથા તેને જૂદી રીતે જૂએ છે.
પોતાના ઉપરીની યોજનાઓની ટીકા કરવામાં ચરણ નિપુણ હતો. કોઇપણ પહેલમાંથી ભૂલો શોધી કાઢવાની તેની આવડત પર તેને ગર્વ હતો. પરંતુ, એક દિવસે, બધું બદલાઇ ગયું. તેના ઉપરીને ફરીથી બઢતી મળી, અને ત્યારે, તેણે ચરણને જણાવ્યું કે આમ થવાનું બહુ સીધું કારણ હતું - ટીકા કરવાનું બંધ કરીને 'કામે લાગી' જવું.
ઘટનાક્રમ કે કોઇપણ વાતનો અનુક્રમ - અંગત કે વ્યાવસાયિક જીવનમાં - બહુ મહત્વ ધરાવે છે."ઘોડા કરતાં ગાડીને આગળ ન કરશો" એ કહેવત બહુ જલદી ભુલાઇ જતી હોય છે. આ [હાસ્ય] લઘુ ગાથા આ વાતને ઉજાગર કરે છે.
{યાદ રહે કે આ ગાથા મુદ્દાને માત્ર સ્પષ્ટ રીતે રજૂ કરે છે. તેમાં જે શીખ છૂપાયેલી છે તેને કારણે આ વાત હસી કાઢવા જેવી નથી}
જતીનની આંખ સુજી આવી હતી. આમ બન્યું સવારે.યુવાન અને સુંદર યામિનિ સાથે તેની કૉફી પીવાની મુલાકાત નક્કી થઇ હતી. જતીને યામિનિને પૂછ્યું કે, તેને કેટલાં બાળકો છે? યામિનિએ જવાબ આપ્યો કે તે બે બાળકોની ગર્વિષ્ઠ મા છે. હવે જતીન પૂછી બેઠો,"વાહ,તારાં લગ્ન થઇ ગયાં છે?", અને બસ,જતીનની આંખ સુજી આવી.
કેટલાક લોકોને મર્યાદાની રેખા ખેંચતાં નથી આવડતું.
રાવજીને ફાયદાના સોદા કરવામાં બહુ મજા આવતી. ખુબ રકઝક પછી તેણે સોદો નક્કી કર્યો. ખેંચીતાણીને ભાવ ૨૦ રૂપિયા સુધી લાવી દીધો હતો.  હવે, તેને તે રમકડું મફતમાં જોઇતું હતું. લારીવાળો પણ કંટાળી ગયો હતો. તેણે હસીને રમકડું રાવજીના હાથમાં મુકી દીધું. રાવજી હવે આગળ વધ્યોઃ"આની સાથે બીજું એક મફત આપ!"
ફૉટૉ સૌજન્યઃ  Jaganatha at Flickr
તમારાં નિયંત્રણમાં શું છે અને શું નથી તે જાણવામાં શાણપણ છે. બન્નેની ભેળસેળ કરી નાખવાથી નાઉમેદી અનુભવવી પડે.
નસીબ.જતીન તેનું મહત્વ જાણતો હતો. તે તેની કિંમત ચૂકવવા પણ તૈયાર હતો, પણ કોઇ વેચવાલ નહોતું મળતું. તેની છેલ્લાં કેટલાંક વર્ષોની શોધખોળ નકામી ગઇ હતી. તે હતાશ થઇ ચૂક્યો હતો. છેવટે કોઇએ તેને જણાવ્યું કે, તારે શોધ્યે તો 'નસીબ' તને મળી રહ્યું.  ''નસીબ' તને ખોળી કાઢે, તો જ કામ થાય.
ફૉટૉ સૌજન્યઃ  Vince Alongi on Flickr
સહુથી વધારે હોશિયાર હોવાથી નોકરી મળવાની ખાત્રી નથી મળતી. તેનાથી પણ કંઇ વિશેષ જોઇતું હોય છે.
જાગૃત કદાચ થોડો તોછડો એટલે હતો કે તે બધાંથી વધારે હોશિયાર હતો. જ્યારે તે નાપસંદ જાહેર થયો, ત્યારે તે હલબલી ગયો. હવે તેણે નીચી મૂડીએ નાપસંદગીનું કારણ પૂછવું પડ્યું. નોકરીએ રાખનાર મૅનૅજરે કહ્યું," ઉમેદવારની આવડતમાં ૭ ગુણ અમને ચાલશે, પણ નોકરીએ રાખવામાટે એના અભિગમ અંગે ૧૦થી ઓછા ગુણ નહીં પોષાય."
ફૉટૉ સૌજન્યઃ  Life Coaching Online on Flickr
 હું એટલો સંદેશો આપવા માગું છું કે "જે બીજાને ભેરવે છે  તે પોતે પણ ભેરવાઇ પડે છે."
માર્કંડની આ મોટામાં મોટી વરદી હતી. નવનીએ વ્યંગપૂર્ણ સવાલ કર્યોઃ " એ જ ભાવે?"  જયેશે કહ્યું," હા, તેને દોહી લેવો છે." નવનીએ "મંજૂર"ની મહોર મારીને માલ રવાનગીની પરવાનગી આપી દીધી. પછીના શુક્રવારે નવની દોડતી જયેશની ઓફિસમાં આવી, " માર્યા ઠાર! માર્કંડનો ચેક પાછો ફર્યો છે, અને તેનો કોઇ અતોપતો નથી."
ફૉટૉ સૌજન્યઃ   wvs on Flickr
તમે તમને સોંપેલાં કામમાંથી છટકી શકો, પણ કામમાંથી છટકી જવાનાં પરિણામોમાંથી નહીં.
જતીન તેના શાળાના દિવસોમાં થોડો બહેકી ગયો હતો. પોતાને સોંપાયેલાં બધાં કામ તે બીજા પાસે કરાવી લેતો. તવંગર મા-બાપના દીકરા હોવાને નાતે, સારા ગુણ લાવવા માટે નાણાં પણ તે ખર્ચી શકતો. સમસ્યા આવી પડી, જ્યારે તેણે વ્યવસાયમાં ઝંપલાવ્યું. તેણે શાળામાં 'મેળવેલા' ગુણ હવે તેને પુરતી કમાણી નહોતા કરાવી આપી શકતા.
ફૉટૉ સૌજન્યઃ   rushills on Flickr
કોઇનો ફાયદો ઉઠાવવો તો ગમે, પરંતુ...
તુષારે એ સોદામાં ૫% આડત સૂચવી અને રમેશે સ્વિકારી લીધું. ખુશખુશાલ તુષાર બહર ગયો, એટલે બિપિને રમેશને ગુંચવાયેલા સૂરમાં કહ્યું કે, તુષાર તેનો (ગેર)ફાયદો ઉઠાવી રહ્યો છે.રમેશ ધીમેથી હસ્યો, અને કહ્યું,"ખરો સોદો તો આનાથી દસ ગણો મોટો છે. હવે, મને ખબર પડી ગઇ છે કે સોદો કોની સાથે કરવો જોઇએ."
ફૉટૉ સૌજન્યઃ   AMagill on Flickr
v  રાજેશ સેટ્ટી  રચિત  લઘુ ગાથા સંગ્રહ
v  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત // ઑગષ્ટ ૮,૨૦૧૨ ǁ

અનુવાદકની પાદ નોંધઃ  ૫૦ (જ) શબ્દોની મર્યાદા અનુવાદમાં પણ ચુસ્તપણે પાળી છે.  તેમ જ,  લેખકે અમેરિકામાં બહુ પ્રચલિત નામો મૂળ અંગ્રેજીમાં લખાયેલ ગાથાઓમાં વાપર્યાં છે, જેનું આ અનુવાદોમાં ભારતીયકરણ કરેલ છે.

પહેલાનાં ગુચ્છઃ
.  લઘુ ગાથા -  ગુચ્છ ૫


*      આ બધી લઘુ ગાથાઓ મુળ અંગ્રેજીમાં,  ‘Mini Saga’નાં સ્વરૂપે, લેખક, શ્રી રાજેશ સેટ્ટી,ની વૅબસાઇટ  પર અહીં અથવા  Squidoo પર અહીં ઉપલબ્ધ છે.

*      પ્રસ્તુત અનુવાદ સંગ્રહ અહીં પણ ઉપલબ્ધ છે.