ગુરુવાર, 13 ડિસેમ્બર, 2012

કુંભનું નૃત્ય - દેવદત્ત પટ્ટનાઇક

કુંભની શોધનાં મહત્વનો આપણને અંદાજ  નથી.ઘડાની શોધ ન થઇ હોત તો આપણે પણ પ્રાણીઓની જેમ, આપણી તરસ છીપાવવા, નદી કે તળાવ જેવી પાણી ભરેલી જગ્યાઓ ભટકતાં હોત. ઘડાની શોધને કારણે આપણને ઘરે બેઠાં પાણી મળતું થઇ ગયું છે, પાણીના એક ઘુંટમાટે આપણે માઇલોના માઇલો ભમવું નથી પડતું. પાણી પીવા જતી વખતે, પાણીમાં સંતાયેલ મગર કે ભૂખ્યા તરસ્યા વાધ સિંહની તરાપના ભોગ બની જવાનો, હવે કોઇ ભય નથી રહ્યો. આમ કુંભ એ આધુનિક માનવ સંસ્કૃતિનું પ્રતિક છે. આમ તો, હકીકતે, કુંભને માનવતાની અંતિમ સાબિતિ પણ કહી શકાય. આપણે હવે પશુ નથી રહ્યાં , તેનું એ પ્રમાણ છે.
પૌરાણિક ભારતમાં કુંભનું ખુબ જ આદરણીય સ્થાન રહ્યું છે. તે ગર્ભનું પ્રતિક પણ બની રહેલ છે, કારણકે ખોરાક અને પાણીના સંગ્રહમાં મદદ કરીને તે માનવ જીવનને ટકાવવામાં મહત્વનો ફાળો આપે છે. તેથી તે તેને માતા સાથે પણ સરખાવાયેલ છે. આમ, કુંભ એ દિવ્યત્વનાં પ્રતિક તરીકે પૂજાતો રહ્યો છે.અંકુરિત બીજ અને પાણીથી ભરેલ, તાજાં પાંદડાંને ફળોથી ઢંકાયેલ, કુંભ એ વિપુલતા અને સમૃધ્ધ પ્રારબ્ધનું પ્રતિક છે.આજથી ૩૦૦૦ વર્ષ પહેલાં તેની પૂજા કરવાનું શરૂ થયું હશે, તે આજ સુધી ચાલુ છે.
પ્રાચીન લોકોનું માનવું હતું કે ઈશ્વર પાસે ધાન અને સોનાંથી છલકતો કુંભ છે, જે અક્ષય પાત્ર તરીકે ઓળખાય છે.તેમની પાસે અમરત્વ બક્ષતાં અમૃતથી પણ છલોછલ કુંભ હોવાનું માનવામાં આવે છે. માનવી પાસે એ બન્ને નથી.પણ તેમની પાસે સ્ત્રી છે. માત્ર સ્ત્રી જ નવજીવન બક્ષીને આગલી પેઢીને જીવન પ્રદાન કરે છે, આમ  પોતાનાં શરીરમાં વિપુલતા અને અમરત્વને સમાવી રહેલ હોવાને કારણે, સ્ત્રી એ મનુષ્યનાં કૌટુંબીક જીવન માટે અક્ષયત્વ  અને અમૃત્વનું સંયુક્ત સ્વરૂપ છે. સ્ત્રી ન હોય તો કુટુંબ વિનાશ પામે છે. કુટુંબ વક્ષ કરમાઇ જાય છે.
ભારતમાં આજે પુત્ર માટેની ઉત્કટ ચાહ એ એક ન સમજાય તેવી વિચિત્રતા છે. પુરાણ સમયમાં પુરૂષો કરતાં સ્ત્રીઓને, સ્પષ્ટ રૂપે, વધારે જ આદર મળતો હતો. કોઇ પણ જાતિના અનુજીવનનો આધાર તેમાં કેટલા પુરૂષો છે તે પરથી નહીં, પણ કેટલી સ્ત્રીઓ છે તેના પર રહેતો હતો. એટલે એ સમયે, સ્ત્રીને પોતાના પતિઓ પસંદ કરવાનો મોકો આપવામાં આવતો હતો. જેઓ સ્વીકારાતા નહીં તે પછીથી સ્ત્રીઓને ઉપાડી જતા કે ખરીદી લેતા. પિતા પોતાની દીકરીને અન્ય કુટુંબમાં દાન કરે તે લગ્નનું સહુથી વધુ પ્રચલિત સ્વરૂપ ગણાતું હતું. એ અક્ષય પાત્ર અને અમૃતનું દાન માનવામાં આવતું હતું. 
જંગલની સરખામણી જંગલી દેવી સાથે અને ખેતરની સરખામણી પાળેલ દેવી સાથે કરવામાં આવતી હતી.વન એ સ્ત્રી હતી અને ખેતર એ પત્ની.વન એ તળાવનું પાણી હતું, જ્યારે ખેતર એ ઘડામાંનું પાણી. ખેતર એ એવી કૂખ હતી જેના વડે આખું ને આખું ગામ પળતું.તેને માનવ જીવનનાં, વર્ષોવર્ષ સમૃધ્ધિ લાવનાર, અક્ષય પાત્ર અને અમૃત તરીકે પૂજવામાં આવતું. 
શરદ ઋતુમાં જ્યારે વરસાદ થંભવા લાગેલ હોય અને પાક લણવા માટે તૈયાર હોય, ત્યારે નવરાત્રીમાં કુંભ, સ્ત્રી અને ખેતર એ ત્રણ વસ્તુઓ એક થાય છે.ખેતરનાં કેન્દ્રમાં અંકુરીત ધાન અને પાણીથી ભરેલ કુંભ રાખી અને સ્ત્રીઓ તેની આસપાસ કુંડાળું બનાવીને નૃત્ય કરે છે.વાંકાં વળી અને તાલીઓના તાલથી તેઓ પૃથ્વી અને બ્રહ્માંડનું અભિવાદન કરી, પોતાના આનંદો અને ખુશીઓ વડે નવપલ્લવિત કરે છે. આથી, તે ધરતીના ગર્ભનું નૃત્ય, ગરબો, તરીકે ઓળખાયેલ છે.આમ નવ રાતો સુધી એ યાદ કરાવાતું રહે છે કે પત્ની ની જેમ કુંભ અને ખેતર એ પુરૂષનું સાંસ્કૃતિક સર્જન છે, નહીં  કે કોઇ કુદરતી ધટના. આ ત્રણેની જો માનપૂર્વક જાળવણી ન કરવામાં આવે તો તેઓ ધરાશાયી થઇ જાય છે.અને તેમ થાય તો સંસ્કૃતિનો પણ અંત જ થવાનો.
*       ટાઇમ્સ ઑવ ઈંડીયામાં ઓક્ટૉબર ૮, ૨૦૧૦ના રોજ પ્રકાશીત થયેલ.

v  અસલ અંગ્રેજી લેખ, The dance of the pot , લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર નવેમ્બર ૧૫,૨૦૧૦ના  રોજ Myth Theory  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.