બુધવાર, 31 ઑક્ટોબર, 2012

હું તારો ભરવાડ, તું મારૂં ઘેટું - દેવદત્ત પટ્ટનાઇક

અનુપાલન માટે ઉપવાસ એ એક નવો કોરડો છે. બીજો કોરડો છે - કાયદો. પણ આ કોરડો કોણ વીંઝે છે? શું એ શ્ર્ધ્ધાળુ ઘેટાંઓને વરદાયિત ભૂમિના હરીયાળાં ઘાસનાં મેદાનો તરફ હાંકતો પયગંબર-ભરવાડ છે? કે પોતાના ગુલામો પાસે પિરામીડનાં બાંધકામ માટે વેઠ કરાવતો ફારૉ છે?
બાઇબલની હિજરત અને આઝાદી પછીનાં ભારતની કથાઓમાં સામ્ય આંખે વળગે તેવું છે.
૧૯૪૭માં, આપણે ફારૉના જુલમોમાંથી ભાગી છૂટ્યાં હતાં. બ્રિટીશરોની ગુલામી આપણને હવે હરગિજ મંજૂર નહોતી.તાજના કોરડાને આપણે હવે સાંખી નહોતાં લેવાનાં. આપણે હવે તેમના પિરામીડ નહોતા બાંધવા. આપણે આપણને મુક્ત કરી દીધાં હતાં.
દેશના ઘડવૈયાઓએ ભરવાડ તરીકેનો પાઠ ભજવીને આપણને વરદાયિત ભૂમિ બતાવી, દૂધ અને મધની ભૂમિ જ્યાં બધાં માટે સમાન તકો અને ન્યાય હશે.આપણે એ દિશામાં પ્રયાણ શરૂ કર્યું, પ્રદેશ વેરાન હતો,કોઇ નકશો પણ નહોતો, અને સાધનો પણ ટાંચાં હતાં, પણ અખૂટ શ્રધ્ધા હતી.
પરંતુ સ્વતંત્રતા એ ખુલ્લંખુલ્લા સ્વછંદતા નહોતી. કેટલાક નિયમો હતા - ઇશ્વરી આદેશ સમું આપણું બંધારણ, જેનું પાલન કરતાં કરતાં જ વરદાયિત ભૂમિને પામવાની હતી.આ નિયમો બધાંને લાગુ પડતા હતા.
આપણે,ભારતની આટલી બધી જાતિઓએ, ઘેટાં થવાનું કબુલ્યું હતું. લોકશાહીની પ્રક્રિયા વડે આપણે આપણને ઇશ્વર બનાવી, કેટલાક ઇશ્વરી આદેશ જારી કર્યા, જેના થકી સંસદ,સરકાર, ન્યાયતંત્ર જેવા ભરવાડોની નિમણૂંક કરવામાં આવી.
પરંતુ બાઇબલનાં ઘડતરમાં તો ભરવાડ એ નિયમોને  આધીન,ઘેટું પણ હતો. પયગંબર પણ ઇશ્વરી આદેશથી પર નહોતો. ભારતમાં એવું ન થયું.
છેલ્લાં ૬૦ વર્ષોમાં આપણા ભરવાડોએ તેમને ઇશ્વરી આદેશથી પર માની લીધેલ છે. તેમને મન ફાવે તેમ તેઓ વર્તી શકે છેઃ તેમને જેમ અનુકુળ આવે તેમ, કાયદાને બનાવે કે મરોડે કે તોડે પણ. આપણા પયગંબરો ફારૉ બની બેઠા છે.આપણી વરદાયિત ભૂમિ ભુલાઇ ચુકી છે.તેઓ પોતાના પિરામીડો બાંધવામાં મશગુલ થઇ ગયા છે.
ભારતનાં ઘેટાંઓ હવે ગળે આવી ગયાં છે.આપણે જ હવે ભરવાડમાં ફેરવાઇ ગયાં છીએ. લોક્પાલ દ્વારા, ભરવાડ ફરીથી ઘેટાં પણ બની રહે તે માટે આપણે કૃતનિશ્ચયી બન્યાં છીએ.
અત્યારે આપણે લોકતાંત્રીક રીતે ચુંટાયેલ મનમોહન સિંહ અને ગુસ્સાથી ચીડાઇને ધુંધવાતા નાગરિક સમાજના પ્રતિનિધિ અણ્ણા હઝારે જેવા બે ભરવાડોની વચ્ચે છીએ.બન્ને, પ્રમાણીક અને સદહેતુ વ્યક્તિઓ બીજાનો વાંક સાબિત કરવામાટે મમતે ભરાયા છે. પહેલા બંધારણને તો બીજા ઉપવાસને દુહાઇ દે છે. એ શાબ્દિક ગજગ્રાહમાં ભારતનો નાગરિક - ઇશ્વર - ગુંચવાઇ ગયેલ છે. ઉપવાસી અણ્ણાને પોરરસતાં આપણે લોકતંત્રને નકારીને ટોળાંશાહીને તો નથી આમંત્રી રહ્યાં ને? મનમોહન સિંહને ટેકો આપીને આપણે ભ્રષ્ટાચારને તો ઉત્તેજન નથી આપી રહ્યાં ને?
બન્નેને ધ્યાનથી જૂઓ. મનમોહન સિંહની આજુ બાજુ ઊભેલા લોકો ભરવાડોને બદલે લાલચી, ભૂખ્યા, લાળ ઝરતા વરુ જેવા વધારે દેખાય છે, અણ્ણાને ઘેરીને ઉભેલા નાગરિક સમાજના સભ્યો પણ ઘેટાં નથી; તેઓ અડિયલ બકરાં છે જેમને પોતાનું ધાર્યું જ કરવું છે.આમ કાયદેસરતા અને પ્રમાણિકતા વચ્ચે દેખાતો દેખીતો વિવાદ હકીકતે  કાવતરાબાજ વરુઓ અને અડિયલ બકરાં વચ્ચેનો સંગ્રામ બની ચૂક્યો છે.
જો કે વરુઓ અને બકરાંની લડાઇમાં, સામાન્ય જનતા તો બકરાની જીત ઇચ્છે છે. દંતકથાઓ માટેનો મસાલો મળી રહે એવું વસ્તુ આ લડાઇમાં સમાયેલું છે! આજ્ઞાંકિત  ગભરૂનો શક્તિશાળીપર જય થશે! શિકારી શિકાર બની જશે! લો કરો વાત! અને પછી? અગ્રેસર કોણ? બકરા?
બાઇબલની કાલ્પનિક સૃષ્ટિમાં વરુ એ અનિષ્ટનું પ્રતિક છે. તેમ જ બકરો પણ. વરૂ, એટલા માટે કે તે ઘેટાંઓને મારી ખાય છે, અને બકરો એટલા કે તે ઘેટાં જેટલો આજ્ઞાકારી નથી.બકરાઓ કંઇ દેવદૂત તો છે નહીં; તેઓ આપણને "તેમની વરદાયિત ભુમિએ લઇ જવા માગે છે, "આપણી" વરદાયિત ભૂમિએ નહીં. તેઓ ફારૉ બનવામાં છે. ક્યાં થાપ ખવાઇ ગઇ? શેને કારણે ભરવાડ વરૂમાં બદલાઇ જાય છે? ઘેટાંઓ બકરામાં કેમના ફેરવાઇ જાય છે? શ્રધ્ધાનો અભાવ છે તેનું કારણ.
કોનામાં શ્રધ્ધા? ઇશ્વરમાં.
લોકતંત્રમાં ઇશ્વર કોણ છે? જનતા.
બાઇબલમાં, શ્રધ્ધાના અભાવથી હંમેશાં અનુપાલનનો વીંટો વળી ગયો છે. ભગવાન તો દરરોજ પૂરતા પ્રમાણમાં મન્ના મોકલે છે,અને કદાચને ઇશ્વર બીજે દિવસે ચાતરી જાય, એવું માની લઇ ને,અચૂક કોઇ ને કોઇ તો બે-ચાર મુઠ્ઠી વધારે સેરવી લેનારૂં નીકળી જ આવે છે!
વેરાન પ્રદેશમાં ભટકતી જાતિઓની જેમ, આપણે પણ - ચૂંટાયેલા ભરવાડોમાં અને ચૂટનાર ઘેટાંઓમાં- શ્રધ્ધા ખોઇ બેઠાં છીએ.હવે આપણને દરેક ભરવાડમાં વરૂ જ દેખાય છે અને દરેક ઘેટામાં બકરો. ક્યાંય પણ દેવદૂત નજરે નથી ચડતા કારણકે હવે કોઇ શ્રધ્ધાળુ પણ નથી દેખાતા.
આપણી શ્રધ્ધાને ફરીથી કઇ રીતે જગાડવી? વધારે કાયદાઓથી? કે પછી વધારે ઉપવાસોથી? મતપેટીનાં રાજકારણમાં ખેંચાઇ જવામાંથી લોકોને કેમ કરીને વારવાં? કેમ કરીને લોકોને ગુંડા તત્વોને મત આપતાં રોકવાં? ધોરી માર્ગો કે આલિશાન મૉલમાટે કરીને ઝુંપડપટ્ટી ખાલી ન કરાવવાનાં ભ્રામક વચનોની લ્હાણી કરતા રાજકારણીઓની સાચી ઓળખ ત્યાંના રહેવાસીઓને કેમ કરાવવી? લોકોને ધર્મ,જાત અને જાતિના આધાર પર મતદાન કરવાની ચુંગાલમાંથી શી રીતે છોડાવવાં? યોગ્યાતાને જનાધારની ટેવ કેમ પડાવવી?
