શનિવાર, 20 ઑક્ટોબર, 2012

મારાં વિશ્વનું ચિત્રફલક -દેવદત્ત પટ્ટનાઇક


સત્ય મારૂં કે તમારૂં??  આસ્થા અમારી કે તમારી?? આ વેધક સવાલોનો જવાબ કોઇ પાસે નથી.....

એક દિવસ, બન્ને ભાઈઓ, ગણેશ અને કાર્તિકેય, વચ્ચે પૃથ્વીની ત્રણ વાર પ્રદક્ષિણા કરી લેવા અંગે શરત લાગી.કાર્તિકેય વધારે કસરતી હોવાને કારણે,તરત જ પોતાના વાહન, મોર, પર સવારી કરીને બધા મહાસાગરો, બધા ભૂખંડો અને તારાસમુહોની ત્રણ પ્રદક્ષિણાઓ કરીને આવી ગયા. હાથીનું મસ્તક ધરાવતા ગણેશે તેમનાં માતાપિતાને ફરતે અને પોતાનાં ગોળ ગોળ ચક્કર કરીને ત્રણ પ્રદક્ષિણા કરી લીધી,અને પોતાને વિજેતા જાહેર કરી દીધા.જ્યારે તેમને ચોખવટમાટે પૂછ્યું તો તેમને કહ્યું કે "મેં મારી દુનિયાની પ્રદક્ષિણા કરી જ્યારે તમે સમગ્ર વિશ્વની પ્રદક્ષિણા કરી. બોલો, કયું વધારે મહત્વનું?"
વિશ્વ હેતુલક્ષી છે - માનવીય કલ્પના પર ન આધારીત સત્ય, જ્યારે મારી દુનિયાએ વસ્તુલક્ષી છે - માનવીય કલ્પના પર અવલંબીત.દરેક વ્યક્તિનો એ બન્ને પ્રકારનાં વિશ્વમાટેનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે.
ગ્રીક એવું માનતા કે જન્મ એક વાર જ મળે છે.અને એ જીવનમાં જે કોઇ અસાધારણ સિધ્ધિ મેળવે, તેને મહનાયકોનાં નંદનવન, ઈલીશીયમ,માં સ્થાન મળતું. ગ્રીક વિશ્વમાં ઑલીમ્પસના દેવો બહુ મનસ્વી ગણાતા; તેઓ મનુષ્યોને એટલા સારૂ અંકુશમાં દબાવી રાખતા કે તેઓ કોઇ વિદ્રોહ ન કરે.તેમને એ ડર રહેતો કે, જેમ ટાઇટનોએ જાયન્ટ્સને ઉથલાવી નાખ્યા હતા ને તેમણેપોતે એ ટાઇટન્સને ઉથલાવી પાડ્યા હતા, તેમ માનવીઓ તેમને ઉથલાવી ન પાડે. દેવોની ચડામણીથી પ્રેરાઇને(પ્રાચીન ગ્રીક માન્યતા અનુસાર માનવના જન્મ, જીવન અને મરણ નિર્માણ કરનારી ત્રણ ભાગ્યદેવીઓ) ફેઈટ્સએ નાખેલા અવરોધોને અતિક્રમીને પણ મહાનાયકો અસાધારણ સિધ્ધિઓ મેળવતા.તેમનાં પુરાણોમાં પોતાનો વધ કરવાની ભવિષ્યવાણી કરાઇ છે તેવા પુત્રોને જન્મતાં વેંત જ મારી નાખતા પિતાઓ અને પિતાઓ કે દેવો કે સત્તાની સામે વિદ્રોહ કરનારા પુત્રો, તેમણે જ પેદા કરેલા દાનવોનો સહારનાં યુધ્ધો તેમ જ સાવ અશક્ય લાગતાં સાહસોની સિધ્ધિ મેળવતા મહાનાયકોની કથાઓ જોવા મળે છે.સતાની અવજ્ઞા અને કાયદાઓનું ઉલ્લંઘન ગૌરવપ્રદ મનાતું. હર્ક્યુલસ, થીસીયસ, જૅસન કે અકિલિસની કથાઓમાં આ વાત વારંવાર દોહરાતી જોવા મળે છે.
યહુદી ,ખ્રીસ્તી કે ઇસ્લામ જેવા અબ્રાહમિક સંપ્રદાયો પણ મૃત્યુ પછીની ઉત્તરાવસ્થાવાળાં એક જીવનની વાત કરે છે.પરંતુ તેમની કલ્પનાનું વિશ્વ ગ્રીક લોકોએ કલ્પેલ વિશ્વથી સાવ જૂદું છે.બાઇબલીય વિશ્વમાં એવા પ્રકારના દયાળુ અને માયાળુ ઈશ્વરની પરિકલ્પના કરાઇ છે જે તેમનાં સર્જનની સંભાળ લે છે અને જેનાં અનુયાયીઓ, તેમણે જે કંઇ નિયમો કે કાયદા અનુસરવાનું કહ્યું,તેમનું ઉલ્લંઘન કરતાં રહે છે. આમ આપણને આદમ અને ઈવની તેમને કહેવાયેલા નિયમના ભંગની તેમ જ મોસીસ જેવા પયગંબરો અને ડેવિડ જેવા રાજાઓની ઇશ્વરી આજ્ઞાના અનુપાલન કરાવવા માટેનાં ધર્મયુધ્ધોની કથાઓ જોવા-જાણવા મળે છે. આ વિશ્વમાં આજ્ઞાપાલન અને અનુપાલનને ગૌરવ પ્રાપ્ત થયેલ છે; અહીં ગ્રીક મહાનાયકોનાં ઈલીસીયમ નહીં પણ, જેને ધર્મનિષ્ઠોમાટે કુરાન જન્નત કહે છે તે મળે છે.
આ બધામાં, સાચું કોણ? જીવનમાં શું હોવું જોઇએ - ઉલ્લંઘન કે અનુપાલન? કાયદાને તોડવા કે પાળવા? જો ભારતવર્ષના કોઇ ઋષિને આ સવાલ પૂછવામાં આવે, તો તેનો સામે સવાલ હોય કેઃ આ અથવા પેલું એવો કોઇ પણ ઉત્તર શા માટે હોવો જોઇએ; અને પેલું, એમ  બન્ને કેમ નહીં? તેમના મત પ્રમાણે તો ઉચિત સંદર્ભમાં, બન્ને સાચાં હોઇ શકે.તેથી જ હિંદુ પુરાણોમાં કાયદાઓ તોડતા કૃષ્ણ પણ છે અને કાયદાઓનું પાલન કરતા રામ પણ છે.કૃષ્ણનો જીવનકાળ દ્વાપર યુગ છે જ્યારે રામનો ત્રેતા યુગ.પણ કૃષ્ણ અને રામ એ બન્ને શું અલગ જ ચરિત્ર નથી? ઋષિના કથન મુજબઃ બિલકુલ નહીં! તે બન્ને ભગવાન વિષ્ણુના અલગ અલગ અવતાર છે.
ઋષિ તો પુનર્જન્મમાં માને છે. તેમના મત મુજબ, આપણે એક જ ભવ નથી જીવતાં; આપણી જીવનયાત્રા, એકની પછી બીજા એવા અસંખ્ય પુનરાવર્તિત ભવોની અનંત યાત્રા છે.મૂર્ત્યુ એ પૂર્ણ વિરામ નહીં, પણ અલ્પવિરામ માત્ર છે. એટલે આપણી પાસે,આપણા એ ભવમાં પિતા કે આપણી ઉપરની સતા કે દેવ ઑલિમ્પીયન દેવો જેવા ક્રૂર કે અબ્રહામિક દેવ જેવા માયાળુ મળેલ છે તે પ્રમાણે, એક ભવમાં ઉલ્લંધન અને બીજા ભવમાં અનુપાલન કરવાની તક રહેલી છે. જૈન કે બૌધ્ધ જેવા હિંદુ મૂળના બધા જ ધર્મો આ માન્યતાને અનુમોદન આપે છે.
કલ્પનાનાં આ વિશ્વ, 'મારી' દુનિયાની અસ્વિકૃતિ એ સાંસ્કૃતિક અસહિષ્ણુતા,માનવીય સંવેદનશૂન્યતા અને સંસ્કૃતિઓ વચ્ચેના વિગ્રહોનું મૂળ છે.આજથી લગભગ ૨૩૦૦ વર્ષ પહેલાંની આ એક ઘટના છે. પર્શીઆ ઉપરના વિજય પછી, સિકંદરનો સિંધુ નદીના કિનારે એક દિગંબર જ્ઞાની પુરૂષસાથે મેળાપ થયો, જેને તેણે નાગા બાવા તરીકે ઓળખ આપી છે. તે, ક્યાં તો આખો દિવસ ધ્યાનસ્થ રહેતા અને રાત આખી તારાઓને નિહાળ્યા કરતા રહેતા, જૈન સાધુ કે પછી કોઇ યોગી હશે. સિકંદરે તેમને પૂછ્યું કે "આ તમે શું કરો છો?" નાગા જતિએ જવાબ આપ્યો, "શૂન્યતાને અનુભવી રહ્યો છું". પછી જતિએ સિકંદરને પૂછ્યું કે "તમે શું કરી રહ્યા છો?", જેના જવાબમાં સિકંદરે કહ્યું કે, "હું સમગ્ર વિશ્વ પર વિજય પ્રસ્થાપિત કરી રહ્યો છું." બન્ને એ મંદ હાસ્ય કર્યું અને, એકબીજાને મુરખ માનીને, પોતપોતાને માર્ગે ચાલી નીકળ્યા.
સિકંદર માટે તો જીંદગીનો ભાજક શેષ એક જ હતો; એટલે તેના જીવનનો સઘળો અર્થ તેની બધી જ સિધ્ધિઓનો સરવાળો હતો. આમ, તેને માટે, વિશ્વ પરનો વિજય મહામૂલી સિધ્ધિ હતી. જ્યારે નાગા જતિ માટે, જીવનનો ભાજક શેષ અનંતતા છે, એટલે તે કંઇ પણ કરે, તેનાં અસ્તિત્વનુ મૂલ્ય શૂન્ય જ છે. એથી, તેમના માટે દુનિયા વિષે વિચાર્યે રાખવુ અને 'શૂન્યતાના અનુભવ'ના અર્થની શોધ એ મહત્વ ધરાવે છે. આમ, સાચું કોણઃ સિકંદર કે નાગા જતિ? શું શાચું: એક જન્મ  કે પુનર્જન્મ? એક કલ્પિત વાસ્તવિકતાને બીજી સાથે સરખાવવામાંથી જ અસહિષ્ણુતા જાગે છે.
મહત્વની વાત એ પણ છે કે હેતુલક્ષી સત્યની શોધમાં વિજ્ઞાન પણ એક-જન્મના વસ્તુલક્ષી સત્યનો પક્ષ લેતું જણાય છે.પણ,એ બેમાંથી ક ઇ માન્યતાનો પક્ષ એ લે છે, ગ્રીક કે અબ્રાહમિક માન્યતાઓનો? સિકંદરનું વસ્તુલક્ષી સત્ય તો એવાંઓ માટે કામનું છે જેઓ સમગ્ર વિશ્વ પર વિજયી થવા માંગતાં હોય. પણ તેમાં બહુ ઓછાં લોકોને રસ છે.
*       'સ્પીકીંગ ટ્રી'માં, જાન્યુઆરી ૨૯,૨૦૧૨ના રોજ પ્રકાશિત થયેલ.
v  અસલ અંગ્રેજી લેખ, Canvas of my world, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ફેબ્રુઆરી ૨૯, ૨૦૧૨ના રોજ Indian Mythology, World Mythology  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.