ગુરુવાર, 20 ડિસેમ્બર, 2012

અંતનો એક આગવો દ્રષ્ટિકોણ - દેવદત્ત પટ્ટનાઇક


અમારી મધ્યમ-કક્ષાની કંપની એન્જીનીયરીગ માલસામાનનો વેપાર કરે છે.એક બાજુ મંદીની આકરી અસર તો છે , તેમાં વળી ચીનથી આયાત થતા માલોની દિનબદિન આક્રમક થતી સ્પર્ધાએ તો જાણે અમારી કમર તોડી નાખી છે. ફુગાવાને કારણે ખર્ચા વધતા ચાલ્યા છે, તો બીજે પક્ષે,છેલ્લાં બે વર્ષથી વેચાણો ઘટતાં જ રહ્યાં છે. આટલું વળી પૂરતું ન હોય, તેમ ચાવીરૂપ કર્મચારીઓ પણ નોકરી છોડીને જઇ રહ્યા છે. અમે અમારા ઉદ્યોગમાં જે સ્તરે છીએ, તેમાં તો મને, ખરાં દિલથી,અત્યારે ભવિષ્યમાટેની કોઇ આશા નથી જણાતી.  મને ક્યાં તો આ ઉદ્યોગ છોડવા કે ક્યાંતો નવસર્જન કરવા બદલ કોઇ માર્ગદર્શન પૂરૂં પાડવા વિનંતિ.
હું તમને નિર્ણય લેવામાં કોઇ મદદ કરૂં, ન કરું, તે પહેલાં તમે તો નિર્ણયપર પહોંચી જ ગયા છો. અને જો તમે કોઇ નિર્ણય પર ન પહોંચી શકો, તો બજારનાં વલણો તો,તમારા વિષેના પોતાના આગવા નિર્ણય પર પહોંચી ચૂકેલ જ છે. જો કે તેવું ન પણ હોય. એવું પણ બને કે  બજારનાં આ વલણમાટેનો તમારો આવો દ્રષ્ટિકોણ હોય. એવું પણ બને કે, હજૂ પણ એવા કેટલાય ગ્રાહકો હોય, જેને તમારી સાથે વ્યવહાર રાખવાનું જ પસંદ હોય. બસ,તમારે તેમને ખોળી કાઢવાના છે. કે પછી તમારે સ્પર્ધાત્મક પરીબળો જોડે કદમ મિલાવીને તમારી જાતને મદદરૂપ થવામાં તેમને મદદ કરવાની છે.અને નહીં તો પછી, તમારે તમારાં જ ભાવિના દ્રષ્ટિકોણને નવેસરથી જોવાની જરૂર છે - તમે ચાદરથી મોટી સોડ તો નથી તાણી લીધી ને! તમારી હાલની પરિસ્થિતિમાં કોઇ એક જ જવાબ ન હોઇ શકે. તમારી પરિસ્થિતિનાં તમારાં મુલ્યાંકન પર જ બધો આધાર છે.  તમારા માટે તો , તમારૂં મુલ્યાંકન એ જ સત્ય. બીજાં તો તમારાથી સાવ જ જૂદું પણ વિચારતાં હોય, તેમ પણ બની શકે.
આ ધડીએ તમારી સ્થિતિ, આદિ - અનંત - શેષ (એક-અનંતતા-શૂન્ય)સ્વરૂપ નાગ પર બિરાજમાન વિષ્ણુ જેવી છે - તમે કોઇ એક સ્પષ્ટ નિર્ણય લઇ તેને વળગી રહી શકો છો કે અનંત વિશ્લેષણોઅને મૂલ્યાંકનોમાં ખોવાઇ જઇ શકો છો, કે પછી વાજાં વીંટીને અઘોર નિદ્રામાં પોઢી જઇ શકો છો. તમારી આસપાસ સંભાવનાઓનાં બજારનો, દૂધના ઘુઘવતા સ્વરૂપ સમો, સાગર છે. જે તમે કોઇ પણ નિર્ણય લેશો,  હંમેશ માટે હાજરાજૂર જ છે.
તમે વિષ્ણુના છેલ્લા અવતાર કલ્કિ,ની માફક સફેદ ઘોડા પર સવાર થઇ, હાથમાં તલવાર ખેંચી, બધી જ કામગીરી બંધ કરી દઇ શકો છો, કારણકે જે પરીબળોને તમે ખાળી શકો તેમ નથી તેમણે તમારી દુનિયાપર કબજો જમાવી દીધો છે. કે પછી તમે વિષ્ણુના પહેલા અવતાર, મત્સ્ય, થાવાનું પણ નક્કી કરી શકો કે જેથી કરીને કોઇ મનુ આવે, તમને એક કુંભમાં સંતાડીને મોટી માછલીથી બચાવી લે, કે જેથી તમે તમારી બાકીની જીંદગી, આસપાસનાં જંગલથી અલિપ્ત થઇ, એક પરપોટામાં રહીને સંસાધનો વાપરતાં વાપરતાં, વિકસતાં રહો.  અથવા તો પછી તમે તે પછીનો અવતાર કુર્મ બનવાનું પણ પસંદ કરી શકો, જેથી દુધના સમુદ્રનું મંથન કરતાં કરતાં, ગ્રાહકો, વેચાણકારો, નિયંત્રંકો અને સ્પર્ધકો, રોકાણકારો અને કર્મચારીઓ જેવાં વિરોધી પરીબળોને, ક્યારે ખેંચવું કે ક્યારે છોડી દેવું એ વાતનું હંમેશાં ધ્યાન રાખીને, સંતુલિત કરતા રહો.
વેપાર-ધંધાની એક ઑર ખાસીયત છે - છેલ્લો શબ્દ યજમાનનો હોય છે. બજાર ઉપર ચડે કે નીચે જાય, સ્પર્ધકો આવે અને જાય, પણ તમારી નાવનું સુકાન તમારા હાથમાં જ રહે છે.તમારા કર્મચારીઓ તમારાં જહાજ સાથેનો છેડો એટલે ફાડી રહ્યા હોય કે તેમની નજરોમાં તમે દિશાશૂન્ય બની રહ્યા છો. તેમની ચિંતા બાબતે વિચાર કરો. તમે તમારા ભયમાં એવા ખુંપી ગયા છો કે, તમને એમના ભય નજરે જ નથી પડી રહ્યા. ખરો મુદ્દો જ આ છે - તમારી આસપાસની દુનિયા, નહીં પણ ખુદ તમે. તમારી આસપાસની દુનિયા નથી તૂટી પડી રહી, તમે તૂટી રહ્યા છો.
તમે તમારા વેપારને છોડી દઇને ક્યાં જશો? ક્યાં તો નવો કોઇ બીજો વેપાર કે કોઇ નવી નોકરી! એક નવા યજ્ઞની એક નવી શરૂઆત.અને તે સમયની કે સંજોગોની પરિસ્થિતિઓ સાનુકુળ હોય, પણ કે ના પણ હોય. જીવનમાં કોઇ ખાત્રી તો નથી જ હોતી,  કે  ન તો કોઇ સ્થિરતા. તેથી જ હર કોઇને એક એવા નેતા, એક યજમાન, એક વિષ્ણુની ખોજ રહે છે, જે બીજાંઓમાટે આશા અને શ્રધ્ધાનો સ્રોત બની રહે. તમારે, ક્યાં તો તમારી અંદર રહેલા કે કોઇ જ્ગ્યાએ બહાર રહેલા, એ વિષ્ણુને ખોળી કાઢવાના છે. એ અંદરના કે બહારના વિષ્ણુની સહાયથી, આજના યુગની સાથે કદમ મેળવીને, તમે જે કંઇ પેદા કર્યું છે તેને તમારે જાળવવાનું પણ છે અને, આગળ પણ વધારતા રહેવાનું છે.
*       ETની પૂર્તિ, કૉર્પૉરૅટ ડૉઝીયર,માં સપ્ટેમ્બર ૨૮, ૨૦૧૨ના રોજ પ્રકાશીત થયેલ

v  અસલ અંગ્રેજી લેખ, Endings are a point of view, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર  ડીસેમ્બર ૧૧, ૨૦૧૨ના  રોજ Articles, Leadership ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.