વરુને કાયદા અને નિયમોની મદદથી પાલતુ બનાવીને તેને ભરવાડ બનાવી દેવાની આશા રાખવી વ્યર્થ છે. કે ન તો આપણે બકરાને પાલતુ ઘેટું બનાવી શકવાનાં છીએ.વકીલો અને ન્યાયધીશો વરવહુની વચ્ચે ભરોસાનો સેતુ ન બાંધી શકે. જો બે ભાઇઓ વચ્ચે મનમેળ ન હોય તો તેમના વેપારને નિયંત્રકો કે હિસાબ-તપાસનીસો બચાવી ન શકે.દરેક પોલિસવા ળાની માથે સીસીટીવી કેમેરા મુકવાથી કે દરેક સરકારી બાબુની ઉપર એક ચોકીયાત અધિકારી બેસાડવાથી કંઇ ભ્રષ્ટાચાર ઘટી નથી જવાનો. કડક શિસ્તનાં આગ્રહી માબાપ  બાળકોને આજ્ઞાંકિત નહીં પણ વિદ્રોહી બનાવી મૂકે છે. કોરડાઓથી કદી પ્રેરણા નથી મળતી.
તો કરવું શુ? આ આત્મનિરીક્ષણ કરવાની ઘડી છે.
બાઇબલનું દરેક વાચક પોતાને શ્રધ્ધાળુની પંગતમાં જુએ છે, નહીં કે પયગંબરની કે ન તો ફારૉની.આપણને બધાંને સારાં,પ્રમાણિક અને ઉમદા થવું છે.આપણે છીએ હાડમારી વેઠનાર,પણ આપણને થવું છે આદર્શમૂર્તિ,તો વળી દુર્જન તો નથી જ થવું. વરુ કે બકરો એ આપણી બહાર છે, અંદરથી તો આપણે ઘેટાં અને ભરવાડ છીએ. પણ શું હકીકતમાં એવું છે ખરૂં? 
આપણને જેમાં શ્રધ્ધા નથી તેને આપણે અંકુશમાં રાખવા માગીએ છીએ. જ્યારે લોકોને આપણા પર ભરોસો નથી હોતો, ત્યારે આપણે નિયંત્રીત બની જઇએ છીએ. આપણને અંકુશ રાખવામાં રસ નથી? આપણને નિયંત્રીત થવાથી ધિક્કાર નથી જન્મતો? આપણને શ્રધ્ધાનું પાલન કરાવવામાં મજા નથી પડતી? પણ આપણામાંથી કેટલા શ્રધ્ધેય બનવામાટે કોશિશ કરે છે? અને આપણામાંના કેટલાંને બીજાં પર ભરોસો છે?
આપણને આપણી નિયતિના વિધાતા થવું છે. આપણને બધાંને વરૂ અને બકરાની જેમ સ્વછંદ ભમવું છે. આપણ દરેક નીચી મુંડી કરીને દોરવાતાં ઘેટાં થવા તૈયાર નથી; આપણને તે આપણા અધિકારનુ હનન જણાય છે. અને તેમ છતાં આપણને જંગલ અને શિકારીઓનો ડર પણ છે.એટલે આપ્ણે રખેવાળ ભરવાડને ઝંખીએ છીએ.
મારે દોરવણી જોઇએ છે,પરંતુ હું અનુયાયી બનવા તૈયાર નથી. જ્યાં સુધી હું રખેવાળ અને બીજાં બધાં ઘેટાં છે, ત્યાં સુધી આ દુનિયા બહુ સારી છે. આ વ્યક્તિગત મનોવૃત્તિ એ જાહેર ભ્રષ્ટાચારની જડ છે.અને તેથી જ આપણે વેરાનોમાં ભટકતાં રહ્યાં છીએ અને વરદાયિત ભૂમિને શોધી નથી શક્યાં. 

*       સનડે મિડડેની દેવલોક પૂર્તિમાં ઑગસ્ટ ૨૧,૨૦૧૧ના રોજ પ્રકાશિત થયેલ. 

v  અસલ અંગ્રેજી લેખ, YOU THE SHEEP, ME, THE SHEPHERD, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર સપ્ટૅમ્બર ૩૦,૨૦૧૧ ના રોજ Modern Mythmaking  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો