મંગળવાર, 13 નવેમ્બર, 2012

ચિરસ્થાયી દૂરદર્શીતા કેળવવા માટે, ઉદ્દેશ્યના પાયામાં મૂલ્યોનું સિંચન હોવું જોઇએ ⱡ ભાગ- ૩ ⱡ જેસ્સૅ લીન સ્ટૉનર

     દૂરદર્શીતા આપણે ઘડવા માગતાં ભવિષ્યનું એક સુસ્પષ્ટ, પરિણામલક્ષી ચિત્રણ છે. તે દિશાસંપન્ન સ્વપ્ન છે.ટુંકમાં, દૂરદર્શીતા એ ત્રણ મૂળભૂત ઘટકનું સંયોજન છેઃ ૧) મહત્વનો ઉદ્દેશ્ય,અસ્તિત્વમાટેનું કારણ, ૨) ભવિષ્યનું સ્પષ્ટ ચિત્ર, અને ૩)પાયામાં રહેલ મૂળ મૂલ્યો. 
આ શ્રેણીની પહેલાંની બે પૉસ્ટમાં આપણે ઉદ્દેશ્યનાં ઘટકો અને ભવિષ્યનાં ચિત્રની વાત કરી હતી. આજે , આ ત્રીજા ભાગમાં, આપણે મૂલ્યો વિષે વાત કરીશું.
આપણાં મૂલ્યો એટલે શું સાચું છે કે શું ખોટું છે તે અંગેની આપણી રૂઢ માન્યતાઓ, જે આપણી વિચારસરણી માટેના માપદંડ પણ ઘડે છે.આપણી વર્તણૂક કે નિર્ણયો તેનાથી દોરવાય છે, આપણી લાગણીઓ તેના વડે ઝણઝણી ઊઠે છે, તેમ જ કોઇ પણ મુશ્કેલીઓ કે અવરોધની સામે પણ જે જુસ્સો આપણામાં પ્રજ્વળી ઉઠે છે,તેની ચિનગારી પણ આ મૂલ્યો જ છે.
આપણાં હૃદયને સ્પર્શી જતી ચિત્તાકર્ષક દૂરદર્શીતા, આપણાં મૂળભૂત મુલ્યોથી પડઘાતી રહે છે.જ્યારે લોકો સમાનધર્મી મૂલ્યોવાળાં લોકોસાથે મળે છે ત્યારે એ મિલન ઉત્કટ ઊર્જા, વચનબધ્ધતા અને વિશ્વાસને પ્રદીપ્ત કરે છે.
ઉદ્દેશ્યના પાયામાં મૂલ્યો હોવાં જોઇએ.
બીએમડબ્લ્યુનાં મૂલ્યો - ઉત્કૃષ્ટ ઈજનેરી કૌશલ્ય, ગુણવત્તા અને વિશ્વનીયતા - એ તેના અધિમૂલ્ય ઉત્પાદનો, સેવાઓ અને ગ્રાહકના અંગત ગતિ-પારાયણતાના અનુભવોનાં ધ્યેય સાથે સુસંગત છે.
જ્યારે ડીઝનીનાં ખાસ વિષયલક્ષી ઉદ્યાન કે નૌકાવિહાર જહાજ માટે અલગ જ મૂળભૂત મૂલ્યો હોવાં જોઇએ જે તેના સલામતી,વિનયશીલતા,મનોરંજન કે કાર્યદક્ષતા જેવા ઉદ્દેશ્ય સાથે સુસંગત હોવાં જોઇએ.
તે જ રૂએ સીએનએનનો ઉદ્દેશ્ય, જેવી કોઇ ઘટના ઘટે કે તેના જીવંત સમાચાર પૂરા પાડવાનો છે, એટલે તેનાં મૂલ્યો ઝડપ, ચોકસાઇ અને જનતાની સમાચારની જરૂરિયાત પ્રત્યે પ્રતિભાવશીલતા હોવાં જોઇએ.
બીએમડ્બ્લ્યુ એક ચોક્કસ ગ્રાહક વર્ગને સંતોષે છે તેથી સામાન્ય જનતાની જરૂરીયાતો વિષે તેમણે પ્રતિભાવશીલ હોવાની જરૂર નહીં. તે જ રીતે, સીએનએન માટે સલામતી એ આવશ્યક છે, પણ એ તેનું મૂળભૂત મૂલ્ય ન બની શકે કારણકે સીએનએનના સંવાદદાતાઓએ તો દિલધડક સમાચાર મેળવવા જોખમો પણ ઊઠાવવાં પડે.મારા હિસાબી પેઢી ચોક્કસ હોવી જોઇએ, મનોરંજક કે દિલચસ્પ નહી.
કોઇ પણ સંસ્થાની સંસ્કૃતિ તેના મૂલ્યોથી ઘડાતી હોય છે અને તેનાં કાર્યોમાં છતી થતી હોય છે.
ઉચ્ચ કામગીરી કરી રહેલી સંસ્થાઓ પોતાનાં મૂલ્યોને ઔપચારિક અને અનઔપચારિક કાર્ય-પધ્ધતિઓ, નીતિઓ અને પ્રક્રિયાઓમાં વણી લે છે.જેમકે ડીઝની પોતાનાં "ખેલ" મૂલ્યને સુસંગત પોતાના દરેક કર્મચારીને 'અદાકાર સભ્ય' તરીકે ઓળખાવે છે, પછી તેની કામગીરીની ભૂમિકા કોઇ પણ હોય. કોઇ પણ નવાં કર્મચારીનાં સંસ્કરણ  કે નેતૃત્વ પ્રશિક્ષણમાં કે પુરસ્કાર યોજનાઓમાં તેમનાં મૂલ્યો કેન્દ્રસ્થાન પર હોય છે.
કમનસીબે, ઘણી વાર સંસ્થાઓ તેમનાં વાંછિત મુલ્યોને જાહેર કર્યા બાદ વ્યવહારમાં અમલ નથી કરી શકતી.મૂલ્યો સંસ્થાનાં પોતમાં વણાઇ જતાં હોય છે અને થોડાં બારીક નિરિક્ષણથી તેમને પારખી લઇ શકાય છે ( જૂઓઃ Five Easy Ways To Tell If An Organization Is Really Values-Driven).
મૂલ્યો સામાન્ય રીતે કાળાતીત અને અપરિવર્તનશીલ હોય છે, પરંતુ હંમેશ તેવું નથી બનતું.
કાળક્રમે પાયાનાં મૂલ્યો ઘસાઇ જતાં કે સ્વરૂપમાં બદલાઇ જતાં હોય છે અને વર્તમાન ઉદ્દેશ્ય અને દિશાસાથે સુસંગત ન રહેલ હોય. અથવા તો એવું બને કે બાહ્ય પરિબળોમાં (દા.ત.બાહ્ય પર્યાવરણ કે પ્રૌદ્યોગિકીય પ્રક્રિયા કે કાયદાઓમાંના ફેરફારો) એટલો ફેર પડી ગયો હોય કે સાંસ્કૃતિક વાતાવરણમાં મોટા પાયે ફેર કરવાની જરૂર પડે.જેમ જૉન કાત્ઝેન્બાક કહે છે તેમ " વ્યૂહરચના પર સંસ્કૃતિનો હંમેશ વિજય જ થતો હોય છે",એ દ્રષ્ટિએ જો નવી વ્યૂહરચના સંસ્કૃતિસાથે સંધર્ષમાં હોય તો તે કદી સફળ નહીં જ થાય.આ પરિસ્થિતિમાં સંસ્કૃતિ અને તેની સાથે આવરી લેવાયેલ મૂલ્યોને સક્રિયપણે ગણત્રીમાં લેવાં જોઇએ.
ઘણીવાર મહત્વના ફેરફારના મૂળભૂત મૂલ્યસાથેના સંબંધને સ્પષ્ટ કરવાથી કર્મચારીઓમાટે તે પરિવર્તનને સ્વીકારવાનું સરળ બની શકતું હોય છે.પેદાશલક્ષી ઉત્પાદન સંસ્થામાંથી વિશાળ વ્યાપનાં મનોરંજન ક્ષેત્રની સંસ્થા સ્વરૂપે ગ્રાહક-કેન્દ્રી સંસ્થામાં ફેરવાઇને સૉનીએ આ કરી બતાવ્યું છે.આમ કરીને તેઓ આપણને સંદેશ આપે છે કે સૉનીના નવા અવતારમાં પણ  "સૉનીના શરૂઆતના દિવસોની સાહસિક ભાવના હજૂ જીવંત છે".
જો કે ભૂતકાળમાં એકહથ્થુ કાર્યશૈલીવાળી ઘણી જાહેર સેવાની સંસ્થાઓદ્વારા સ્પર્ધાત્મક અને પ્રસ્તુત રહેવા માટે જરૂરી એવા પાયાના ફેરફારો હજૂ કરી શકાયા નથી, નવાં મૂલ્યો હજૂ પ્રસ્થાપિત કરાયાં નથી.જ્યારે કનેક્ટીકટ રાજ્યએ ૧૯૯૪માં દૂરસંચાર ક્ષેત્રને અંકુશમુક્ત કર્યું ત્યારે સધર્ન ન્યુ ઈન્ગ્લૅંડ ટૅલીફૉન કંપની આ દ્વિધામાં સપડાયેલ હતી.
પહેલાં આપણે પોતાને એ પૂછવું જોઇએ કે "આપણાં મૂલ્યો કયાં છે?" .. અને તે પછી એમ પૂછવું જોઇએ કે 'આપણાં આ મૂલ્યો આપણા ઉદ્દેશ્યો અને આપણી ક્ષમતાને પામવામાં મદદરૂપ છે કે નહીં?"
મૂલ્યોને બહાર લાવાવાથી શરૂઆત કરવી જોઇએ. જોવા મળતાં વર્તન અને નિર્ણયો સંસ્થાનાં પાયાનાં મૂલ્યો વિષે કોઇ અંગૂલિનિર્દેશ કરે છે? જો કે આટલેથી અટકવું ન જોઇએ.
તમારી સંસ્થાના ઉદ્દેશ્યની બહારના સંદર્ભમાં મૂલ્યોને નક્કી કરવું ભૂલ ભરેલું પરવડી શકે કારણકે તે તમને ખોટાં મુલ્યો નક્કી કરવા તરફ પણ દોરી જઇ શકે છે.
લાંબા ગાળાનું આયોજન કે  કોઇ મહત્વનું પરિવર્તન કરતી વખતે જો તમારાં મૂલ્યોને એક વાર ફરીથી તપાસી જોવાં જોઇએ, નહીંતર અપ્રસ્તુત મૂલ્યોને ચાલુ રાખવાની ભૂલ થઇ શકે છે.
મોટા ભાગે,મૂળ તત્વોમાં કંઇ ફેર થયો ન હોવો જોઇએ.જો યોગ્ય રીતે વિચાર કર્યા બાદ નક્કી કરવામાં આવે તો, દૂરદર્શીતા (ઉદ્દેશ્ય, મૂલ્ય અને ચિત્ર) ભવિષ્ય ભણી દોરતા રહેવાનું કરી શકશે. પણ, એવું માની ન લેવું જોઇએ. તેને વારં વાર ચકાસતા રહેવું જોઇએ, તેના વિષે પ્રશ્નો કરતા રહેવું જોઇએ અને જ્યારે પણ વ્યૂહરચના ઘડતાં હોઇએ કે ધ્યેય નક્કી કરી રહ્યાં હોઇએ કે કાર્યપ્ધ્ધતિઓ,નીતિઓ કે તંત્ર નક્કી કરી રહ્યાં હોઇએ, ત્યારે તેને હંમેશાં, અચૂક, નજર સામે રાખીને ચાલવું જોઇએ.

*    લેખિકા, જૅસ્સૅ લીન સ્ટોનરના બ્લૉગ પર મૂળ લેખ, To Create an Enduring Vision, Values Must Support Purpose October 25th, 2012 ના રોજ પ્રકાશિત થયેલ.

Ø  Copyright © 2012 Jesse Stoner | All Rights Reserved. |

§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદǁ ૧૩ નવેમ્બર, ૨૦૧૨

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો