સોમવાર, 18 માર્ચ, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ બીજો - ગુચ્છ ૪

#66 'અત્યાર સુધીની વાત એમ છે કે..' તૈયાર રાખીએ

| નવેમ્બર ૨૫,૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ

સામાન્ય રીતે એવું થતું જોવા માળે છે કે -

૧. આપણે કોઇને મળીએ અને વાતાવરણ કે રાજકારણ કે સાંપ્રત ઘટનાઓ કે રમત ગમતની વાતથી શરૂઆત કરીએ, અને પછી, ધીમે ધીમે મિત્રતા બંધાતી જાય.

૨. કંઇ પણ અંગત વાત શરૂ કરવામાં ખાસ્સી વાર લાગે.

૩. થોડો સમય વિત્યા પછી, બન્ને એકબીજાં- સારી, ખરાબ, આશાઓ, અરમાનો-ની વાત કરવા લાગે.

૪. તે પછી, સંબંધ એક નવી કક્ષાએ પહોંચે.

આપણા દરેક પાસે કંઇ ને કંઇ કહેવાનું તો છે, અને તે રસપ્રદ પણ છે. આપણી એક વાત છે, અને આપણા મિત્રની પણ એક વાત છે.સવાલ એ છે કે શું આપણે બન્ને એ વાતને પૂરાં ઊંડાણથી, એકબીજાં સાથે વહેંચી છે ખરી?

મેં મારૂં ઇલેક્ટ્રૉનીકસ એન્ડ કમ્યુનિકેશન એન્જીનિયરીંગનું સ્નાતક કક્ષાનું ભણતર '૯૦ના દાયકામાં પૂરૂં કરેલ. આજે, તમે (ખરૂં જ) ધારતાં હશો, તેમ મારા એ સમયનાં સહાધ્યાયીઓ દુનિયાને ખૂણે ખૂણે અવનવાં કામો કરતાં હશે. જ્યારે હું '૯૭માં અહીં આવ્યો, ત્યારે તેમાંનાં ઘણાંને અહીં શોધવાં એ અઘરૂં નહોતું પડ્યું. એમાંના એક મિત્રએ પહેલ કરીને સરનામાંઓની યાદી બનાવી, જેથી એકબીજાંનો સંપર્ક કરવાનું સહેલું પરવડે. થોડાં વર્ષો સુધી એ સરનામાંની યાદી સક્રિય રહી, અને બધું ઠીકઠાક ચાલતું રહ્યું. એક વાર, અમારાં ગ્રુપમાં "અત્યાર સુધીની વાત એમ છે કે.."ની વાત એકબીજાંને વહેંચવાનું અમે નક્કી કર્યું. લગભગ અડધાં લોકોએ કૉલેજ છોડ્યાના પહેલા દિવસથી માંડીને આજ સુધીની સફળતાઓ, નિષ્ફળતઓની તેમનાં કુટુંબની તેમના શોખની એમ વિગતે વાત કરી. દરેકે કહેલી પોતાની વાત વાંચવાનો એ અનુભવ ખરેખર અદ્‍ભૂત રહ્યો. એકબીજાંની વાત વાંચવાને કારણે, મારા ઘણા મિત્રો સાથેના મારા સંપર્ક, કલ્પનાતીત કક્ષાએ, વધારે ઘનિષ્ઠ બન્યા.

આને માટે, મારી 'અત્યાર સુધીની વાત..'માં, મેં મારાં જીવનનની બધીજ મહત્વની ઘટનાઓને આવરી લીધી. હું તેને વખતો વખત સુધારીને છેલ્લા છ મહિના સુધીની ઘટનાઓને આવરી લેતો રહું છું. મેં મારા ઘણા મિત્રો સાથે આ વાતને વહેંચી છે, અને પરિણામ દરેક વખતે એ જ રહ્યું છે - હંમેશાં કંઇ નવું જાણવાનું મળ્યું છે અને એકબીજા માટે માન વધારે ને વધારે વધતું રહ્યું છે. આ અનુભવવા જેવો અનુભવ છે!

સારાંશ: કહાણીઓ ખુબ જ શક્તિશાળી હોય છે. આપણી પોતાની વાત પણ પ્રભાવશાળી છે. દુનિયામાં આપણે સહુથી મહત્વનાં છીએ, તેથી આપણી વાતનું દસ્તાવેજીકરણ કરવું જોઇએ.આપણી 'અત્યાર સુધીની વાત..'ને તાજી, અને મિત્રો સાથે વહેંચવા તૈયાર, રાખતાં રહીએ, જેથી આપણા સંબંધો ઉત્તરોત્તર ઘનિષ્ઠ બનતા રહે.

ખૂબ ખૂબ શુભેચ્છાઓ!





| નવેમ્બર ૨૬, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
એક સિધ્ધાંત તોડવો અઘરો છે, અને તે છે, ઘણીવાર “Things Take Time” (3T) /’દરેક વાતને એક ચોક્કસ સમય લાગે છે" તરીકે ઓળખાતો સિધ્ધાંત.

મને ઘણી વર એમ થાય કે વર્ષ ૨૦૦૦નાં અંત ભાગમાં જ્યારે મેં
CIGNEX શરૂ કરી, એ દિવસોમાં જો આ 3T સિધ્ધાંતને અનુસરવાનું રાખ્યું હોત તો કેટલું સારૂં રહ્યું હોત. ટૅક્નૉલોજીની દુનિયામાં કામ કરતાં બધાં લોકો જાણે છે કે એ સમય ઘણો કપરો હતો, કોઇ કોઇ પાસેથી કશું ખરીદતું નહોતું. આજે જ્યારે હવે એ સમયને યાદ કરીને વિચાર કરૂં છું, તો હસવું આવે છે-

* અમારી પાસે અમારા ગાહકોમાટે મન રોકી ન શક્યા તેવા પ્રસ્તાવો હતા, અને મને થતુ કે, સંભવિત ગ્રાહકો એ વિશે સાંભળવા માટે જરૂર આક્રર્ષાશે. પણ , કમનસીબે એવું બનતું નહોતું!

* જ્યારે કોઇની સાથે મુલાકાત ગોઠવાતી, ત્યારે એમ થતું કે, આજે તો અમારા પ્રસ્તાવમાં તેઓ પૂરેપૂરો રસ લેશે. પણ કમનસીબે, એવું કશું બનતું નહોતું!

* જ્યારે તેઓ અમારા પ્રસ્તાવમાં રસ લેતા, ત્યારે મને એમ થતું કે, હવે તેઓ ખરીદીનો સોદો કરશે. પણ કમનસીબે, એવું કશું બનતું નહોતું!

* જ્યારે તેઓ ખરીદવા અંગે થોડો પણ રસ બતાવે, ત્યારે મને એમ થતું કે, હવે તો તેઓ હમણાં જ ખરીદીનો સોદો કરશે.પણ કમનસીબે, એવું કશું બનતું નહોતું!

આ બધાંથી મને એક બહુ જ સાદો, પણ અત્યંત પ્રભાવશાળી, પાઠ ભણવા મળ્યો -"દરેક વાતને એક ચોક્કસ સમય લાગે છે\Things take time.” કારણકે મને સોદો કરવાની ઉતાવળ હતી એટલે એનો અર્થ એમ નહીં કે સામી વ્યક્તિને પણ ઉતાવળ છે. કોઇ પણ વાત તેના સમયે જ પાકે છે. ક્યારેક આપણે ઉતાવળ પણ કરવી પડે અને ક્યારેક ઢીલું પણ મુકવું પડે. ડહાપણ એ ફરક સમજવામાં છે. એક વૃક્ષને ઉગવામાં વર્ષૉ લગી જાય છે, એક બાળકનો જન્મ ૯ મહિને જ થાય છે. એમાં ઉતાવળ કરવાથી કંઈ વળે નહીં.

હા, મેં આ બધાં વર્ષોમાં -"દરેક વાતને એક ચોક્કસ સમય લાગે છે\Things take time.”ના સિધ્ધાંતની સાથે બાખડતાં રહેતાં હોય એવાં કેટલાંય લોકો જોયા છે, તો એવાં પણ ઘણાં જોયાં છે જેઓએ તેના પર પ્રભુત્વ પણ મેળવ્યું હોય. જે લોકો બાખડતાં જોવા મળે છે તો સામાન્યતઃ ઉતાવળીયાં કે રઘવાટીયાં કે નિરાશાવાદી હોય છે. તેમને તો હમણાં જ ફળ ભોગવવાં છે. તેઓ ઇ-મેલ કર્યા કરશે, વૉઇસમેલ પર સંદેશા આપ્યે રાખશે કે ક્યારેક વળી કોઇને કોઇ બહાને રૂબરૂ મળવા જઇને પણ વાતને છેડતાં રહેશે. જ્યારે સામે પક્ષે, આ સિધ્ધાંતને જેમણે પચાવી રાખ્યો છે તેઓ સામાન્યત: શાંત, ઠરેલ અને પોતાના સમય પર નિયંત્રણ ધરાવતાં હોય છે. જ્યારે કોઇ કહે કે હું થોડા સમય બાદ આ વિષય પર વધારે વાત કરીશ, ત્યારે તેનો અર્થ બરાબર સમજી જતાં હોય છે. તેઓ જાણે છે કે - કોઇ પણ વાત તેના સમયે જ પાકે છે!

3Tના સિધ્ધાંતને ન સમજવામાં જોખમ એ છે કે આપણે એમ માની લઇએ છીએ કે, કોઇપણ વાત ઝડપથી કરવા માટેનો ઉપાય, હાડકાં ભાગી નાખે એવો, સખત પરિશ્રમ છે. જ્યારે ખરેખર તો સમજવાની જરૂર એટલી છે કે, ક્યારેક, વાત તેના સમયે જ પાકે છે.


| નવેમ્બર ૨૭, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
આપણે જો જરા પણ સમજુ હશું તો એટલું તો સમજીએ જ છીએ કે જો આપણે કોઇ તારણ પર પહોંચી જઇએ છીએ, તો તે હંમેશાં લાગુ પડતું રહે છે. ખરૂ ને?

પણ હકીકતમાં, આપણે કંઇક જૂદું જ કરતાં હોઇએ છીએ. મોટા ભાગનાં લોકોને, બહુ દુરગામી તારણો કે સામાન્ય અભિપ્રાય બાંધવા માટે, બહુ મોટા પુરાવા નથી જોઇતા હોતા. તમે લોકોને "એ કાયમ મોડો હોય છે'; 'બહુ લુચ્ચો છે'; "તેકાયમ ફરિયાદ કરતી રહે છે' એવું કહેતાં સાંભળ્યાં હશે. તેઓ સાચાં હોઇ પણ શકે અને ન પણ હોઇ શકે. પણ જે રીતે આ વિધાનો કરવાં આવ્યાં છે તે તો જાણે 'બધા જ સંજોગોમાં, સદા સાચાં જ' હોય તેમ જ જણાય છે.

એક જાત અનુભવ: બે એક અઠવાડીયાં પહેલાં એક શૉપીંગ મૉલમાં હું પાર્કીંગ માટેની જગ્યા શોધતો હતો. તે બહુ વ્યસ્ત સપ્તાહાંત હતો, એટલે બહુ જગ્યાઓ ખાલી નહોતી. અંધારૂં થઇ ચૂક્યું હતું અને હું ધીમે ધીમે ગાડી ચલાવી રહ્યો હતો. થોડીવારમાં મેં એક ખાલી જગ્યા જોઇ, પણ મારાથી ત્યાં તરત પાર્ક કરી શકાય તેમ નહોતું, કારણ કે બાજુની જગ્યામાં ઉભેલી ગાડીના પાછળના બન્ને દરવાજા ખૂલા હતા. બન્ને દરવાજાની બહાર એક યુગલ ઉભું હતું અને એવું દેખાતું હતું કે તેઓ કંઇક ઠીક કરવા મથી રહ્યાં હતા. મારે થોડી રાહ જોવી પડી. હું મારી ધીરજ ગુમાવીને એવાં તારણ પર પહોંચવાપર જ હતો કે કોઇ આટલું અસભ્ય કેમ થઇ શકે, અને વિચારવા જતો હતો કે 'ગાડીને ઘરે લઇ જઇને ઠીક કરતાં શું જોર પડતું હશે?" બસ એજ વખતે એ પતિ અને પત્ની પોત પોતાના હાથમાં એક એક મજાનાં ભુલકાંને તેડીને બહાર આવ્યું. બન્ને બાળકો, મજાનાં, ઊંઘી ગયાં હતાં. હવે મને ખ્યાલ આવ્યો કે તે યુગલ તે બાળકો જાગી ન જાય તેની કાળજી લઇને તેમને બહાર કાઢી રહ્યું હતું. મારી અભિપ્રાય બાંધી લેવાની પ્રક્રિયા ફડાક દઇને રોકાઇ ગઇ. ફરી એક વાર નક્કી થઇ ગયું - જલદીથી અભિપ્રાય બાંધી બેસવાનાં કુંડાળામાં ફસાઇ જવું બહુ સહેલું છે.

જરાક ધ્યાન થી જોશું તો ખ્યાલ આવશે કે આમ થવા પાછળનું મૂળ કારણ છે આપણી એ માન્યતા કે "જે સમસ્તમાટે સાચું છે તે તેના કોઇ એક ભાગ માટે પણ સાચું છે." આમાંથી બહાર નીકળવું હોય, તો અભિપ્રાય કે તારણ બાંધવાની પ્રક્રિયાને થો..ડી ધીમી કરી દેવાની જરૂર છે.





| નવેમ્બર ૨૯, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ

નાની નાની સફળતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું જોખમ એ છે કે આપણે 'સતત સર્પાકાર લક્ષણસમૂહ'\“Continuous Spiral Syndrome” નાં ચક્કરમાં ફસાઇ જઇ શકીએ છીએ. ટુંકા ગાળામાં જીત થતી જરૂર લાગે, પણ શક્ય છે કે લાંબે ગાળે નુકસાન થતું હોય. તો બીજે છેડે, મોટા વિજયો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં જોખમ એ છે કે, જે કોઇ એક વ્યાજબી સમયગાળામાં કોઇ નોંધપાત્ર પ્રગતિ થતી દેખાય નહીં, એટલે નિરાશ થઇને આપણે એ દિશામાં પ્રયત્ન કરવાનું જ મુકી દઇએ.

એટલે એક વિકલ્પ છે બન્ને વચ્ચેનો મધ્ય માર્ગ પકડવો અને 'હરણફાળ જેવી સફળતા'ની શક્યતાવાળી અને 'નાની પણ મહત્વની ફતેહવાળી' પરિયોજનાઓનો સંતુલીત ગુચ્છ બનાવવો.

આવો એક ઝડપી કસોટી વડે વર્તમાન સંતુલનને ચકાસી જોઇએ.

હાથ પર હોય તે બધી પરિયોજનાઓની યાદી એક કાગળ પર બનાવો. બીજા એક કાગળ પર બે સ્તંભ બનાવો -

મોટી સફળતાઓ | નાની ફતેહો

હવે પહેલી યાદીમાંની પરિયોજનાઓને આ બેમાંથી જે વધારે યોગ્ય જણાય તે શ્રેણીમાં લખતાં જાઓ. બહુ વિગતે વિશ્લેષણ કરવાની જરૂર નથી. હું જ્યારે મારાં એક મિત્ર સાથે આ કસોટી કરી રહ્યો હતો, ત્યારે તેમનો પહેલો સવાલ એ હતો કે, " મારી કેટલીક પરિયોજનાઓ છે તો 'નાની ફતેહ' શ્રેણીંમાં, પણ જો તે બધી જ સારી રીતે પૂરી થાય તો 'મોટો વિજય' મળ્યો ગણાય. હવે શું કરવું?" જવાબ એ છે કે બહુ વિચાર કરવાની કે મહેનત કરવાની જરૂર નથી, એ બધી યોજનાઓને 'નાની ફતેહ' શ્રેણીમાં વર્ગીકૃત કરી નાંખો. જ્યારે વર્ગીકરણ બાબતે બહુ ગુંચવાડો થતો લાગે, ત્યારે તમારી કોઠાસૂઝને અનુસરો અને જે વધારે યોગ્ય લાગે તે શ્રેણીમાં ફાળવી દો. આ કસોટી કંઈ આપણાં મુલ્યાંકન માટે થોડી છે!

એક વાર બધી યોજનાઓ બે ભાગમાં વહેંચાઇ જાય પછી જૂઓ કે બન્ને યાદીમાં સંતુલન છે કે નહીં. બે યાદીમાં વહેંચણીમાટે તમે તમારી પસંદનો ગુણોત્તર વાપરી શકાય, જેમ કે દર એક 'મોટા વિજય'વાળી પરિયોજના સામે પાંચ 'નાની ફતેહ' યોજનાઓ.

જો અપેક્ષિત સંતુલન જોવા ન મળે તો કામે લાગવું પડે - યોજનાઓની યાદીને ફરીથી જોઇ જઇને પ્રાથમિકતાની ફેરચકાસણી કરો અને એ મુજબ વર્ગીકરણમા ફેરફાર કરો. જ્યાં સુધી આપણા સંતોષને અનુરૂપ સંતુલન પ્રસ્થાપિત ન થાય, ત્યાં સુધી આમ કરતાં રહો.

શુભેચ્છાઓ....





| ડીસેમ્બર ૦૧, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
'માળીયા-સંગ્રહની ઉપયોગીતા' કદાચ બહુ યોગ્ય શબ્દ ન ગણાય. પરંતુ ઘણી માથાંફોડ છતાં, મારે જે કહેવું છે તે સડેડાટ સમજાવી શકાય એવો કોઇ વધારે સારો શબ્દપ્રયોગ મને મળ્યો નહીં. એક જ મિનિટમાં હું મારું પ્રયોજન સમજાવી દઇ શકીશ.

જુદી જુદી પહોંચની માત્રાવાળી અનેક વ્યક્તિઓને આપણને મળવાનું થતું રહે છે , કે ઓળખાણો થતી રહે છે. કેટલાંક પહોંચના પ્રભાવના વર્ણપટને સાવ એક છેડે - સાવ પ્રભાવહીન - જોવા મળે તો કોઈ અતિપ્રભાવશાળી પહોંચ જેવા સામા છેડા પર હોય, તો ઘણાં વળી આ બન્ને અંતિમોની વચ્ચે ક્યાંકને કયાંક મુકી શકાય તેમ હોય છે.

આપણે એક વાર મળીએ, થોડી વાત ચીત કરીએ, ફરીથી મળીએ , થોડી વધારે વાતચીત થાય, અને ધીમે ધીમે, સંબંધ વધતો રહે છે.

ખાસ કરીને યુવાન અને નવા વ્યાવસાયીકો માટે બહુ પ્રભાવશાળી લોકોસાથે સંબંધ કેળવવાનું કામ મુશ્કેલ છે, સિવાય કે તેમની પાસે, રજૂ કરવા લાયક, કોઇ બહુ જ આકર્ષક આવડત કે સિધ્ધિ હોય. જ્યાં સુધી આ પરિસ્થિતિમાં કોઇ ફરક ન પડે ત્યાં સુધી તેમનો પ્રભાવ-આંક ઊંચો જઇ શકે નહીં. આ સમીકરણની એક મહત્વની કડી છે - પ્રભાવશાળી લોકો જોડે મિલન-મુલાકાત. એ વ્યક્તિઓનાં ધ્યાન આકર્ષીત કરીને પોતા તરફ રાખી શકાય તેટલા પરીધ -'મહત્વના સંબંધોની માળીયા-સંગ્રહની ઉપયોગીતા'-માં કેટલો સમય રહી શકાય છે એ ખરી કસોટી છે.

આવો, ચકાસણીની એક ઝડપી રીત જોઇએ:

૧. એક વર્ષ પાછળ જતાં રહો. તે સમયથી અત્યાર સુધી મળેલ, કે ઓળખાણ થયેલ, મહત્વની વ્યક્તિઓની યાદી બનાવો.

૨. આ દરેક નવી ઓળખાણની સામે તમે કેટલા સમયથી તેમને સારી પેઠે ઓળખો છો તે લખો. આમાંની અમુક ઓળખાણો તાજી હોય તો તે પણ સારૂં છે. જો જુની હોય, તો દરેકની સામે મહિનાઓમાં પાકી ઓળખાણ થયાનો સમય લખો, જેમ કે - ૧ કે ૨ કે ૩ કે ૬ મહિના વગેરે.

૩. ગણત્રીની સરળતા માટે આ સમયની સરેરાશ ગણી કાઢો. આ થશે મહત્વના સંબંધની 'સંગ્રહ-ઉપયોગીતા'નું સમયમાં માપ.

૪. દર વર્ષે આ સમય મર્યાદા લંબાતી રહે તે માટે સભાનપણે પ્રયત્ન કરતાં રહો.





શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’ -ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ બીજો - ગુચ્છ ૪ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ માર્ચ ૧૮, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો