મંગળવાર, 29 જાન્યુઆરી, 2013

મારે અસલ જોવું છે - દેવદત્ત પટ્ટનાઇક

કાગળ પર લખાયેલું, હકીકત-સ્વરૂપે હોવું....

મને યુવાન લોકો સતત કહેતાં હોય છે કે તેમને અસલ રામાયણ , અસલ મહાભારત અને અસલ પુરાણો વાંચવાં છે. મને એ વાતે બહુ જ આનંદ થાય છે કે, પંડિતો જેવી માને છે, નવી પેઢી તેવી નથી. શાસ્ત્રીય વર્તુળોમાં જેન ઉર્‍-પ્રત\ઉર્‍-ટેક્ષ્ટ (જર્મન ભાષામાં ઉર્‍ એટલે અસલ અને અંગ્રેજી ટૅક્ષ્ટ એટલે પ્રત, લખાણ) તરીકે ઓળખવામાં આવે છે, તેની તેમને શોધ છે. પણ ભારતના સંદર્ભે એમાંથી કંઇ જ ઉપલબ્ધ નથી.
આના માટે બે કારણો છેઃ માળખાકીય અને દાર્શનિક. માળખાંની દ્રષ્ટિએ જોઇએ તો હિંદુ કે જૈન કે  બૌધ્ધ ધર્મ, પુસ્તકો પર આધારિત નથી. વિશ્વના અન્ય ધર્મો, યહૂદી ધર્મ કે ખ્રીસ્તી ધર્મ કે ઇસ્લામ,માં આ પ્રમાણે નથી. યહૂદી ધર્મમાં તનખ* છે, ખ્રીસ્તી ધર્મમાં બાઈબલ છે, તો ઈસ્લામમાં કુર્રાન છે.

ઇસ્લામિક સમયમાં કુર્રાનને એટલું મહત્વ અપાતું હતું કે જ્યારે શીખ ધર્મને, લગભગ ૨૦૦ વર્ષની મહેનત વડે,  ઔપચારીક રૂપ અપાયું, તે સમયના જ્ઞાની લોકોનાં દૈવી વિચારોને શબદ્‍ કિર્તનનાં રૂપે, એક પુસ્તકનાં સ્વરૂપે, ગ્રંથસ્થ કરી લેવાયાં. આ પુસ્તક વાહે ગુરૂનાં મૂર્ત સ્વરૂપ સમા  ગુરૂ ગ્રંથ સાહિબ તરીકે ઓળખાયું, આમ તે શિખ સંપ્રદાયનો આદિ ગ્રંથ કે ઉર્‍-ટેક્ષ્ટ છે.
સંસ્થાનવાદના સમયમાં , ખ્રીસ્તી ધર્મનો સમગ્ર દુનિયા પર એટલો પ્રભાવ હતો કે જે ધર્મોનું પુસ્તક સ્વરૂપે દસ્તાવેજીકરણ નહોતું થયું તે બધા ધર્મોને ખોટા પાડી દેવાયા હતા.અને તેથી હિંદુઓમાં કોઇક એકાદ પણ ધાર્મિક ગ્રંથ શોધી કાઢવા માટે ભાગદોડ મચી ગઈ હતી. ગઇ સદીમાં ભગવદ્‍ગીતાની લોકપ્રિયતા આ શોધ તરફ અંગુલિનિર્દેશ કરે છે.તે  પહેલાંનો લોકપસંદ ગ્રંથ, ઋગવેદ, વધારે ગૂઢ હોવાથી (કદાચ) ઈશ્વર ,કે પુનઃજન્મ, જેવા પણ  વિચારોથી અંતર રાખતો જણાય છે. અને તેથી ભક્તિની વિચારધારાથી હટીને, વધારે અજ્ઞેયવાદી પણ જણાય છે.
તાત્વિક રીતે, ભારતની, હિંદુ ધર્મ કે જૈન ધર્મ કે બૌધ્ધ ધર્મ જેવી, વિચારધારાઓ સનાતન, કાલાતીત, જણાય છે. કાલાતીત વિચારધારાઓ કોઇ ચોક્કસ સમય કે સ્થળ સાથે  સંકળાયેલ નથી હોતી, તેથી તેને પુસ્તક કે લિપિમાં બાંધી લેવું શક્ય નથી બનતું. આથી અસલ રામાયણની શોધ વધારે પડતી સાહસિક ગણી શકાય, કારણ કે રામાયણ તો સદાય અસ્તિત્વમાં રહેલ છે.પણ તેમ છતાં મૂળ રામાયણ શોધવા માટે દબાણ ચાલુ જ છે, કે જેથી તેને ભવિષ્યની પેઢીઓની 'ભ્રષ્ટ' અને 'પ્રદુષણકારી' અસરોથી બચાવી શકાય.
હિંદુ ધર્મમાં, લગભગ દરેક ગ્રંથનાં ઘણાં સંસ્કરણો અને તેટલીજ વિભિન્નતાઓ જોવા મળે છે, તેથી ખરેખર અસલ શું છે તે નક્કી કરવું મુશ્કેલ બની જતું હોય છે. તો વળી કોઇ પણ ગ્રંથ ત્યારે જ અર્થપૂર્ણ બને છે, જ્યારે તેને અન્ય ગ્રંથોની સાથે વાંચવામાં આવે. ઘણી વાર મૌખિક પરંપરાઓને પણ ધ્યાનમાં લેવી જરૂરી બની રહે છે. જો કે એ એક અલગ જ ચર્ચાનો વિષય છે.
વિષ્ણુની કથા વર્ણવતાં વિષ્ણુપુરાણના અંશ, આજ્ઞાકારી રામની કથા કરતું રામયણ અને નિયમોનું ઉલ્લંઘન કરતા રહેતા કૃષ્ણની કથા કરતું મહાભારત, એકમેકનાં પૂરક છે. વિષ્ણુપુરાણ ગૃહસ્થ જીવનની વાત કરે છે, અને તે રીતે સંન્યાસીનાં જીવનની વાત કરતાં શિવપુરાણનાં પૂરક તરીકે પ્રસ્તુત થાય છે.અને બન્ને સંપૂર્ણપણે અર્થસભર બને છે બ્રહ્મપુરાણનાં બૃહદ છત્ર હેઠળ , જે ખુદ દેવીઓની કથા, દેવી પુરાણ,નું પૂરક છે. આ બધાં જ અગમ કે તાંત્રિકની શ્રેણીમાં પડે છે, જેમાં વિચારસરણીઓને પાત્રનાં સ્વરૂપે રજૂ કરીને સ-ગુણ' બનાવાય છે. અને તે વળી અમૂર્ત વિચારધારા વાળાં નિગમ ,વેદ,નાં પૂરક બનીને 'નિ-ર્ગુણ' પણ બની રહે છે.
વૈદિક ગ્રંથો ને આસ્તિક તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેઓ તેમની રજૂઆત ઈશ્વરવાદી (આસ્તિક)શબ્દભંડોળ વડે કરે છે.જો કે અન્ય ઘણા (ગ્રંથો)એ આ પ્રકારની વિચારધારાને રજૂ કરવા ઈશ્વરવાદી શબ્દભંડોળ નો ઉપયોગ નથી પણ કર્યો. આ પ્રકારને નાસ્તિક (જૈન કે બૌધ્ધ ગ્રંથો)તરીકે ઓળખવામાં આવ્યા. આ સંપ્રદાયના અનુયાયીઓ, મહેનતકશ, શ્રમણ,તરીકે ઓળખાય છે. બ્રાહ્મણો, કે અન્ય ધર્મોપદેશકો, દ્વારા પ્રચલિત પરાપૂર્વથી ચાલી આવતી પરંપરાઓ અને પ્રાર્થનાઓને બદલે આત્મસંયમ, ધ્યાન, ચિંતન અને અનુભવમાં તેઓ વધારે આસ્થા રાખે છે. વૈદિક ગ્રંથોને વધારે સારી રીતે સમજવા મટે તેમના ગ્રંથોને વાંચવા જરૂરી બની રહે છે.
આમ, આ પ્રત્યેક (અસલ, આદિ)ગ્રંથ, સમગ્ર પ્રદેશની જેમ જ, ભારતને પણ એક એકબીજામાં ગુંથાયેલા પાસાઓ જેવા મહા કોયડાની ભાષામાં આપણને સમજાવે છે.
*        સનડે મિડડેની પૂર્તિ 'દેવલોક'માં ડિસેમ્બર ૨૩, ૨૦૧૨ના રોજ પ્રકાશીત થયેલ.

[*મોઝીઝનાં પાંચ પુસ્તકો\the Five Books of Moses તરીકે પ્રખ્યાત તૉરહ\ The Torah (અધ્યાપન\Teaching), નૅવી'ઈમ\Nevi'im (પયંગબરો \Prophets) અને કૅતુવિમ\Ketuvim ("લખાણો\ Writings”) નું સંક્ષિપ્ત સ્વરૂપ એટલે તનખ\ TaNaKh. હિબ્રુ-પ્રયોગ,તનખના પર્યાય સ્વરૂપે "મિક્રા \Miqra" (מקרא)”  - જે વાંચી શકાય તે-નો પ્રયોગ પણ થતો રહે છે.]

v અસલ અંગ્રેજી લેખ, Show me the original, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર  જાન્યુઆરી ૧૫, ૨૦૧૩ના  રોજ Articles, Indian Mythology  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.