શનિવાર, 15 ડિસેમ્બર, 2012

આવો દીકરી, ભલે પુનઃપધાર્યાં...દેવદત્ત પટ્ટનાઇક

બધી જ હિંદુ પૂજાઓની શરૂઆતમાં દેવ (કે દેવી)ને ભકત આવકારે - આવ્હાન કરે - છે. તે તેમને તેમનાં આતિથ્યનો સ્વીકાર કરીને મહેમાન રૂપે પધારવાનું આમંત્રણ પાઠવે છે.પૂજા દરમ્યાન મહેમાનને નવડાવી, સજાવીને,  ફળ-ફૂલ અને ધુપ- દિપ તેમની સેવામાં ધરવામાં આવે છે. અને પૂજા પૂરી થયા પછીથી, વિસર્જન સમયે, યજમાન ભક્ત, મહેમાન દેવ કે દેવીને માનપૂર્વક વિદાય આપે છે.
પરંતુ આસામ, બંગાળ અને ઉડીસા જેવાં  પૂર્વી રાજ્યોમાં શરદ ૠતુ પછીની ફસલના સમયના દેવીમાના નવરાત્રી ઉત્સવ દરમ્યાન પૂજાનું કંઇ નવું જ સ્વરૂપ જોવા મળે છે.એ સમયે દેવીને પોતાના પતિને ઘરેથી, પોતાના બે દીકરાઓ અને બે દીકરીઓ સાથે આરામ કરવા, પોતાને પિયર આવતી  દીકરી તરીકે માનવામાં આવે છે. તેથી, પરંપરાગત રીતે આ પ્રસંગે ગવાતાં ગીતોમાં માતાપિતાના પ્રેમનો ભાવ જોવા મળે છે.
આ દીકરી છે દુર્ગા અને પિતા છે સ્થાનિક જમીનદાર, જે દુર્ગાના પિતા, પર્વતરાજ, હિમાવનનો પાઠ ભજવે છે.શિવ એ એવા સંન્યાસી પતિ છે, જે હિમાલયથી ખુબ દૂર વસે છે. બે પુત્રો છે - જાડા અને ડાહ્યા , ગણેશ અને સુદઢ અને સશક્ત, કાર્તીકેય, જ્યારે દીકરીઓ છે સંપત્તિનાં દેવિ, લક્ષ્મી અને વિદ્યાનાં દેવી, સરસ્વતી.
દુર્ગા લડાયક દેવી છે. તેઓ સિંહ પર સવારી કરે છે,તેમના હાથમાં આયુધો ધારણ કરેલાં છે, અને સ્વરુપ બદલતા રહેતા ભૈંસાસુરનો તેમણે નાશ કર્યો છે. અને તેમ છતાં, આ ઉત્સવમાં એ , થોડો આરામ ગાળવા  આવેલ એક દીકરીનાં સ્વરૂપે સ્વીકારાયાં છે. જે ગામમાં તેમનું અવતરણ કરવામાં આવે છે, ત્યાંના લોકો તેમને એવી દીકરીનાં સ્વરૂપમાં જૂએ છે જેનો પતિ કંઇ જ કામ નથી કરતો, આખો દિવસ ગાંજાની ચિલમ ફુંકતો રહે છે અને સભ્ય સમાજ થી દૂર, ગુફાઓ અને સ્મશાનોમાં કુતરાંઓ અને ભુત પિશાચની વચ્ચે પડ્યો રહે છે. તેઓને એ વાતનું પણ દુઃખ રહ્યા કરે છે કે આ દીકરી, જે સુખસગવડોમાં ઉછરી છે, તેનો પતિ પોતે મહેલોને બદલે પહાડોમાં રહે છે અને પોતાની પત્નીની સુખાકારી માટે બેફિકર દેખાય છે. આથી દુર્ગાએ પોતાનાં કુટુંબની, ખાધાખોરાકી માટે અન્નપૂર્ણા તરીકે અને સલામતી માટે ચંડિકા તરીકે, સંભાળ લેવી પડે છે. જે દીકરીએ પરણ્યા પછી પોતાની સંભાળ જાતે કરવી પડે તેના માટે દરેકને ખુબ જ સહાનુભુતિ રહે છે. પરંતુ આ બધું દુર્ગા ખુબ જ આત્મસંયમથી સ્વીકારે છે, કારણ કે પતિ તો તેણે જાતે પસંદ કર્યો હતો, તેણે તો પ્રેમ લગ્ન કર્યાં હતાં.
સપ્તમી, અષ્ટમી અને નોમની ત્રણ રાતોમાં પોતાની, એક સંન્યાસીને પરણેલ , કુંવરી-દીકરીને ગાયન અને નૃત્યથી આનંદિત કરવામાં આવે છે.ભાત ભાતનાં વ્યંજન અને પકવાન તેમનાં ભોજનમાં, અને ભાત ભાતનાં પહેરવા ઓઢવાનાં વસ્ત્રો અને ઘરેણાંઓ તેમને ભેટ સોગાદ સ્વરુપે, આપવામાં આવે છે. વિજયા દશમીને દિવસે બધી ઉજવણીઓ તેની ચરમ સીમાએ પહોંચે છે, અને તે પછી તેને વિદાય આપવાનો સમય આવી રહે છે. તેમણે, પોતાનાં ચાર સંતાનો સાથે પોતના પતિને ઘરે, પાછા જવાનું છે.જ્યારે તેમની મૂર્તિ, જમીનદારનાં પ્રાંગણની વાડીમાંથી પ્રસ્થાન કરે છે,ત્યારે ગામની સ્ત્રીઓ ચોધાર આંસુએ રડે છે, કેમકે તેમની દીકરીએ ફરીથી તેના સંસારનો ભાર પોતાના પર ઝીલવાનો આવવાનો રહેશે.
પરલોકી દેવી દેવતાઓનું આમ માનવી સ્વરૂપે ભૌતિક, માનસીક અને આધ્યાત્મિક અવતરણ એ ભારતીય ઉત્સવોની વિશિષ્ઠતા છે.આખો સમાજ એ દેવ- દેવીની ભાવનાસાથે એકરૂપ બની રહે છે.દુર્ગા એવાં અનેક કુટુંબોમાંની સ્ત્રીનું પ્રતિક બની રહે છે, જ્યાં પતિ કામ નથી કરતો હોતો અને સ્ત્રીએ સમગ્ર કુટુંબની જવાબદારી નિભાવવી પડે છે. આમ એક સામાજિક વાસ્તવિક સત્ય એક ધાર્મિક વિધિવિધાન દ્વારા  સ્વીકૃતિ પામે છે.
*       'સ્પીકીંગ ટ્રી'માં ઑક્ટૉબર ૨૧, ૨૦૧૨ના રોજ પ્રકાશીત થયેલ.

v અસલ અંગ્રેજી લેખ, Welcome back daughter, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ડીસેમ્બર , ૨૦૧૨ના  રોજ Articles, Indian Mythology  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.