રવિવાર, 14 એપ્રિલ, 2013

ઇર્ષ્યાળુ સહકર્મચારી - દેવદત્ત પટ્ટનાઇક


સમસ્યાનાં મૂળમાં સત્તાની સાઠમારી છે.
મારી સાથે, મારી જ કક્ષાએ કામ કરતાં સહકર્મચારી સાથે મારે સારી એવી મિત્રતા છે. ગયે વર્ષે મને બઢતી મળી, અને નવી વ્યવસ્થા મુજબ તેમણે મારી હેઠળ કામ કરવાનું આવ્યું. તે જ દિવસથી મેં તેમની મારા તરફની વર્તણૂકમાં ફેર પડી ગયેલો જોયો, અને હવે તો વાત એટલી વણસી ગઈ છે તે જાણે મારા જાની દુશ્મન બની ગયા છે. મને મારી કામગીરી અને ભરપૂર ભલામણોને કારણે બઢતી તો મળી, પણ મેં એક મિત્ર ખોયો. ખૂબીની વાત તો એ છે કે મને તેમની આ દુશ્મનાવટનું કારણ જ સમજાતું નથી. મેં એમની સાથે આ બાબત બહુ વાર વાત કરવા પ્રયત્ન કર્યો છે, પણ પરિણામ કંઈ જ નથી આવ્યું. હું હવે શું કરૂં? મને લોકો સાથે સંબંધો બગાડવાનું નથી ગમતું.


આજકાલનાં આધુનિક પુનઃકથનોમાં મહાભારતની આ એક નાની સરખી વિગતનો ઉલ્લેખ થતો નથી.જ્યારે પાંડુને ખબર પડી કે તેના અંધ ભાઇની પત્ની ગાંધારી ગર્ભવતી છે, ત્યારે તે ખૂબ રડ્યા, કારણકે તેની બે પત્નીઓ હોવા છતાં તે વારસ મેળવી શકે તેમ નહોતા. પછી તેને ખબર પડી કે તેમની પત્ની કુંતિ દેવોનું આહ્‍‍વાન કરીને સંતાન મેળવાવાની શક્તિ ધરાવે છે. તેના આગ્રહને વશ થઇ, કુંતિ એ ત્રણ દેવોનું આહ્‍વાન  કરીને ત્રણ પૂત્રોને જન્મ આપ્યો. પાંડુએ પછી તેને આ વિદ્યા તેની બીજી પત્ની માદ્રીને પણ શીખવાડવા કુંતિને સમજાવ્યાં. માદ્રીએ એક સાથે બે દેવોનું આહ્‍વાન કરીને બે પુત્રોને જન્મ આપ્યો. પાંડુએ કુંતિને આ વિદ્યા હજૂ એક વાર માદ્રીને શીખવાડવા આગ્રહ કર્યો, પણ આ વખતે કુંતિ ન માન્યાં. કોને ખબર, આ વખતે પણ માદ્રી એ જ ચાલાકી કરીને એક સાથે બે કે, કદાચ ત્રણ ભગવાનને, આહ્‍વાન કરીને બીજાં બે કે ત્રણ બાળકોને એક સાથે જન્મ અપાવી દે તો તેને પાંડુથી, કુંતિ કરતાં, વધારે સંતાન / પુત્ર થઇ ગયેલાં ગણાય.અને એવું થાય તો તે કદાચ પાંડુની વધારે માનીતી રાણી પણ બની બેસે. કુંતિ એવું થવા દેવા બિલકુલ તૈયાર નહોતાં. જ્યારે ગાંધારીને ખબર પડી કે તેના ગર્ભવતી હોવાના સમયમાં જ પાડુને સંતાનો થઇ ગયાં છે, તે એટલાં ક્રોધે ભરાઇ ગયાં કે તેમણે તેમના પેટ પર લોખંડના સળિયાથી અનેક પ્રહારો કર્યા, જેથી તેમની પ્રસુતિ પણ તત્કાળ થઇ જાય. આમ એક બાજું આપણે આપણી ઊંચા કુળની દુહાઇ દેતાં રહીએ છીએ, પણ અંદરથી ઇર્ષ્યાથી બળી ઝળી જતાં હોઇએ છીએ.
આખી સમસ્યાનાં મૂળમાં સત્તાની સાઠમારી છે.  જ્યાં સુધી તમે અને તમારા મિત્ર એક જ કક્ષા એ હતા, ત્યાં સુધી સંસ્થા તમને સરખા માનતી હતી. જેવી તમને બઢતી મળી, તમારૂં મૂલ્ય વધી ગયું, જેના પરિણામે તમારા મિત્રને પોતાની સત્તામાં કાપ અનુભવાયો. આ વાત તેને પસંદ નથી. પોતે તમારા બરાબર કે વધારે યોગ્ય છે તે ભાવના આ અણગમાને વકરાવે છે. આમ, તેની નજરોમાં સંસ્થા એ એવાં માતાપિતા છે જેમણે તમારી તરફેણ કરીને તેમને અન્યાય કર્યો છે. તે તરછોડાયેલાં, અન્યાય થયેલ , બાળક જેવા બની ગયા છે. અને તેમની નજરોમાં તમે ખલનાયક, વધારે લાડકું બાળક, બની રહ્યા છો, જેને માતાપિતા બધાં જ લાડપ્રેમ કરે છે, જ્યારે તેમની તરફ નજર પણ નથી કરતાં. આ બધું દુશ્મનાવટમાં પરીવર્તીત થતું દેખાઇ રહ્યું છે.
વર્તમાન પ્રથાઓ માની લે છે કે મનુષ્ય એ તાર્કીક પ્રાણી છે. એ તાર્કીક અભિગમ એમ પણ માની લે છે કે આપણે આપણે આ સમયાઓનું નિવારણ પણ તર્કના આધારથી કરીશું. કમનસીબીની વાત તો એ છે કે માનવી ન તો કદી તાર્કીક છે, કે હતાં. આપણે લાગણીઓથી ભર્યાં પડ્યાં છીએ. આપણને મહ્ત્વનાં અને શક્તિશાળી થવું છે. અને તેથી આપણે સતત સ્પર્ધામાં જ રહીએ છીએ.
તમે એવું માનતા હશો કે તમને  બઢતી તમારી લાયકાતના આધારે મળી છે.પણ તમારા મિત્ર/ સહકર્મચારી એવું નથી માનતા. તેની દુનિયા તરફની દ્ર્ષ્ટિ પ્રમાણે, માત્ર તેના સિવાય આ દુનિયામાં કોઇ જ બીજું સાચું નથી. તમે બઢતીને લાયક હો, તો પણ તેઓ તો એમ જ વિચારશે કે તેમને તમારા જેટલા જ લાયક શા માટે ન ગણવામાં આવ્યા. આ લાગણી તેમની તરછોડાયાની લાગણીમાં વધારો કરે છે.
જીવનનાં દરેક પગલાંનું પરિણામ તો હોય જ છે. તમારાં 'સદ્‍ કાર્યો'ને પરિણામે તમને બઢતી મળી છે, અને સાથે સાથે એક સંબંધની કિંમત પણ ચુકવવી પડી છે.તમે તમારા મિત્રને સમજાવી શકો છે. પણ તે તમારી વાત સમજવા તૈયાર જ ન હોય, એવું પણ બની શકે. જો તે તમારી સાથે તર્કથી વર્તે, તો તમે હજુ વધારે શક્તિશાળી બની જાઓ, જેને કારણે તો તેની ચીડ હજુ વધશે.એટલે તમને ન સ્વીકારીને, તમારી સાથે લડાયક વર્તન દાખવીને તે તમારા પર પોતાનો પ્રભાવ જમવાવા માગે છે (અને તેમાં સફળ થતા પણ જણાઇ રહ્યા છે.)
તમારે તમારાં કામ પર ધ્યાન આપવું જોઇએ, અને વ્યાવસાયિક પરિમાણો વડે એ જોવાનો પ્રયત્ન કરવો જોઇએ કે તમારી સંસ્થા અને તમારી ટીમ માટે જે તેમણે કરવું જોઇએ તે, તમારા મિત્ર કરે.તમારે તેમના પ્રત્યે, કોધમય વર્તણૂકને બદલે થોડી વધારે સહાનુભૂતિ પણ બતાવવી જોઇએ. તેને ગુસ્સે થવા દો. તેમને તેમની રીતે પરિપક્વ બનવા દો; અન્યથા એ બહુ જ કટૂતામય નિરાશ વ્યક્તિ બની જશે.
  • ET ની 'કૉર્પૉરેટ ડૉસ્સીયર' પૂર્તિમાં જાન્યુઆરી ૨૫,૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ

v  અસલ અંગ્રેજી લેખ, Green-eyed colleague, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર માર્ચ ૨૭, ૨૦૧૩ના રોજ Articles ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   એપ્રિલ ૧૪, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો