રવિવાર, 11 નવેમ્બર, 2012

પૂર્વજોનું ઊલ્ટું વિશ્વ - દેવદત્ત પટ્ટનાઇક

જ્યાં સુધી સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી ભિષ્મએ પોતાનાં મૃત્યુને ખાળી રાખેલ, કારણ કે દક્ષિણાયન કદાચ પિતૃઓ સાથે સંકળાયેલ છે. પોતાનાં બ્રહ્મચર્યનાં પાલનનાં પરિણામે વંશ આગળ ન ચાલવા દેવા, અને તે કારણે પિતૃઓના પુનર્જન્મમાટેની તકને અવરોધવા, માટે કરીને નારાજ હોય તેવાં પૂર્વજોને મળવાનું કદાચ ભિષ્મ ટાળવા માગતા હતા.

અગસ્ત્ય અને જમદગ્નિ જેવા બ્રહ્મચર્યપાલકોનાં સ્વપ્નમાં આવીને તેમની પાસે સંતાન પ્રાપ્તિમાટે ફરજાનુસાર માગણી કરતાં પિતૃઓની કથાઓ હિંદુ પુરાણોમાં વિપુલ માત્રામાં જોવા મળે છે. એવું પણ માનવામાં આવે છે કે, પોતાનાં સંચિત કર્મોને ખપાવવા અને, તેમ કરીને મોક્ષ મેળવવા, માટે કરીને પુનર્જન્મની તકની શોધની અધિરાઇમાં તેઓ ચામાચીડિયાંની માફક ઊંધાં લટકીને માનવ વિશ્વને જોયા કરે છે.
હિંદુઓ પુનર્જન્મમાં માને છે.વ્યક્તિનાં મૃત્યુ બાદ તેનાં વણચુકવાયેલાં કર્જની યાદો તેના દેહ સાથે નાશ થઇ જતી નથી મનાતી. તેના દેહનો આ ભાગ વૈતરણી નદી પાર કરીને યમ-લોક તરીકે ઓળખાતા મૃત્યુલોકમાં દાખલ થાય છે,  જ્યાં તે પિતૃ તરીકે વસે છે.જો દેહ વૈતરણી પાર ન કરી શકે તો, તે જૈવલોકમાં પ્રેત તરીકે ત્યાં સુધી રહી જાય છે જ્યાં સુધી કોઇ તેને વૈતરણી પાર કરવાના માર્ગની અડચણો દૂર કરતી વિધિઓ ન કરે. હિંદુ શાસ્ત્રોમાંની મૃત્યુ બાદની વિધિઓ પૈકી શ્રાધ્ધ પાછળ આ એક મહત્વની ભૂમિકા છે.
હિંદુ શાસ્ત્રોમાં મૃત્યુ પશ્ચાતની વિધિઓની પાછળ બે આશય છે. પહેલો આશય છે મૃતાત્માઓને એવા ભરોસા સાથે જૈવ લોકથી  મૃત્યુ લોકમાં વિદાય આપવી કે, તેઓની આ લોકમાં ખોટ નથી પડી રહી અને તેમની ઇચ્છાઓ પૂરી કરાઇ રહી છે. અને બીજો આશય તેમને એ ખાત્રી આપવાનો છે કે, અહીં વસેલ તેમનાં અનુજો લગ્ન દ્વારા સંતાન પ્રાપ્તિના માર્ગથી તેમના પુનર્જન્મ માટે પ્રયત્નશીલ છે.
ઘણી વાર સંતાનવિહિન યુગલો પોતા માટે જ શ્રાધ્ધની વિધિ કરે છે કે પછી પોતાના પૂરતા પ્રયાસો છતાં પણ તેઓ તેમના પૂર્વજોનું કરજ,પિતૃ-ૠણ, ફેડી નથી શક્યા તે જાણ કરવા માટેની ખાસ શ્રાધ્ધ વિધિ કરે છે.દરેક સજીવ પ્રાણી તેમનાં પૂર્વજનાં કરજદાર હોય છે અને તેની ચુકવણી તે એ પૂર્વજોનાં પુનર્જન્મને શક્ય બનાવીને અદા કરવાનો પ્રયત્ન કરે છે.આ પ્રકિયાને સંસાર-ચક્ર, અથવા તો જન્મ અને મૃત્યુ સુધીમાં કરવામાં આવતી કેટલીક નિશ્ચિત  -  લગ્ન, બાળજન્મની વિધિઓ કે મૃત્યુ પશ્ચાતની વિધિઓ  જેવી - સીમાચિહ્નરૂપ વિધિઓ, સંસ્કાર, તરીકે ઓળખાય છે.
સામાન્ય રીતે શ્રાધ્ધની વિધિ જે તે પૂર્વજની મૃત્યુ તિથિએ કરવામાં આવે છે. પરંતુ કોઇ વાર વરસોવરસ એમ કરવું શક્ય નથી બનતું.એ સંજોગોમાં ગણેશ પૂજાના પંદર દિવસ કે દુર્ગા પૂજાના દસ દિવસ દરમ્યાન બધા પૂર્વજોનું સમુહ  શ્રાધ્ધ, સર્વ-પિતૃશ્રાધ્ધ, પણ કરવામાં આવતું હોય છે.એ સમયે મૃતાત્માઓ  જીવાત્માઓથી સહુથી નજદીક હોય છે તેમ માનવામાં આવે છે. સામાન્યતઃ આદરણીય મનાતા મૃત સ્વજનોનો છૂપો ભય પણ રહેતો હોય છે. તેથી આ વિધિઓ કરતી વખતે એ ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે પૂર્વજોને માન મળી રહે અને તેમની યાદ તાજી થતી રહે,પણ તેમને અહીં પ્રેતાત્મા તરીકે રોકાઇ પડવાનું મન ન થઇ જાય. એટલે પિતૃભોજ માટે પણ ચોક્કસ વિધિ નિશ્ચિત કરાઇ છે.
જમણા હાથનાં કાંડાને ઘડિયાળના કાંટાથી ઊંધી દિશામા શરીર તરફ ફેરવીને ભોજન પીરસવા માટેની રીત હિંદુ શાસ્ત્રોમાં ભલામણ કરાઇ છે.આના દ્વારા પ્રેમ , લાગણી અને સમાવેશની ભાવના રજૂ થતી જોવા મળે છે. મૃતાત્માને માનનાં પ્રતિક રૂપ, જમણા હાથેથી ભોજન પીરસવામાં આવે છે, પરંતુ, તેમ કરતી વખતે હાથની કોણી, શરીરથી ઘડીયાળના કાંટાની દિશામાં વાળવામાં આવે છે, જે તેમનાં જૈવલોકની બહાર સ્થાનને સૂચવે છે. તે જ રીતે વિધિ કરનાર પુરૂષ પવિત્ર જનોઇ ડાબા ખભાને બદલે જમણા ખભા ઉપરથી પહેરે છે.
ગુંદેલા ભાતના વાળેલા પિંડ એ મૃતાત્માનું સ્વરૂપ માનવામાં આવે છે. ખોરાકના પાચન વડે શરીરની માંસપેશીઓ બને છે અને મૄતાત્મામાં માંસ જ નથી હોતું,એટલે તેમને ખોરાકનું બહુ મન થતુ હશે, તેથી તેમને ખોરાકનું સ્વરૂપ અપાયુ હશે. ગુંદેલા ભાત માટેનાં કારણોમાં પહેલું એ કે ગુંદાયેલા ભાતમાં જેમ કોઇ એક દાણાનું અલગ અસ્તિત્વ નથી રહેતું, તેમ મૃતાત્માનું અલગ અસ્તિત્વ નથી; અને બીજું એ કે તેમને ચાવવામાટે દાંત નથી હોતા. આમ પિંડ મૃતાત્માના દેહનો આકાર અને તેમના ખોરાકને રજૂ કરે છે.પિંડ ક્યાં તો પાણીમાં બોળી દેવામાં આવે છે કારણકે પાણીમાં તેનું દ્રવણમાં વિઘટન તેમનું અસ્થાયી સ્વરૂપ બતાવે છે.કે પછી 'કા''કા'કાર કરી રહેલા કાગડાઓને કાગવાસના રૂપે ખવડાવવામાં આવે છે કે જેથી એ 'કા' 'કા'ના કર્કશ સ્વરમાં આપણને 'કાં' 'કાં' સાંભળીને જીંદગીની વરવી વાસ્તવિકતાઓનાં મૂલ્યો તરફ નજર કરતા રહેવાનું યાદ રહે.

*             'સ્પીકીંગ ટ્રી'માં ઑક્ટૉબર ૭,૨૦૧૨ના રોજ પ્રકાશિત થયેલ.