ગુરુવાર, 14 માર્ચ, 2013

નવસુધારણા કે કામચલાઉ-તત્ક્ષણ-સુધારો - દેવદત્ત પટ્ટનાઇક


ભારતમાં 'જુગાડ' મનોવૃત્તિ એટલે જરૂરી છે કે, આપણે ત્યાં પાછા પડી ગયા પછીનું કોઇ ઉપચાર-તંત્ર  નથી.

કૉર્પૉરેટ જગતમાં છેલ્લાં પાંચ-સાત વર્ષમાં નવસુધારણા ચર્ચાને ચાકડે ચડેલ જોવા મળે છે. આપણે ત્યાં તો વળી 'જુગાડ મનોવૃત્તિ'ને નવસુધારણાના પર્યાય તરીકે પણ જોવામાં આવે છે. એ સંદર્ભમાં મને વિચાર આવે છે કે ભારતીય પુરાણશાસ્ત્રોમાં 'નવસુધારણા' જેવો કોઇ વિચાર છે કે નહીં.
પુરાતન કાળથી, ભારતીયો માનતાં આવ્યાં છે કે આ દુનિયામાં કંઈ જ સ્થાયી નથી. બધું જ સતત બદલતું રહે છે. લડાઇખોર અસુરોદ્વારા, સ્વર્ગના દરવાજે થતી રહેતી, કાયમી લડાઇઓને કારણે, ખુદ દેવોના રાજા ઈન્દ્રને પણ ખબર નથી કે તેની ગાદી કયાં સુધી ટકશે. કંઇ જ નિશ્ચિત નથી. બધું બદલતું રહી શકે છે, અને બદલતું રહે પણ છે. આ એક સ્વીકૃત વાસ્તવિકતા છે.
જ્યારે તેનાથી વિપરીત, પાશ્ચત્ય જગત સ્થાયી વૈશ્વિક વ્યવસ્થાની પુષ્ટિ કરે છે - વરદાયિત ભૂમિ, ઑલીમ્પસનો પહાડ - જ્યાં બધું સ્થિર રહે છે. સમયાંતરે થતા રહેતા, 'ક્રાંતિ'ઓ જેવા,  નાટકીય વિક્ષેપોની ચર્ચા જરૂર જોવા માળે છે, પણ તે થાય તો લાંબા અરસાની સ્થિરતા પછી. અંધાધુંધીને પરિણામે રખેવાળો પણ બદલી જઇ શકતા રહે છે - જેમ કે ૧૯મી સદીના સાંમંતશાહી સત્તાસૂત્રોને સ્થાને ૨૦મી સદીનાં રજવાડાં-પશ્ચાત ગણરાજ્યો. 
જેવું પરિવર્તનના વિચાર માટે છે, એવું જ સર્જનાત્મકતા માટે પણ મનાય છે.કારણકે ભારતમાં પરિવર્તન એ ઓછી માત્રામાં, સતત થતી રહેતી, પ્રક્રિયા છે, સર્જનાત્મકતા પણ તત્‍ક્ષણ સુધારણાનાં સ્વરૂપે થતી રહેતી એક સતત જીવનશૈલી છે.પશ્ચિમ જગતમાં પરિવર્તન ત્રુટક-ત્રુટક,ખાસ્સા ઉંચા ચડાવ-ઉતારનાં, સ્વરૂપે થતો માનવામાં આવે છે,અને તેથી ઘણી વધારે સર્જનાત્મકતાની જરૂર જોવામાં આવે છે, તેમ જ નવસુધારણાને પરિણામે થતા ફેરફારો તંત્રમાં કાયમી ફરક પેદા કરે છે અને પછી, તે પછીની ક્રાંતિ ન થાય ત્યાં સુધી,પ્રમાણમાં લાંબા સમય સુધી, સ્થિરતા બની રહે છે.
આમ, ભારતમાં 'તત્ક્ષણ કામચલાઉ સુધારણા'ની મનોવૃત્તિ છે, જેને જીવનમાં સતત થતાં રહેતાં પરિવર્તનોને પહોંચી વળવા માટે જરૂરી સ્પષ્ટતા,અગાહી કરી શકવાની ક્ષમતા અને, નિશ્ચિતતાની કમી ફાવી ગઇ છે. પશ્ચિમમાં 'નવસુધારણા'ની મનોવૃત્તિ છે જેને અસ્પષ્ટતા અને અનિશ્ચિતતા માટે અણગમો છે, અને તેથી તે હંમેશાં નવી વૈશ્વિક વ્યવસ્થા અને સ્થિરતાની વધુ ઉત્કૃષ્ટ સંવેદના ઊભી કરવા પ્રયત્નશીલ રહે છે.
પશ્ચિમ જગત ભરોસાપાત્ર તંત્ર પર અધાર રાખીને કામ કરવામાં માને છે.અમેરિકામાં કામ કરતી મલની ફેર્ફેર કરનારી કંપની નકશાઓની ચોકસાઇ, સુનિયોજિત રસ્તાઓનું માળખું,હંમેશાં કાર્યરત સિગ્નલીંગ તંત્ર સ્વિકારીને અને જકાત કરની વ્યવસ્થાને પાળીને ચાલે છે. પરંતુ તે જ કામ કરતી ભારતની કંપની, નકશા સાચા હશે; રસ્તાઓ મરમ્મત થયેલ હશે; સીગ્નલ ચાલતાં હશે અને નાકાંજકાત નિયમાનુસાર લેવાતી હશે  એવું કશું જ માની લઇને ચાલી નથી શકતી. એટલાં બધાં બદલતાં રહેતાં પરીબળો કામ કરતાં હોય છે કે, ભારતમાં ટકી રહેવા માટે ખટારાના ચાલકને માત્ર 'તત્ક્ષણ કામચલાઉ સુધારણા', એટલે કે 'જુગાડ'ની મનોવૃતિ જ કામ આવી શકે છે. જો તેમ ન કરે તો, બધું કડડભૂસ થઇને હેઠું પડે.
અમેરીકામાં જો કોઇ આકસ્મિક સંકટ આવી પડે તો, ૯૧૧ ઉપર ફોન જોડવાનો રહે છે. હૉલીવુડની ફિલ્મોને કારણે, આપણને પણ આ વ્યવસ્થાની ખબર છે. પણ ભારતમાં સંકટ સમયે જાણ કરવી હોય તો કયો નંબર જોડવાનો? હા, સાચું યાદ આવ્યું - કોઇ એક નંબર જ નથી. મોટા ભાગના કિસ્સાઓમાં, આપણે આપણાં કુટુંબીજનોને જાણ કરીએ છીએ. મોટા ભાગના વિકસીત દેશોમાં તમારી ઓળખાણ નક્કી કરવા સારૂં એક જ નંબર હોય છે - સામાજીક સુરક્ષા નંબર. ભારતમાં ખુદ સરકાર નક્કી નથી કરી શકતી કે કયા એક દસ્તાવેજને આધારે ભારતીય નાગરિકની ઓળખાણ નક્કી કરવી - પાસપોર્ટ, કે પૅન,કે ચુંટણી ઓળખપત્ર કે પછી 'આધાર'? પશ્ચિમમાં સતત સુધારણાથી વધારે ને વધારે સુધરતો રહેતો એક ભરોસાપાત્ર આધાર ઊભો કરવામાં આવે છે. પણ ભારતમાં, જ્યારે પણ આપણે પાછા પડી જઇએ, ત્યારે સંભાળી લેવા માટે કોઇ તંત્ર નથી, તેથી આપણે 'જુગાડુ' મનોવૃત્તિ કેળવવી જ રહી.
બાઇબલમાં આપણે  બધાંને એક સર્વસામાન્ય ઉદ્દેશ્ય - વરદાયિત ભૂમિ - તરફ જ આગળ વધતાં જોઇશું.ગ્રીક પુરાણોમાં, કોઇ પણ સક્ષમ વ્યક્તિને, ટોળાંને બાંધી રાખતી એકવિધતામાંથી છૂટવા માટે પ્રોત્સાહન અપાતું જોવા મળે છે. આમ, પશ્ચિમની આ મનોવૃત્તિમાંથી નવસુધારણા પેદા થયેલ છે જેમાં એક વ્યક્તિએ ( ગ્રીક નાયકની જેમ) આગળ વધીને, સમસ્તને (બાઇબલીય પયગંબરની જેમ) મદદ કરવાની ભાવના સમાયેલ છે. 
હિંદુ કે જૈન કે બૌધ્ધ પુરાણો, પોત પોતનાં કર્મોના બોજના આધારે દરેક વ્યક્તિને અલગ અલગ માર્ગ પર ચાલતી જૂએ છે. કામચલાઉ-તત્ક્ષણ-સુધાર  ભારતની એ મનોવૃત્તિની ઉપજ છે , જ્યાં સતત બદલતી રહેતી દુનિયામાં ટકી રહેવાનું છે, અને તે પણ કોઇની પણ મદદ વિના, આપબળથી જ. અહીં બદલતી રહેતી દુનિયાને બદલીને એક વધારે સારી જગ્યા બનાવવાની વાત નથી, પણ તમને પસંદ હોય કે ન હોય, પણ બદલતી રહેતી દુનિયામાં, આપબળે ,વ્યક્તિગત સ્વરૂપે, ટકી રહેવાની, અને આગળ વધતા રહેવાની વાત છે. 
*       ET ની 'કૉર્પૉરેટ ડોસીયર' પૂર્તિમાં જાન્યુઆરી ૧૮, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ
v  અસલ અંગ્રેજી લેખ, Innovation or Improvisation, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર માર્ચ ૦૪, ૨૦૧૩ના રોજ Articles ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.