શુક્રવાર, 23 નવેમ્બર, 2012

નેતૃત્વનાં પાંચ ભયસ્થાનો - માઈલ્સ એન્થની સ્મિથ

પણે જો વ્યવસ્થાપનની કારકીર્દી વધારે કમાવા, વધારે સત્તા કે પ્રખ્યાતિ મેળવવા અને ઓછું કામ કરવા માટે પસંદ કરી રહ્યાં હોઇએ, તો ક્યાં તો આપણે ભોટ છીએ કે પછી અજ્ઞાન છીએ.(અને જો, આપણે એ બધાં માટે જ વ્યવસ્થાપનની કારકીર્દી પસંદ કરી છે, તે કોઇ ખચકાટ વગર, અત્યારે જ સ્વિકારી લઇએ તે જ સારૂં)
૧. નફરત માટે તૈયાર રહો
સમજુ અગ્રણીઓ સ્વિકારી જ લેતા હોય છે કે તેમનો કોઇ ને કોઇ નિર્ણય તો થોડાંઘણાં લોકોમાં અપ્રિય થશે જ.જો આપણે અસ્વિકૃતિને પચાવી શકીએ તેમ ન હોઇએ, તો આપણે નેતૃત્વ માટે ઘડાયાં નથી.બધાં સાથે મિત્રાચારી રાખવી એ ફોગટનો અને સ્વાર્થી પ્રયત્ન છે. આપણામાંના મોટા ભાગનાને લોકોમાં ગમતાં થવાનું તો પસંદ હોય જ છે; આપણે જેમ શાળાજીવન પસાર કરતાં જઇએ છીએ તેમ તેમ, થોડી ઘણી સફળતા સાથે પણ, વ્યાપક સ્વિકૃતિ માટે કોશીશ કરતાં રહીએ છીએ. આપણે સર્વસ્વિકૃત પોષાક પહેરીએ છીએ, સર્વસ્વિકૃત ગાડી વાપરીએ છીએ, સર્વસ્વિકૃત વિષય પસંદ કરીએ છીએ. અને પછી એ જ ખોટી આદતો આપણે આપણા કાર્યસ્થળ પર પણ સાથે લઇ જઇએ છીએ,જેમ કે, બીજાંની સ્વિકૃતિમાટેના સભાન પ્રયત્નો,ખરાં ઉત્તરદાયીત્વને કથળી જવા દેવું. આપણામાંના કેટલાંક સ્વિકૃતિમાટે એટલાં તો ઘાંઘાં થતાં હોય છે કે આપણા અંગત સ્વાર્થમાટે કરીને આપણે સંસ્થાનું એકંદર હિતને ગોળીએ દેતાં હોય છે. સર્વસામાન્ય સ્વિકૃતિ પાછળ્ની દોટ ટુંકા ગાળામાં કદાચ ફાયદાકારક દેખાય, પરંતુ લાંબે ગાળે તો તે નુકશાનજનક બની રહેશે.  જેઓ સ્વિકૃતિની દોટમાં નેતૃત્વની તકને અવગણતાં નથી તેઓ ઉત્તમ પદ પામે છે; અને બહુ બહુ તો, કદાચ થોડે ગણે અંશે ઉપહાસ, મશ્કરી કે વગોવણીને પાત્ર બનતાં જોવા મળે છે.એટલે, એટલી હદે નફરત  સ્વિકારી લેવા તૈયા રહો; યાદ રહે કે નફરત કરવાવાળાંઓનું બહુ વજન નથી પડતું હોતું. જે લોકોનું ખરેખર વજન પડતું હોય છે તેઓ તો, સહૃદયતાથી, તમારાં નેતૃત્વની  કદર કરતાં હોય છે અને તમારાં માર્ગદર્શનપર સર્વથા ભરોસો પણ રાખે છે, કારણ કે તમે તમારૂં સાતત્ય અને વિશ્વનીયતા સાબિત કરી ચૂકેલ હો છો. 
૨. તમારા ભય પર વિજય મેળવો
આપણાં જીવનમાં, અને ખાસ કરી અગ્રેસર સ્થાન પર, આપણે ડરનો સામનો તો કરતાં જ રહીએ છીએ. આપણે અસ્વિકૃતિનો, અપૂરતાં હોવાનો, શરમ,નામંજૂરી, અસ્વસ્થતા અને એવી કેટલીય બાબતોનો ડર સતાવ્યા જ કરતો હોય છે. મારો પોતાનો પ્રતિસાદ છે કે  (અને હું મારા માટે, બીજાઓ કરતાં, થોડે મોટેથી બોલું છું), "ડરતાં તો આપણે બધાં જ હોઇએ છીએ.. તેથી શું?!" આપણે આપણા ભયના ઓથારમાંથી બહાર આવવું રહ્યું અને વળી, તે આપણી નેતૃત્વની વૃધ્ધિ કે વિકાસમાં આડખીલી ન બને તે અંગે પણ તકેદાર રહેવું જ રહ્યું. આપણને બધું જ ન મળ્યું હોય કે આપણે કોઇ સારી કૉલેજમાં ન જઇ શક્યાં હોઇએ  કે કોઇ સારાં માર્ગદર્શક ન મળ્યાં હોય તો શું થઇ ગયું? આપણી પાસે આપવા લાયક કંઇક તો હોય છે. આપણે આપણી પાસે જે છે તેના ઉપર આપણું ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ,નહી કે જે નથી તેના પર. એક નાનું ગોબરૂં રહસ્ય યાદ રાખીએ કે, જેઓ તેમની પાસે બધું જ છે એવો દેખાવ કરતાં હોય છે, તેઓ પાસે કંઇ જ નથી હોતું. 
૩. છેતરપીંડી  આપણને જીવનના પાઠ ભાણાવી શકે
ભૂતકાળના છેતરપીંડીના પ્રસંગો એ ભવિષ્યના ભયનું જન્મસ્થાન છે,અને એ છેતરપીંડીઓમાં જ નેતૃત્વની આખરી કસોટી છે. જેમણે આપણી સાથે છેતરપીંડી કરી અથવા છેતરપીંડી કરી છે એવું જણાતું હોય, તેમને માફ કરી દેવા આપણે તૈયાર છીએ ખરાં?  આપણે અન્ય લોકો સાથેનાં ભવિષ્યના ગાઢ સંબંધોમાટેના દરવાજા બંધ કરી દઇએ છીએ કે પછી, ભવિષ્યમાં અન્ય કોઇ છેતરામણી પણ કદાચ પરવડી શકે તેવા નજદીકી સંબંધો આપણે બાંધતાં રહીએ છીએ?  મારૂં સૂચન તો છે કે દેખીતાં જ ફટકીયા સંબંધ-જનક જણાતાં લોકો સાથે સંબંધ ન બાંધવા જેટલી સમજ તો આપણે કેળવવી જોઇએ, તેમ જ નવા સંબંધો બાંધવાનો અભિગમ એ આપણાં વારંવાર છેતરાતાં રહેવા માટેનું બહાનું પણ ન બની રહેવું જોઇએ. હું એ પણ સ્વિકારૂં છું કે માફી બક્ષવી એ મારા માટે આસાન નથી, પરંતુ મારે એ સંજોગોને ભુલવા તો રહ્યા જ, કારણકે તેમ ન કરીને પણ નુકશાન તો મને જ છે, પેલી વ્યક્તિને નહીં. હંમેશાં સંશયાત્મક અભિગમ રાખવાને કારણે કોઇ પણ નજદીકી મિત્રતાઓ ન કેળવવાને બદલે, કોઇ આપણો ક્યારેક થોડો લાભ લઇ જાય કે આપણે કોઇવાર છેતરાશું એવો ભય રહે તે મને મંજૂર છે.
૪ અને ૫: વ્યગ્રતા અને હુમલાપાત્રતાની સાથે સમભાવ કેળવતાં શીખીએ
અગ્રણીઓ પણ વ્યગ્ર તો થઇ શકે, એ તો તેમના કામનો ભાગ જ છે. એક વાર મેં જ્યારે રાજીનામું આપ્યું ત્યારે મારી પાસે કોઇની પણ સાથે વાત કર્યા વગર જતા રહેવાનો કે બીજે દિવસે આવીને મારા વરીષ્ઠ સાથીદારોસાથે જતી વખતની વાતચીત ન કરવાનો મોકો હતો. આમ મળવા જવું તે મારા માટે પીડાદાયક અને ભાવુક કરી નાખતું બની રહેવાનુ હતું, તે જાણતા હોવા છતાં મેં એક આખરી વાત કરવાનો વિક્લ્પ જ પસંદ કરેલ. મને તેનો આજે પણ આનંદ છે. આપણને ગમે તેટલું ન ગમતું હોય તો પણ, અગ્રણીઓ તરીકે ,કષ્ટદાયી જવાબદારીઓ તો આપણે નિભાવવી જ રહી. નેતૃત્વ આપણામાટે, સલામત તો દૂર રહ્યું પણ, કોઇવાર આપણી કારકીર્દીમાટે જોખમકારક પણ પરવડી શકે છે; તેમાં ટીમના સભ્ય માત્ર બની રહેવા ઉપરાંત પણ ઘણું વધારે જોખમ સમાયેલું છે.  આપણાં અગ્રણી તરીકે લેવાયેલાં પગલાંઓને ઘણા ઊંચા માપદંડની એરણે ચકાસવામાં આવતાં રહે છે, તેમ જ તે અંગેની ટીકાટીપ્પણીઓ પણ ખાસ્સી, બધાંની આંખે ઉડી વળગે તેમ, જાહેરમાં જ થતી રહે છે. ટીમનાં એક સાદાં સભ્ય હોઇએ તો આપણાં કામની અને નિર્ણયોની ગુણવત્તા બહુ પ્રકાશમાં ન પણ આવે. જો કોઇ અગ્રેસર સ્થાને સફળ ન થાય, તો તેને માટે,અન્ય બીન-અગ્રણી સ્થાન ધરાવતાં કર્મચારીની જેમ, એ જ સંસ્થામાં કોઇ અન્ય સ્થાને તબદીલ થવાની તક પણ બહુ ઓછી જ મળતી હોય છે.
અને છેલ્લે
આમ, નેતૃત્વનાં ભયસ્થાનો જો નફરત,વ્યગ્રતા,હુમલાપાત્રતા, ભય અને છેતરપીંડી હોય, તો કોઇ શા માટે અગેસર નેતૃત્વ સ્વિકારે?  નેતૃત્વથી પેદા થતી વ્યગ્રતાનો જેને ભય નથી અને જે પોતાના સ્વાર્થને બદલે અન્યનાં હિતની રખેવાળી કરવાને પ્રાધાન્ય આપવા તૈયાર હોય તેવી વ્યક્તિની આ દુનિયાને તાતી જરૂર છે. સાચા અર્થમાં નિસ્વાર્થ નેતૃત્વ વિના, ઘમંડ, અહંકાર અને સ્વાર્થ કોઇ પણ સંસ્થાગત કે રાજકીય કે સામાજિક સંસ્કૃતિને ખતમ કરી નાખે છે. તેથી, જાણતા હોવા છતાં કે ટુંકા ગાળામાં 'અન્ય-કેન્દ્રીત' થવું કેટલું મુશ્કેલ છે, હું તો આપણને સહુને બીજાંઓને માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપવા માટે હાકલ કરૂં છું, કારણકે લાંબા ગાળામાં તે ખૂબ જ મહત્વનું અને જરૂરી છે.આ પડકારમય, પણ સંતોષપ્રદ નેતૃત્વ સફરમાં જોડાવા માટે મારૂં આપ સહુને ભાવભર્યું આમંત્રણ છે.

v  ડૅન મૅક્કાર્થીના બ્લૉગ 'ગ્રેટ લીડરશીપ બાય ડૅન'પરનો મૂળ મહેમાન લેખ The 5 Perils of Leadership, નવેમ્બર ૧૬,૨૦૧૨ના રોજ પ્રકાશીત થયેલ છે.




માઇલ્સ ઍન્થની સ્મિથ વિષે:
જન્મે હુઝીયર, ઉછેરે એક ઑકી, માઇલ્સ ઍન્થની સ્મિથ હાલમાં ગ્રીન બૅ, વિસ્કૉન્સીનનાં થિજેલ વૃક્ષહીન પ્રદેશમાં વસે છે.તેઓ વડીલ થતી જતી દેખાતી પેઢીના એક એવા અગ્રણી છે જે સંસ્થાનાં સ્વાસ્થ્ય માટે કરીને કડવા નિર્ણયો લેવાની, નવી ભરતી કરવાની અને યોગ્ય વ્યક્તિઓને અનુશિક્ષણ આપતા રહેવાની, સ્પષ્ટ અપેક્ષાઓ બાંધતા રહેવાની,સબળ સંધ-ભાવના બાંધતા રહેવાની અને સંસ્થાના નાણાકીય પ્રવાહને પ્રબલ કરતા રહેવાની પરવા,નમ્રતા અને પ્રખર નિશ્ચયાત્મકતાની સાથે સાથે, કરતા રહે છે. તેમનું જીવન-ધ્યેય છે - " મારી નેતૃત્વની સફળતાને ઝાંખી પાડી દે તેવી અન્યોની સફળતા કાજે દિશા સૂચન, પથ દર્શન અને પ્રકાશીત રાખેલ માર્ગ" 
તેઓ એ હાલમાં જ એક નવું પુસ્તક Why Leadership Sucks: Fundamentals of Level 5 Leadership and Servant Leadership લખ્યું છે.



§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદǁ નવેમ્બર ૨૩,૨૦૧૨ ǁગુજરાતી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો