મંગળવાર, 23 એપ્રિલ, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ બીજો - ગુચ્છ ૭


| ડીસેમ્બર ૧૬, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
આપણે ઘણા વખતથી કહી રહ્યાં છીએ કે વૅબ સીમાડાઓ તોડી રહેલ છે અને લોકોનાં વૈશ્વિક સહયોગને, કોઇ પણ સાંધા વગર જ,  શક્ય બનાવી રહેલ છે. આપણે ઇચ્છીએ કે નહિં, પણ વૈશ્વીકરણ તો હવે અહીંથી ફરી પાછું નથી જવાનું. જો  તેને જીતી ન શકાય, તો તેનો વધારે ને વધારે લાભ તો લઇ લેવો  જોઇએ. સાંસ્કૃતિક સંવેદના વિકસાવવી એ કોઇ મોજમજાની કે શોખની વાત નથી રહી. હવે, તે લગભગ ફરજીયાત બની રહેલ છે!
હું એટલો નસીબદાર છું કે મને પાંચ દેશોમાં રહેવાનું અને કામ કરવાનું મળ્યું, જેને પરિણામે, મુશ્કેલ માર્ગે પણ, સાંસ્કૃતિક સંવેદનાના પાઠ હંમેશ ભણવા મળ્યા છે.ઘણી અગત્યની વાતો તો મને "અજમાયશ અને ભૂલો કરીને" શીખવા મળી છે. હવે જ્યારે વિચારૂં છું ત્યારે સમજાય છે કે નવાં ક્ષેત્રમાં દાખલ થતાં અને વિવિધ સંસ્કૃતિનાં લોકોસાથે વ્યવવહાર કરતાં પહેલાં, જો થોડી પૂર્વતૈયારી કરી હોત તો ઘણું સારૂં પરવડ્યું હોત. ખેર, મૂળ મુદ્દો એ છે કે કોઇ પણ નવા દેશમાં કે નવી સંસ્કૃતિનાં લોકો, કે બન્ને,સાથે વ્યવહાર કરતાં પહેલાં તે દેશ કે સંસ્કૃતિની સંવેદનશીલ બાબતો વિશે જાણી લેવું (આપણા માટે) ઘણું હિતાવહ છે. 
હું એક ઉદાહરણ કહીશ (જો કે,આ વાત સાથે તેને સીધું લાગતું વળગતું નથી, પણ તેમ છતાં પ્રસ્તુત મુદ્દો સમજાવામાં કામ આવશે.) ૧૯૯૭માં, ફ્રાંસના એક મોટા ગ્રાહકના સ્વયંસંચાલન પ્રકલ્પમાટેની વેચાણ ટીમનું હું સંચાલન કરી રહ્યો હતો.પારી(સ)ની મારી એ પહેલી મુલાકાત હતી, અને મેં કોઇ જ તૈયારી નહોતી કરી. પહેલે દિવસે જે રીતે મને આવકારવામાં આવ્યો તેનાથી મને થોડી નવાઈ લાગી હતી - હળવેથી ભેટવું અને ગાલને ગાલ અડાડવા તે મારા માટે જરા અજાણ્યું હતું. જેમ જેમ હું લોકોને મળતો ગયો, તેમ તેમ મને કામ કરવાની રીત વિશે થોડી થોડી સમજ પડતી ગઈ.  ત્રીજે દિવસે, જ્યારે હું રસોડામાં હતો, ત્યારે કોઇએ પૂછ્યું,"તમે ઑબૅને જોયો?' એકાદ મિનિટ વિચારીને મેં કહ્યું, “ના, હું તો ઑબૅને ઓળખતો પણ નથી." તેણે મારી સામે અચરજથી જોયું અને મારો આભાર માનીને, ત્યાંથી ચાલ્યો ગયો. થોડા સમય પછી, જ્યારે હું મારી બેઠક પર પહોંચ્યો, ત્યારે મારી બાજુમાં બેસતા મારો મિત્ર રૉબર્ટે મજાકમાં કહ્યું' “કેમ ભાઈ, આપણી ઓળખાણ તાજી કરાવું?" મને ત્યારે ખયાલ આવ્યો કે ફ્રેંચ ઉચ્ચારમાં ''ને 'એહ' જેમ બોલાય છે અને વાતચીતમાં છેલ્લો શબ્દ સામાન્ય રીતે છોડી દેવાતો હોય છે. એટલે કે, 'રૉબર્ટ'ને બદલે "ઑબૅ' સંભળાય. .
હું હવે એટલો શરમાઇ ગયો હતો કે પેલા ભાઇને થોડા દિવસો સુધી મોઢું બતાવતાં પણ અચકાતો હતો.
મને બીજા દેશોમાં પણ ઘણા, અવનવા અનુભવો થયા છે.દરેક વખતે જ્યારે હું વિચાર કરૂં છું, ત્યારે સમજ પડે છે કે યોગ્ય પૂર્વ તૈયારી કરી હોત, તો મોટા ભાગે, એવા પ્રસંગોમાટે હું અસરકારકપણે જરૂર તૈયાર રહી  શક્યો હોત.
આવા પ્રસંગો માટે એક હાથવગું સંદર્ભ પુસ્તક છે  - Kiss, Bow or Shake Hands.” મોકો મળે તો તેના ઉપર નજર કરવાનું ચૂકશો નહીં.

| ડીસેમ્બર ૧૭, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
મેં આ વિશે પહેલી વાર એક પરિસંવાદમાં ટૉની રૉબિન્સ પાસેથી સાંભળ્યું હતું. તેમની વાત મારા શબ્દોમાં કહીશઃ "જે કંઇ શીખીએ છીએ તે આખરે તો 'અજાણ્યાં'ને 'જાણીતાં' સાથે સાંકળી આપે છે." આ વાકય પરથી હું ઘણું શીખ્યો છું અને મેં તેનો બહુ જગ્યાએ ઉપયોગ પણ કર્યો છે.
આપણે જો ધ્યાનથી વિચાર કરીશું તો જોઇ શકાશે કે મોટા ભાગનાં પ્રભાવશાળી વક્તા તેમની વાતની રજૂઆત કરવામાં સાદ્રશ્ય રૂપકોનો ઉપયોગ કરે છે. આ ફકરાઓને વાંચીએ -
#1.લક્ષ્ય: આગળ વધતા રહેવા માટે સ્પષ્ટ લક્ષ્ય હોવું જરૂરી છે.તેમને સિધ્ધ કરવાની શક્યતાઓ વધારવા માટે એ લક્ષ્યને બહુ જ સ્પષ્ટ અને આબેહૂબ નજરથી જોતા રહેવું જોઇએ.
#2. લક્ષ્ય: આ રજાઓમાં તમે વૅકૅશન ગાળવા માગો છો. તે માટે ટિકિટ લેવાનું પણ નક્કી કરો છો.આ સફરમાં તમે કેટલું બધું કરવા માગો છે તે અંગે તમે તમારા પ્રવાસ પ્રતિનિધિ સાથે વાતચીત પણ કરો છો. પ્રવાસ પ્રતિનિધિનો પહેલો જ સવાલ છે "ક્યાં જવું છે". જેના જવાબમાં તમે કહો છો, “કોઇ બહુ જ સરસ જગ્યાએ." કે 'ઉત્તરમાં કોઇ મજા પડી જાય તેવી જગ્યાએ." આ સંજોગોમાં પ્રવાસ પ્રતિનિધિ પાસેથી કંઇ બહુ મદદ નથી મળતી. તમને મદદરૂપ થવા માટે તેને થોડી વધારે ચોક્કસ માહિતિની જરૂર છે. જગ્યાઓના આછા પાતળા વિચાર-વર્ણનથી તો તે કંઇ જ નહીં કરી શકે. એક વેકેશન જેવી બાબત માટે જો આપણે આટલું ચોક્કસ થવું પડતું હોય્, તો એક બહુ જ લાંબી સફર જેવાં જીવનમાં તો કંઇ કેટલુંય ચોક્કસ થવું પડે? આપણાં નિર્ધારીત સ્થાનને પહોંચવા માટે થોડી પણ સારી તક ઉભી કરવી હોય તો, તેની  કેટલી આબેહૂબ કલ્પના કરવી જોઇએ?
આપણે જોઇ શકીએ છીએ કે બન્ને ફકરામાં વાત તો એ જ કરાઈ છે, એકમાં સાદ્ર્શ્ય રુપકનો ઉપયોગ કરાયો છે,  જ્યારે બીજાંમાં સંદેશ સીધે સીધો જ કહેવાયો છે. દેખીતું જ છે કે જેમાં સાદ્ર્શ્ય ઉદાહરણનો ઉપયોગ કરાયો છે, તે સંદેશ આપણને વધારે સારી રીતે અસર કરશે. ઉદ્દેશ્ય નક્કી કરવું એ કોઇ નવી જ કે સાવ અજાણી વાત નથી.પણ સાદ્ર્શ્ય ઉદાહરણની મદદથી તે વધારે સારી રીતે સમજાઇ શકે છે. કોઇ એક નવા જ વિચારમાટે પણ આ નવી પધ્ધતિ અપનાવી જૂઓ. તમારી વાતને સમજાવવી કેટલું સહેલું બની રહે છે એ તફાવત તરત જ જણાઈ આવશે. 
હવે પછીથી જ્યારે આપણી વાત કોઇને કહેવી/સમજાવવી હોય, ત્યારે જેમની સાથે વાત કરવી છે તેમને શું 'જાણીતું' લાગશે તે વિચારી લઇએ. એક વાર એ જાણી લીધા પછી, આપણી નવી વાત સમજાવવા તેમની એ 'જાણીતી' વાતનો ઉદાહરણ તરીકે યોગ્ય ઉપયોગ કરવો જોઇએ.

| ડીસેમ્બર ૧૯, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ 
સ્વીકારૂં છું કે આ પહેલાં લાંબા-ગાળાના સંબંધો બાંધવાની તરફેણ# કરતી વાત હું કરી ચૂક્યો છું. આજે તેને પ્રવેગ આપવાની એક રીતની વાત કરીએ. લાંબા ગાળાનાં સંબંધો વિકસાવવા માટે સહજતાથી, સાવે સાવ, એકલા રહેતાં શીખવું જોઇએ.
મેં આ વિશે સહુથી પહેલી વાર, મને બહુ જ પસંદ પડેલ, માર્શલ સીલ્વરનાં પુસ્તક 'પૅશન, પ્રૉફીટ અને પાવર'માં વાંચ્યું હતું. સીલ્વર તેમના વાચકો ને એક સરળ સવાલ પૂછે છે - "જો તમે તમારી પોતાની સંગતમાં ખુશ ન રહી શકો, તો બીજાંઓ તમારી સંગતમાં ખુશ રહેશે, તેવી અપેક્ષા શી રીતે કરી શકાય?" 
છે ને વિચારવાલાયક વાત. તમને તમારી સાથે જ કેટલું ફાવે છે?
તમને તમારી સાથે સારૂં લાગવા માટે બાહ્ય માન્યતા કે સ્વીકૃતિ કે સમર્થનની જરૂર લાગે છે?  જો જવાબ "હા"હોય, તો તમારી આજૂબાજુનાં લોકો પર તમારી "સ્વીકૃતિ"માટે તમે બહુ દબાણ ઊભું કરતાં હશો.અને તેના કારણે, તમારા એમની સાથેના સંબંધો પણ બહુ તાણમાં રહેતા હશે. તમારા માટે લોકો શું વિચારતાં હશે તે બાબતે તમે બહુ ઉચાટ અનુભવતાં હશો, તમને તેઓ 'અપનાવે' એવું પણ તમે ઇચ્છી રહ્યાં હશો. દુઃખની વાત તો એ છે કે જો તેઓ તમને ન 'અપનાવતાં' જણાય, તો, પોતાની તરફ કારણ શોધવાને બદલે, તમે પણ  તેમને -અપનાવવા'નાં કારણો ખોળવા લાગશો. પણ બીજી તરફ જોઇએ - તમને તમારા એકલા સાથે ફાવટ છે. જ્યારે તમે કોઇની સાથે હો તો તે તો વૈભવની વાત થઇ. એ સાથની ક્ષણોને તમે માણી શકો છો, અને તમારી સાથેનાંને પણ તે ક્ષણ માણવા દો છો.
જેમને એકલા રહેવાનો ભય કોરી ખાય છે, જેઓ હંમેશાં કોઇનો સંગાથ જ શોધતાં રહે છે, તેમણે એ અચૂક યાદ રાખવું જોઇએ કે તમારાં તેમની સાથે હોવા'ની ભાવના, તેઓને તમારા તરફ નહીં ખેંચી લાવે પણ, અગત્યની વાત એ છે કે, તેમની તમારા સાથે થવા'ની ભાવના તેમને તમારી તરફ ખેંચી લાવશે.
થોડો સમય એકલા રહેવાની ટેવ પાડો, જેમ કે સાંજે સાંજે બગીચામાં એકલાં એકલાં  ફરવા નીકળી પડવું. હા, તે સમયે તમારા સ્માર્ટ ફૉન કે આઇપૉડને બંધ રાખવાનું ભૂલશો નહીં.
# મૂળ અંગ્રેજી લેખ#3 Build strong relationshipsઅને તેનો ગુજરાતી અનુવાદ#3 મજબૂત સંબંધ બાંધોજૂઓ

| ડીસેમ્બર ૨૩, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
વળતરનાં ઘટનાચક્રનો સીધો અર્થ તો છે, એ સમયગાળો જે દરમ્યાન કોઇ પણ પ્રકલ્પ વળતર આપતો રહે છે.
આપણા મટે સવાલ એ છે કે :
આપણા, અંગત અને વ્યાવસાયિક, પ્રકલ્પોનાં વળતર ઘટનાચક્ર કેવાંક છે?
આજકાલનાં કામનાં દબાણોને કારણે આપણાં વળતર ઘટનાચક્રને લંબાવવાનો વિચાર ન પણ આવતો હોય એમ પણ બનતું હોય. રોકાણનું વળતર ઝડપથી, બને તો આજે જ, પૂરૂં થઇ જાય તેમ બધાં જ ઇચ્છે છે. એટલે આપણને નજીકનાં ભવિષ્યમાં જ વળતર શોધવાની ફરજ પડે છે. જો આપણે અગ્રણી ભૂમિકામાં ન હોઇએ, તો કોઇને આપણું વળતર ઘટનાચક્ર લંબાવવા બાબતે કોઇ અપેક્ષા પણ નથી હોતી અને તેથી જ તે વિશે, આપણે જાતે વિચાર કરવો જોઇએ.
વિચારની શરૂઆત કરવા માટે થોડું, ભૂતકાળ તરફનું, આત્મચિંતન કરીએ. છેલ્લાં દસ વર્ષના, જેમાં આપણી પણ ભૂમિકા રહી હોય એવા કેટલા પ્રકલ્પો આજે પણ વળતર આપી રહ્યા છે? જો એવા બહુ પ્રક્લ્પો હોય, તો આપણે ખરેખર અભિનંદનને પાત્ર છીએ! આપણે જે કંઇ કરી રહ્યાં છીએ, તે બેશક ચાલુ રાખવું જોઇએ. પણ જો એવા કોઇ પ્રકલ્પ બહુ યાદ ન આવતા હોય, તો આપણે શું કંઇ બીજું કરવું જોઇએ, કે જેથી હાલમાં જે પ્રકલ્પોમાં આપણે સામેલ છીએ, તે હવે પછીનાં વર્ષોમાં લાંબા સમય સુધી વળતર આપતા રહેતે વિશે જરૂર  વિચારવું જોઇએ.
જ્યારે જ્યારે હું ગ્રૂપની વચ્ચે આ પ્રયોગ કરૂં છું, ત્યારે બધાં લોકોને દુઃખ થાય છે કે તેમની પાસે એવા કોઇ પ્રકલ્પો નથી જે લાબા સમય સુધી વળતર આપતા રહ્યા હોય. પણ જ્યારે હું તેમને ભૂતકાળના પ્રકલ્પોની કે સિધ્ધિઓની કે સંબંધોની એવી કોઇ પણ વાત યાદ કરવાનું કહું છું કે, જેનો આજે ઉપયોગ કરવાથી, વર્તમાન પ્રકલ્પોનાં વળતરનાં ઘટનાચક્રને લંબાવવા જેવાં કોઇ પણ પરિણામો લાવી શકાય, ત્યારે અચાનક જ તેઓમાં આશાનો સંચાર થઇ ઉઠે છે.
મને પૂરો વિશ્વાસ છે કે આપણા ભૂતકાળના પટારામાં એવી ઘણી બાબતો છૂપાયેલી પડી હશે, જેનો આપણે પૂરેપૂરો લાભ નથી લઇ શક્યાં, અને જેને કારણે આપણા એ સમયના પ્રકલ્પોમાંના રોકાણોનાં વળતરનો સમયગાળો ટૂંકો રહ્યો હોય.એક વાર આપણે એ બાબત જેવાં જાગૃત થઇશું, એટલે પછી નાટકીય પરીવર્તનો થવાનું શરૂ થઇ જશે.

| ડીસેમ્બર ૨૯, ૨૦૦૫નારોજ પ્રકાશીત થયેલ 
આ પહેલાં આપણે કોયડાની સાચી ચાવીઓ એકઠી કરવાની વાત# કરી હતી.આજે એ વાતને આપણે એક નવા દ્રષ્ટિકોણથી વિકસાવીશું.
તમારી જીંદગીમાં મહત્વની ત્રણ વ્યક્તિ યાદ કરો.માની લો કે તે દરેક  વ્યક્તિ ચોકઠાંઓનો એક કોયડો ઉકેલી રહેલ છે. ધારો કે તેમાની એક ઍફિલ ટાવર, બીજી નાયગ્રા ધોધ અને ત્રીજી તાજ મહાલ બનાવે છે. દરેક પાસે ૧૦૦૦ ચોકઠાં છે, અને તેમને આ બનાવવામાં ખાસી વાર પણ લાગી રહી છે. પ્રશ્નને થોડો વધારે જટીલ બનાવવા, એમ પણ ધારી લો કે દરેકને થોડાં ચોકઠાં ખૂટે છે. તમે એમને મદદ કરવા તૈયાર છો.
તમે તમારી પાસે 'ધ લાસ્ટ સપર'નો, એક જૂનો સંચય કરેલો સૅટ પડ્યો છે. ચોકઠાંઓ હજૂ ઘણી સારી હાલતમાં છે.તમે આખો સંચય ઊઠાવીને, ઍફિલ ટાવર બનાવી રહેલ પહેલાં મિત્ર પાસે જાઓ છો અને તેને આ સંચયમાંથી જે કામ આવે તેવાં ચોકઠાં લઇ લેવાનું કહો છો. હા, તેને તેનાથી કોઇ જ મદદ થતી નથી. તમે એને કોઇ પણ પ્રયત્નોથી તમારાંવાળાં ચોકઠાં વાપરી લેવા બહુ જ સમજાવો છો.પણ કંઇ વળતું નથી. તમને દુઃખ થાય છે. પછી તમે બીજાં બે મિત્રો સાથે પણ આવા જ પ્રયત્નો કરો છો. ધાર્યું જ હતું ,તેમ તમને કોઇ જ સફળતા નથી મળતી.  તમે નિરાશ પણ થાઓ છો. તમારે મદદ કરવી છે, તમે તે માટે દિલથી પ્રયત્નો પણ કર્યા,પણ છેવટે સફળતા તો ન જ મળી.
મને ખબર છે, આ તો સાવ સામાન્ય બુધ્ધિની વાત છે તેમ જાણીને, તમે મુસ્કરાઓ છો. હવે આ જ વાત તમારી જીંદગીને લાગુ કરો, અને જૂઓ કે શું તમે જેમને મદદ કરવા માગો છો, તેમના કોયડાઓના યોગ્ય ચોકઠાંઓ લઇને મદદ કરવા ગયાં છો ખરા? એવું તો નથી થઇ રહ્યું ને, કે જે રીતે તમે મદદ કરી રહ્યાં છો, તેમને તે રીતે મદદ ન જોઇતી હોય? તમારા સંસાધનોના ઢગલા તેમને જરાય ઉપયોગી ન પણ હોય!
તેઓની શું સમસ્યા છે, અને તેને માટે તેમને શું મદદરૂપ થઇ શકે, તે વિશે થોડો વિચાર કર્યો હોય તો  તમારા તમને મદદ કરવાના અભિગમમાં બહુ મોટો ફરક પડી શકે છે.
# મૂળ અંગ્રેજી લેખ#79 Gather the right puzzle piecesઅને તેનો ગુજરાતી અનુવાદ #79 કોયડાની સાચી ચાવીઓ એકઠી કરીએજૂઓ.

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ બીજો - ગુચ્છ ૭ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ એપ્રિલ ૨૩, ૨૦૧૩