રવિવાર, 10 ફેબ્રુઆરી, 2013

વધારે અસરકારક થવા માટે 'વૈકલ્પિક સર્જનાત્મક વ્યાસંગ"માં પ્રવૃત્ત થઇએ - તન્મય વોરા


મોટા ભાગનાં લોકો તેમનાં "મૂળભૂત" કૌશલ્યક્ષેત્રમાં જ પ્રવૃત્ત રહેવાનું પસંદ કરતાં હોય છે. વર્ષો સુધી એ જ ક્ષેત્રને સમજવામાં,તે વિષે અભ્યાસ કરવામાં, તેનો અમલ કરવામાં તેમ જ અવનવા પ્રયોગો કરવામાં તેઓ કલાકો ને કલાકો વીતાવી નાખે છે. આપણો મોટા ભગનો વિકાસ કોઇ એક બાબતને વળગી રહી, તે માટે સારામાં સારા પ્રયત્નો કરવાથી થતો હોય છે.
મારા અનુભવ પ્રમાણે તો, આપણા "મૂળભૂત કૌશલ્યક્ષેત્ર'માં નવપરીવર્તનાત્મક બની રહેવા માટે, આપણને પસંદ હોય એવો, કોઇને કોઇ, "વૈકલ્પિક" - સર્જનાત્મક - વ્યાસંગ ખોળી કાઢવો જોઇએ, જે આપણાં રોજબરોજનાં કામોથી થોડો અલગ હોય અને જેના સારૂ આપણે અઠવાડીયાના થોડા કલાક જરૂરથી ફાળવી શકીએ.  ગિટાર વગાડવી, શબ્દચક્રવ્યૂહ કે એવા કોયડા ઉકેલવા કે વ્યાયામ શાળામાં જવું, કે બ્લૉગ પર લખવું કે મનપસંદ વિષય વિષે વાંચવું, રસોઇ કરવી ( કે કરતાં શીખવું) કે પછી કોઇ સામાજિક પ્રવૂત્તિમાં ભાગ લેવો - એવી કોઇ પણ પ્રવૃત્તિ કરી શકાય.  
મારા એક ઓળખીત ડૉક્ટરને સંગીતનો જબરો શોખ છે. શહેરમાં થતા સંગીતના કોઇપણ જીવંત કાર્યક્રમને તે ચૂકતા નથી. તેમનું કહેવું છે કે, "હુ તેનાથી તાજો થઇ રહું છું, મારૂં સમગ્ર તંત્ર નવી ઉર્જાથી ભરાઇ ઉઠે છે, અને પરિણામે, હું મારાં "કામ"માં વધારે અસરકારક બની રહું છું." તેમના શોખને હજૂ આગળ વધારવા માટે, તેમણે સપ્તાહાંત દિવસોમાં સંગીત શીખવામાટેના વર્ગો પણ ભરવાનું શરૂ કરેલ છે. કેવી મજા અને કેવું તાજગીભર્યું પરિવર્તન!  
આ વિષય પર થયેલા શોધઅભ્યાસવડે એમ પણ જોવા મળ્યું છે કે આ પ્રકારની 'વૈકલ્પિક' પ્રવૃત્તિઓ,આપણા રોજીંદા જીવનની એકધારી ઘરેડને કારણે એકઠા થતા જતા માનસીક તણાવ ઓછો કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે.  આવી પ્રવૃત્તિઓ આપણી અન્ય માનસીક શક્તિઓ, જેવી કે લાગણીશીલતા, સર્જનાત્મકતા કે તાર્કિક ક્ષમતા,ને પણ વધારે સચેત કરવામાં મદદરૂપ બની રહે છે.
મને લેખન નવચેતન બક્ષે છે. લખેલ શબ્દ માટે મને ખાસ લાગણી છે, અને જ્યારે મારૂં મગજ, કીબૉર્ડપર ધસમસાટ ટાઇપીંગ કરતી આંગળીઓ સાથે સાયુજ્ય રચીને વિચારોને શબ્દદેહ આપે છે, ત્યારે તો મન બાગ બાગ થઇ જાય છે. મારી મૂળભૂત વ્યાવસાયીક લગન 'ગુણવત્તા' છે. અને લખવું એ મારી નિજાનંદની પ્રવૃત્તિ છે. 
આ વૈકલ્પિક પ્રવૃતિઓ આપણા સમયનો બગાડ છે અને આને બદલે આપણી "મૂળ" પ્રવૃત્તિમાટે એ સમય વાપર્યો હોત તો આપણે ઘણું વધુ સિધ્ધ કરી શક્યાં હોત, તેમ માનવું એ મહામોટી ભૂલ છે. મારા મત મુજબ, તો તેમ કરવું,કદાચ, બિનઉત્પાદક પણ પરવડ્યું હોત. આવી 'વૈકલ્પિક' પ્રવૃત્તિઓમાટે ફાળવેલો સમય એ 'વ્યય' નહીં પણ 'રોકાણ' છે. 
મહત્વનું એ છે કે –
જાતે જ પ્રયોગો કરી અને પોતાને કરવી ગમતી - કે પોતે કરવા ધારેલી - હોય તે પ્રકારની પ્રવૃત્તિ કરવી.
જેમાં સહુથી વધારે મજા પડે - કે જે કરવાની અદમ્ય ઇચ્છા રહેતી હોય - એવી પ્રવૃત્તિઓ ખોળી કાઢવી.
તે સિવાયનું બીજું બધું ન કરી અને આવી એક યા બે પ્રવૃત્તિ પર જ ધ્યાન કેન્દ્રીત કરવું.
આ પ્રવૃત્તિ(ઓ)માટે અઠવાડીયાંનો થોડો સમય નિયમિતપણે ફાળવીએ/ ફાળવવાનું આયોજન કરીએ.  
આમ કરતી વખતે, બહુ બધું કરવાનું માંડી ન બેસવું. બસ પ્રવાહ સાથે વહેતા રહેવું. એ સમયને માણતા રહેવું.    
કામની એવી અન્ય વ્યવસ્થા ઉભી કરીએ જે આપણને ગૌરવ અપાવે.   
આમ આપણાં "મૂળ (કૌશલ્યક્ષેત્ર)ને પ્રાધાન્ય આપવા સાથે સાથે 'વૈકલ્પિક (કૌશલ્ય/શોખ/પ્રવૃત્તિ)પર પ્રાવિણ્ય મેળવતાં રહીએ - એમાં બહુ આનંદ રહેશે, તરોતાજા રહેવાશે અને, વળી છોગામાં,આપણી "મૂળ" પ્રવૃત્તિમાં વધારે અસરકારક સિધ્ધ થવાશે.
આપનાં આવનારાં સપ્તાહો તરોતાજા, અત્યાસરકારક નીવડે તે શુભેછા સાથે.....

v અસલ અંગ્રેજી લેખ, Engaging in Alternative ‘Creative Pursuit’ to Be More Effective, લેખકની વૅબસાઇટ, QAspire.com,પર  ફેબ્રુઆરી ૮,૨૦૧૦ના  રોજ પ્રસિધ્ધ થયેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો