રવિવાર, 4 નવેમ્બર, 2012

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી - "વિશિષ્ટ બનીએ" - સંપુટ પહેલો - ગુચ્છ ૨

#6 મદદ માગો
|૬ માર્ચ, ૨૦૦૫ના રોજ પ્રકાશિત થયેલ
આ પૉસ્ટ માટે પહેલાં તો હું 'ઉચ્ચાલક લાભ' જેવું શિર્ષક વિચારી રહ્યો હતો,પરંતુ પછી સીધી જ વાત કરવી એમ વિચારીને 'મદદ માગો' શિર્ષક નક્કી રાખ્યું.
આપણામાંનાં ઘણાં જાણે છે કે અમુક સંસ્કૃતિઓમાં મદદ માગવી એ (અણાઆવડતની  નિશાની ગણાઇ જવાના ડરથી) નીચાજોણું મનાય છે. આપણામાંના મોટા ભાગનાં લોકો બધું જાતે કરવાની લ્હાયમાં મરવા પડશે, પણ કોઇની મદદ નહીં માગે. એવું જરૂરી નથી. જીવન એના કરતાં સરળ બની શકે છે. સાચું પૂછો તો, આપણને જોઇએ તેનાથી ઘણી વધારે મદદ મળવી શક્ય હોય છે. શરત માત્ર એટલી કે જ્યારે કોઇને મદદ જોઇતી હોય ત્યારે આપવાની આપણી તૈયારી હોવી જોઇએ. આ તો ઉભયપક્ષી વ્યવહાર છે.
આપણી સમસ્યાઓનું સમાધાન કરી આપી શકે કે નવી દિશાઓ ખોલી આપી શકે તેવું યોગ્ય જ્ઞાન કે સંસાધનો ધરાવતી કેટલીય વ્યક્તિઓ આપણી આસપાસ હોય છે. એટલે જ કહે છે ને કે તમે કેટલું જાણો છો તેનાથી વધારે મહત્વનું એ છે કે તમે કોને ઓળખો છો. હું કંઇપણ શીખવવાનું શરૂ કરતાં જ મારાં વિદ્યાર્થીઓને કહું છું કે તમે મને જો કંઇ કહેશો નહીં કે પૂછશો નહીં, તો તમને કેટલું સમજાયું છે તે, હું કંઇ તમારૂં મન વાંચીને જાણી નહીં શકું.
વ્યવસાય અને જીવનમાં પણ એ સાચું છે. જો કંઇ મેળવવું હશે, તો માગવું તો પડશે.આ અઠવાડીયે કોઇની મદદ માગવાનું નક્કી કરી લો. પછી જૂઓ ચમત્કાર!!
બોનસઃ મદદ માગવાનો એક આડફાયદો પણ છે - વિનમ્રતા (મારી દ્રષ્ટિએ, દરેક વ્યક્તિએ  જે પોતાના વિચાર અને વર્તનમાં, અચુક, કેળવવી જ જોઇએ.)|૭ માર્ચ, ૨૦૦૫ના રોજ પ્રકાશિત થયેલ
મોટા ભાગના લોકોને ઉજવણી કરવા માટે ભવ્ય વિજય જોઇતો હોય છે, પરંતુ વિચલીત થવા માટે નાની સી નિષ્ફળતા પૂરતી થઇ પડે છે. બીજા શબ્દોમાં, ખુશાલી માટે સબળ કારણો હોવાં જોઇએ,પણ નિરાશ થવા માટે આપણને બહુ સબળ પ્રમાણો નથી જોઇતાં હોતાં.  સાચી વાત તો એ છે કે મોટા ભાગે આપણે કોઇ જ કારણ વિના જ વ્યથિત થઇ જઇએ છીએ.
આપણે બુધ્ધિશાળી લોકો છીએ. આપણને ખબર છે કે:
a) નિષ્ફળતા એ સફળતાની સીડી છે   
b) પડી જવું એ મહત્વનું નથી, મહત્વનું છે પડી ગયા પછી દરેક વખતે બેઠા થઇ જવું, અને
c) માર્ગનો વળાંક એ મંઝિલનો કે જીંદગીની ખુશીઓનો અંત નથી.   
આમ જૂઓ તો આ સમજને કારણે નાની નિષ્ફળતાઓને પચાવી શકવું સહેલું બની રહેવું જોઇએ. પણ દેખીતી રીતે, એમ થતું નથી! આપણે નિષ્ફળતાનો સામનો નથી કરી શકતાં.
જ્યારે બીજી બાજૂએ, નાની સફળતાઓના વિજયોને ઉજવવા આપણી પાસે સમય નથી હોતો.આપણી આસપાસનાં લોકો આવી નાની સફળતાઓમાં મ્હાલતાં નથી, એટલે આપણે પણ આપણી સફળતાના ઉલ્લાસને ઠેલતાં રહીએ છીએ.(સામાન્ય રીતે) સમાજ ઉજવણી કરવા માટે ઊંચા માપદંડ નક્કી કરતો હોય છે. આપણે "સમાન" બની રહેવાનું પસંદ કરતાં હોઇએ છીએ (જુદાં તરી નથી આવવા માગતાં) - એટલે ટોળાંને અનુસરીએ છીએ.
નાની નિષ્ફળતાને કારણે બહુ વધારે અસ્વસ્થ થવાની આપણને નવાઇ નથી,પરંતુ નાની સફળતાની મોટી ઉજવણી બધાંની ભમર તંગ જરૂર કરી દેશે. છે તો બન્ને અંતિમો, પરંતુ બન્ને માટે કરીને અલગ અલગ વ્યવહાર થતા જોવા મળે છે.
આનંદી  લોકો આનાથી ઉંધું વર્તે છે. જે લોકો નાની સફળતાઓને માણી જાણે છે તેમના સહવાસમાં મજા પડે છે.તેઓ જીવનથી ભરપૂર હોય છે અને આસપાસનાં લોકોમાં જીવન ભરી દે છે.
તમે તમારી નાની સફળતાની છેલ્લી ઉજવણી ક્યારે કરી હતી? નાની સફળતાઓને માણવાનો સમય પાકી ગયો છે...
ખુબ શુભેચ્છાઓ!#8 માપદંડ ઊંચા રાખો
|૧૭ માર્ચ, ૨૦૦૫ના રોજ પ્રકાશિત થયેલ

પોતે શા માટે સફળ છે તેની વાત કરતી વખતે, માઇકલ જૉર્ડને એક વાર કહ્યું હતું કે કોઇપણ પોતા પાસેથી માગી શકે તેનાથી પણ વધારે માગતા રહેવું એ તેની સફળતાનું રહસ્ય છે. દેખીતું જ છે કે માઇકલ જૉર્ડન પોતા માટે ઘણા ઊંચા માપદંડ નક્કી કરે છે.
સારાં પરિણામો મેળવતાં રહેવા માટે, આપણે ઊંચી અપેક્ષાઓ રાખવી જોઇએ, અને હંમેશાં તેમને સિધ્ધ કરતાં રહેવું જોઇએ.પરંતુ ઉત્કૃષ્ટ પરિણામો મેળવવા માટે તો આપણે આપણી પાસેથી અપેક્ષિત પરિણામોથી પણ ઊંચા માપદંડનાં સ્તરે કામ કરતાં રહેવું જોઇએ.
આપણે કોઇ એક ઑલિમ્પિક સ્પર્ધાનું ઉદાહરણ લઇએ.આપણને સુવર્ણ,રજત કે કાંસ્ય પદક મેળવાનાર સ્પર્ધક તો યાદ રહેશે, પરંતુ ચોથા ક્રમે આવેલ ખેલાડીને કોઇ નથી યાદ રાખતું. બહુ જ ઓછો તફાવત રહેતો હશે, પણ ચોથા સ્પર્ધકની ભાગ્યે જ ચર્ચા જોવા મળશે.
ફરી  એક વાર સારૂં અને ઉત્કૃષ્ટ વચ્ચેનો તફાવત.
તમારા હવે પછીના ઇ-મૅલને મોકલતાં પહેલાં, એક મિનિટ થોભી અને વિચારજો કે તમારા ઇ-મૅલનાં વસ્તુ અને શૈલિથી વાચક તમારા માપદંડવિષે શું અભિપ્રાય બાંધશે. એક સાદા ઇ-મૅલ મોકલવા જેવી બાબતમાં પણ આપણું સ્તર ઊંચું લઇ જવા માટે આપણે શું કરી શકીએ? આપણને થોડી મિનિટો વધારે વપરાતી લાગશે, પરંતુ તે થોડો વધારાના સમયમાં કરેલું રોકાણ ઘણું ફળદાયી નીવડી શકે છે....

|૧૯, માર્ચ ૨૦૦૫ના રોજ પ્રકાશિત થયેલ
પહેલાં આ લેખનું શિર્ષક "અસરકારક નિર્ણયો લો" કે "સમર્થ નિર્ણયકાર બનો" રાખવાનું વિચારતો હતો, પરંતુ આપણા નિર્ણયોનો પાયો તો આપણાં અંગત મૂલ્યો હોય છે એટલે પછીથી વિચાર બદલી નાખ્યો.
આપણે સૌ મૂલ્યોનું મહત્વ જાણીએ છીએ. આપણે માનવું હોય કે નહીં, પણ આપણને દરેકને મૂલ્યોનો સમુચ્ચય હોય જ છે. એમાં મીનમેખ નહીં! મૂળ મુદ્દે,આપણા માટે જે મહત્વનું છે તે અંગેની આપણી પ્રગાઢ માન્યતાઓ એટલે આપણાં મૂલ્યો. મૂલ્યો એ આપણાં જીવનમાં શું મહત્વનું  છે તેનુ બયાન છે.
સમયાંતરે મૂલ્યો બદલતાં રહે છે ખરાં,પરંતુ, મહત્વનું એ છે કે અત્યારે આપણાં મુલ્યો શું છે તે આપણને ખબર હોય.મજાની વાત એ છે કે, બહુ થોડાં લોકો પોતાનાં મૂલ્યોને ઓળખવાની મહેનત કરતાં હોય છે.આપણો કોઇ પણ મહત્વનો નિર્ણય આપણાં મૂલ્યો ઉપર જ આધારીત હશે, એટલે એ મૂલ્યો શું છે તે આપણે જાણવું જ રહ્યું.
આપણાં હાર્દરૂપ મૂલ્યોને ખોળી કાઢવામાટે ઇન્ટરનૅટ પર ઘણાં સાધનો મળી રહેશે. ગુગલ પર "અંગત મૂલ્યો"ની શોધ માટે કળ દબાવતાં જ, આપણે કેટલીક વૅબસાઇટ જોઇ શકીશું.
થોડા દિવસો પહેલાં,અમે (બ્લ્યુપૉઇન્ટ લીડરશીપદ્વારા સંચાલિત) 'નેતૃત્વ અંગેના પડકારો' વિષેની કાર્યશાળા દરમ્યાન અમે મૂલ્યો વિષે એક ખુબ જ સરળ અને અસરકારક કસોટી કરી હતી.અમારી સામે દરેક પર કાર્ય સિધ્ધિ, સંપત્તિ,સંબંધો જેવાં મુલ્ય લખેલ કાર્ડ રાખવામા આવ્યાં અને આ પ્રમાણે પ્રક્રિયા કરવાનું કહેવામાં આવ્યું:
 a. કાર્ડની ત્રણ ઢગલી કરો. પહેલામાં આપણને જે 'અગત્ય'નું લાગે તે, બીજામાં પહેલી ઢગલી કરતાં 'ઓછું અગત્ય'નાં અને ત્રીજીમાં આપણામાટે બિનમહત્વનાં લાગે તે કાર્ડ ગોઠવવાનાં હતાં.
b. ત્રીજી ઢગલીને બાજૂએ ખસેડી દો.
c. બીજી ઢગલીનું ફરીથી મૂલ્યાંકન કરો, અને તેમાંનાં કાર્ડને પહેલી અથવા ત્રીજી ઢગલીમાં મૂકો.
d. આમ હવે, પહેલી ઢગલીમાં જે મહત્વનાં છે તે મૂલ્યો જ જોવા મળશે.
       એમાંથી પાંચ કાર્ડને પસંદ કરવાનાં રહે છે.
આમ કોઇ પણ રીતનો ઉપયોગ કરીને, આપણી પોતાની યાદી તૈયાર કરવી રહી."ઉચિત" મૂલ્યો જેવું કંઇ જ હોતું નથી. એ આપણાં મૂલ્યો છે, જેને ન ઓળખવાથી આપણું જ નુકસાન છે.
મારા એક ઘનિષ્ઠ મિત્રની પસંદગીની ટોચ પર "કુટુંબ" છે, તો બીજા મિત્રની સહુથી પહેલી પસંદ "સંપત્તિ" છે. તેના પરથી તેમના નિર્ણયોનાં વલણો બહુ સહેલાઇથી કલ્પી શકાય છે.
તમારી અગ્રતા શું છે?|૨૦ માર્ચ, ૨૦૦૫ના રોજ પ્રકાશિત થયેલ
 
આપણે જે જાણીએ છીએ તે મહત્વનું તો છે જ.આપણને એ પણ ખબર જ છે કે આપણે કોને ઓળખીએ છીએ, તે આપણે શું જાણીએ છીએ તેના કરતાં, વધારે મહત્વનું છે. એટલું જ મહત્વનું છે કે આપણે જેમને ઓળખીએ છીએ તેમને શાના આધારે ઓળખીએ છીએ. સંસ્થાઓનાં સભ્યપદનું મહત્વ આ સંદર્ભમાં જોવું જોઇએ.
આપણે એમબીએ વર્ગોની ચર્ચાઓ કરવા નથી બેઠા, પરંતુ ભૂતપૂર્વ વિદ્યાર્થીમંડળ ખાસ્સાં પ્રભાવશાળી હોય છે.આ તો એક ઉદાહરણ છે. આવી ઘણી સંસ્થાઓનાં સભ્યપદની તક ખોળી કાઢી શકાય.આપણે જે લોકો જોડે સંપર્ક રાખવા માગતાં હોઇએ, તેવી ક્લબનાં પણ સભ્યપદ પણ એક સારો વિકલ્પ છે.
કેટલીક સંસ્થાઓનાં સભ્યપદ ખાસ્સાં એવાં મોઘાં પણ હોય છે. આપણે તેને ખર્ચને બદલે એક રોકાણની દ્રષ્ટિએ જોવું જોઇએ.યોગ્ય સાંસ્થાઓનાં સભ્યપદ માટેનાં કરેલાં રોકાણ પરનું વળતર, રોકાણને બહુ જ વાજબી સાબિત કરનારૂં પણ નીવડી શકે છે.
મારૂં અંગત ઉદાહરણ - ટીઈસી /TECનું સભ્યપદ, જે તેના પ્રકારમાં સહુથી વિશાળ સંપર્કસૂત્ર ધરાવતી સંસ્થા છે.૨૦૦૩માં, હું જ્યારે  તેનો સભ્ય થયો, ત્યારે મારા વ્યવસાયપર તેની શું અસર થશે તેનો મને જરા પણ અંદાજ નહોતો. પણ,અસાધારણ પરિણામ જોવા મળ્યાં.
દરેક સભ્ય, પોતાની રીતે, આગવું છે. મારા માટે, ટીઈસી/TECનું સભ્યપદ બહુ જ સમયસરનું અને મહત્વનું પરવડ્યું.આપણી જીંદગીના દરેક તબક્કાની જરૂરિયાતના સંદર્ભમાં, સંસ્થાઓનાં સભ્યપદને યથાર્થતાનાં એરણ પર ચકાસતા રહેવું જોઇએ. આપણાં જીવનને નવી નવી ઉંચાઇઓ પર લઇ જવામાં મહત્વનો ફાળો ભજવી શકે,આપણે એવી કઇ 'ક્લબ'ના સભ્ય હોવું જોઇએ?   એ બાબતે સંશોધન કરવામાં થોડો સમય જરૂર લાગી શકે છે.કે એવું પણ હોઇ શકે કે આપણને ખબર તો હોય,પણ કોઇ ને કોઇ કારણોસર આપણે તેના માટે જરૂરી સમય ન ફાળવી શકતા હોઇએ.
ખરા સમયે ખરી જગ્યાએ હોવું એ ઘણી વાર અકલ્પ્ય ફાયદાકારક પરવડી શકે છે.
એ માટે, મારી ખુબ ખુબ શુભેચ્છાઓ.શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી ‘Distinguish yourself’ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- ગુચ્છ ૨ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદǁ  ૪ નવેમ્બર, ૨૦૧૨ ǁ