શુક્રવાર, 26 એપ્રિલ, 2013

પૌરાણિક સ્ત્રી પાત્રો પર એકટશ દ્રષ્ટિ - દેવદત્ત પટ્ટનાઇક


હિંદુ મંદિરમાંની દેવ-દેવીની મૂર્તિઓની જેમ, અર્થઘટન ભક્તની નજરમાં રહેલ છે
  
  •"લક્ષ્મી વિષ્ણુના પગ પાસે બેસે છે." પુરુષપ્રાધાન્ય!"ની એક ચિત્કાર ગૂંજે છે.
 • કાલિ શિવની છાતી પર ઊભાં છે. "સ્ત્રી શક્તિ!" બીજું કોઇ ખૂશીથી બરાડે છે.  
 • શિવનું અર્ધનારેશ્વર સ્વરૂપ - અર્ધું નારી સ્વરૂપ. "જાતિ સમાનતા" - કોઇ વળી ઠોકી વગાડે છે.  
આ બધી મૂર્તિઓ કમ સે કમ હજારો વર્ષ જૂની છે.તે આજે પણ એટલી જ લોકપ્રિય છે, જેટલી ત્યારે હતી. તેનાથી હિંદુ સમાજ માટે શું જાણવા મળે છે - પુરૂષપ્રધાન, કે સ્ત્રીપ્રધાન કે જાતિસમાનતા? કે આ બધું જ? કે આમાંનું એક પણ નહિં.?
આ બધું આપણને ગુંચવણભર્યું જરૂર લાગે, કારણકે, મૂળભૂત રીતે હિંદુ સમાજ પુરૂષપ્રધાન તો છે જહા, લોકસંપર્ક માધ્યમો મનાવવા મથે છે કે પશ્ચિમના દેશો જેવો પ્રચાર કરે છે તે કક્ષાએ એકસમાન કે વ્યાપક નહીં. 
મારો પોતાનો જવાબ છે: આમાંનું એક પણ નહીં.
પણ મારો અવાજ ક્યાંય સંભળાશે નહીં.
કારણ કે હું શાબ્દીક પણે રૂઢ થયેલ, ધ્યેયનિષ્ઠ અને ગાણિતિક એવી આધુનિક (એટલે કે પાશ્ચાત્ય) દ્રષ્ટિને બદલે,એવી ભારતીય દ્રષ્ટિને અનુસરૂં છું કે જે સાંકેતીક, વિષયનિષ્ઠ અને માર્મિક છે.  ભારતીય દ્રષ્ટિકોણ આપણને પુરાણોના અનંત અર્થઘટન આપી શકે છે, જ્યારે પાશ્ચાત્ય દ્રષ્ટિકોણ એક માત્ર - બને ત્યાં સુધી જે સામે જ દેખાતો હોય, સહેલાઇથી સમજાઇ શકે, અને એટલે લોકપ્રિય હોય તેવો - અર્થ સ્વીકારે છે.
આમ જૂઓ તો, ભારતીય અર્થઘટન પધ્ધતિ વિદ્યાશિક્ષણનાં ક્ષેત્રનું અંગ નથી.  આપણે વિદ્યાશિક્ષણનાં આજે જે  પ્રકારનાં સ્વરૂપને જોઇ રહ્યાં છે તે પાશ્ચાત્ય સિધ્ધાંતો પર વધારે આધારીત છે, જ્યાં અપ્રત્યક્ષતા કરતાં ભૌતિકતા, અમાપ કરતાં માપી શકાય તે, સંવેદનાઓને બદલે આંકડાઓ, વિચારોને બદલે ભૌતિક વસ્તુઓ વધારે મહત્વ ધરાવે છે, અને જ્યાં કલ્પનાશક્તિનેને કપોળકાલ્પનિક ગણાવી દેવામાં આવે છે.
મેં જ્યારે જ્યારે ભારતીય પધ્ધતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, મેં શ્રોતાગણમાં રઘવાટ જોયો છે. તેમને તો ફટાફટ, સરળ, ઉપચારાત્મક કે નિર્દેશાત્મક, સ્પષ્ટ સંદર્ભાત્મક જવાબ જોઇએ છે - એક એવું અર્થઘટન જે 'હકીકતો' પર અધારીત હોય.આ ઉત્કટ ઇચ્છાને કારણે મનુ સ્મૃતિ કે રામાયણ એ માત્ર ઉપદેશાત્મક શાસ્ત્રો બની રહ્યાં છે - જે માટે તે કદી સર્જાયાં નહોતાં. હકીકતે, મનુ સ્મૃતિ અને રામાયણને એક જ લાકડીએ હાંકવાથી, ભારતીય દ્ર્ષ્ટિની પરિચિત, નિરાશાની, ભાવના જ જન્મે છે.
પશ્ચિમ ધાર્મિક પુસ્તકોને સિધ્ધાંતારોપણનાં સાધન તરીકે જૂએ છે. બ્રિટીશરોએ જ્યારે હિંદુ  તરીકે પ્રતિપાદીત થઇ શકે તેવી પ્રતો અને મૂર્તિકલા જોઇ, ત્યારે તેમાંથી તેમને ગોરા લોકોનું રાજ વ્યાજબી ઠરાવવાનાં કારણો મળી આવ્યાં. અમેરિકન વિદ્વાનોએ જ્યારે તે જ  પ્રતો અને મૂર્તિકલા જોયાં , તો તેમને તેમાંથી તેમની માન્યતા મુજબની લોકશાહી લાગુ કરવામાટેનાં કારણો મળી આવ્યાં.  તો વળી નારીવાદીઓએ એ જ પ્રતો અને મૂર્તિકલા જોઇ, તો તેમને તેમાંથી પિતૃતંત્ર દેખાયું. તે જ રીતે ડાબેરીઓએ એ જ પ્રતો અને મૂર્તિકલા જોઇ, તો તેમને તેમાથી સામંતશાહી નજરે ચડી.  એ જ મનોદશામાં, એ જ પ્રતો અને મૂર્તિકલામાં જમણેરીઓ તેમની આવૃતિનું ગૌરવશીલ, સુવર્ણ ભારત જૂએ છે.
આ પ્રતો અને મૂર્તિકલાને જોવાનો એક બીજો દ્રષ્ટિકોણ પણ છે. એ રીતે જોવાના પ્રયત્નને, પ્રભાવી પાશ્ચાત્ય ઢાંચાની સર્વોપરિતાને પડકાર તરીકે વખોડી કાઢી, માફી અને બચાવના પ્રયત્નોમાં ખપાવી દેવામાં આવે છે.
આમ આપણાં મોઢે ડૂચો મારી દીધો હોય તેવું લાગે, એટલે પછી આપણે મૌન સેવવાનું રહે.
જેમ જેમ ભારતીય પૌરાણીક ગ્રંથોનો અભ્યાસ કરતાં જઇએ, તેમ તેમ જણાય કે જેવું દેખાય છે તેવું હોતું નથી: પથ્થર એ પથ્થર નથી, ઝાડ એ ઝાડ નથી, રામ એ પુરુષ નથી, સીતા એ સ્ત્રી નથી, હનુમાન વાનર નથી, હિંસા એ હિંસા નથી, સંભોગ એ સંભોગ નથી. એ તો જોનાર જે જૂએ તે (બહુ જ અત્યાધુનિક) છે. પણ જોનારે વધારે જાગૃત, ડાહ્યાં થવું પડે, જોવા અને અર્થઘટનનાં સાક્ષી થવું પડે, બધાં જ પક્ષપાતી વલણોથી અવગત થવું પડે, પૂર્વાગ્રહોથી ઉપર ઉઠવું પડે, એ જ દ્ર્ષ્ટિએ જોનારને સુધારવાના પ્રયત્નો કરવાને બદલે તેમની સાથે સહાનુભૂતિ કેળવવી પડે. જેમ જેમ નિરીક્ષક પોતાની વિચારશક્તિ વિકસાવતાં જાય અને દ્રષ્ટિ વિશાળ કરતાં જાય, તેમ તેમ તે શબ્દે શબ્દને અને પૂર્વગ્રહયુક્તતાને ઓછામાં ઓછું વળગતાં રહેશે. તે આકાર અને નામની પાછળની નિરાકાર માન્યતાનાં સ્વરૂપની ભાવનાને જોઈ શકશે. તે પછીથી પ્રતિનિધિત્વનો કોઇ અર્થ નથી રહેતો, વાસ્તવિકતા પોતે જ દેખાવા માંડે છે. આપણે આને દર્શન તરીકે ઓળખીએ છીએ.
દર્શન એટલે હેતુલક્ષી વાસ્તવિકતાને જોવી તે નહીં; તે તો છે વિષયનિષ્ઠ વાસ્તવિકતા અને વિષય, મૂર્તિની પાછળનો વિચાર અને મૂર્તિનાં અર્થઘટનની પાછળનો વિચાર.
હા, હિંદુઓ પથ્થરને પૂજે છે. પણ ના, હિંદુઓ પથ્થરને નથી પૂજતા. હા, પોતાની પત્નીનો ત્યાગ કરનાર રામને હિંદુઓ પૂજે છે. પણ ખરેખર તો રામે તમની પત્નીનો ત્યાગ નહોતો કર્યો. હા, પુરુષોએ દ્રૌપદીનું જાહેરમાં વસ્ત્રહરણ કર્યું હતું.પણ દ્રૌપદી એ હકીકતે સ્ત્રી નથી, અને કૃષ્ણ એ પુરૂષ નથી.કોઇને જેવું 'દર્શન' થાય એટલે, કોઇ વિદ્વાન દ્વારા કરાયેલ આ વિરાધાભાસી, ગુંચવણભર્યાં, અસ્પષ્ટ ભારતીય વિધાનો સમજાવા માડે છે.
એ દ્રષ્ટિએ, એ જ રામાયણ પિતૃપ્રધાન કે સ્ત્રી પ્રધાન કે જાતિ-નિષ્પક્ષ દસ્તાવેજ કે ધાર્મિક ગ્રંથ પણ જણાય,અને તે સાથે જોનારની દ્રષ્ટિ પ્રમાણે તેનું મૂલ્ય વધે કે ઘટે પણ ખરૂં. હિંદુ મંદિરમાંની દેવ-દેવીની મૂર્તિઓની જેમ, અર્થઘટન ભક્તની નજરમાં રહેલ છે.  જેટલાં ભક્તો, એટલી સંધ્યા. આ કંઇ એક માત્ર નથી.
ઉપનિષદ કે આત્મીય સંવાદનો મુખ્ય મુદ્દો દર્શન વિકસાવવાનો છે. એ [બધું જાણતા] માલિક અને (કંઇ જ ન જાણતા) વિદ્યાર્થી વચ્ચેની વાતચીત નથી. તે તો એવો સંવાદ છે જે બન્ને પક્ષોને, એકબીજાના દ્રષ્ટિકોણને સમજીને, વિશાળ ફલક પર નજર નાખવામાં મદદ કરે છે.અહીં દલીલ કે સહાનુમતિની નહીં, પણ ખુલાસાની વાત છે.
મારી દ્રષ્ટિએ વિષ્ણુના પગ પાસે બેઠેલાં લક્ષ્મી, શિવની છાતી પર બેઠેલાં કાલિ કે અર્ધ નારી સ્વરૂપવાળા શિવ એ એક જ વસ્તુનાં ત્રણ અલગ અલગ સ્વરૂપ છે.અને જ્યારે જ્યારે  હું તેમને જોઉં છું ત્યારે મારૂં અર્થઘટન બદલતું, વિસ્તરતું, રહે છે. અને દરેક વિસ્તૃત દ્રષ્ટિમાં પહેલાંની સાંકડી દ્રષ્ટિ સમાઇ જાય છે. એક સ્તરે એ પુરૂષ અને સ્ત્રીનો સંબંધ, બીજાં સ્તરે તે વિચાર અને વસ્તુ વચ્ચેનો સંબંધ, તો ત્રીજાં સ્તરે તે સંસ્કૃતિ અને કુદરતની વચ્ચેનો સંબંધ બતાવે છે. તે માત્ર પુરૂષ અને સ્ત્રી વચ્ચેની સત્તાની વાત જ નથી, તે પુરૂષોની પોતાની વચ્ચે કે સ્ત્રીઓની વચ્ચે કે માનવી અને પ્રાણી વચ્ચે સત્તાની પણ વાત છે.
આખરે તો, એ સમજવાનું રહે છે કે આ બધાં કોઇ નિર્દેશાત્મક સાધનો નથી, તે તો વિચાર કરવા માટેનાં સાધન છે. જે જોવા મળે છે તે ખરો મુદ્દો નથી. ખરો મુદ્દો છે - ખરેખર કોણ જોઇ રહ્યું છે તેની વિચાર સરણી.
*       'સન્ડે મિડડે'ની 'દેવલોક' પૂર્તિમાં જાન્યુઆરી ૨૦, ૨૦૧૩ના રોજ પ્રકાશી થયેલ



§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   એપ્રિલ ૨૬, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો