સોમવાર, 17 ડિસેમ્બર, 2012

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ પહેલો - ગુચ્છ ૬

#26 પરિણામો માટે સન્માનની અપેક્ષા કરીએ, નહીં કે પ્રયત્નો માટે  
|૧૩ મે, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
મેં પહેલાંની એક પૉસ્ટમાં પણ કહ્યું હતું અને એક વાર ફરીથી કહીશ કે - જીવનમાં એક વાત ક્યારે પણ નથી બદલતી - "ક્યારેક સફળ થાઇએ, તો ક્યારેક શીખીએ".
ઘણી વાર આપણા અઢળક પ્રયાસ છતાં પણ ધાર્યું પરિણામ નથી મળતું હોતું. આમ જૂઓ તો, મહેનત અને પરિણામની ઘણી અલગ અલગ મેળવણીઓ જોવા મળી શકે છે, જેમ કેઃ
૧. થોડી મહેનત - થોડું પરિણામ
૨. થોડી મહેનત - ઘણું પરિણામ
૩. થોડી મહેનત - કોઇ પરિણામ નહીં
૪. ઘણી મહેનત - થોડું પરિણામ
૫. ઘણી મહેનત - ઘણું પરિણામ
૬. ઘણી મહેનત - કોઇ પરિણામ નહીં
આપણે ઘણી વાર આપણા "ઘણા પ્રયત્નો"માટે પણ માનઅકરામ મેળવવાનો મોહ કરતાં હોઇએ છીએ.પણ સામાન્યતઃ માન તો 'મોટાં પરિણામો'ને જ મળતું હોય છે, પછીથી તેના માટે કેટલા પ્રયત્નો કરાયા છે તે નથી જોવાતું.
જો આપણે આ વાત સમજી લઇએ તો, ઘણા પ્રયત્નોનાં થોડાં પરિણામોથી પેદા થતા તણાવને આપણે મહદ્‍ અંશે નિવારી શકીશું.
બસ, એનું જ નામ જીંદગી તો છે!


|૨૬ મે, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
કહે છે કે નિષ્ફળતા એ સફળતાની સીડીનું પગથીયું છે. પણ એક વાર સફળ થઇ જઇએ,પછી શું? સફળતા એ મંઝિલનો અંત નથી,પરંતુ તે તો હવે પછીની ખોજનો પાયો બની રહેવી જોઇએ. મજાની વાત એ છે કે, કોઇ વાર સફળતા એ સમસ્યા પણ બની રહે છે. સહુથી પ્રચલિત પરિસ્થિતિ તે છે જેમાં આપણે માની લઇએ છીએ કે સફળ થયાં એટલે ચાલો થોડો આરામ કરી લઇએ.આ કક્ષાએ આત્મતુષ્ટિ પગપેસારો શરૂઅ કરી દે છે અને આપણે થોડાં ઢીલાં પડતાં જાઇએ છીએ.જો આત્મતુષ્ટિ ઘર કરી જાય તો સમસ્યા વકરી જઇ શકે છે.
સફળતાને 'જૈસે થે'ની સ્થિતિમાં ટકાવી રાખવું પણ મુશ્કેલ છે - ક્યાં તો આગળ વધતા રહી શકાય, અને નહીં તો પછી પીછેહઠ થવાનું શરૂ થાય. સફળતાની બાબતમાં કોઇ જ અચલ નથી.સંસ્થાઓના સંદર્ભમાં વાત કરીએ તો, આપણે બજારમાં કંઇ નવું રજૂ કરીએ , તો તે બહુ થોડા સમયમાટે જ અનોખું બની રહે છે.  બજારમાં તો સતત નવીનતા અને સતત સુધારણાની જ અપેક્ષા બની રહેતી હોય છે. વ્યક્તિઓની બાબતમાં કંઇ અલગ નિયમો નથી.  વ્યક્તિગતરીતે આપણે પણ બજારમા આપણું કૌશલ્ય અને અનુભવને બજારમાં પેશ કરતાં હોઇએ છીએ. આમ કોઇ એક સમયે, આપણે જે કંઇ રજૂ કરીએ તે ચિત્તાકર્ષક હોઇ શકે, પણ બજારમાં તરતાં રહેતાં પરીવર્તનો સાથે આપણી રજૂઆતનો ગુલદસ્તો પણ બદલાવતાં રહેવું પડે. આપણે જો આપની ભૂતકાળની સિધ્ધિઓ પર પગ વાળીને બેસી રહીશું , તો ખબર પડશે તે પહેલાં જ, પાછળ રહી ગયાં હશું.
જ્યારે પણ આપણે ઉગ્ર બનીએ, ત્યારે આપણું લક્ષ્ય આત્મતુષ્ટિને ખતમ કરવાનું હોવું જોઇએ.એ એક માત્ર એવો "દોષ" છે જે આપણી જ રચેલી 'સંતોષીપણા'ની કેદમાંથી આપણને છૂટકારો અપાવી શકે છે.


| ૨૯ મે, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
આ વાત ૧૯૯૭ની છે. મારી પત્ની, કવિતા, અને હું હજુ સિલિકૉન વૅલીમાં આવ્યાં જ હતાં. તે પહેલાં અમે સિંગપૉરમાં રહેતાં હતાં, જે અહીંથી બહુ જ અલગ હતું. વૅલીમાંનાં રહેનસહેનને અનુરૂપ થવા અમારે અમારી જીવનશૈલીમાં પણ ઠીક ઠીક ફેરફાર કરવા પડ્યા હતા. સહુથી પહેલાં તો અમારે નવાં ડ્રાઈવીંગ લાયસન્સ કરાવવાં પડ્યાં અને એક નવી કાર પણ લેવી પડી. અહીં મુજબ ડ્રાઈવીંગ શીખવામાં, લાયસન્સ લેવામાં અને, કાર ખરીદવામાં અમને, લગભગ, બે અઠવાડીયાં લાગી ગયાં. અમે એક અપાર્ટમેન્ટમાં રહેવા ગયાં અને તે સાથે ઘરવખરી પણ ખરીદવાની હતી. 
અમને કોઇએ સૂચન કર્યું કે ગીલરૉયમાં થોડા આ બધી સામગ્રીમાટેના મૉલ છે, તેથી ત્યાંથી આ બધી ખરીદી કરો. તમને થોડો અંદાજ આવે તે દ્રષ્ટિએ કહું તો, અમે સન્નીવૅલૅમાં રહેતાં હતાં, જેની દક્ષિણે, લગબગ ત્રીસેક માઇલના અંતરે આ ગિલરૉય આવેલું છે.
મેં મારા મિત્રને પૂછ્યું કે આપણે ગિલરૉય પહોંચી આવ્યાં છીએ તેમ શી રીતે ખબર પડશે.તેણે મને સમજાવ્યું કે ૧૦૧ નંબરના હાઇવે પર ત્રીસેક માઇલ જતાં જ સ્ટૉર્સની હાર દેખાશે. મૂળ મુદ્દે તેનું કહેવું હતું કે સાવ મળી જાય તેમ જ છે.
તે સપ્તાહને અંતે, હું અને કવિતા ગિલરૉય જવા નીકળી પડ્યાં. હવે મને યાદ આવ્યું કે #૧૦૧ ઉત્તર બાજૂ કે #૧૦૧ દક્ષિણ બાજૂનો હાઇવે લેવો તે તો હું પૂછવાનું જ ભુલી ગયો હતો. એટલે, મેં #૧૦૧ ઉત્તર તરફ ગાડી હંકારી. ખેર, અમે લગભગ કલાકેક તો ડ્રાઇવ કરતાં ગયાં - સૅન ફ્રાંસિસ્કૉ પાર કરી ગયાં - પછી ધ્યાનમાં આવવા લાગ્યું કે કંઇક ગોથું ખાધું છે. એટલે એક પેટ્રોલ પંપ પર રોકાઇને ગિલરૉય વિષે પૂછા કરી. એ ભાઇએ બહુ જ વિવેકથી કહ્યું કે "#૧૦૧ દક્ષિણ હાઇવે પર બે-એક કલાક જશો, એટલે તેમે ગિલરૉય પહોંચી જશો." મને ઝાટકો વાગ્યો. મેં પૂછી જ લીધું,"મને તો એવો ખ્યાલ છે કે #૧૦૧ ઉત્તરવાળો હાઇવે લેવાનો છે." એટલે પેલા ભાઇ ધીમેથી હસ્યા અને કહે કે, "વાત તો સાચી. પણ જો તમે લૉસ એન્જલસ તરફ્થી આવતાં હો તો. અહીંથી તો તમારે ઊંધા, #૧૦૧ દક્ષિણ, તરફ જ જવું પડશે."
આજે પણ જ્યારે એ વાત યાદ આવે છે, ત્યારે અમે બન્ને, અમારા પર હસી લઇએ છીએ.
મજાની વાત તો એ છે કે આ જ નિયમો આપણી રોજબરોજની જીંદગીમાં પણ લાગુ પડતા હોય છે.આપણે ક્યાં જવું છે તે તો ખબર હોય છે, પણ તે માટે કઇ દિશા પકડવી તે, ઘણી વાર, સ્પષ્ટ નથી હોતું - કારણ કે આપણે અત્યારે ક્યાં છીએ તે જ આપણને નિશ્ચિતપણે ખબર નથી હોતી.આપણામાંના ઘણાને આપણી જીંદગીના કયા મોડ પર આપણે પહોંચી ચૂક્યાં છીએ તેનો અંદાજ નથી રહેતો. કોઇ કોઇ વાર આપણી વર્તમાન સ્થિતિ બહુ સંતોષકારક નથી હોતી, અને તે વાત સ્વીકાર કરતાં થોડું મનદુઃખ પણ થતું હોય છે. એટલે એક વિકલ્પ તો એ છે કે વર્તમાન સ્થિતિ વિષે ગલત ધારણા કરી લેવી (જે છે તેના કરતાં સારૂં માની લેવું), અને તે કારણે આપણે જે દિશામાં આગળ જવાનું હોય તેનો પણ ગલત અંદાજ બાંધી બેસીએ છીએ.
સકારાત્મક વિચારસરણી અને આશાવાદનું મહત્વ ઓછું ન આંકતાં, હું એટલું જરૂરથી કહીશ કે આગળ વધતાં રહેવા માટે, વર્તમાન પરિસ્થિતિનું વાસ્તવિક નિરૂપણ બહુ જ મહત્વનું છે!


|૨૯ જુલાઇ, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
આજે મારા એક જૂના મિત્રની સાથે હું કોફી પીવા સાથે થવાનો હતો.મારા એ મિત્રએ તે પછીથી તરત જ પ્રકાશીત થવા જઇ રહેલાં  પુસ્તક 'સંહિતાની પેલે પાર/Beyond Codeવિષે પૂછા કરી, જેના માટે કહેવા હું તો તૈયાર જ હતો. કોઇ બાબતે તેમનું ધ્યાન ખેંચાયું અને તેમણે કહ્યું કે તે આને નોંધી લેશે.તેમણે તેમની નોંધપોથી કાઢી અને કંઇક ઘસરડી નાખ્યું. આવું વારંવાર થયું, અને દરેક વખતે તે કંઇક ઘસરડી કાઢતા હતા. તેમને થોડીવાર સુધી આમ કરતા જોઇ રહ્યા પછી મેં તેમને પૂછી જ લીધું, "આ તમે જે કંઇ લખી રહ્યા છો, તે પછીથી વાંચી શકાશે તો ખરૂં ને?" તેમણે વળતો જ જવાબ પકડાવ્યો, " લગભગ તો હા, પણ ક્યારેક ના." અમે "" બાબતે ખાસી ચર્ચા કરી. મુલાકાતને અંતે મેં જોયું કે, તે જે રીતે નોંધ લઇ રહ્યા હતા, તેમાં ખાસ્સો ફરક આવી ગયો હતો. જરૂર હતી, સામાન્ય કરતાં થોડા વધારે કાળજીભર્યા પ્રયાસની.
મારૂં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, આપણે માત્ર આવી સામાન્ય બાબતો પર જ ધ્યાન આપવાનું છે - લખીશું કે ઘસરડી કાઢીશું. મોટા ભાગના કિસ્સઓમાં તેનાથી કદાચ બહુ ફરક નહીં પણ પડતો હોય, પણ જ્યારે પડશે, ત્યારે તેની મોટ્ટી કિંમત ચૂકવવી પડી શકે છે. નોંધ ટપકાવવી એ તો આપણી આવી રોજબરોજની, સામાન્ય, કામ કરવાની પધ્ધતિઓ પૈકી એક છે.જો થોડુંક વધારે ધ્યાન આપીએ, અને થોડાં શિસ્તબધ્ધ કામ કરીએ, તો ઘણાં અનેકવિધ પરિણામો માણી પણ શકીએ (દરેક શિસ્તબધ્ધ પ્રયાસ અનેકવિધ ફાયદા કરાવે છે - જિમ રોહ્ન.)પસંદ આપણે કરવાનું રહે છે. આપણી રોજબરોજની, સામાન્ય, કાર્યપ્ધ્ધતિઓમાં શિસ્ત લાવાથી થતા ફાયદા લાંબે ગાળે થાય છે. પણ મહેનત લેખે તો જરૂર લાગે છે!!
આપણી એવી કઇ કઇ સામાન્ય કાર્યપધ્ધતિઓ છે? આપણે તેમના પર કેટલું વિશેષ ધ્યાન આપીએ છીએ? મેં 'નોંધ ટપકાવવા'નું ઉદાહરણ એટલે લીધું, કે તેને સહેલાઇથી નઝરઅંદાજ કરી શકાય છે - એવું મનાવીને કે,"મારે ક્યાં કોઇને બતાવવાનું છે. આ તો મારા માટે જ છે.” - એમ માનીને કે કોને ખબર પડવાની છે. આપણે ક્યાં સુધી પોતાને જ મૂરખ બનાવતાં રહીશું, કે  બહુવિધ વ્યક્તિત્વ ગરબડ/multiple personality disorderના ભોગ બનતાં રહીશું? આપણે બે વ્યક્તિત્વ વચ્ચે વહેંચાયેલ જીંદગી ના જીવી શકીએ. સહુથી સારો રસ્તો તો, સંજોગો અને સંદર્ભોની આડ લીધા વિના, કાયમી નિરાકરણ લાવવાનો જ છે.


| ૨૩ જુલાઇ, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
સલામત નોકરીના દહાડા તો ગયા.
આજે ભાગ્યેજ કોઇ વ્યવસાયમાં લાંબા ગાળામાટે ચાલુ રહી શકવાની કોઇ ખાત્રી આપી શકે છે.મોટા ભાગનાં લોકો આ જાણે છે, પણ ભાગ્યેજ કોઇ તેના વિષે કંઇ કરે છે. હું તો એમ પણ કહીશ કે આ કોઇ ઝોક કે ધખારો નથી.કામ અંગેના સંજોગો જ ધરમૂળથી, કાયમમાટે, બદલી ગયા છે. છેલ્લા ચાર જ દિવસમાં મેં કામની છટણીની ૧૦ નૉટિસ વાંચી છે - ૧૦૦ થી લઇને હજારોની સંખ્યામાં સુધીની.
મારા એક ઓળખીતાંએ મને ફોન કરીને કહ્યું કે તેમની કંપની એન્જીનીયરીંગ વિભાગ બંધ કરી રહેલ છે, અને કર્મચારીઓને દિવસના અંત સુધીમાં બીજી નોકરી શોધી લેવાનું કહી દેવામાં આવ્યું છે. એમનું કહેવું હતું કે તેમની સાથે કામ કરી રહેલા કોઇપણ સાથીને આમ બની શકે તેવી કલ્પના નહોતી - એટલે કે આજથી જ જવાનું કહેવામાં આવશે તેમ નહોતું ધાર્યું. કાલ સુધી ભલી-ભાંતિ નોકરી કરતી વ્યક્તિને, આજે એકાએક નવી નોકરીની શોધમાં નીકળી પડવું પડે છે.
લાખ રૂપિયાનો સવાલ એ નથી કે
તમારે નોકરી કરતા રહેવા માટે શું કરતા રહેવું જોઇએ?
પણ
નોકરીલાયક બની રહેવા માટે શું કરતા રહેવું જોઇએ?
[પ્રેરણા - જિમ રોહ્ન]
મારો એક સાવ સીધો સાદો સવાલ છે - " જો એક કલાક પછી તમારે જો કોઇ એક જૂથના લોકોને એક વ્યક્તવ્ય આપવાનું હોય, તો તમને જેમાં સહુથી વધારે ફાવટ હોય એવા કયા ત્રણ વિષય તને પસંદ કરશો?"  યાદ રહે કે તમારી પાસે મંચ પર જતાં પહેલાં માત્ર એક જ કલાક છે.એક વાર આ વિષયો પસંદ કર્યા પછી તેમની માળીયાં-આવરદા કેટલી છે તે પણ તપાસી લેજો. જો આવરદા થોડા મહિનાઓથી પણ ઓછી હોય, તો તમારી મુશ્કેલીઓનો અંત નથી આવ્યો તેમ જાણજો.
આપણે એક સાચો દાખલો જ જોઇએઃ જ્યારે મેં હમણાં તાજેતરમાં જ કોઇને આ સવાલ કર્યો,તો પલકવારમાં જ તેમનો જવાબ હતો, કે તેમનો પસંદગીનો વિષય છે - "કામગીરી સજ્જ રાખવી". મેં તેમને જરા વિગતે વાત કરવા કહ્યું તો તેમનું કહેવું હતું કે - પહેલો વિષય છે સૉફટવૅર પૅકૅજ #૧ માટે કામગીરીની સજ્જતા; વિષય બીજો - સૉફ્તવૅર પૅકેજ #૨ માટે કામગીરી સજ્જતા અને ત્રીજો વિષય છે સૉફ્ટવૅર પૅકૅજ # ૩ માટે કામગીરી સજ્જતા. આમ તેમને કામગીરીમાંની સમસ્યાઓના નિવારક થવાં ખુબ જ રસ હતો તે તો દેખાઇ આવતું હતું,પણ આ વિષયોની માળીયાં-આવરદા બહુ નજીવી હતી.મેં જ્યારે તેમને 'માળીયે પડી રહેવાની આવરદા' બાબતે સમજાવ્યું, ત્યારે તેમને ખરી સમસ્યા સમજાઇ ગઇ અને પોતાના કોચલાંમાંથી બહાર કેમ નીકળવું તે અંગે તેઓ વિચાર કરતા થઇ ગયા.
ટૅક્નૉ-વિશ્વમાં કામ કરવાના ફાયદા તો છે,પણ અહીં શીખેલાં અને ઉપયોગમાં લેવાતાં હુન્નર કૌશલ્યોની માળીયાં-આવરદા બહુ થોડી હોય છે.આ ટુંકી-આવરદાવાળાં કૌશલ્યો મહત્વનાં જરૂર હશે, પણ તેટલું પૂરતું નથી.

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી Distinguish yourselfના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- ગુચ્છ ૬ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ  ૧૭ ડીસેમ્બર, ૨૦૧૨ ǁ

2 ટિપ્પણીઓ:

  1. Practical and useful thoughts written in a compact and interesting style. I would say that the author's efforts gets justice in equally good translation which is more difficult.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. બિન-સાહિત્ય વિષયો પરના લેખો અને તે ક્ષેત્રના લેખકોની ભાષા બહુ જ ઘનિષ્ઠ શૈલીમાં લખાયેલી હોય છે. તે ઉપરાંત ઘણા શબ્દોને ગુજરાતીમાં રૂપાંતરીત કરવામાં પણ ખાસી મુશ્કેલી તો પડે છે જ. તેથી મારે ઘણા લેખોના અનુવાદ કરવાનું પણ ટાળવું પડે છે.
      પણ મારી શીખવાની કોશીશો હવે થોડો થોડો રંગ લાવતી જાય છે ખરી.
      તમારાં સૂચનો આવકાર્ય છે.

      કાઢી નાખો