શુક્રવાર, 28 ડિસેમ્બર, 2012

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ પહેલો - ગુચ્છ ૭

#31 આપણી 'વૈચારીક શક્તિના આવૃતપટ' /Thinking Bandwidth” નો સમજણપૂર્વક ઉપયોગ કરીએ
|૨૬ જુલાઇ, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
મારો એક મિત્ર હંમેશાં ફરિયાદ કરતો રહે છે કે તેનો સાહેબ તેને સમજી જ નથી શકતો. તેણે એક પ્રસંગને બહુ જ વિગતે વરણવ્યો, જેનો સાર એ હતો કે "તેનો સાહેબ ખોટો છે" અને "તે સાચો  છે". અમે બન્નેએ તે વિષે લંબાણે ચર્ચા કરી, જેનો નિષ્કર્ષ એ હતો કે આ પરિસ્થિતિને જરૂરથી વધારે મહત્વ આપવું એ તેના હિતમાં નથી.
થોડા દિવસ પછી જ્યારે મારે તેને ફરીથી મળવાનું થયું ત્યારે હવે તેની કંઇ જૂદી જ વાત હતી. વાત હતી તો રસપ્રદ,પણ તેની તકિયાકલમ તો એ જ હતી - "તેનો સાહેબ ખોટો છે" અને "તે સાચો છે".એ પ્રસગનાં મસાલેદાર વર્ણનમાં તેઓ બન્નેનું વલણ શું હતું અને, ક્યારે તેમના સંવાદનો અંત થયો તે પણ આવરી લેવાયું હતું. મારો તેને સવાલ હતો, "આ બધું ક્યારે બન્યું તે તને બરાબર યાદ છે?  જો તું કહી શકે, તો મિનિટ અને સેકંડ સુધીની ચોક્કસ માહિતિ આપ." તે થોડો ગુંચવાઇ ગયો અને બેએક મિનિટ વિચારમાં પડી ગયો. લાંબી વાતને ટુંકાવીએ, તો એમ કહેવાય કે તેને 'મિનિટ'ની વિગત તો યાદ રહી હતી, પણ 'સેકંડ'સુધીની વિગત યાદ નહોતી.  હું ચુપચાપ સાંભળતો રહ્યો. થોડીવાર પછી તેને સમજાયું કે તે શું કરી રહ્યો છે - 'પોતાનાં જીવનમાં થઇ રહેલ બધી જ નકારાત્મક ઘટનાઓને જ યાદ કરતા રહીને તે પોતાની જાતને ખતમ કરી રહ્યો હતો."
આ પણ સમસ્યા તો છે જ, પણ વધારે મહત્વની સમસ્યા તો એ હતી કે તે પોતાનો સમગ્ર 'વૈચારીક શક્તિનો આવૃતપટ' માત્ર બિનઉત્પાદક ઘટનાઓથી ભરી દીધેલ હતો.બીજા શબ્દોમાં કહીએ તો, તેના વૈચારીકશક્તિના આવૃતપટ'નો ન-બરાબર મર્યાદીત ભાગ તેનાં પોતાનાં ભવિષ્યને ઉજાળવાના વિચાર માટે ઉપલબ્ધ બની શક્યો હતો. સારી વાત એ રહી કે, અમારી આ વાત થયા પછી હવે તે પોતાના 'વૈચારીક શક્તિના આવૃતપટ'નો વધુ સારી સમજદારીથી ઉપયોગ કરવા લાગ્યો હતો.
આપણા કિસ્સામાં શું બની રહ્યું છે - આપણે આપણા 'વૈચારીક શક્તિના આવૃતપટ' નો દરરોજ કેવો ઉપયોગ કરી રહ્યાં છીએ?

|૧ ઑગસ્ટ, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
 લેન્સક્રાફ્ટર્સ અને પ્રોગ્રેસીવ ઇન્સ્યૉરન્સ કંપની વચ્ચે, ગાહકમાટેની સેવાને અથાગ પણે કેન્દ્રસ્થ રાખવાની નીતિ એ, એક આંખે વળગે એવી સમાનતા છે
તાજેતરમાં મેં તેમની બે રજૂઆતો ને જોઇ અને મારૂં દિલ બાગ બાગ થઇ ગયું હતું.
૧. લેન્સક્રાફ્ટર્સ કોઇ જ જાતની ખણખોદ વગર, ૩૦ દિવસસુધી નવાં ચશ્માં વાપરી જોવાની સવલત  આપે છે.
૨. તે જ રીતે, પ્રોગ્રેસીવે બિલ્કુલ રોકટોક વગરની ફરિયાદનોંધણીની સેવા રજૂ કરેલ છે.
એટલે કે જો તમારી કાર બગડી હોય,તો તેને પ્રોગ્રેસીવના કોઇ પણ સ્ટૉર પર લઇ જાઓ, અને બદલાં કોઇ પણ ભાડાની કાર લઇ આવો. જ્યારે તમારી ગાડી રીપેર થઇ જાય, ત્યારે તેઓ આપણને જાણ કરે, એટલે પેલી ભાડે રાખેલી કાર પરત કરીને આપણી કાર લઇ ને ચાલતી પકડવાની.
આ રીત પોતાની જગ્યાએ તો આકર્ષક તો છે જ,પરંતુ વધારે આકર્ષક વાત તો એ છે કે આ પ્રકારની આ તેમની પહેલી યોજના નથી.આ બન્ને કંપનીઓ ગ્રાહક સેવાની બાબતે હંમેશાં અગ્રેસર જ રહેલ છે, અને ગ્રાહકને વધારે ને વધારે સારી સેવા પહોંચાડવામાટેની અવનવી રીત ખોળતાં રહેવામાં તેઓ માહેર છે.
આથી કોઇ વ્યક્તિને શું સંબંધ? મારા માનવા પ્રમાણે , બધો જ. કોઇ પણ સમયે, આપણે એક અથવા એકથી વધારે ગ્રાહકની સેવામાં રહેતાં જ હોઇએ છીએ. આપણને કામે રાખનાર (વ્યક્તિ કે સંસ્થા) પણ એક રીતે તો આપણા આવા ગ્રાહક જ છે. આપણે એવું છેલ્લું શું કર્યું હતું કે જેને કારણે આપણાં એક અથવા એકથી વધારે ગ્રાહક'વાહ' પોકારી ઉઠ્યાં હોય?

|૨૯ ઑગસ્ટ, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
આપણાં જીવન પર ઊંડી અસર કરી શકે એવી કઇ એક એવી મહત્વની વાત શીખવી જોઇએ તે વિષે ઘાણાં લોકો મને પુછતાં હોય છે. આપણે બધાં જ જાણીએ છીએ કે સફળતા મેળવવા માટેનો કોઇ ટુંકો માર્ગ નથી.પણ, તેમ છતાં, 'વધારે પડતાં સહેલાં' થવાનું જોખમ ઉઠાવીને પણ એક વિધાન કરવાનું મન થઇ આવે છેઃ
આપણી જીંદગીમાં ઉંડી અસર કરી શકે, અને છતાં સહેલાઇ થી શીખી શકાય તેવી વાત છે - પોતાને જ આપેલાં વચનને પૂરાં કરવા આકરી મહેનત કરવી”.
આ વિધાન પર બરાબર વિચાર કરીએ - ઘણીવાર, પોતાને આપેલાં વચન કરતાં, બીજાંને આપેલાં વચન પાળવાં સહેલાં પડે છે. હકીકત તો એ છે કે, આપણને જ આપેલાં વચનો બીજાંને તો ખબર ન હોય. દા.ત."આ અઠવાડીયે હું આ પુસ્તક વાંચી જ લઇશ" એ તો આપણને જ ખબર હોય. અઠવાડીયાંઓ પસાર થઇ જાય તો પણ પેલું પુસ્તક પૂરૂં ન થયું હોય. આપણે આપણને આપેલું વચન બીજાંને ખબર ન હોય, આપણને એ વચન પૂરૂં ન કરવાને કારણે થોડી ગુનાહીત લાગણી તો અનુભવાય, પણ આપણે આપણને દીધેલું એ વચન ન પાળી શકવા માટે કોઇ ને કોઇ સબળ કારણ શોધી કાઢવા જેટલા ચાલાક હોઇએ છીએ. ઘણીવાર તો આપણાં એ કારણો, મૂળ વચન કરતાં પણ વધારે પ્રબળ હોય છે.
થોડી હળવી રીતે જોઇએ, તો આપણને આપેલાં વચન ન પાળી શકવાને કારણે આપણને તગડી મૂકી તો શકાય નહીંને. પણ જો આપણે આપણને રુખસદ આપી શકીએ, તો તે પછી તેનો ઉપાય શો?  
આનો ઉપાય એ છે કે, પોતાને નાનાં વચનો આપીએ, અને પછી, જ્યાં સુધી એ આપણી ટેવ ન બની જાય, કમ સે કમ ત્યાં સુધી, તેમને પાળવામાટે સજાગ રહીએ,.આપણને આપેલાં વચન પાળવાં એ આપણા સ્વભાવની સાથે ઘુંટાઇ જવું જોઇએ. જો આમ કરવામાં સફળતા ન મળતી જણાય, તો આ પ્રક્રિયામાં કોઇ મિત્રને ભાગીદાર બનાવીએ અને આપણાં એ વચનો તેની સાથે વહેંચીએ.એ વચનો પૂરાં કરવાની જવાબદારી અદા કરવામાં તે મિત્રની સક્રિય મદદ લઇએ.
છેલ્લે ક્યારે આપણે આપણને અનિવાર્ય વચન આપ્યું હતું અને તેને પૂરૂં કરવા માટે તનતોડ મહેનત પણ કરેલી? જો આમ કરતા રહેવા માટે ૩૦ દિવસ સુધી મહાવરો પાડતા રહીએ તો શું પરિણામ આવી શકે? ૩૦ દિવસને અંતે ફેર પડશે જ, એ બાબતે શરત મારવી છે!

#34 આદાનપ્રદાન પર કરેલાં રોકાણનું વળતર” / ROII પર ધ્યાન આપીએ

|૬ સપ્ટેમ્બર, ૨૦૦૫ના રો જ પ્રકાશીત થયેલ
ના ના, મારી કોઇ ભૂલચૂક નથી થઇ. હું 'રોકાણ પરનાં વળતર'/ROIની નહીં, પણ મેં પ્રયોજેલા એક નવા શબ્દપ્રયોગ "આદાનપ્રદાન પરના રોકાણનું વળતર"/(“Return on Investment for an Interaction”)ROII વિષે જ વાત કરવાનો છું 
હું એ વિષે સમજાવું-
આપણાં જીવનમાં આદાનપ્રદાન વિપુલ માત્રામાં જોવા મળે છે.આપણે જ્યારે લોકોને મળીએ છીએ, જ્યારે તેમની સાથે વાતચીત કરીએ છીએ, ઇ-મેલની આપલે કરીએ છીએ કે, જ્યારે તમે મારો આ લેખ વાંચી રહ્યાં છો, ત્યારે ત્યારે આપણે કંઇ ન કંઇ આદાનપ્રદાન કરી જ રહ્યાં હોઇએ છીએ.
દરેક આદાનપ્રદાનની, બન્ને પક્ષે, કંઇ ને કંઇ કિંમત પણ ચૂકવવી પડતી હોય છે. જો આપણે સામા પક્ષનાં 'આદાનપ્રદાન પરનાં રોકાણ પરનાં વળતર"/ ROII (Return on Investment for an Interaction)પર પૂરતું ધ્યાન આપીએ તો, આપણને પણ અઢળક ફાયદો થઇ શકે.
આપણે આખાંય જીવનભર, આપણી સાથે આદાનપ્રદાન કરતી દરેક વ્યક્તિનાં 'આદાન પ્રદાન પરનાં રોકાણ પરનાં વળતર"ને વધારતાં રહીએ, એવું નક્કી કરીએ તો કેવું સારૂં? તેને કારણે આપણે પણ 'વિશિષ્ઠ' બની જ રહીએ ને?
પશ્ચાત ઉમેરો: મને આ સિધ્ધાંતને સમજાવી શકે તેવાં ઉદાહરણો આપવા માટે બે એક ઇ-મેલ આવ્યા છે. મને જે સહુથી તરત જ નજરે ચડે તેવા એક જ  ઉદાહરણ-બ્લૉગ-ને હું રજૂ કરીશ. લોકો સાથે બહુ જ ઝડપથી વિચારોની આપલે કરવામાટે બ્લૉગ મહત્વનું માધ્યમ બની રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી જેમના બ્લૉગને કારણે મને તેમની સાથેનાં આદાનપ્રદાન પરનાં રોકાણનું મહત્તમ વળતર મળી રહ્યું છે, તેવા કેટલાક (કોઇ ખાસ ક્રમ સિવાય) બ્લૉગને હું મારો આ લેખ અર્પણ કરીશઃ


|૧૫ સપ્ટેમ્બર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
સામાન્યતઃ લોકો પોતે કરેલ કામનું શ્રેય તેમને નથી મળતું હોતું એવી ફરિયાદ કરતાં રહેતાં હોય છે. તેનો કોઇ સીધો-સરળ ઉપાય તો છે નહીં, પરંતુ લોકોને વધારે તો એ વાત અખરે છે કે, જે લોકો એ શ્રેયનાં હક્કદાર નથી તે તેના પર પોતાનો દાવો કરી બેસતાં હોય છે.
સહુથી પહેલું તો એ કરવું જોઇએ કે જે કામનાં શ્રેયનાં આપણે હક્કદાર નથી તે, શ્રેય આપણે કદી સ્વીકારીએ નહીં.અને બીજું એ કે જે એ શ્રેય માટે ખરેખર હક્કદાર છે , તેને તે શ્રેય મળે તેમ કરીએ.'અણહક્ક'નું શ્રેય સ્વીકારી લેવાની કિંમત આપની પોતાની શ્રધ્ધેયતા વડે ચૂકવવી પડતી હોય છે. શાખ એ કંઇ ઘરે બેઠાં બેઠાં અંકે કરી લેવાની વસ્તુ નથી, તે માટે તો મહેનત કરીને તેને 'મેળવવી' પડે છે.

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’ -ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- ગુચ્છ  // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ  ૨૮ ડીસેમ્બર, ૨૦૧૨ ǁ