સોમવાર, 24 ડિસેમ્બર, 2012

સાચો માર્ગ કયો? - દેવદત્ત પટ્ટનાઇક


હું ગ્રાહકને ટકાઉ-પરવડે-તેવી-પેદાશોની જાણીતી શ્રેણીનાં ઉત્પાદનોમાટેનો વેચાણ વ્યવસ્થાપક છું. ટુંક સમયમાં જ પાણી શુધ્ધિકરણ માટેનાં એક ઉત્પાદનને અમે બજારમાં રજૂ કરવાના છીએ.મારી પાસે એ શ્રેણી રજૂ કરવા માટે, ક્યાં તો બજારમાં એકે ૪૭ની ગોળીઓની ધડબડાટીની જેમ એ ઉત્પાદનોનાં સંખ્યાબધ્ધ મૉડૅલોને બજારમાં રજૂ કરી વેચાણની સંખ્યા અંકે કરવી કે માત્ર બે મૉડેલને રજુ કરી અને તેના પર જ બધા પ્રયાસોને કેન્દ્રીત કરવા એ, બે વિક્લ્પો છે. બન્ને વિકલ્પોને પોતપોતાના ફાયદાઓ તો છે, પણ, મારૂં માનવું છે કે પૌરાણિકશાસ્ત્રોમાં આ દુવિધા અંગે કોઇ અનોખો જ ઉપાય હશે.તદુપરાંત મારી વેચાણ ટીમને કહેવા માટે મને એ તેમાથી એક સરસ  વાત પણ મળી રહેશે.

એક વાર, કૈલાશ પર બેસીને ગરૂડ એક ચકલીનું ગીત માણી રહ્યાં હતા, ત્યાં તેમની નજર મૃત્યુના દેવ, યમરાજ પર પડી. યમરાજની નજર એ પક્ષી પર હતી, પણ તેમનાં ભવાં ચડેલાં હતાં. કદાચ, તેમને એનું ગીત પસંદ નહીં પડ્યું હોય. એ પક્ષીનું ભલું કરવાના આશયથી, ભલા હૃદયના ગરૂડે એ પક્ષીને યમરાજની નજરથી ઓજલ કરવાનું નક્કી કર્યું. પોતાની હથેળીમાં બેસાડીને ગરૂડ મહારાજ એ ચકલીને સાત સમુંદર અને સાત પર્વતોને પેલે પાર ઉડાડીને લઇ ગયા.ત્યાં તેને ફળોથી ભરેલ એક ઝાડ પર મૂકી આવ્યા. હવે જ્યારે તે કૈલાશ પાછા આવ્યા તો યમરાજના ચહેરા પર હાસ્ય જોયું. યમરાજે સમજાવ્યું,"હવે મારો હિસાબ મળી ગયો. જ્યારે એ ચકલીને અહીં ગાતી જોઇ ત્યારે હું વિમાસણમાં પડી ગયો હતો. તેનું મૃત્યુ આજે લખાયેલું તો હતું, પણ અહીંયાં નહીં. તે તો ફળોથી ભરેલ એવા વૃક્ષની નીચે રહેતા એક અજગરને હાથે, અહીંથી સાત સમુંદર અને સાત પર્વત દૂર એક ગીચ જંગલમાં નિર્મિત હતું, પણ ગરૂડ મહરાજ, તમે મારૂં કામ સરળ કરી આપ્યું. તમારો આભાર."  હવે ગરૂડને સમજાયું કે પોતાનાં જે કામને તેમણે દયાનું કામ ગણ્યું હતું, તે તો પેલી ચકલીમાટે ઘાતક પરવડ્યું.
આપણે જ્યારે વ્યૂહરચનાઓ ઘડતાં હોઇએ છીએ ત્યારે કોઇ નવાઇની ઘટના તેના અમલ દરમ્યાન આવી ન પડે તેમ ઇચ્છતાં હોઇએ છીએ. આધારમાં લીધેલ આંકડાઓ અને પરિણામો અપેક્ષિત જ રહે તે માટે કરીને વિશ્લેષણો સાચાં હોય તેમ ખાત્રી કરવામાં આપણે કલાકો સુધી ચર્ચાઓ કરીએ છીએ. જેમ જેમ સંસ્થાઓ મોટી થતી જાય તેમ તેમ ભુલો પણ બહુ મોંધી પડતી થતી જતી હોય છે, તેથી પણ નિર્ણયો લેવામાં વધારે ને વધારે સમય અને મહેનત લગાડવામાં આવે છે. અને તેમ છતાં, આટઆટલી સંભાળ રાખવા છતાં પણ, કંઇને કંઇ ખોટું થતું જ રહેતું હોય છે/ થઇ શકે છે. આપણને પાછળથી વિચાર કરતાં જ સમજાય છે કે આપણાં અનુમાનો સાચાં હતાં કે ખોટાં.
ગરૂડે જેમ ચકલીને નહોતું પૂછ્યું કે તને બચવું છે કે નહીં, તેમ તમે પણ તમારાં ગ્રાહકને પૂછતા નથી કે તેને શું જોઇએ છીએ.તમે તેને અનેકવિધ વિકલ્પ આપશો તેથી એ ખુશ થશે કે તમે તેમના માટે કરેલ વૈકલ્પિક મૉડૅલની પસંદગીથી સહુથી સારો વિકલ્પ રજૂ કરશો તો તે ખુશ થશે? તમારા નિર્ણયની અસરો તમારી ઉત્પાદન ટીમ, તમારી માલની હેરફેર કરતી ટીમ કે તમારી વેચાણની ટીમને પણ થવાની છે. તમારા નિર્ણયનું કોઇ અલાયદું અસ્તિત્વ નથી. તમે સમગ્ર તંત્રનો એક હિસ્સો છો, જેને કોઇ યમ બરાબર નજર હેઠળ રાખે છે, બરાબર બધી હિલચાલની નોંધ રાખે છે, જેથી કરીને તમારૂં તે મુજબ,બરાબર, મૂલ્યાંકન થતું રહે.
તમને સાચા નિર્ણયની તલાશ છે તે વાત સાચી, પણ એ નિર્ણય 'સાચો' કોને માટે હોવો જોઇએ? તમારા માટે? તમારી કારકીર્દી માટે? તમારાં ગ્રાહક માટે? તમારી ટીમ માટે? તમારી સંસ્થા માટે? ઘણી વાર, આપણી સફળતા, લાબે ગાળે આપણી વિરૂધ્ધ જતી હોય છે. તો કોઇવાર આપણી નિષ્ફળતાઓ આપણે માટે શક્યતાની અકલ્પ્ય તકો ખોલી આપતી હોય છે. જીવનમાં, કે વ્યાવસાય કે વેપાર-ધંધામાં, કંઇ જ નિશ્ચિત નથી હોતું. વ્યવસાયિક-વિદ્યાલયોમાં શીખવાડાતી,  તે સંજોગોમાં થયેલ કે સંજોગો બદલી જવાથી થયેલ. નિષ્ફળતાને અવગણીને, કોઇ એક સંદર્ભમાં સફળ થતી દેખાતી કેસ-સ્ટડીઓથી અંજાઇ જવાની જરૂર નથી.
સો વાતની એક વાત, યજમાન તમે છોઃ ઝંપલાવવાનું પણ તમારે છે અને જવાબદારી પણ તમારી જ છે.
અને "કથાઓ"થી ખાસ ચેતજો - તે તો ઘણી વાર 'પ્રેરણા"ને નામે ભ્રામક પણ કે આડું અવળું પણ પરવ્ડી શકે છે. તે માત્ર સારી કહેવાયેલી કહાણીઓ જ છે, તેમાનું બધું જ સાચું નથી હોતું.

*       ET ની 'કૉર્પૉરૅટ ડૉઝીયર' પૂર્તિમાં ઑક્ટૉબર ૫,૨૦૧૨ના રોજ પ્રકાશીત થયેલ.

v અસલ અંગ્રેજી લેખ, Which way is the right way?, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર  ડીસેમ્બર ૧૬, ૨૦૧૨ના  રોજ Articles, Leadership ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ડીસેમ્બર ૨૪,૨૦૧૨