સોમવાર, 31 ડિસેમ્બર, 2012

સારાં યા નરસાં, કોઇ પણ પગલાંઓની પરિણામરૂપી અસરો તો જોવા મળે જ છે - દેવદત્ત પટ્ટનાઇક

હું એક મોટી બહુરષ્ટ્રીય કંપનીના ખરીદી વિભાગનો વડો છું, અને એકાદ વર્ષમાં સેવાનિવૃત્તિપણ લેવાનો છું. હું મારાં સમગ્ર જીવન દરમ્યાન પ્રમાણીક અને સીધી વ્યક્તિ રહેલ છું. હવે જ્યારે હું નિવૃત્ત થવાનો છું, ત્યારે હું મારી જાતને એક વિચિત્ર પરિસ્થિતિમાં આવી પડેલ અનુભવું છું. અન્ય કોઇ આવક છે નહીં અને મારી બધી જ બચત મારાં ત્રણ છોકરાંઓના ભણતરમાં ખર્ચાઇ જવાને કારણે, મારા અને મારાં પત્નીના બાકીનાં જીવનના નિર્વાહ માટે હવે અમારી પાસે હવે કંઈ રહ્યું નથી. પણ જો મારી નોકરીનાં બાકીનાં વર્ષમાં,  હું કેટલીક બાબતોને નઝરઅંદાજ કરૂં અને કેટલાક મોટા સોદાઓમાં થોડી બાંધછોડ કરૂં તો, અમારો સારી રીતે ગુજારો થઇ શકે તેટલું હું 'કમાઇ' લઇ શકું તેમ છું. તેને કારણે કંપનીને ગુણવત્તાને હિસાબે કોઇ નુકશાન નહીં થાય, તેમ જ  કોઇ ખાસ નાણાંકીય નુકસાન પણ નહીં થાય. એટલે શા માટે મારે તેમ ન કરી લેવું તેવી દ્વિધા મનમાં થયા કરે છે. પણ મારો અંતરાત્મા મને ડંખે છે.આમ જૂઓ તો, દેવોએ પણ, આત્યંતિક ભીડમાં આવી પડ્યે, ક્યારેક ને ક્યારેક નીતિના માપદંડો જોડે થોડી ઘણી છૂટછાટ ક્યાં નથી લીધી?

મને એવું જણાઇ રહ્યું છે કે તમે અપ્રમાણિકતા આચરવામાટે અનુમતિ માગી રહ્યાં છો?  જો કોઇ તેમાં સહમત થાય તો શું તે પગલું સ્વિકાર્ય બની રહેશે?  પ્રમાણિક,કે અપ્રમાણિક, થવા માટે તમારે કોઇની અનુમતિની શી જરૂર છે? દેવો 'અપ્રમાણિક થયા  છે, એટલે આપણે પણ અપ્રમાણિક થવું?
એક લોકવાયકા મુજબ, ભિષ્મએ, પોતે કૌરવો તરફથી કે પાંડવો તરફથી લડવું જોઇએ તે વિષે હસ્તિનાપુરનાં લોકોનો અભિપ્રાય પૂછ્યો. જવાબમાં લોકોએ કહ્યું," આજે હવે આ અનુમતિ માગવાનો શો અર્થ છે?  જ્યારે તમારા પિતા માટે કરીને, તમે રાજગાદીનો ત્યાગ કરી, આજીવન બ્રહ્મચર્ય પાળવાનું નક્કી કર્યું , ત્યારે તમે ક્યાં અમારી અનુમતિ માગી હતી? અમે, આ શહેરનાં નાગરિકો, એ એક ઉતાવળીયા નિર્ણયની કિંમત આજ પર્યંત ચૂકવતાં રહ્યાં છીએ. એ એક માત્ર કારણ છે જેને પરિણામે તો, આજે આ યુધ્ધ માથે તોળાઇ આવ્યું છે." 
તમારી કારકીર્દીની શરૂઆતમાં તમે તમારી પાછલી વયની જરૂરિયાતોને બદલે તમારાં છોકરાંઓની જરૂરિયાતો પર તમારા સંસાધનો કેન્દ્રીત કરી નાખવાનો નિર્ણય લીધો હતો. એ નિર્ણયનાં પરિણામો આજે હવે તમે ભોગવી રહ્યાં છો. સારી યા નરસી, પણ આ પરિસ્થિતિ તમે તમારા હાથથી સર્જી છે. આ કર્મો -આપણાં જ પગલાંઓનાં આપણે જ ભોગવવાનાં પરિણામો -ને આપણે જ ખપાવવાં તો રહ્યાં, જ્યારે તે જવાબદારી સ્વીકારવાને બદલે તમે તો તેના બલિ બની ગયાનો દાવો કરો છો.
તમે પ્રમાણિક રહેશો કે અપ્રમાણિક, ગમે તે સ્થિતિની કિંમત તો ચૂકવવી જ પડશે.મહાભારતમાં કૃષ્ણએ ધર્મના પક્ષે રહેવાને કારણે, કૌરવોની માતા, ગાંધારીના શ્રાપનો ભોગ બનવું પડ્યું , જેને પરિણામે તેમના કુળનો નાશ થઇ ગયો. તેમણે ન તો પોતાની નિર્દોષતાને આગળ કરી કે ન તો ગાંધારીને અન્યાયી કહ્યાં. સારાં કાર્યોનાં,કે બુરાં કાર્યોનાં,આનુષાગિક નુકસાનો તો હોય છે જ.
આધુનિક સંચાલનશાસ્ત્રનું ઘડતર જેના પર થયું છે તેવી ઇશ્વરીય આજ્ઞાપર આધારીત બાઇબલીય પરંપરાઓથી વિપરિત, હિંદુ તત્વજ્ઞાન મુજબ, કંઇ જ સાચું કે ખોટું નથી હોતું. સંસ્થાની અપેક્ષા હોય છે કે આપણે પ્રમાણિક રહીએ. પણ તે એમ પણ જાણે છે કે આપણે અપ્રમાણિક પણ થઇ શકીએ છીએ. એટલે જ સદોષ પ્રવૃત્તિઓ પર નજર રાખવા સારૂ,  સીસીટીવી કેમેરાથી સજ્જ તકેદારીમાટેની તાંત્રિક વ્યવસ્થાઓ અને કામગીરી પશ્ચાત્ અંકેક્ષણ/audit જેવી વ્યવસ્થાઓ ટકી રહી છે/ ફૂલીફાલી છે.  તમે પેલી બાજૂએ જઇ શકો અને તેમ કરવાને યોગ્ય પણ ઠેરવી શકો છો, પણ તેમાં પકડાઇ જવાની શક્યતાઓ તો રહેલી જ છે. અને પકડાઇ જવાથી બદનામી પણ થઇ શકે અને આબરૂની લિલામી પણ થવાની.અને ન પકડાઇએ તો પણ , જીવન પર્યંત સગવડિયો ધર્મ અપનાવવાની લાગણીની શરમ અને ડંખ તો જીરવવાં જ પડશે. આખરે પસંદગી તમારે કરવાની છે.
ભીષ્મએ મહાપ્રતિજ્ઞા લઇને, તેમના પિતને તો ખુશ કર્યા, પણ હસ્તિનાપુરનાં નગરજનોને વર્ષોસુધી રાજમહેલની રાજરમતોનાં માઠાં ફળ ભોગવવાની દુર્દશામાં નાખી દીધાં.  એ શું સારૂં કહેવાય કે ખરાબ? કંઇ જ હેતુલક્ષી સત્ય નથી હોતું. હોય છે માત્ર અભિપ્રાયો. અંતે, તમારે નક્કી કરવાનું છે અને તે નિર્ણયનાં પરિણામ પણ તમારે જ ભોગવવાનાં છે. બસ, હિંદુ પુરાણો તો આટલું જ કહે છે.

*       ET ની 'કૉર્પૉરૅટ ડૉઝીયર' પૂર્તિમાં ઑગસ્ટ ૩૧, ૨૦૧૨ના રોજ પ્રકાશીત થયેલ.

v  અસલ અંગ્રેજી લેખ, Actions, good or bad, have consequences, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર  ડીસેમ્બર ૧૯, ૨૦૧૨ના  રોજ Articles, Indian Mythology, Leadership ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ડીસેમ્બર ૩૧,૨૦૧૨